મનાલીથી લેહની સફર. આ એક એવી રોડટ્રીપ છે જે દરેક પ્રવાસ પ્રેમીનું સ્વપ્ન હોય છે અને સાચે જ આ સફર તમને સહેજ પણ નિરાશ નહિ કરે. મને જૂનમાં આ સફર કરવાનો મોકો મળ્યો. મારા પ્રવાસનાં ૧૫ દિવસ પહેલા જ સડક ખુલ્લી હતી અને મને આશા હતી કે રસ્તા પર બરફ જોવા મળશે અને એવું જ થયું!
પ્રવાસની શરૂઆત દિલ્હીથી મનાલીની મુસાફરી સાથે થઈ. આ માટે બસ તેમજ ટેક્સી બંને ઉપલબ્ધ છે. મેં મારા મિત્રો સાથે કારમાં જવાનું નક્કી કર્યું હતું.

મનાલીમાં અમારા દિવસની શરૂઆત વહેલી સવારે થઈ. સવારે ૬.૩૦ વાગે અમે ગુલાબા બેરિયર પહોંચી ગયા હતા પણ બદનસીબે અમે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા અને ૧.૫ કલાક મોડું થયું. ત્યાંથી વધુ ૧.૫ કલાકનાં ડ્રાઈવ પછી અમે રોહતાંગ પાસ પહોંચ્યા. એવું કહી શકાય કે રોહતાંગ પાસ સુધી પહોંચવું એ જ સૌથી કઠિન કાર્ય છે કેમકે ગરમીમાં અહીં પુષ્કળ સહેલાણીઓ આવે છે અને સાંકડા રસ્તે ભરપૂર જામ રહે છે. સલાહભર્યું છે કે સવારે ૪ વાગે જ નીકળી જવું.

રોહતાંગ પાસ પછી ૪૦ કિમીનો રસ્તો આ રાજમાર્ગ પરનો સૌથી ખરાબ રસ્તો છે. અલબત્ત, આ ૪૦ કિમીનાં ખરાબ રસ્તા બાદ બર્ફીલા શિખરો, હરિયાળી ખીણ, લહેરાતા વૃક્ષો, અને સુંદર ઘાટી જેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે. આ અદભૂત નજારાઓ મન ભરીને માણવાલાયક હોય છે.
યાદ રહે, તંદીમાં પેટ્રોલ અચૂક પુરાવી લેવું કેમકે આગળ પેટ્રોલ પંપ ૩૫૦ કિમી બાદ છે. જો રસ્તામાં પેટ્રોલ પૂરું થઈ જાય તો સરચુંમાં ઘણી જ ઊંચી કિંમત આપીને ખરીદવું પડે છે. જો તમારી પાસે બીએસએનએલનો નંબર ન હોય તો મનાલી બાદ કિલોન્ગ સિગ્નલ પરથી મેળવી શકાય છે. રસ્તામાં કિલોન્ગ જ સૌથી મોટો કસબો છે. કિલોન્ગ પછી જિસપા આવે છે અને ત્યાંથી રસ્તો બદલાવવાની શરૂઆત થાય છે.


હવે હરિયાળી ઓછી થતી જાય છે અને ખુલ્લા રેતીનાં મેદાનો જોવા મળે છે. જિસપા પછી દિપક તાલ આવે છે જે જિંગ જિંગ બાર પાસે એક ભૂરા પાણીનું તળાવ છે. ત્યાંથી બરલાચા લાની ચડાઈ શરૂ થાય છે જ્યાં ખૂબ બરફ જોવા મળે છે. અહીં બરફની દીવાલો બની ચૂકી હતી જે ફિલ્મ 'જબ વિ મેટ'નાં ગીતની યાદ અપાવતી હતી. આ જગ્યાની સુંદરતા અવર્ણનીય હતી.
બરલાચા લામાં ચારે તરફ બરફ જ બરફ જોવા મળ્યો, જાણે કોઈ સ્વપ્નલોકમાં પહોંચી ગયા! તે પાર કર્યા પછી તમે સરચું પહોંચશો જ્યાં લોકો રાતવાસા માટે ટેંટ્સ રાખે છે. ત્યાં પહોંચતા સુધીમાં તમને માઉન્ટેન સિકનેસનો અનુભવ થવાની શક્યતા છે. આનાથી બચવા સતત થોડું-થોડું પાણી પીવું હિતાવહ છે.

સવારના કુમળા તડકાએ અમારામાં નવી જ ઉર્જાનો સંચાર કર્યો. અમે નિરાંતે નાસ્તો કર્યો, ફોટોગ્રાફ્સ લીધા અને સફર શરૂ કરી. આજના દિવસે ત્રણ ખૂબ ઊંચા ઊંચા પાસ પરથી પસાર થવાનું હતું, તેમાંનો એક વિશ્વનો બીજા ક્રમનો સૌથી ઊંચો પાસ ટાંગલાંગ લા હતો. આ સિવાય અમે લચુંગ લા અને નાકી લા પણ પહોંચ્યા. સરચું પાર કરતાં જ ગાટા લૂપનો પ્રવાસ શરૂ થાય છે જ્યાંથી નજર ઠરે ત્યાં સુધી માત્ર ખુલ્લા મેદાનો જ દેખાય છે. આ લૂપ નાકી લાની શરૂઆત છે. નાકી લા પાર કર્યા પછી અમે ૧૪,૦૦૦ ફીટની ઊંચાઈ પર આગળ વધી રહ્યા હતા. આગળ એક મેદાન છે જેને મૂર પ્લેન પણ કહેવાય છે, ત્યાં યાક અને ઘેટાઓના સમૂહ જોવા મળે છે. મનાલી-લેહ રોડટ્રીપનો આ સૌથી સુંદર હિસ્સો છે. કુદરતનું આવું રમણીય સ્વરૂપ તમે ક્યાંય નહિ જોયું હોય.


ત્યાર બાદ અમે તંગલાંગ લાની ચડાઈ કરી. બરફ દેખાવા લાગ્યો હતો, હવા તેજ થઈ રહી હતી, અને માઉન્ટેન સિકનેસ વધી રહી હતી. બરચાલાની તુલનાએ અહીં એટલો બરફ નહોતો પણ તે વિશ્વના બીજા ક્રમનો સૌથી ઊંચો પાસ છે અને તે પસાર કર્યા બાદ લેહ પ્રદેશમાં દાખલ થવાય છે. લેહમાં સૌથી પહેલો કસબો ઉપસી છે. થોડી ઘણી વનસ્પતિ તેમજ લદ્દાખી જીવનશૈલીની ઝાંખી જોતાં જોતાં આખરે લેહનું ચેકપોસ્ટ દેખાય છે. હવે મંઝિલ બહુ દૂર નથી અને મનાલી-લેહની શાનદાર યાત્રા અહીં પૂરી થાય છે.