રાજસ્થાનની હેરિટેજ રેલ લાઈને મને ત્યાંનાં દાર્જીલિંગ એવા ગોરમ ઘાટ પહોંચાડ્યો!

Tripoto

રાજસ્થાનમાં એક એવું હિલ સ્ટેશન આવેલું છે જ્યાં પહોંચવા રેલવે સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.

આ હિલ સ્ટેશનનું નામ છે ગોરમ ઘાટ. હેરિટેજ રેલવે દ્વારા આ જગ્યાએ પહોંચતા મને બંગાળના હિલ સ્ટેશન દાર્જીલિંગની સફર યાદ આવી ગઈ.

વર્ષ 1932 માં અંગ્રેજોએ મેવાડ તેમજ મારવાડને જોડવા માટે અહીં રેલલાઇનની શરૂઆત કરી હતી. પણ આ કઠિન કામમાં નામાંકિત એન્જિનિયરોએ પણ ઘણી તકેદારી રાખવી પડી. પહાડોમાં 2 બોગદાં અને નાના-મોટા 172 પૂલ બનાવવા એ કઈ સહેલું કામ નથી!

રાજસ્થાનના દાર્જીલિંગ એવા ગોરમ ઘાટ જવા માટે એક મીટર પહોળી આ રેલવે લાઇન સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. વાહન માર્ગ પણ નહિ.

ગોરમ ઘાટ:

રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક નાનકડું રેલવે સ્ટેશન આવેલું છે જેનું નામ છે ગોરમ ઘાટ. અહીં દિવસમાં માત્ર બે જ ટ્રેન ચાલે છે. અહીં રહેવાની પણ કોઈ જ સગવડ નથી. મને કહેવામાં આવ્યું હતું કે જો સવારની ટ્રેનમાં જાઓ તો સાંજની ટ્રેનમાં પાછા જરુર ફરવું.

સફરની શરૂઆત:

મને જ્યારે આ સ્થળ વિષે ખબર પડી ત્યારે હું જોધપુર હતો. ઇન્સ્ટાગ્રામ પર આ અનોખી જગ્યાના ફોટોઝ જોયા અને હું તુરંત જ નીકળી પડ્યો.

જોધપુરથી ગોરમ ઘાટ જવા માટે કોઈ ડાયરેક્ટ ટ્રેન નહોતી. આથી હું જોધપુરથી ટ્રેનમાં મારવાડ રેલવે સ્ટેશન અને ત્યાંથી ગોરમ ઘાટ ગયો.

મારવાડ વિષે રડયાર્ડ કિપલિંગે તેમના પુસ્તક 'ધ મેન હૂ વૂડ બી કિંગ'માં ઘણું લખ્યું છે.

જોધપુરથી મારવાડ જંકશનનું અંતર માત્ર 100 કિમી છે. આમ તો આ બંને સ્ટેશન વચ્ચે ઘણી કનેક્ટિવિટી છે પરંતુ મારવાડથી ગોરમ માટેની તેન સવારે 6.10 વાગે ઊપડતી હોવાથી જોધપુરથી પરોઢે 3 વાગે નીકળીને મારવાડ પહોંચ્યો.

સવારે 7.50 વાગે હું ગોરમ પહોંચ્યો અને સામાન લઈને જોગમંડી ઝરણા તરફ ચાલી નીકળ્યો. આ ઝરણું ગોરમ ઘાટથી નજીકમાં જ આવેલું છે. ત્યાં નહાઈને મારે ટ્રેકિંગ માટે નીકળવાનું હતું. 

અહીંથી ગોરખનાથ મંદિરનો 2.5 કિમીનો ટ્રેક છે જે મારે નહોતો કરવો. મેં 14 કિમી દૂર આવેલો ખામલી ઘાટ ટ્રેક કરવાનું નક્કી કર્યું જે કરતાં 2.5 કલાક જેટલો સમય લાગે છે. 

ટ્રેક પર ચાલતા ચાલતા ફોટોગ્રાફી કરવામાં અને આસપાસની કુદરતી સુંદરતા જોવામાં ક્યાં ખામલી ઘાટ આવી ગયો તેની ભાન જ ન રહ્યું. 

પછી બપોરે 3.50 ની ટ્રેનમાં બેસીને મારવાડ પાછો ફર્યો. 

વિશેષ નોંધ: ગોરમ ઘાટમાં કોઈ જ હોટેલ કે ઢાબા નથી. તમારે તમારું ખાવાનું જોધપુરથી સાથે લઈને જ નીકળવું. અહીં રહેવાની પણ કોઈ જ વ્યવસ્થા નથી. એટલે સાંજ સુધીમાં અચૂક નીકળી જવું. 

રાજસ્થાનની સામાન્ય છાપ લોકોનાં મનમાં વિશાળ રણ પ્રદેશની જ હોય છે, પણ રાજસ્થાનમાં એવી ઘણી જગ્યાઓ છે જે તમારી આ માન્યતા સાવ જ દૂર કરી દેશે. 

.

આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. ઓરિજનલ આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ