લદ્દાખના 6 ટ્રેકિંગ રૂટ્સ જે દરેક રોમાંચ પ્રેમીએ જરૂર ટ્રાય કરવા જોઇએ

Tripoto
Photo of લદ્દાખના 6 ટ્રેકિંગ રૂટ્સ જે દરેક રોમાંચ પ્રેમીએ જરૂર ટ્રાય કરવા જોઇએ by Paurav Joshi

થોડાક વર્ષો પહેલા સુધી લદ્દાખ અને ટ્રેકિંગ એકસાથે સાંભળવામાં જરા વિચિત્ર લાગતું હતું. લદ્દાખમાં ઘણા બધા ટ્રેકિંગ રૂટ છે, પરંતુ તમામ રૂટ એટલા ઉજ્જડ અને ખતરનાક છે કે ભાગ્યે જ કોઈ તેના પર ટ્રેકિંગ માટે જવાનું વિચારી શકે. પરંતુ આજે લદ્દાખનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. દર વર્ષે હજારો ટૂરિસ્ટ માત્ર ટ્રેકિંગ માટે લદ્દાખ પહોંચે છે. લદ્દાખ બાઇકિંગ માટે તો શ્રેષ્ઠ સ્થળ છે જ અને છેલ્લા કેટલાક વર્ષોમાં તે ટ્રેકિંગ માટે પણ લોકોમાં પ્રિય બની ગયું છે. ખરબચડા પહાડોમાંથી પસાર થવાથી લોકોને સાહસ જેવો અનુભવ થાય છે. લદ્દાખમાં નવા નિશાળીયા અને અનુભવી ટ્રેકર્સ બંને માટે ઘણા વિકલ્પો છે. જેમાંથી અમે તમારા માટે આ 6 શ્રેષ્ઠ રૂટ ખાસ પસંદ કર્યા છે.

1. દીગર લા ટ્રેક

જો તમે લદ્દાખને સંપૂર્ણ રીતે અનુભવવા માંગતા હોવ તો તમારે દીગર લા ટ્રેક કરવું જોઈએ. સિંધુ ખીણ અને લેહને નુબ્રા ખીણ સાથે જોડતો આ ટ્રેક કરવો કોઈ સરળ કાર્ય નથી. આ ટ્રેક કરવા માટે, તમારે હિંમત અને સહનશક્તિ તેમજ જુસ્સાની જરૂર છે. કારણ કે આ ટ્રેક ખૂબ જ ઊંચાઈ પર જાય છે, ઉપરથી નીચે જોવામાં ખૂબ જ સુંદર છે. તમે જેટલા ઉપર જાઓ છો, તેટલા વધુ આકર્ષક દૃશ્યો તમને જોવા મળશે. આ ટ્રેક પૂર્ણ કરવા માટે, તમે છેલ્લે પેંગોંગ લેક સુધી જઈ શકો છો જે આ ટ્રેકનો છેલ્લો પરંતુ સૌથી સુંદર ભાગ છે. ટ્રેકના થાક પછી પેંગોંગ તળાવના શાંત માહોલ અને સુંદર દૃશ્યોમાં તમને હળવાશનો અનુભવ થશે. તમારો થાક દૂર કરવાની આ સૌથી અસરકારક રીત છે. જો તમારે લદ્દાખનું ન જોયેલું અને રસપ્રદ ચિત્ર જોવું હોય તો દિગર લા ટ્રેક કરતાં વધુ સારું બીજું કંઈ નથી.

2. પરાંગ લા ટ્રેક

જો તમને ટ્રેકિંગનો અનુભવ હોય અને તમને પર્વતોની ઊંચાઈઓ ગમે છે, તો લદ્દાખમાં પરાંગ લા ટ્રેક ચોક્કસપણે તમારી બકેટ લિસ્ટમાં હોવો જોઈએ. લદ્દાખ અને સ્પીતિની કોતરોને જોડતા આ ટ્રેકમાં તમને તે મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એક સમય એવો હતો જ્યારે આ માર્ગનો વેપાર અને આવનજાવન માટે વ્યાપકપણે ઉપયોગ થતો હતો. પરંતુ રોડ બન્યા બાદ હાલમાં આ માર્ગ માત્ર સાહસ પ્રેમીઓ માટે એડવેન્ચરનું સાધન બની ગયો છે. આ ટ્રેક શરૂ કરવા માટેના બે વિકલ્પો છે. તમે આ ટ્રેકની શરૂઆત લેહના કરજોક ગામ અથવા સ્પિતિના કિબ્બરથી કરી શકો છો. એક તરફ અહીંના મોટાભાગના પ્રવાસીઓ પેંગોંગ લેક જોવા માંગે છે, જ્યારે આ ટ્રેકમાં તમને ત્સો મોરીરી લેક જોવાનો મોકો મળે છે, જેની સુંદરતા તમને આશ્ચર્યચકિત કરી દેશે.

3. કાંગ યાત્સે ટ્રેક

દિગર લા અને પરાંગ લા ટ્રેક્સની તુલનામાં આ ટ્રેક થોડો વધુ મુશ્કેલ છે. આ ટ્રેકનો મોટાભાગનો ભાગ સીધા ચઢાણનો હોવાથી, તે કરવો થોડો મુશ્કેલ છે. આ ટ્રેકમાં તમે દરેક થોડા અંતરે થાક અનુભવશો અને તમારી કસોટી પણ થશે. પરંતુ ટ્રેક પૂર્ણ કર્યા પછી રાહત પણ એટલી જ થશે. આ ટ્રેકની ખાસિયત એ છે કે તેમાં તમને ઝંસ્કાર વેલી અને તિબેટના કેટલાક ભાગોનો નજારો પણ જોવા મળે છે. જે આ ટ્રેકમાં તમારો ઉત્સાહ ભરી દે છે. લદ્દાખની સ્ટોક અને ઝંસ્કાર વેલી આ ટ્રેકને સુંદર નજારાઓથી ભરપૂર બનાવે છે જે મિનિટોમાં તમારો તમામ થાક દૂર કરી દે છે. આ ટ્રેકમાં તમને લદ્દાખનો પ્રખ્યાત હેમિસ નેશનલ પાર્ક જોવાનો મોકો પણ મળે છે, જે સોનામાં સુગંધ જેવી લાગણી આપે છે.

4. ત્સો મોરીરી ટ્રેક

લદ્દાખમાં આ ટ્રેક ઘણા કારણોસર લોકપ્રિય છે. સૌ પ્રથમ કારણ એ કે આ ટ્રેક થોડો વધુ મુશ્કેલ છે તેથી ટ્રેકિંગ વિશ્વના શરૂઆતના દિવસોમાં દરેક ભટકનાર આ ટ્રેક કરતા પહેલા બે વાર વિચારે છે. પરંતુ આ ટ્રેક જેટલો અઘરો છે, તેના નજારા પણ એટલા જ આશ્ચર્યજનક છે. વેલ આ ટ્રેક માનવામાં આવે છે તેટલો મુશ્કેલ પણ નથી. તેના ભવ્ય લેન્ડસ્કેપમાંથી પસાર થવું એ માત્ર થોડાક જ લોકોના નસીબમાં હોય છે. આ ટ્રેક કરવાની હિંમત કોણ કરી શકે. આ ટ્રેક તેના સુંદર દૃશ્યોથી ભરેલા માર્ગ માટે જાણીતો છે. આ ટ્રેકનો રૂટ રુપશુ ખીણ અને ક્યામર ખીણમાંથી પસાર થાય છે. આ બે ખીણો પાર કર્યા પછી એક કુમાર લા આવે છે જે પછી ક્યામાયુરી લા આવે છે. આ ટ્રેકનું છેલ્લું સ્ટોપ કરજોક છે જે ટ્રેક પૂર્ણ થયાનો અહેસાસ કરાવે છે.

5. ખરનાક ટ્રેક

Photo of લદ્દાખના 6 ટ્રેકિંગ રૂટ્સ જે દરેક રોમાંચ પ્રેમીએ જરૂર ટ્રાય કરવા જોઇએ by Paurav Joshi

જો તમે સુંદર રસ્તાઓ અને અદ્ભુત દૃશ્યો ઉપરાંત કંઇક બીજુ પણ જોવા માંગતા હો, તો તમારે ખરનાક ટ્રેક પર આવવું જોઈએ. ખર્નાક ટ્રેક લદ્દાખના આદિવાસી વિસ્તારોમાંથી પસાર થાય છે, જેના કારણે ટ્રેકર્સને કેટલાક નવા અને રસપ્રદ પાસાઓ પણ જોવા મળે છે. આ વિશેષતાને કારણે આ ટ્રેકને નોમેડ ટ્રેક તરીકે પણ ઓળખવામાં આવે છે. આદિવાસી વિસ્તારો ઉપરાંત, આ ટ્રેક તમને લદ્દાખ વિશેના કેટલાક રસપ્રદ તથ્યો વિશે જાણવાની તક પણ આપે છે. જેમાં સૌથી મહત્વની વાત એ છે કે લદ્દાખને ઠંડું રણ કેમ કહેવામાં આવે છે. ઉજ્જડ પહાડો, ઉંચા અને ઢોળાવના માર્ગો અને ખીણના મનમોહક દૃશ્યો ટ્રેકને પૂર્ણ કરે છે.

6. રુમ્બક વેલી ટ્રેક

જો તમારે લદ્દાખના સૌથી અંદરના અને અજાણ્યા ભાગોને એક્સપ્લોર કરવા છે તો તમારે આ ટ્રેક કરવો જોઇએ. આ ટ્રેક કરવો બિલકુલ સરળ નથી. તેથી જો તમને ટ્રેકિંગનો વધુ અનુભવ ન હોય તો તમારે આ ટ્રેક પર આવવાનું ટાળવું જોઈએ. આ ટ્રેક હેમિસ નેશનલ પાર્કથી શરૂ થાય છે. ત્યારબાદ ધીમે ધીમે તમે રુમ્બક ખીણ તરફ આગળ વધો છો. આ ટ્રેકમાં તમે લદ્દાખ અને ખાસ કરીને રુમ્બક વેલીનો સાંસ્કૃતિક ઈતિહાસ સારી રીતે જાણી શકશો. તમે આ ટ્રેકમાં સ્નો લેપર્ડ અને ઈબેક્સ પણ જોઈ શકો છો. આ ટ્રેક પૂર્ણ કરવામાં લગભગ 8 થી 9 દિવસનો સમય લાગે છે. આ ટ્રેક તમને ખૂબ જ ઊંચાઈ પર લઈ જાય છે, તેથી સ્ટેમિના હોવો વધુ જરૂરી છે.

નોંધ: આમાંના કેટલાક ટ્રેક કરવા માટે પરમિશન લેવી ફરજિયાત છે. તેથી કોઈપણ યોજના બનાવતા પહેલા તમામ નિયમોની માહિતી લેવી જરૂરી છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads