રાજસ્થાનના સુંદર શહેર ઉદયપુર વિશે આપણે બધાએ સાંભળ્યું જ હશે અને દરેક તેની મુલાકાત લેવા પણ માંગતા હશે. શું તમે ભારતમાં બીજા ઉદયપુર વિશે જાણો છો અને સાંભળ્યું છે? હું શરત લગાવું છું કે તમને ત્રિપુરાના ઉદયપુર વિશે બિલકુલ ખ્યાલ નહીં હોય. હા, ભારતના નકશા પર બે ઉદયપુર છે. ત્રિપુરાની રાજધાની અગરતલાથી 50 કિ.મી. દૂર ઉદયપુર છે. રાજસ્થાન અને ત્રિપુરા ઉદેપુરમાં એક વસ્તુ સમાન છે. ઉદયપુર તેના ઐતિહાસિક મંદિરો અને તળાવો માટે જાણીતું છે. ત્રિપુરાના ઉદયપુરની વચ્ચેથી ગુમટી નદી વહે છે અને મંદિરો, તળાવો તેને વધુ વિશિષ્ટ બનાવે છે.
ઉદયપુર
ત્રિપુરાનું ઉદયપુર ઘણા મંદિરો અને તળાવોનું ઘર છે. અહીંની સુંદર જગ્યાઓ ઉદયપુરના પ્રવાસનને વધારવા માટે કામ કરી રહી છે. જો તમને ત્રિપુરાના ઉદયપુર વિશે બિલકુલ ખ્યાલ નથી, તો અમે તમારી મુશ્કેલીઓ દૂર કરી દઇએ. અમે ઉદયપુરમાં ક્યાં અને કેવી રીતે ફરવું તેનું સંપૂર્ણ લિસ્ટ બનાવ્યું છે જે તમને ફરવા માટે મદદ કરશે.
માતબારી
જ્યારે તમે ત્રિપુરાના ઉદયપુરમાં હોવ, ત્યારે તમે ત્રિપુરાના સૌથી પ્રસિદ્ધ મંદિર સુંદરી મંદિરની મુલાકાત લેવાનું બિલકુલ ચૂકી ન શકો. આ પ્રાચીન મંદિર માતબારી મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિર લગભગ 500 વર્ષ પહેલા મહારાજા ધન માણિક્ય દેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર માત્ર ત્રિપુરાના લોકો માટે જ નહીં પરંતુ ભારતના લોકો માટે પણ ઘણું મહત્વ ધરાવે છે. મંદિરમાં દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે. કાલ્યા તળાવ મંદિરની બાજુમાં છે. અહીં આવતા લોકો આ તળાવમાં જરુર ડૂબકી લગાવે છે. આ મંદિર સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
નીરમહલ
નામ પરથી જ ખબર પડે છે કે તે પાણી પર બનેલો મહેલ છે. ઉદયપુરના નીરમહેલનું નિર્માણ 1939માં મહારાજ બિક્રમ કિશોરે રૂદ્રસાગર તળાવ પર કરાવ્યું હતું. રાજવી પરિવાર માટે બનેલા આ મહેલમાં 24 મોટા રૂમ છે. આ મહેલ મુઘલ અને જૂના સ્થાપત્યનું મિશ્ર સ્વરૂપ છે. આ સુંદર મહેલ જોવા માટે હોડીમાં જવું પડે છે. આ મહેલમાં જવા માટે તમારે 50 રૂપિયા ચૂકવવા પડશે. ઉદયપુરનો નીરમહેલ સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લો રહે છે.
બિજોય સાગર
જ્યારે તમે ત્રિપુરાના તળાવોના શહેરમાં હોવ ત્યારે તમને માત્ર તળાવો જ જોવા મળશે. બિજોય સાગર ઉદયપુરનું સૌથી મોટું તળાવ છે. આને ઘણાં સમય પહેલા અહીંના લોકોની રોજિંદી જરૂરિયાતો માટે બનાવવામાં આવ્યું હતું. લોકો તેને મહાદેબ દીઘીના નામથી બોલાવે છે. આ 750 મીટરનું તળાવ હરિયાળીથી ઘેરાયેલું છે જે તેને વધુ સુંદર બનાવે છે. જ્યારે તમે તળાવની વચ્ચે હશો ત્યારે તમને આ જગ્યા સ્વર્ગથી ઓછી નહીં લાગશે.
તૃષ્ણા વન્ય જીવ અભયારણ્ય
જો તમે પ્રકૃતિ પ્રેમી છો, તો તમારે ત્રિપુરાના ઉદયપુરથી એક કલાકના અંતરે સ્થિત તૃષ્ણા વન્યજીવ અભયારણ્યની મુલાકાત લેવી જ જોઈએ. આ વન્ય જીવન અભયારણ્ય પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ માટે પણ જાણીતું છે. આ સ્થળ બર્ડ વોચિંગ અને પ્રકૃતિને પસંદ કરનારા લોકો માટે યોગ્ય છે. જો તમે નસીબદાર છો, તો તમે અહીં દીપડાને પણ જોઈ શકો છો. આ સિવાય તમે અહીં તૃષ્ણા તળાવની મુલાકાત લઈ શકો છો. જેમાં 30 મિનિટ ચાલવા માટે 20 રૂપિયા લાગે છે. સાથે જ તૃષ્ણા વન્યજીવ અભયારણ્યમાં જવા માટે 6 રૂપિયા ચૂકવવા પડે છે. આ વન્યજીવ અભયારણ્ય સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
પિલક
જો તમે ઐતિહાસિક અને જૂના સ્થળો જોવા માંગતા હોવ તો ઉદયપુરમાં આવેલ પિલક ફરવા માટેનું એક ઉત્તમ સ્થળ છે. આ એક પુરાતત્વીય સ્થળ છે. અહીં 8મી સદીની કલાકૃતિઓ અને ટેરાકોટા તળાવ છે. જો તમે ત્રિપુરાના ઉદયપુર જાવ તો આ જગ્યા ચોક્કસ જુઓ.
ખોરાક
ત્રિપુરા જેવા સુંદર રાજ્યમાં જવું અને ત્યાંનું સ્થાનિક ભોજન ન ખાવું શક્ય નથી. તમે ત્રિપુરાના ઉદેપુરમાં લોકલ ડિશ અવન્દ્રુ, મુયા બાઈ વહાન અને ગુડોક જેવી વાનગીઓ ખાઈ શકો છો. આ સિવાય ભાત, ડુક્કર અને વાંસમાંથી બનેલી વાનગીનો પણ સ્વાદ માણી શકાય છે. તમે અહીં ચાઈનીઝ પણ ખાઈ શકો છો.
ક્યારે જશો?
ત્રિપુરાના ઉદયપુર જવા માટે ઓક્ટોબરથી મે મહિનો શ્રેષ્ઠ સમય છે. તે સમયે અહીંનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા હોય છે.
કેવી રીતે પહોંચવું
ઉદયપુર ત્રિપુરાનું ત્રીજું સૌથી મોટું શહેર છે. તમે ત્રિપુરાની રાજધાની અગરતલાથી રોડ અને ટ્રેન દ્વારા સરળતાથી ઉદયપુર પહોંચી શકો છો.
ફ્લાઇટ દ્વારા: જો તમે ફ્લાઇટ દ્વારા ઉદયપુર પહોંચવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ મહારાજા બીર બિક્રમ એરપોર્ટ છે. નવી દિલ્હીથી અગરતલા સુધી એક રાઉન્ડ ટીપનો ખર્ચ 15,000 રૂપિયા થશે.
ઉદયપુરમાં રિક્ષા સૌથી સસ્તી અને લોકો માટે સામાન્ય વસ્તુ છે. સ્થાનિક લોકો લાંબા અંતરની મુસાફરી માટે બસ અને ટેક્સીનો ઉપયોગ કરે છે.
ક્યાં રહેશો?
બજેટ ટ્રાવેલર્સ: બજેટ ટ્રાવેલર્સ માટે ગુણબતી યાત્રી નિવાસ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં એક રાત્રિ રોકાણનું ભાડું રૂ.900 છે.
લક્ઝરી ટ્રાવેલર્સઃ અહીંની ઈમ્પીરીયલ હોટેલ સારી સગવડો સાથે રહેવા માટે એક ઉત્તમ સ્થળ છે. આ હોટલમાં એક રાત્રિ રોકાણનું ભાડું 2 હજાર રૂપિયા છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો