વેકેશનમાં સાપુતારા સિવાય ગુજરાતના કોઇપણ ખુણે જાઓ તો તમને ગરમી જ લાગશે. આવી જ હાલત આપણા પડોશી રાજ્ય રાજસ્થાનની પણ છે. પરંતુ રાજસ્થાનમાં કેટલાક વિશાળ તળાવો છે જેના કિનારે બેસીને તમે ઠંડકનો અનુભવ કરી શકો છો. તો આવો આજે આપણે આવા જ કેટલાક તળાવો વિશે વાત કરીએ.
લેક પિચોલા
લેક પિચોલા ઉદયપુરનું સૌથી જુનું અને મોટું તળાવ છે. આ તળાવ તેની સુંદરતા અને તેની આસપાસના દ્રષ્યોને લઈને ખૂબ જાણીતું છે. આ તળાવ અહીં આવનારા યાત્રીઓને તેની સુંદરતા અને વાતાવરણથી આકર્ષિત કરે છે. સાંજના સમયે આ જગ્યા સોનેરી રંગમાં ડૂબેલી જોવા મળે છે. અહીંનું સુંદર દ્રશ્ય પ્રવાસીઓને એક જુદી જ દુનિયામાં લઈ જાય છે. આ તળાવમાં સૌથી લોકપ્રય એવા જગ મંદિરની પણ મુલાકાત કરી શકાય છે.
ફતેહ સાગર લેક
ફતેહ સાગર તળાવ ઉદયપુર શહેરના આકર્ષણોમાં મુખ્ય છે. આ એક માનવ નિર્મિત તળાવ છે જેનું નામ મેવાડના મહારાજ મહારાણા ફતેહ સિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે. અહીં અરવલ્લીની ગિરીમાળાઓની વચ્ચે બોટિંગ કરવો એક સુખદ અનુભવ છે. ફતેહ સાગર તળાવ એક વર્ગ કિલોમીટરમાં ફેલાયેલુ છે. અહીંથી સનસેટનો નજારો ખૂબ જ અહલાદક છે.
બડી લેકઃ
ઉદયપુરના સૌથી મોટા તળાવ ફતેહસાગરથી દસેક કિલોમીટર ઉપર સુંદર બડી લેક આવેલું છે. પર્વતોની વચ્ચે સુંદર તળાવ પાસે મુલાકાતીઓ માટે એક પાર્ક બનાવવામાં આવ્યો છે. અહીં ઝરૂખામાં બેસીને તમે કલાકો સુધી આ જગ્યાનું સૌંદર્ય માણી શકો છો. આ જગ્યા પ્રવાસીઓમાં ખાસ જાણીતી ન હોવાથી અહીં તમે ભીડભાડથી દૂર પ્રકૃતિના સાંનિધ્યમાં સમય વીતાવી શકો છો. અહીં વહેલી સવારે કે ઢળતી સાંજે જઈને સૂર્યોદય કે સૂર્યાસ્ત જોવાની મજા જ કંઈ ઓર છે.
ઉદયપુરથી લગભગ 12 કિલોમીટર દૂર બડી ગામમાં મહારાણા રાજ સિંહ પહેલાએ (1652-1680) આ તળાવનું બાંધકામ કરાવ્યું હતું. તેની પાછળનો આશય પ્રજાને દુકાળથી બચાવવાનો હતો. તળાવનું નામ રાજાની માતા જ્ઞાન દેવીના નામ પરથી જ્ઞાન સાગર પાડવાાં આવ્યું હતું. તળાવ 155 ચો. કિ.મીના વિસ્તારમાં ફેલાયેલું છે. તેના કિનારે કળાકૃતિવાળી છત્રીઓ કે ઝરૂખા બનાવવામાં આવ્યા છે. 1973માં પડેલા દુકાળ દરમિયાન આ તળાવે ઉદયપુરના લોકોના જીવ બચાવ્યા હતા. અહીં હજુ સુધી કોઈ ખાસ બાંધકામ ન થયું હોવાથી તમે કુદરતી નજારાનો પૂરેપૂરો મન ભરીને આનંદ માણી શકો છો.
બડી લેકના રસ્તે થોડા આગળ જઈને તમે પહાડો પર ટ્રેકિંગની મજા પણ માણી શકો છો. પહાડની બંને બાજુ તળાવ વિસ્તરેલું છે. શિખર પરથી આ નજારો સ્વર્ગ જેવો લાગે છે. એડવેન્ચર ગમતુ હોય અને નેચર લવર હોવ તો ઉદયપુર જાવ ત્યારે આ જગ્યા મિસ કરવા જેવી નથી. આ અનુભવ તમે જીવનભર નહિ મૂકી શકો.
નક્કી લેક, માઉન્ટ આબુ :-
નક્કી ઝીલ (લેક) એક રસિયા બાલમ નામના વ્યક્તિએ એના નખોથી નિર્માણ કર્યું હતું. રસિયા પ્રાચીન સમયમાં આબુમાં કામ કરવા ગયો હતો ત્યાં તેને રાજકન્યા સાથે પ્રેમ થઈ ગયો અને પછી તે રાજકન્યાના પિતાએ શરત રાખી કે એના નખોથી એક જ રાતમાં ઝીલનું નિર્માણ કરશે તો તેના લગ્ન પોતાની દીકરી સાથે કરશે. નક્કી લેક આજે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. નક્કી લેકમાં શિકારા, પેડલ બોટ, રો બોટ વગેરેની સુવિધા છે. તમે આખી બોટ પણ બુક કરાવી શકો છો. બોટિંગ ચાર્જ રૂ.150થી રૂ.800ની વચ્ચે છે. બોટિંગનો સમય સવારે 9.30 થી સાંજે 6 વાગ્યા સુધીનો છે.
આનાસાગર તળાવ, અજમેર :-
અનાર સાગર તળાવ અજમેરના સૌથી પ્રખ્યાત ટુરિસ્ટ પ્લેસમાંથી એક છે. આ એક કૃત્રિમ તળાવ છે, જેનું નિર્માણ પૃથ્વીરાજ ચૌહાણના દાદા આનાજી ચૌહાણે બારમી સદીના મધ્યમાં કરાવ્યુ હતુ. જોકે આનાજીએ તેનું નિર્માણ કરાવ્યું હતું, તેથી આ તળાવને આના તળાવ કેહવામા આવે છે. આ તળાવ ખૂબ સુંદર છે, અને તમે અહી તળાવના કિનારે બેસીને આરામથી થોડી ક્ષણો વિતાવી શકો છો. આ ઉપરાંત, અહી બોટિંગ કરવાનો પણ એક સારો વિકલ્પ છે. બોટિંગ કરતી વખતે તમે શહેરની પ્રાકૃતિક સુંદરતા જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે તળાવમાં પ્રવેશ ફ્રી છે. બોટિંગ રાઇડ માટે તમારે 160 રૂપિયા ખર્ચવા પડશે.
જયસમંદ લેક
જયસમંદ લેક ઉદેપુરથી લગભગ 1 કલાકના અંતરે આવેલું છે. જેને ઢેબર લેક તરીકે પણ ઓળખવામાં આવે છે. 100 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું, જયસમંદ તળાવ ગોવિંદ બલ્લભ પંત સાગર પછી ભારતનું બીજું સૌથી મોટું માનવસર્જિત તળાવ છે. તળાવ જયસમંદ વન્યજીવ અભયારણ્યથી ઘેરાયેલું છે, જે વિવિધ દુર્લભ પ્રાણીઓ અને સ્થળાંતર કરનારા પક્ષીઓનું ઘર છે. ઉદયપુરની રાણીનો ઉનાળુ મહેલ આ સરોવરના આકર્ષણમાં વધારો કરે છે. તળાવના ડેમ પર શિવને સમર્પિત છ મંદિરો છે. મહારાણા જયસિંહે પોતે 1685માં ઢેબર તળાવ અથવા જયસમંદ તળાવ બનાવડાવ્યું હતું. 36 ચોરસ માઇલના વિસ્તારને આવરી લેતું આ તળાવ 1902માં અંગ્રેજોએ ઇજિપ્તમાં અસવાન ડેમ બનાવ્યો ત્યાં સુધી એશિયાનું સૌથી મોટું માનવસર્જિત તળાવ હતું.
અહીં એન્ટ્રી ટિકિટ 10 રૂપિયા છે. બોટિંગમાં અલગ-અલગ રેટ છે. લેકમાં થોડેક સુધી ચક્કર મારવું હોય તો પ્રતિ વ્યક્તિ 100 રૂપિયા ચાર્જ છે. લાંબુ ચક્કર મારવું હોય તો 200 રૂપિયા ટિકિટ છે. લેકના કિનારે માછલીઓ મોટી સંખ્યામાં એટલે લોકો માછલીને ખોરાક નાંખે છે. લેક પર ઠેકઠેકાણે તમને 10-10 રૂપિયામાં માછલીને ખવડાવવાનો ખોરાક વેચતા લોકો મળી જશે.
રાજસમંદ લેક
રાજસમંદ તળાવ (રાજસમંદ લેક) મહારાણા રાજ સિંહ દ્વારા ઇસ.1662માં એક મોટી દુષ્કાળ રાહત યોજના હેઠળ બનાવવામાં આવ્યું હતું. લાંબા સમય પછી, જ્યારે આ નાનું શહેર જિલ્લો બન્યું, ત્યારે રાજસમંદ તળાવને કારણે તેનું નામ પણ રાજસમંદ જિલ્લા પડ્યું. એવું કહેવાય છે કે રાજસમંદ સરોવર પર પાલનું નિર્માણ પૂર્ણ કરવામાં 14 વર્ષ લાગ્યા હતા. રાજસમંદ તળાવ એશિયાનું બીજા નંબરનું સૌથી મોટું મીઠા પાણીનું તળાવ છે. ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે બનેલ રાજસમંદ તળાવ મેવાડના સૌથી મોટા તળાવોમાંનું એક છે.
બ્રિટિશ કાળમાં તળાવના કિનારે એક નાનકડી હવાઈ પટ્ટી પણ બનાવવામાં આવી છે, ત્યારબાદ અહીં પાણી પર વિમાનો ઉતરતા હતા. અહીં તળાવના કિનારે ભગવાન દ્વારકાધીશનું પવિત્ર મંદિર આવેલું છે, દર્શનાર્થીઓ દૂર-દૂરથી ભગવાનના દર્શન કરવા અને પવિત્ર તળાવમાં સ્નાન કરવા આવે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો