
નાનકડી કારવાનમાં બેસીને ફરવા નીકળી પાડવાનું દરેકનું સપનું હોય છે. આવું આપણે ફિલ્મોમાં જોયું છે, મેગેઝીનમાં વાંચ્યું છે, મિત્રો સાથે આયોજન કર્યું છે અને બકેટ-લિસ્ટમાં એક વિશેષ સ્થાન આપ્યું છે. પણ હકીકતે તેનો અમલ લગભગ અશક્ય જ લાગે છે. પણ કેરળના આ કપલ માટે તે શક્ય છે.
"યે હમારી કાર હૈ, યે હમ હૈ, ઔર યે હમારી ટ્રાવેલિંગ હો રહી હૈ."
23 વર્ષની લક્ષ્મી ક્રિષ્ના અને 31 વર્ષનો હરિક્રિષ્ના જે. કેરળના ત્રિશૂરના વતની છે અને પોતાનું ટ્રાવેલિંગનું સપનું જીવી રહ્યા છે. ફરવાનું, જમવાનું, સુવાનું બધું જ પોતાની કારમાં કરે છે એટલે આને તેઓ 'કાર લાઈફ' કહે છે. આ બંને TinPin Stories નામનો વ્લોગ પણ કરે છે જેમાં તેઓ પોતાના અનુભવો જણાવે છે.
શું છે તેમની સ્ટોરી?
આ યુગલ પણ અન્ય તમામની જેમ વર્કિંગ પ્રોફેશનલ હતું. પત્ની ગ્રાફિક ડિઝાઇનર તરીકે ઇન્ટર્ન હતી અને તેનો હસબન્ડ બેંગલોરમાં સેલ્સનું કામ કરતો હતો. એક દિવસ બંનેએ પોતપોતાની નોકરી છોડીને તેમનું ફરવાનું સપનું પૂરું કરવાનું વિચાર્યું. તેમણે પોતાની કારનો એ રીતે વેશપલટો કર્યો કે ત્યાં તે બંને ફરી શકે, જમી શકે અને સૂઈ પણ શકે. કારમાં જરૂરી વ્યવસ્થા કરવા માટે ફક્ત 4000 રૂનો તેમણે ખર્ચો કર્યો જેથી તેમને ઘર જેવું જ લાગે.
તે લોકો એક સિંગલ બર્નર ગેસ-સ્ટવ તેમજ એક રિફિલ કરી શકાય તેવો સિલિન્ડર સાથે રાખે છે. RO ફિલ્ટર સ્ટેશનથી જરૂરી પાણી ભરી લે છે. બંનેએ લેપટોપ ફેનનો ઉપયોગ કરીને તેમની કાર માટે એક એકઝોસ ફેન પણ બનાવ્યો છે. એટલું જ નહિ, જરૂરી પ્રાઈવસી મળી રહે તે માટે ટચૂકડા પડદાં પણ બનાવ્યા છે.
આ કપલે અત્યાર સુધીમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન એમ ચાર રાજ્યો ફરી લીધા છે. તે બંને નાના-મોટા ગામડાઓ, તેમની સંસ્કૃતિ, તેમની સ્થાનિક વાનગીઓ વગેરે એક્સપ્લોર કરે છે.
આ કપલનું કહેવું છે કે અત્યાર સુધીમાં તે જેટલા પણ લોકોને મળ્યા એ બધા જ ખૂબ જ માયાળું અને મદદરૂપ થાય તેવા હતા. અત્યાર સુધીમાં એક પણ વાર તેમને કાર પાર્ક કરવામાં કે જમવાનું શોધવામાં ક્યારેય કોઈ તકલીફ નથી પડી. લોકો તેમના આંગણામાં તેમને ફ્રીમાં કાર પાર્ક કરવા દે છે.
છેલ્લા 100 દિવસથી તે બંને કેરળથી નીકળેલા છે અને આ કારમાં ફરી રહ્યા છે. આગળ આ બંને પંજાબ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ ફરીને કેરળ પોતાના ઘરે પાછા ફરવાનું આયોજન છે.
આવા ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર્સ આપણને પ્રવાસ કરવા ખૂબ પ્રેરણા આપે છે, નહિ?
.