એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડમાં આવેલા કુલ 25 દેશોનું ખેડાણ અને એ પણ બાઇક પર. આટલું વાંચો તો તમને શાનદાર બુલેટ પર વાયુવેગે જતાં કોઈ જુવાન છોકરાઓ યાદ આવી ગયા ને? પણ શું તમે જાણો છો કે આવી સાહસયાત્રા કરનાર કોઈ યુવકો નહિ પણ 3 યુવતીઓ છે અને એ પણ આપણા ગુજરાતનાં મસ્ત-મોજીલા શહેર સુરતની!
બાઇકિંગ કવીન્સમાં કુલ ત્રણ મુખ્ય સભ્યો છે-
1. ડો. સરિતા મહેતા: બાઇકિંગ કવીન્સના ફાઉન્ડર.
2. જિનલ શાહ: હોમમેકર
3. રૂપાલી પટેલ: વિદ્યાર્થી
ડો. સરિતા મહેતાનો આ પ્રકારનું કશુંક નવું કરવાનો વિચાર નારી ગૌરવને પ્રોત્સાહન આપવાનો છે. એવું કોઈ જ કામ નથી જે એક સ્ત્રી ન કરી શકે અને આ ગ્રુપ આ જ વાત સાબિત કરે છે. વર્ષ 2016 માં સુરતના ડો. મહેતા દ્વારા બાઇકિંગ કવીન્સની શરૂઆત કરવામાં આવી હતી. પાંચ વર્ષ કરતાં પણ ટૂંકા સમયમાં ભારતનાં તેમજ વિશ્વભરના અનેક મહાનુભાવોએ આ મહિલાઓને બિરદાવી છે.
બાઇકિંગ કવીન્સે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સફર કરેલી છે. બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત તેમણે એશિયાનાં દક્ષિણ-પૂર્વે આવેલા 10 દેશોનો પ્રવાસ કર્યો હતો જેની ઘણી બધી હસ્તીઓએ નોંધ લીધી હતી.
સૌથી નોંધપાત્ર બાઇક ટ્રીપ:
ડો. મહેતા, મિસિસ શાહ તેમજ મિસ પટેલ જૂન 2019 માં બાઇક પર ત્રણ ખંડના 25 દેશોમાંથી પસાર થઈ 25,000 કિમીનું અંતર કાપીને 90 દિવસમાં ભારતથી લંડન ગયા હતા. વારાણસી ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આ વૂમન બાઈકર્સની યાત્રાને લીલી ઝંડી આપીને તેમને પ્રસ્થાન કરાવ્યા હતા. અલબત્ત, આ એક વિકટ યાત્રા હતી પણ બાઈકિંગ કવીન્સ બધા જ પડકારોનો સામનો કરવા સજ્જ હતી.
બાઇકિંગ કવીન્સની મહા બાઇક ટ્રીપ ભારત, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, લાઓસ, ચીન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, રશિયા, લાતવિયા, લિથુ વનિયા, પૉલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, ઑસ્ટ્રિયા, સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાંસ, નેધરલેન્ડઝ, બેલ્જિયમ, સ્પેન, મોરોક્કો અને યુનાઈટેડ કિંગડમને આવરી લેતી હતી. સફર દરમિયાન તેમણે ભારતીય પરિવારો, બાઇકિંગ કોમ્યુનિટીઝ, ઇન્ડિયન એમ્બેસી તેમજ હાઇ કમિશનની મુલાકાત કરી હતી. અરે! સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા 15 મી ઓગસ્ટના દિવસે તેમણે યુરોપની ભૂમિ પર તિરંગાને સલામી પણ આપી.
બાઇક એ એવું વાહન છે જેની સાથે હંમેશા છોકરાઓ કે પુરુષોને જ જોડવામાં આવે છે. એવામાં સુરતી માનુનીઓ દ્વારા કઈક નવો જ ચીલો ચાતરવામાં આવ્યો છે. વૂમન્સ ડે પર આવી અનોખી મહિલાઓને વંદન.
.