600 દિવસમાં નહિવત ખર્ચે પગપાળા ભારત ભ્રમણ કરી રહ્યો છે આ ગુજ્જુ બોય!

Tripoto

અગવડો વેઠવાની બાદશાહી સગવડ એટલે પ્રવાસ!

ગુજરાતીઓએ આ વાક્યને જાણે બરાબર પચાવી લીધું છે. સદીઓથી વેપાર- વાણિજ્ય કે ફરવાના હેતુથી દેશ-વિદેશમાં ગુજરાતીઓ પ્રવાસ કરતાં આવ્યા છે. પણ પ્રવાસની ઘેલછા કેટલી હદે હોય શકે? ચાલો, તમને એક અનોખો કિસ્સો જણાવું.

સુરતનો એક 21 વર્ષનો યુવાન જયદીપ. પ્રવાસનો શોખ તો ખરો જ, વળી આપણા આ વિશાળ દેશની સંસ્કૃતિના નજીકથી દર્શન કરવા માટે 600 દિવસનું આયોજન કરીને તે ભારતભ્રમણ કરવા નીકળ્યો છે!

Photo of 600 દિવસમાં નહિવત ખર્ચે પગપાળા ભારત ભ્રમણ કરી રહ્યો છે આ ગુજ્જુ બોય! 1/4 by Jhelum Kaushal
Photo of 600 દિવસમાં નહિવત ખર્ચે પગપાળા ભારત ભ્રમણ કરી રહ્યો છે આ ગુજ્જુ બોય! 2/4 by Jhelum Kaushal
Photo of 600 દિવસમાં નહિવત ખર્ચે પગપાળા ભારત ભ્રમણ કરી રહ્યો છે આ ગુજ્જુ બોય! 3/4 by Jhelum Kaushal
Photo of 600 દિવસમાં નહિવત ખર્ચે પગપાળા ભારત ભ્રમણ કરી રહ્યો છે આ ગુજ્જુ બોય! 4/4 by Jhelum Kaushal

પરિવહનનું સાધન અને રોકાણ:

લોકડાઉન 2020માં જયદીપે દેશના બધા જ રાજ્યોમાં આવેલા જોવાલાયક સ્થળોની વિસ્તૃત યાદી બનાવી હતી તેમજ આ બધી જ જગ્યાઓ ફરવા માટે ક્યાંથી નીકળવું, ક્યાં- કેટલા દિવસ રોકાવું એ બધું જ તેણે વિગતવાર યોજના બનાવી હતી. ઓગસ્ટ 2021માં સુરતથી નીકળેલા જયદીપ ગોવા, કર્ણાટક તેમજ કેરળનો પ્રવાસ કરી ચૂક્યા છે.

પોતાનો કુલ 18 કિલો સામાન સાથે લઈને જયદીપ ચાલતા ચાલતા વિવિધ જગ્યાઓની મુલાકાત લે છે. એક શહેરથી બીજા શહેર જવા માટે રસ્તે ઊભો રહીને ત્યાંથી પસાર થતાં વાહનો પાસે લિફ્ટ માંગે છે. મોટા ભાગે ટ્રક, ક્યારેક કોઈ કાર અથવા સ્કૂટર સવાર પણ તેમને લિફ્ટ આપે છે. રાતવાસો કરવા માટે તે કોઈ લોકલના ઘરે રોકાય છે અથવા કોઈ હોસ્ટેલમાં રહે છે. કશું જ ન મળે તો તેમની પાસે તેમનો સિંગલ બેડનો ટેન્ટ છે. કોઈ મંદિર, ગુરુદ્વારા, ચર્ચ/ મસ્જિદ કે પેટ્રોલ પંપ વગેરે જેવી જગ્યાઓએ પણ રહી લે છે.

ઘણા ડ્રાઇવર્સ અને સ્થાનિકો પાસેથી જયદીપ જે તે જગ્યાઓની એવી માહિતી મેળવે છે કે જે કોઈ પુસ્તકો કે ઈન્ટરનેટ પર સરળતાથી નથી મળી શકતી!

માત્ર શાકાહારી ભોજન જમતા હોવાથી જયદીપને કોઈ વાર ઘણી મહેનત કરવી પડે છે પણ નિયમિત ભાત ખાવાથી હવે તે ટેવાઇ ગયા છે. આ યુવકને થોડી ઘણી ગુજરાતી વાનગીઓ પણ બનાવતા આવડે છે એટલે ક્યારેક એ પોતે જેના ઘરે રોકાયા હોય તેમના જ રસોડામાં જમવાનું બનાવીને જમાડે પણ છે.

જયદીપના જણાવ્યા અનુસાર ઈશ્વર કૃપાથી તેમને ક્યારેય કોઈ ખરાબ અનુભવ નથી થયો. કોઈ ટ્રક ડ્રાઈવર, કારના માલિક, ઘર કે હૉસ્ટેલના માલિક સૌ કોઈ ખૂબ મદદરૂપ નીવડ્યા છે. અરે! કેરળમાં કોઈ વૃદ્ધ અને ખૂબ જ ગરીબ પતિ-પત્નીએ તેને આશરો તો આપ્યો જ, વળી તેમની પાસે જે થોડું ઘણું ખાવાનું હતું એ પણ પ્રેમથી જમાડ્યું પણ.

Nomadic Gujarati નામનાં Instagram હેન્ડલ તેમજ YouTube ચેનલ પર નિયમિત રીતે તેઓ પોતાના પ્રવાસના અનુભવો શેર કરે છે.

હજારો, લાખો રૂપિયા ખર્ચીને દેશના પ્રખ્યાત સ્થળોની મુલાકાત તો સૌ કોઈ કરી શકે છે, પણ જયદીપનો પ્રવાસ એ ખરા અર્થમાં ભારત દર્શન છે. ભારતનાં વિવિધ લોકોને, તેમની સંસ્કૃતિને જાણવાના અને માણવાના મુખ્ય હેતુ સાથે પ્રવાસ પર નીકળેલા જયદીપ દરરોજ ‘અતિથિ દેવો ભવઃ’નું પ્રત્યક્ષ ઉદાહરણ જોઈ રહ્યા છે.

આગળની યોજના:

જયદીપનો પ્લાન કુલ 600 દિવસમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતનાં બધા જ રાજ્યોમાં ફરવાનો છે. તેમણે આલેખન કરેલી યોજનામાં કુલ 541 દિવસની યોજના છે જે અંદાજિત 600 દિવસમાં પૂરી થવાનું આયોજન છે. કેરળમાં વરસાદી પરિસ્થિતિ સુધરે ત્યાર પછી તેઓ તમિલનાડુ જવાના છે. 21 વર્ષની યુવા વયે કોઈ બીચ કે પહાડો પર આરામદાયક પ્રવાસ કરવાને બદલે જયદીપે આપણા આ અદભૂત દેશને સાવ અનોખી રીતે જોવાનું બીડું ઝડપ્યું છે.

પ્રવાસ માટે પુષ્કળ લગાવ ધરાવતા ગુજરાતીઓએ આ યુવાનની વાત શક્ય હોય તેટલા લોકો સુધી પહોંચાડવી જોઈએ. લગભગ નહિવત ખર્ચ કરવાના મુખ્ય આશયથી કાશ્મીરથી કન્યાકુમારી પ્રવાસે નીકળેલા જયદીપ એ આપણા સૌ ગુજરાતીઓ માટે ગર્વની વાત છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ