સ્નોફૉલનો અનુભવ કરવો એ ખરેખર એક જાદુઇ પળ હોય છે. સ્નોમેન બનાવવો, બરફ સાથે રમવું, બરફની સફેદ ચાદરનો આનંદ લેવાની વાત જ કંઇક અલગ છે. જો સ્નોફૉલ એટલે કે બરફવર્ષાને જોવી એ હંમેશાથી તમારી બેકટ લિસ્ટનો હિસ્સો રહ્યો છે તો તેના માટે તમારે સ્વિટ્ઝરલન્ડ જવાની જરુર નથી. અમે તમને બતાવી રહ્યા છીએ ભારતની એવી 5 જગ્યાઓ અંગે જ્યાં તમે બરફવર્ષાને એન્જોય કરી શકો છો.
1.ગુલમર્ગ, જમ્મૂ-કાશ્મીર
ગુલમર્ગ જમ્મૂ-કાશ્મીરના સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશનોમાંનું એક છે. અહીંના સુંદર ફુલ, ઠંડીની મોસમ અને પ્રાકૃતિક નજારા જોવા માટે લોકો દૂરદૂરથી આવે છે. અહીં આવીને ભાતભાતના કાશ્મીરી પકવાન ખાધા વગર કોઇ પાછુ નથી જતું.
પશ્ચિમી હિમાલયના પીર પંજાલમાં વસેલું ગુલમર્ગ શિયાળામાં ઘણું જ સુંદર દેખાય છે. અહીં ડિસેમ્બરમાં તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જતુ રહે છે. ગુલમર્ગ ભારતમાં બરફવર્ષા જોવા માટે સૌથી સારી જગ્યાઓમાંનું એક છે. તમે સ્કીઇંગનો આનંદ પણ લઇ શકો છો.
ગુલમર્ગથી 125 કિલોમીટર દૂર સોનમર્ગ પણ છે. બરફથી આચ્છાદિત પહાડોથી ઘેરાયેલું સોનમર્ગ શહેર જોજીલા પાસની નજીક છે. સોનમર્ગનો શાબ્દિક અર્થ સોનાનું મેદાન. આ સ્થાનનું નામ એ તથ્યના આધારે પડ્યું કે વસંત ઋતુમાં અહીં સુંદર ફુલોથી ઢંકાઇ જાય છે. પહાડોના ઊંચા શિખરો પર સૂર્યના કિરણો પડે છે તો તે પણ સોનેરી દેખાય છે. સોનમર્ગ એવા યાત્રીઓ માટે યોગ્ય જગ્યા છે જે સાહસિક પ્રવૃતિઓ જેવી ટ્રેકિંગ કે લાંબી પગપાળા યાત્રામાં રસ ધરાવે છે. બધા મહત્વપૂર્ણ ટ્રેકિંગ રસ્તા સોનમર્ગથી જ પ્રારંભ થાય છે. આ સ્થાન તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે જેમાં સરોવરો, પાસ અને પર્વત સામેલ છે.
2. મસૂરી, ઉત્તરાખંડ
ઉત્તરાખંડના મસૂરીને પહાડોની રાણી પણ કહેવાય છે, આ જગ્યા ભારતમાં શિયાળા દરમિયાન એક બરફનું સ્વર્ગ છે. ત્યાં એક આરામદાયક હોટલ પસંદ કરો, જેની બારીમાંથી તમને સફેદ બરફની ઝલક જોવા મળે. મસૂરી પ્રસિદ્ધ કેમ્પ્ટી ફૉલ્સ, ભટ્ટા ફોલ, જોર્જ એવરેસ્ટ, ભીડભાડવાળો મૉલ રોડ અને કંપની ગાર્ડન માટે જાણીતું છે. બરફથી ઢંકાયેલા પહાડો, બરફના ટુકડાથી સજેલા દેવદારના ઝાડની સાથે, મસૂરી કોઇપણ આંતરરાષ્ટ્રીય શીતકાલીન સ્થળ જેટલું સારુ છે.
ભારતમાં જ્યારે અંગ્રેજી શાસન હતું ત્યારે અંગ્રેજોની પસંદગીની જગ્યા મસૂરી હતી. તેઓ પોતાનો ઘણો સમય મસૂરીના આ હિલ સ્ટેશન પર પસાર કરતા હતા. આ કારણે અહીંનું કલ્ચર પણ અંગ્રેજોના જમાનાનું છે. મસૂરીથી 7 કિલોમીટર દૂર લેંડોર (Landour) છાવણી એરિયા છે. અહીં તમને ઘણી શાંતિનો અનુભવ થશે. લેંડોરના બજારમાં તમે શોપિંગ પણ કરી શકો છો. અહીં કેટલાક પોઇન્ટ છે જ્યાંથી લેંડોરની સુંદરતાની નિહાળી શકાય છે. દહેરાદૂનથી મસૂરી ફક્ત 35 કિલોમીટર છે. જ્યારે દિલ્હીથી આ અંતર 270 કિલોમીટર છે.
3. યુમથાંગ, સિક્કીમ
ભારતમાં બરફવર્ષા માટે સૌથી સારી જગ્યાઓમાંની એક સિક્કિમમાં યુમથાંગ છે. આ શહેરમાં લગભગ આખુ વર્ષ બરફવર્ષા થાય છે. યુમથાંગને ફૂલોની ખીણ કહેવાય છે. કારણ કે તેમાં શિંગબા રોડોડેંડ્રોન સેક્ચુરી છે. આ સેંક્ચૂરીમાં રોડોડેંડ્રોનની 24 પ્રજાતિઓ મળી જશે, જે સિક્કીમનું રાજ્ય ફૂલ છે. આ ઉપરાંત, યુમથાંગ ખીણ ટ્રેકિંગ અને કેમ્પિંગ જેવી એટ્રેક્ટિવ એક્ટિવિટીઝ માટે પણ ફેમસ છે. યુમથાંગ ખીણ તરફ જતા રસ્તામાં તમે પૌહુનરી અને શુંડુ ત્સેંપાની સાથે શિખરોના શાનદાર દ્રશ્યની સાથે સાથે ઝરણાં જોઇ શકો છો. યુમથાંગમાં એટીએમ નથી જેથી તમે તમારી સાથે જરુરી રોકડ લઇને જજો.
આપને જણાવી દઇએ કે તમે જ્યારે યુમથાંગ ફરવા જાઓ તો પહેલા ગંગટોકથી લાચુંગ સુધી યાત્રા કરી અને રાતે રોકાઇને સવારે યુમથાંગની યાત્રા કરજો. કારણ કે સીધા એક દિવસમાં યુમથાંગની યાત્રા કરવી ઉચિત નથી. સૌથી મહત્વની વાત એ કે યુમથાંગ ફરવા માટે વિશેષ પરમિટની જરુર પડે છે એટલે યાત્રા પર જતા પહેલા પરમિટ જરુર મેળવી લો.
4. મનાલી, હિમાચલ પ્રદેશ
તેમાં કોઇ શંકાને સ્થાન નથી કે મનાલી ભારતના સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનોમાંનું એક છે, જે મોટાભાગના લોકોનું ફેવરિટ પર્યટન સ્થળ છે. શિયાળામાં અહીંના પહાડ સફેદ બરફની ચાદરથી ઢંકાઇ જાય છે. બર્ફિલી હવાઓ, સામાન્ય વરસાદ અને ભારે બરફવર્ષાની સાથે બરફથી ઢંકાયેલા પહાડ અને ચીડના ઝાડ શાનદાર લાગે છે. ત્યાં ઇગ્લૂમાં રહો અને પિક્ચર પરફેક્ટ નજારાનો આનંદ લો.
5. તવાંગ, અરુણાચલ પ્રદેશ
સૌથી સુંદર બરફવર્ષાનો અનુભવ લેવો છે, તો અરુણાચલ પ્રદેશના તવાંગ શહેરમાં જાઓ. ત્યાં બરફવર્ષા પછીનો નજારો એવો થઇ જાય છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તવાંગ દુનિયાના સૌથી મોટા બૌદ્ધ મઠોમાંનું એક છે. સામાન્ય રીતે નવેમ્બરથી તવાંગમાં બરફવર્ષા શરુ થઇ જાય છે અને તાપમાન શૂન્યથી નીચે જતું રહે છે. લોભામણા નૂરનાંગ ફૉલ્સ, શાંત માધુરી સરોવર અને સેલા પાસ, અહીં ફરવા માટે સૌથી સારી જગ્યાઓમાંની એક છે.
તો આ છે ભારતની 5 બેસ્ટ જગ્યાઓ જ્યાં તમે સ્નોફોલનો આનંદ ઉઠાવી શકો છો. પોતાની સાથે ગરમ કપડા લઇને જાઓ એવું પ્લાનિંગ કરો જેમાં સ્કીઇંગ, સાઇટ સીઇંગ અને કેફે જવાનું સામેલ હોય.