
ચોમાસાને હજી વાર છે. ત્યારે આકરી ગરમીથી તાત્કાલિક છુટકારો મળે તેવી શક્યતા નથી. આવા સંજોગોમાં જો તમારે કુદરતી ઠંડક મેળવવી હોય તો ગુજરાતથી દૂર જવું પડશે. સખત ગરમીથી છુટકારો મેળવવા માટે ઉત્તરાખંડ શ્રેષ્ઠ જગ્યા છે. જ્યાં એવા અનેક હિલ સ્ટેશન્સ છે જે ગરમીનો અહેસાસ નહીં થવા દે. તો આવો જોઇએ આવા જ કેટલાક હિલ સ્ટેશનો વિશે.
લેન્સડાઉન

ઉતરાખંડનું આ પર્યટન સ્થળ ઓફબીટ સ્થળોની યાદીમાં ટોચ પર છે. અહીની મનને મોહી લે તેવી વાદીઓમાં મળતી શાંતિ દરેક પ્રવાસીનો થાક એક મીનીટમાં જ દુર કરી દે છે. એજ કારણ છે કે શહેરની ભાગદોડ થી દુર લોકો અહી થોડોક સમય પસાર કરે છે. ઉતરાખંડના પૌડી ગઢવાલ જીલ્લામાં વસેલું લેન્સડાઉન એક છાવણી શહેર છે. સમુદ્રની સપાટીથી તેની ઉંચાઈ ૧૭૦૬ મીટર છે. અહીની કુદરતી સુંદરતા મંત્રમુગ્ધ કરે તેવી છે. અહીનું વાતાવરણ આખું વર્ષ ખુશનુમા રહે છે.

ચારેબાજુ ફેલાયેલી હરિયાળી તમને એક અલગ જ દુનિયાનો અહેસાસ કરાવે છે. વાસ્તવમાં આ સ્થળને અંગ્રેજોએ પર્વતો કાપીને બનાવ્યું હતું. લેન્સડાઉનની ખીણો વાદળોથી ઢંકાયેલી હોય છે. એ જોઇને એવું લાગે છે કે જાણે તમે વાદળોના શહેરમાં આવી ગયા હોવ. દિલ્હીથી આ હિલ સ્ટેશન ઘણું નજીક છે. તમે ૫-૬ કલાકમાં લેન્સ્ડાઉન પહોચી શકો છો. જો તમે બાઈકથી લેન્સ્ડાઉન જવાની યોજના બનાવી રહ્યા છો તો તમે દિલ્હીથી આનંદવિહાર થઈને ઉતરપ્રદેશમાં પ્રવેશ્યા પછી, મેરઠ, બિજનૌર અને કોટદ્વાર થઈને લેન્સડાઉન પહોચી શકો છો.
ચકરાતા
ક્યાં : ઉત્તરાખંડ

ચકરાતા તેની પ્રાચીન સુંદરતા માટે જાણીતું છે. ચકરાતા દેહરાદૂનથી 98 કિ.મી. દૂર છે. આ દેહરાદૂનની પાસે ફરવા માટે સૌથી સારી જગ્યાઓમાંની એક છે. તે સમુદ્ર સપાટીથી ૨૨૭૦ મીટરની ઉંચાઈ પર આવેલું છે. ચકરાતા બેકપેકર્સ માટે બેસ્ટ વિકેન્ડ વિકલ્પ છે. આ પૌરાણિક હિલ સ્ટેશનમાં તમને ઘણા ધોધ જોવા મળશે જે તમારા આત્માને શાંતિ આપશે. તમે ત્યાં ટ્રેકિંગ પણ કરી શકો છો જે કેસકેડિંગ વોટરફોલ અને ટાઇગર વોટરફોલમાંથી પસાર થાય છે. જો તમને એડવેન્ચર પસંદ છે તો તમે ત્યાં આવેલી વિશાળ ગુફાઓ અને પ્રાચીન મંદિરે પણ જઈ શકો છો. અહીંનું શાંત વાતાવરણ તમને એક સુખદ અનુભવ કરાવે છે. અહીંના સૌથી વધુ જોવાલાયક જંગલોમાં શંકુધારી, રોડોડેંડ્રોન અને ઓકના ઝાડ સામેલ છે. જો તમારે નેચર ફોટોગ્રાફીનો આનંદ લેવો છે તો ખરેખર આ જગ્યા તમને નિરાશ નહીં કરે.
કેવી રીતે પહોંચવું ?
ચકરાતા દિલ્લીથી અંદાજિત ૩૫૦ કી.મી. દૂર છે.તમે ફ્લાઈટ , ટ્રેન , અથવા તો બસ માં જઈ શકો છો પણ આ બધા વિકલ્પ સૌથી નજીકનું શહેર દેહરાદૂન સુધી જ ઉપલબ્ધ છે. દેહરાદૂન ચકરાતાથી ૯૨ કી.મી દૂર છે જ્યાંથી તમે ટેકસી અથવા તો કેબ કરીને પહોંચી શકો છો.
ચંપાવત

ચંપાવત ઉત્તરાખંડનું સૌથી સુંદર શહેર છે. તે દિલ્હીથી લગભગ 427 કિમી દૂર છે. મે મહિનામાં ફરવા માટે આ એક શ્રેષ્ઠ સ્થળ છે. પ્રકૃતિની સુંદરતાથી ઘેરાયેલું આ નગર સ્વર્ગથી કમ નથી. ચંપાવત તેની શુદ્ધ હવા, પાણી અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. જો તમે ઉત્તરાખંડમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો આ વખતે ચંપાવત જાવ. અહીં તમને સુંદર કિલ્લાઓથી લઈને મંદિરો સુધી બધું જ મળશે.

ચંપાવતમાં આવેલ બાણાસુરનો કિલ્લો ખૂબ પ્રખ્યાત છે. આ કિલ્લાની પોતાની ઓળખ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણએ અહીં રાક્ષસ બાણાસુરનો વધ કર્યો હતો. કહેવાય છે કે બાણાસુરને સો હાથ હતા. તે ખૂબ જ મજબૂત હતો. જો તમને મંદિરોની મુલાકાત લેવાનું ગમતું હોય, તો તમારે ચંપાવત સ્થિત બલેશ્વર મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ ચંપાવતનું સૌથી જૂનું મંદિર છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. બાલેશ્વર મંદિર ચાંદ વંશના શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમજ આ મંદિર પથ્થરની કોતરણીનો અદ્ભુત નમૂનો છે. જ્યારે પણ તમે ચંપાવત જાવ ત્યારે બોલેશ્વર મંદિરના દર્શન કરો.

એબોટ માઉન્ટ ચર્ચ ચંપાવતમાં ફરવા માટેનું સૌથી સુંદર અને અદ્ભુત સ્થાન છે. વર્ષ 1910માં હેરાલ્ડ એબોટે 86 એકર જમીન લીઝ પર ખરીદી હતી. આ જમીન પર લગભગ 18 સેલ બનાવવામાં આવ્યા હતા. જ્યાં માત્ર અંગ્રેજો રહેતા હતા. કહેવાય છે કે એબટે તેની પત્નીની યાદમાં આ ચર્ચ બનાવ્યું હોવાનું કહેવાય છે. અહીંની પાતાલ રુદ્રેશ્વર ગુફા પણ પ્રસિદ્ધ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવોના દેવ મહાદેવે આ ગુફામાં તપસ્યા કરીને મોક્ષની પ્રાપ્તી કરી હતી. આ ગુફા 40 મીટર લાંબી અને 10 મીટર પહોળી છે. વર્ષ 1993માં આ ગુફાની શોધ કરવામાં આવી હતી.
રાની ખેત

રાનીખેત, ઉત્તરાખંડના કુમાઉમાં આવેલું છે. અમદાવાદથી ભીડભાડથી દૂર તમે થોડાક દિવસ શાંતિથી પસાર કરવા માંગતા હોવ તો રાનીખેત જઇ શકો છો. દિલ્હીથી રાનીખેતનું અંતર લગભગ 350 કિલોમીટર છે. જ્યાં પહોંચવામાં તમને લગભગ 8 થી 9 કલાક થશે. અહીં પણ તમને 700-800 રૂપિયામાં રૂમ મળી જશે. અમદાવાદથી દિલ્હીનું ટ્રેનનું જવા-આવવાનું ભાડું 1000 રૂપિયા થશે. દિલ્હીથી બસમાં રાનીખેતની ટિકિટ 500 રૂપિયા જેટલી થાય છે. બે દિવસમાં હરવા-ફરવા અને જમવાનો ખર્ચ 2000 રૂપિયાથી વધુ નહીં થાય. મોટાભાગે પગપાળા ફરવાનો આગ્રહ રાખજો. રાનીખેત પહોંચીને તમે ટ્રેકિંગ, સાઇકલિંગ, નેચર વોક, કેમ્પિંગ કરી શકો છો. અહીં ચોબટિયા બાગ, નોકુચિયાતાલી જેવી ઘણી જગ્યાઓ ફરી શકાય છે. સૌથી સારી વાત એ છે કે દિલ્હીથી રાનીખેતનો રૂટ તમને નૈનીતાલ થઇને લઇ જશે. તો થોડોક સમય તમે નૈની લેકમાં બોટિંગનો આનંદ પણ માણી શકો છો. સાથે જ જિમ કૉર્બેટમાં જંગલ સફારીની મજા પણ લઇ શકાય છે. જો કે તેના માટે તમારે ખિસ્સા હળવા કરવા પડશે.

જો તમે પ્રકૃતિની ભરપુર મજા લેવા માંગો છો તો તમારે અહીં જરૂર આવવું જોઇએ. અહીંની એક છુપાયેલી જગ્યાએ શીતલખેત. જે રાનીખેતથી એક કલાકના અંતરે છે. રાનીખેતમાં એક ગોલ્ફ કોર્સ પણ છે જેની એન્ટ્રી ફી 150 રૂપિયા છે. આ 9 હોલ ગોલ્ફ કોર્સ એશિયાનું સૌથી મોટું ગોલ્ફ કોર્સ છે. જો તમને આ ગેમમાં રસ છે તો તમે થોડોક સમય અહીં પસાર કરી શકો છો.
નૌકુચિયાતાલ

હિમાલયની તળેટીમાં આવેલું નૌકુચિયાતલ ખરેખર જોવા જેવું છે. આ ઉત્તરાખંડમાં ફરવા માટેના ઘણા અદ્ભુત અને આકર્ષક સ્થળોમાંથી એક છે જ્યાં તમે પરિવાર સાથે સમય વિતાવી શકો છો. નૌકુચિયાતલ સુંદરતા અને શાંતિનું પ્રતીક છે. અહીં ફરવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચથી જૂન માનવામાં આવે છે. ઉનાળામાં મુલાકાત લેવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. ચોમાસાની વાત કરીએ તો આ દરમિયાન નૌકુચિતાલની હરિયાળી અનેકગણી વધી જાય છે, જે આ વિસ્તારને ખૂબ જ સુંદર બનાવે છે.

અહીંના તળાવના નવ ખૂણાઓને કારણે આ શહેરનું નામ નૌકુચિયાતલ પડ્યું. બાળકો સાથે બોટિંગ કરવાની સાથે તમે માઉન્ટેન બાઈકિંગ, ફિશિંગ, પેરાસેલિંગ જેવી ઘણી પ્રવૃત્તિઓ પણ કરી શકો છો. નૌકુચિયાતલ તળાવની મુલાકાત વર્ષમાં કોઈપણ સમયે લઈ શકાય છે, પરંતુ ઉનાળા અને ચોમાસામાં જોવાની મજા જ અલગ છે. આ તળાવ નૌકુચિયાતલથી 2.2 કિમીના અંતરે આવેલું છે. નૌકુચિયાતલથી સત્તલ તળાવ માત્ર 12 કિમી દૂર છે. સત્તલ સરોવર ફેમિલી ટ્રીપ માટે એક ઉત્તમ સ્થળ છે. તે સાત તાજા પાણીના તળાવોનો સંગ્રહ છે. ગાઢ ઓક, દિયોદરના જંગલો અને સૌંદર્યને કારણે સત્તલને ફરવા માટે એક યોગ્ય સ્થળ માનવામાં આવે છે. આ ઉપરાંત અહીં કુમાઉ ક્ષેત્રનું સૌથી મોટું સરોવર ભીમતાલ પણ છે. અહીં એક ફિશ એક્વેરિયમ પણ છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો