
ગુજરાતમાં અનેક એવા મંદિરો છે જેની વાતો અનોખી છે. અહીંની પરંપરા સાંભળીને માણસોનું માથુ ચકરાઈ જાય. પણ વાત આસ્થાની હોય છે. તેથી અહી લાખો કરોડો લોકો શ્રદ્ધાથી માથુ ટેકવે છે. ગુજરાતમાં એક એવુ મંદિર આવેલું છે. જેમાં 600 થી વધુ વર્ષથી 650 કાળા માટીમાં ઘી સચવાયેલું છે. લગભગ આ 13 થી 14 હજાર કિલો જેટલુ ઘી છે. આ ઘી ઓછું થતું નથી. ક્યારેય બગડતું નથી. જીવાત કે ફુગ પડતી નથી. કુદરતી રીતે આ ઘી તરોતાજા જોવા મળે છે. આ એક શ્રદ્ધાનો વિષય છે. ત્યારે આજે આવા મંદિર વિશે જાણીએ.
રઢુ, વાત્રક નદીના કિનારે આવેલું અમદાવાદથી ૫૦ કિ.મી.ના અંતરે આવેલા ખેડા જીલ્લાનું ગામ. ગુજરાતના બીજા ગામોની માફક લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી. આંખે ઉડીને વળગે એવી કોઈ ખાસ ઉપલબ્ધિ વિનાનું સામાન્ય ગામ, જે ત્રણ સશક્ત ઓળખાણને કારણે બીજા ગામ કરતા વધુ મહત્વ ધરાવે છે. નડિયાદના સંતરામ મહારાજની સાત ગાદી માની એક ગાદી રઢુમાં આવેલી છે. બીજી ઓળખ ગુજરાતના મૂક સેવક તરીકે જાણીતા સ્વતંત્રસેનાની રવિ શંકર મહારાજની જન્મભૂમિ, અને ત્રીજી મહત્વની ઓળખ છે કામનાથ મહાદેવનું મંદિર. જેમાં ખાસ મંદિરમાં 620 વર્ષથી સચવાયેલા ઘી ભરેલા ૬૫૦થી વધારે માટીના મોટા કાળા માટલા. લોકો તેને ચમત્કારિક મંદિર કહે છે.

મંદિરના ઓરડામાં વર્ષોથી આ ઘી સચવાયેલું છે. સામાન્ય રીતે ઘી થોડો વધુ સમય પડી રહે તો તે તેમાંથી ગંધ આવે કે ફુગ લાગી જાય છે. અહી મંદિરના ઓરડામાં આટલા વર્ષોમાં ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડીમાં તપતા ધાબા નીચે માટલામા સંઘરાયેલું ઘી કોઈ પણ જાતની ગંધ વિના તાજુ રહ્યું છે. અને આ ઘીનો જથ્થો નાનોસૂનો પણ નથી. અહી 13 થી 14 હજાર કિલો જેટલુ ઘી સચવાયેલું છે.
કહેવાય છે કે, આ શિવ મંદિરમાં ઘીના જથ્થામાં ક્યારેય ઘટાડો થતો નથી, ઉપરથી તેમાં વધારો થતો જાય છે. તેની પરંપરા છે કે, મંદિરમાંના ઘીને ક્યારેય મંદિરની બહાર લઈ જવાતુ નથી. તેનો બીજો કોઈ ઉપયોગ પણ કરાતો નથી. માન્યતા મુજબ આમ કરનારને મોટું નુકશાન ભોગવવું પડે છે. મંદિરમાં પ્રજવલ્લિત રહેતી જ્યોત તથા મંદિરના પ્રાંગણમાં થતા યજ્ઞમાં તેનો ઉપયોગ કરાય છે. છતાં ઘીનો જથ્થો ઘટતો નથી.

ઘીના જથ્થામાં રોજબરોજ વધારો થઇ રહ્યો છે. જેને મંદિરની બહાર લઇ જવાતો નથી કે કોઈ જ રીતે બીજા ઉપયોગમાં લેવાતો નથી. માન્યતા મુજબ આમ કરનારને મોટું નુકશાન ભોગવવું પડે છે. આ માટે કામનાથ મહાદેવના ગર્ભસ્થાનમાં બે મોટી અખંડ જ્યોત આટલા જ વર્ષોથી સતત પ્રજ્વલ્લિત રહી છે. તદુપરાંત શ્રાવણ મહિનો આખો મંદિરના પ્રાંગણમાં ઘી હોમાત્મક યજ્ઞ રખાય છે. જેમાં કેટલુય ઘી હોમાવી દેવાય છે છતાં પણ વધારો અટકાવી શકતો નથી.
મંદિર સાથે જોડાયેલી માન્યતા
આટલા મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ અનેક માન્યતા જોડાયેલી છે. રઢુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઇ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચા જન્મે પછી તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં વર્ષે ૩૫ જેટલી માટીની ગોળીઓ ઘીથી આમાજ ભરાઈ જાય છે.

આ પછી દરેક પોતાની શ્રધ્ધા મુજબ માન્યતાઓ રાખે છે જે પૂરી થતા ઘી ચડાવે છે. કિલોથી લઈને ઘીના ડબ્બાઓ સુધીની ચઢામણી ગામેગામથી શ્રદ્ધાળુઓ દ્વારા આવે છે. આજ કારણે આજે ૧૩ હજારથી કિલોથી પણ વધારે ઘી અહી એકઠું થઈ ગયું છે. શ્રાવણ મહિનામાં અહી ભાવિક ભક્તોની ભીડ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતના બીજા ગામોમાંથી બસો દ્વારાલોકો દર્શન કરવા આવે છે. ખેડા જિલ્લામાં અનેક શિવાલયો વર્ષોપુરાણા હોવા સહિત ઐતિહાસિક સમયની યાદ અપાવે છે.
પાંચ નદીઓના સંગમસ્થાન પર આવેલ કામનાથ મહાદેવ મંદિર ૧૪૪પમાં બન્યું હોવાની લોકવાયકા છે. આજથી ૫૭૫ વર્ષ પહેલા આ મંદિરમાં મહાદેવજીની જયોત રઢુના જેસંગભાઇ હીરાભાઇ પટેલ વર્ષો પહેલા લાવ્યા હતા. તેઓ મહાદેવજીના ભકત જેસંગભાઇ દરરોજ સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ ખોરાક લેતા હતા. એક રાત્રિએ જેસંગભાઇને સ્વપ્ન આવ્યું હતું. જેમાં મહાદેવજીએ કહ્યું હતું કે, પુનાજ ગામેથી દીવો પ્રગટાવીને મને લઇ આવ.

આથી બીજી સવારે સ્વપ્નની વાત જેસંગભાઇએ ગ્રામજનોને કરતા સૌ શ્રદ્વાપૂર્વક રઢુથી આઠેક કિલોમીટર દૂર આવેલા પુનાજ ગામે પહોંચ્યા હતા અને ત્યાંથી દીવો પ્રગટાવીને સાથે લીધો હતો. કહેવાયછે તે સમયે વરસાદ અને ભારે પવન હતોછતાંયે દીવો અખંડ રહ્યો. સંવત ૧૪૪પમાં દીવાની સ્થાપના કરીને નાની ડેરી બનાવી હતી. ત્યારથી ગામ સહિત આસપાસના પંથકના ભાવિકજનો મહાદેવજીના દર્શને આવે છે. આટલાવર્ષો પછી પણ ભક્તજનોમાં આ સ્થાનકનું મહત્વ અને શ્રધ્ધા જળવાઈ રહ્યા છે.

અહી વરસોવરસ ઘીના વધારાને સંઘરવા જગ્યા ઓછી પડે છે. જેના કારણે સંવત ર૦પ૬ના શ્રાવણ માસથી દર વર્ષે મહિના દરમિયાન હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞ સવારે ૬ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ચાલે છે. જેમાં ઘીનો હોમ કરવામાં આવે છે. દિવસભર મોટી સંખ્યામાં ભાવિકજનો યજ્ઞના દર્શનાર્થ આવે છે. ઉપરાંત શ્રાવણ વદ બારસના દિવસે શ્રી કામનાથ દાદાનો મોટો મેળો ભરાય છે.

જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો કામનાથમહાદેવ જેમને લાડમાં દાદા કહે છે તેમની રથયાત્રા કરે છે. આખા ગામમાં ભક્તિ અને ભાવથી યાત્રા નીકળે છે. પ્રભુ દર્શનની સાથે ભાતીગળ લોકમેળાનો આનંદ મણે છે. મંદિરમાં ટ્રસ્ટ નીમાયું છે જેના કારણે વહીવટ સુવ્યવસ્થિત ચાલે છે. આજ ટ્રસ્ટની આગેવાની હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથીઅન્નક્ષેત્ર ચાલે છે જ્યાં અહી દર્શનાર્થે આવતા ભક્તોને જમવાની વ્યવસ્થા પૂરી પડાય છે.
રઢુ ગામની આસપાસ ૭ નદી છે. અહીં પર પુલ ના હોવાથી આજે પણ ગામમાં વરસાદનાં દિવસોમાં હંમેશા પુર આવી જાય છે પરંતુ ક્યારેય જાનહાનિ થઈ નથી. જો કે મંદિરનાં પ્રાંગણમાં પણ પાણી ભરાઈ જાય છે. શ્રાવણ માસમાં અહીં ભવ્ય મેળો થાય છે અને ઘણું બધું ઘી ચઢાવવામાં આવે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો