ભારત દેશનો પૂર્વોત્તર હિસ્સો કદાચ દેશન દેશનો અન્ડરરેટેડ પ્રદેશ છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. અલબત્ત, પ્રવાસપ્રેમીઓ હવે આ હીરાને પારખી ચૂક્યા છે અને મુલાકાત પણ લઈ રહ્યા છે. જો તમે નોર્થ-ઈસ્ટની મુલાકાત ન લીધી હોય તો નોર્થ-ઈસ્ટના આ સિક્રેટ્સ તમને હમણાં જ ત્યાંની ટ્રીપ પ્લાન કરવા રોમાંચિત કરી દેશે.
૧. બાબા હરભજન સિંઘ- જેમની આત્મા બોર્ડરની રક્ષા કરે છે.
સિક્કિમના પૂર્વી છેડે હરભજન સિંઘ નામના એક જવાન હતા જે નાથુ-લા પાસે વીરગતિ પામ્યા હતા. સરકારે મહાવીર ચક્રથી નવાજ્યા હતા તેવા આ સૈનિકના સન્માનમાં તેમનું એક મંદિર બનાવવામાં આવ્યું છે.

જવાનો માને છે કે બાબા હરભજનની આત્મા આજે પણ આ દેશની રક્ષા કરે છે. સેના પર કોઈ વિપત્તિ આવવાની હોય તેના 3 દિવસ પહેલા કોઈને કોઈ રીતે તેમને જાણ થઈ જાય છે. અરે ! ચીન અને ભારતની નાથુ-લામાં થતી મીટિંગમાં બાબા હરભજન સિંઘ માટે એક ખુરશી ખાલી રાખવામાં આવે છે. દર વર્ષે ૧૧ મી સપ્ટેમ્બરે તેમનો સમાન નજીકના રેલવે સ્ટેશન ન્યુ જલપાઈગુડીથી તેમના ગામ સુધી લઈ જવામાં આવે છે. તેમના વિષે એક શોર્ટ-ફિલ્મ પણ બની ચૂકી છે.
૨. અહીંનો સમાજ મહિલપ્રધાન છે
આખી દુનિયા પુરુષપ્રધાન છે. વિશ્વમાં એવા ચુનંદા સમાજો છે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ છે, મેઘાલયની ખાસી પ્રજાતિ આવો જ એક સમાજ છે. અહીં સ્ત્રીઓ કમાવા જાય છે અને પુરુષો ઘરે રહીને બાળકો સાચવે છે. દીકરી જન્મે ત્યારે જશ્ન મનાવવામાં આવે છે અને દિકરાઓના જન્મને પણ હોંશભેર આવકારવામાં આવે છે.
૩. દુકાનદાર વગરની દુકાન:

દુકાનદાર વગરની દુકાન એ એક કલ્પના જ લાગે. પણ મિઝોરમની રાજધાની આઈઝોલથી ૬૫ કિમી દૂર નગહ લઉ દવર નામનાં ગામમાં આવી એક દુકાન અસ્તિત્વ ધરાવે છે. લોકો તેમને ન જોઈતી વસ્તુ એક પ્રાઇઝટેગ સાથે અહીં મૂકી જાય છે. જેમને જરૂર હોય તે વસ્તુ ત્યાંથી લઈને એક ડબ્બામાં તે કિંમત છોડતા જાય છે. કેવો ગજબનો વિશ્વાસ!
૪. આ મરચાં ખાવાની ભૂલ ક્યારેય ન કરશો!

ભૂત જોલોકિયા નામનાં આ મરચાં રાજા મિર્ચ કે કિંગ ચીલી તરીકે પણ ઓળખવામાં આવે છે. નાગાલેંડ તેમજ આસામમાં થતાં આ મરચાંનું સ્કોવિલ સ્કેલ એટલે કે તીખાપણું ૧૦,૦૧,૩૦૦ નંબરનું છે એટલે કે આ મરચાં સૌથી તીખાં ગણાય છે. આ મરચાં ખાધા બાદ કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હોય તેવા પણ કિસ્સાઓ જોવા મળ્યા છે.
૫. આ ઘરની સુરંગમાંથી તમે ક્યારેય બહાર નહીં નીકળી શકો
રંગપુર, જેને આજે સિબસાગર તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં આસામના અહોમ રાજાઓએ તલાતલ ઘર બંધાવ્યા હતા. તેનું નિર્માણ કોઈ આર્મી કેમ્પ તરીકે કરવામાં આવ્યું હતું. અહીં ૨ ગુપ્ત સુરંગ અને જમીન નીચે ૩ માળ છે. આ ત્રણેય માળ લડાઈમાં બહાર નીકળવા માટે ઉપયોગમાં આવતા હતા. આજે આમ જનતા માટે આ સુરંગો બંધ છે. એવું કહેવાય છે કે અમુક લોકો જે આ સુરંગમાં જતાં રહ્યા હતા તે આજ સુધી બહાર નથી આવી શક્યા. માત્ર વાર્તાઓમાં જ સાંભળવા મળે તેવી સુરંગ અહીં વાસ્તવિકતા છે.
૬. એશિયાનું સૌથી ચોખ્ખું ગામ

મેઘાલયના શિલોંગથી ૧૦૦ કિમી દૂર આવેલું માવલ્યનનાગ એશિયાનું સૌથી ચોખ્ખું ગામ છે. માત્ર ૯૫ પરિવારની વસ્તી ધરાવતા આ ગામમાં સાક્ષરતાનો દર ૧૦૦% છે. પોતાના કૌશલ્યથી આ ગામ માત્ર ભારતને જ નહીં, આખી દુનિયાને ટક્કર આપે છે. આપણા સૌ માટે આ ગર્વની વાત છે.
૭. ઇમ્ફાલની મહિલા બજાર

મણિપુરના ઇમ્ફાલમાં એક વિશિષ્ટ બજાર આવેલી છે. એકાદ સદી પહેલા અહીં આ બજાર શરૂ કરવામાં આવેલી જેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા થતું હતું. ધીમે ધીમે મહિલા વેપારીઓની સંખ્યા વધતી ગઈ અને આજે ૩૫૦૦ કરતાં પણ વધુ મહિલાઓ આ બજારમાં વ્યવસાય કરે છે. આધુનિક જગતમાં આખું બજાર મહિલાઓ દ્વારા સંભાળવામાં આવે તે જ એક અનેરી વાત છે.
૮. સ્થાનિક જનજાતિઓની સ્થાનિક શરાબ
પૂર્વોત્તરમાં અમુક એવી જાતિઓ છે જેની ઓળખાણ શરાબ દ્વારા જ થાય છે. કેમકે અમુક વિસ્તારમાં વસ્તી અમુક ચોક્કસ સ્થાનિક જાતિઓ અમુક ચોક્કસ સ્થાનિક શરાબનું સેવન કરે છે. જેટલી જાતિઓ એટલા પ્રકારની શરાબ! બોડો જાતિની શરાબ જોઉ, અસમની જાજ વગેરે.. સમાજની ઓળખ કોઈ શરાબના નામથી થાય! કેવું અનોખુ!
૯. જોનબીલ મેલા

આ મેળાની શરૂઆત ૧૫ મી સદીમાં કરવામાં આવી હતી. ગોબા અને અહોમ રાજાઓએ પોતાના રાજ્યની પરિસ્થિતિ તેમની પ્રજાને બતાવવા આ મેળાની શરૂઆત કરી હતી. આજે પણ પરંપરા કાયમ છે, અલબત્ત હવે તે વ્યાપારિક હેતુથી થાય છે.
૧૦. દુશ્મનોનાં માથાં કાપીને સજાવવાવાળી પ્રજાતિ

નાગાલેંડમાં કન્યાક નામની એક પ્રજા વસતી હતી જે યુધ્ધમાં શત્રુને પરાજિત કર્યા બાદ તેનું માથું કાપીને તેને ટ્રોફી તરીકે પોતાની પાસે રાખતા. જેની પાસે જેટલા માથાં હોય એટલા તેના ચહેરા પર ટેટૂ બનાવવામાં આવતા. કહેવાય છે કે ૧૯૪૦ના દશકમાં આ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ પણ તેમના વંશજો આજે પણ હયાત છે.
૧૧. ઉનાકોટિ, ત્રિપુરાની શિવ વિરાસત
અહીં વિશાળ ચટ્ટાનો પર ભગવાન શિવની કોતરણી કરવામાં આવી છે. આઠમી કે નવમી સદીથી આ ચટ્ટાનો હોવાના પુરાવાઓ મળ્યા હતા. ભગવાન શિવની ભવ્ય પ્રતિમાઓ હોવા છતાંય તેને યોગ્ય ખ્યાતિ નથી મળી.
પૂર્વોત્તર બીજા કેટલાય રહસ્યો છુપાવીને બેઠું છે. કેટલાય દફનાઈ ગયા અને કેટલાક લોકજીભે હોવાને કારણે આજે પણ જીવંત છે. જો તમને પૂર્વોત્તરના કોઈ બીજા રહસ્યો વિષે માહિતી હોય તો કમેન્ટમાં ચોક્કસ જણાવો.