ગોવિંદા આલા રે: મુંબઈમાં જન્માષ્ટમીની ઉજવણી જોવાનો આનંદ

Tripoto

સપ્ટેમ્બર 2018માં જન્માષ્ટમીના અવસરે શનિ-રવિની રજાઓની સારી અનુકૂળતા હતી. ઓફિસમાં અમારું ટ્રાવેલર્સનું ગ્રુપ આવી કોઈ તકની રાહમાં જ હોઈએ! શુક્રવારની સાંજે અમે અમદાવાદથી ફ્લાઇટમાં મુંબઈ ગયા અને શનિ-રવિ માયાનગરીનો ખૂબ જ યાદગાર પ્રવાસ કર્યો.

Photo of ગોવિંદા આલા રે: મુંબઈમાં જન્માષ્ટમીની ઉજવણી જોવાનો આનંદ 1/9 by Jhelum Kaushal

દિવસ 1:

વિમાનયાત્રાનો પ્રથમ અનુભવ કરીને મારા મિત્રો સાથે હું શનિવારે પરોઢે મુંબઈ પહોંચી. મુંબઈમાં જમવા રોટલો મળે, પણ સુવા ઓટલો ન મળે! હોટેલમાં અમારો ચેકઇનનો સમય 10 વાગ્યાનો હતો. થોડા વધુ પૈસા આપવાની તૈયારી સાથે અમે અર્લી ચેકઇનની વિનંતી કરી પણ હોટેલ મેનેજમેન્ટે અમારો પ્રસ્તાવ નકારી કાઢ્યો.

પરિણામે અમે વહેલી સવારે પહોંચ્યા જુહુ ચોપાટી! અમારી પાસે ખપ પૂરતો જ સામાન હતો એટલે તે કોઈ સમસ્યા નહોતી. મોર્નિંગ વોકર્સ સિવાય બીજા કોઈ જ લોકો અહીં હાજર નહોતા એટલે અમને જુહુ ચોપાટીની સાચી સુંદરતા માણવાનો મોકો મળ્યો. મુંબઈમાં ટ્રાફિકનો અવાજ ઓછો અને દરિયાનો અવાજ વધુ સાંભળવા મળે તે સાચે જ નસીબની વાત છે. અમે સૌએ નિરાંતે બેસીને કઈ કઈ જગ્યાઓ જોવાને પ્રાધાન્ય આપવું તેની યાદી બનાવી.

Photo of ગોવિંદા આલા રે: મુંબઈમાં જન્માષ્ટમીની ઉજવણી જોવાનો આનંદ 2/9 by Jhelum Kaushal
Photo of ગોવિંદા આલા રે: મુંબઈમાં જન્માષ્ટમીની ઉજવણી જોવાનો આનંદ 3/9 by Jhelum Kaushal

ભારે નાસ્તો કરીને અમે હોટેલમાં ચેકઇન કરીને ફ્રેશ થયા. પછી ખરા અર્થમાં શરુ થયો અમારો મુંબઈ પ્રવાસ... પ્રવાસ માટે મુંબઈની જીવાદોરી એવી મુંબઈ લોકલનો અનુભવ કર્યો. હૈયે હૈયું દળાય તેવી ભીડમાં લાખો-કરોડો લોકો નિયમિત રીતે જે ટ્રેનમાં મુસાફરી કરે છે તે જો આપણે ન કરીએ તો મુંબઈ પ્રવાસ અધૂરો જ ગણાય! ફરવામાં સૌની પસંદગી આવરી લેવા પૂરતો પ્રયત્ન કર્યો. બાંદ્રા-વરલી સી લિન્કનો સાચો નજારો માણવો હોય તો ટેક્સીમાં મુસાફરી કરવી એવું જાણવા મળ્યું હતું, જેને અમે અનુસર્યું. સી લિન્ક પરથી પસાર થતી વખતે ખૂબ રોમાંચ સાથે અમે સૌ બારીની બહાર તાકી રહ્યા હતા.

Photo of ગોવિંદા આલા રે: મુંબઈમાં જન્માષ્ટમીની ઉજવણી જોવાનો આનંદ 4/9 by Jhelum Kaushal
Photo of ગોવિંદા આલા રે: મુંબઈમાં જન્માષ્ટમીની ઉજવણી જોવાનો આનંદ 5/9 by Jhelum Kaushal
Photo of ગોવિંદા આલા રે: મુંબઈમાં જન્માષ્ટમીની ઉજવણી જોવાનો આનંદ 6/9 by Jhelum Kaushal

સાંજે પ્રખ્યાત ગેટ વે ઓફ ઈન્ડિયાની મુલાકાત લીધી. અમારા સૌની ઈચ્છા મુંબઈમાં એક સદી કરતાં પણ વધુ વર્ષોથી ચાલતા કોઈ કાફેમાં જવાની ઈચ્છા હતી. આ ઈચ્છા અમે પુરી કરી લિયોપોલ્ડ કાફેની મુલાકાત કરીને. 26/11 ના હુમલા સમયના ગોળીઓના નિશાન હજુ આજે પણ એ કાફેમાં યથાવત રાખવામાં આવ્યા છે.

Photo of ગોવિંદા આલા રે: મુંબઈમાં જન્માષ્ટમીની ઉજવણી જોવાનો આનંદ 7/9 by Jhelum Kaushal

રાત્રે અમે સૌ મુંબઈની નાઈટ-લાઈફની ઝલક જોવા માંગતા હતા. ગૂગલ પર સર્ચ કર્યું કે સૌથી વધુ ફિલ્મ સ્ટાર્સ આવતા હોય તેવું પબ અથવા બાર કયું? અને તે પ્રમાણે એક બારમાં ગયા. અલબત્ત, અમારા ગ્રૂપમાં આલ્કોહોલ લેતા હોય તેવું કોઈ જ નહોતું, પણ બારનો માહોલ જોવા અમે અમારું ડિનર આ રીતે કરવાનો અનુભવ લીધો.

દિવસ 2:

જન્માષ્ટમી.

સામાન ખાસ હતો નહિ એટલે ચેક-આઉટ જ કરી દીધું. સવારે સૌથી પહેલું કામ અમે સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કરવા જવાનું કર્યું. અમે સૌએ ટીવીમાં તેમજ અખબારોમાં આ મંદિરને સતત ભીડથી ઉભરાતું જ જોયું છે. ટેક્સીએ જ્યારે અમને મંદિર બહાર ઉતાર્યા ત્યારે અમારે કન્ફર્મ કરવું પડ્યું કે ખરેખર આ જ સિદ્ધિ વિનાયક મંદિર છે કે કેમ. એકદમ શાંત મંદિર હતું! અમે ખૂબ શાંતિથી દર્શન કર્યા અને મેં ખાસ પ્રાર્થના કરી કે મને બહુ જ જલ્દી એક વાર મુંબઈમાં ગણપતિ ઉત્સવ દરમિયાન આવવાની તક મળે.

Photo of ગોવિંદા આલા રે: મુંબઈમાં જન્માષ્ટમીની ઉજવણી જોવાનો આનંદ 8/9 by Jhelum Kaushal
Photo of ગોવિંદા આલા રે: મુંબઈમાં જન્માષ્ટમીની ઉજવણી જોવાનો આનંદ 9/9 by Jhelum Kaushal

ત્યાંથી અમે ગયા દાદર; દહી-હાંડી જોવા માટે! અગેઇન, જે દ્રશ્યો માત્ર સ્ક્રીન પર જ જોયા હતા તે અમારે રૂબરૂ માણવાના હતા. પોતપોતાની ટીમના એક સરખા ટીશર્ટ્સ પહેરેલા અનેક ગોવિંદાઓ અને લાખો રૂપિયાનું ઈનામ ઓફર કરતી દરેક ચાર રસ્તે અલગ-અલગ ઊંચાઈ પર ગોઠવવામાં આવેલી દહી-હાંડી! અનેક ફોટો-જર્નાલિસ્ટ હાજર હતા. હજારો લોકો ગોવિંદાને પ્રોત્સાહિત કરવા માટે ચિચિયારીઓ પાડી રહ્યા હતા. મેં ક્યારેય કોઈ ક્રિકેટ મેચ લાઈવ નથી જોઈ, પણ તે સ્ટેડિયમના રોમાંચક માહોલ સામે અહીંનો માહોલ સહેજ પણ ફિક્કો નહોતો તેવું મને લાગ્યું.

દરેક ટીમમાં એક 3-4 વર્ષના બાળકને કૃષ્ણ ભગવાનના પોશાકમાં તૈયાર કરવામાં આવે જેના હાથે મટકી તોડવાનું કાર્ય થાય. મહિનાઓથી મટકી-ફોડની પ્રેક્ટિસ કરતાં ગોવિંદાઓ પૈકી સૌથી સશક્ત લોકો સૌથી નીચે ગોઠવાય અને જેમ જેમ ઉપર ચડતા જાય તેમ વજનમાં હળવા લોકોનો ક્રમ આવે. ઘણી વાર ઘણી ટુકડીઓ ઉપર ચડવામાં વિખેરાઈ પણ જતી. બને ત્યાં સુધી તે લોકો એવી જ તૈયારી કરતાં કે કોઈને ઇજા ન થાય, તેમ છતાં ત્યાં સતત એક એમ્બ્યુલન્સ હાજર હતી.

અમે અનેક આવા ગ્રુપ્સ જોયા જેમાં અમુક માત્ર છોકરીઓનું ગ્રુપ તેમજ છોકરા-છોકરીઓનું મિક્સ ગ્રુપ પણ હતું. દહી હાંડીની અંદર એકઝેટલી શું હોય છે તેની મને હંમેશા કુતૂહળતા રહેતી જે અહીં મને જાણવા મળ્યું. તેમાં ભરપૂર માખણની સાથોસાથ મધ, ચોકલેટ્સ વગેરે પ્રસાદ હોય છે. અમે અમુક ગોવિંદા સાથે વાત કરવાની પણ તક ઝડપી લીધી. ખૂબ ખૂબ મજા આવી.

હું આ બધા જ દ્રશ્યો જીવનમાં પહેલી વાર નજર સામે નિહાળી રહી હતી અને દરેક જન્માષ્ટમીએ હું આ અનુભવ અચૂકપણે યાદ કરું છું.

સાંજે સૌના અન્ય એક ડ્રીમ ડેસ્ટિનેશન એવા મરીન ડ્રાઈવ પર સાંજ વિતાવી. મોબાઈલ ફોનમાં મેં ‘ઇકતારા’ ગીત વગાડ્યું જે મને મરીન ડ્રાઈવ પર બેસીને સાંભળવાની ખૂબ ઈચ્છા હતી.

મુંબઈમાં અવિસ્મરણીય વીકએન્ડ પસાર કરીને રાતની ફ્લાઇટમાં અમે અમદાવાદ પાછા ફર્યા.

માહિતી અને ફોટોગ્રાફ્સ: કેમિલ ઘોઘારી

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ