આપણા દેશમાં એવા ઘણાં મંદિર કે ધાર્મિક સ્થળ છે, જ્યાં મહિલાઓને જવાની અનુમતિ નથી હોતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિરોધના ઉઠતા અવાજોએ અને હાઇ કોર્ટે પણ મહિલાઓને તેમનો હક અપાવ્યો છે. હાજી અલી, શનિ શિંગળાપુર અને સબરીમાલા જેવી ધાર્મિક જગ્યાઓ, આ જ કારણોસર સમાચારોમાં ચમકી રહી હતી. પરંતુ તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં પણ એવા મંદિર છે, જ્યાં પુરૂષોની એન્ટ્રી બિલકુલ પ્રતિબંધિત છે કે કોઇ ખાસ સમય પર તેમને મંદિરમાં જવાની અનુમતિ મળે છે. આવો એક-એક કરીને તે મંદિરો અંગે તમને જણાવીએ છીએ.
કામરૂપ કામાખ્યા મંદિર
આ મંદિર આસામના ગુવાહાટીમાં આવેલું છે. કામાખ્યા મંદિર નીલાંચલ પર્વત પર બનેલું છે. માતાની બધી શક્તિપીઠોમાં કામાખ્યા શક્તિપીઠનું સ્થાન સૌથી ઉપર છે. માતાના રજોધર્મના દિવસોમાં અહીં ઉત્સવ મનાવવામાં આવે છે. આ સમયે પુરૂષોની એન્ટ્રી બિલકુલ બેન હોય છે. આ સમયગાળા દરમિયાન અહીંની પુજારી પણ એક મહિલા હોય છે.
મંદિર ધર્મ પુરાણો અનુસાર માનવામાં આવે છે કે આ શક્તિપીઠનું નામ કામાખ્યા એટલા માટે પડ્યું કે આ જગ્યા ભગવાન શિવની માં સતિ પ્રત્યે મોહ ભંગ કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી માતા સતીના 51 ભાગ કર્યા હતા જ્યાં આ ભાગ પડ્યા ત્યાં માતા એક શક્તિપીઠ બની ગઇ અને આ જગ્યા માતાની યોની પડી હતી, જે આજે ઘણી મોટી શક્તિપીઠ છે. આમ તો અહીં આખુ વર્ષ ભક્તોની ભીડ રહેતી હોય છે પરંતુ દુર્ગા પૂજા, પોહાન બિયા, દુર્ગાદેઉલ, વસંતી પૂજા, મદાનદેઉલ, અમ્બુવાસી અને મનાસા પજા પર આ મંદિરનું અલગ જ મહત્વ છે જેના કારણે આ દિવસોમાં લાખોની સંખ્યામાં ભક્તો અહીં પહોંચે છે.
બ્રહ્મદેવનું મંદિર
આ મંદિર રાજસ્થાનના પુષ્કરમાં આવેલું છે. ભગવાન બ્રહ્માનું મંદિર તમને આખા ભારતમાં ફક્ત અને ફક્ત આ જ જગ્યાએ જોવા મળશે. આ મંદિરને 14મી શતાબ્દીમાં બનાવાયું હતું, જ્યાં પરીણિત પુરૂષોના આવવા પર પ્રતિબંધ છે. એવું માનવામાં આવે છે કે દેવી સરસ્વતીના શ્રાપના કારણે અહીં કોઇપણ પુરૂષ નથી જઇ શકતો. એટલે પુરૂષ ફક્ત આંગણેથી જ હાથ જોડી લે છે અને પરિણીત મહિલાઓ અંદર જઇને પૂજા કરી શકે છે.
હિન્દુ ધર્મગ્રંથ પદ્મ પુરાણ અનુસાર એક સમયે ધરતી પર વજ્રનાશ નામના રાક્ષસે ઉત્પાત મચાવી રાખ્યો હતો. તેના વધતા અત્યાચારોથી તંગ આવીને બ્રહ્માજીએ તેનો વધ કર્યો. પરંતુ વધ કરતી વખતે તેમના હાથોથી ત્રણ જગ્યાઓ પર કમળ પુષ્પ પડ્યું, આ ત્રણે જગ્યાએ ત્રણ તળાવ બન્યા. આ ઘટના પછી આ સ્થળનું નામ પુષ્કર પડ્યું. આ ઘટના બાદ બ્રહ્માએ સંસારની ભલાઇ માટે અહીં એક યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો. બ્રહ્માજી યજ્ઞ કરવા પુષ્કર પહોંચ્યા પરંતુ કોઇ કારણવશ સાવિત્રી ત્યાં સમયસર ન પહોંચી શકી. યજ્ઞને પૂર્ણ કરવા માટે તેમની સાથે તેમની પત્નીના હોવું જરૂરી હતું. પરંતુ સાવિત્રીજીના ત્યાં ન પહોંચવાના કારણે ગુર્જર સમુદાયની એક કન્યા ગાયત્રી સાથે વિવાહ કરીને આ યજ્ઞ શરૂ કરી દીધો પંરતુ જ્યારે સાવિત્રી ત્યાં પહોંચી અને બ્રહ્માજીની બાજુમાં બીજી કન્યા જોઇ તો તે ક્રોધિત થઇ ગઇ અને તેણે ક્રોધમાં આવીને બ્રહ્માજીને શ્રાપ આપી દિધો.
ભગવતી દેવી મંદિર
કન્યાકુમારીના આ મંદિરમાં માં ભગવતીની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શિવને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે માં અહીં એકવાર તપસ્યા કરવા માટે આવી હતી. ભગવતી માતાને સંન્યાસ દેવી પણ કહેવાય છે. સન્યાસી પુરૂષ આ ગેટ સુધી જ માંના દર્શન કરી શકે છે. સાથે જ પરિણીત પુરૂષોને પણ આ મંદિરમાં જવાની અનુમતિ નથી.
આટટુકાલ દેવી મંદિર
તમને કદાચ એ ખબર ન હોય, પરંતુ કેરળના આ મંદિરનું નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધાયુ છે. કારણ કે, અહીં એકસાથે 30 લાખથી વધુ મહિલાઓ પોંગલ ઉત્સવમાં ભાગ લેવા આવી હતી. આ મંદિરમાં આ તહેવાર ઘણી ધૂમધામથી મનાવાય છે. મંદિરમાં વિશેષ રુપે ભદ્રકાળી દેવીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભદ્રકાળી માતા પોંગલ દરમિયાન દસ દિવસ સુધી મંદિરમાં નિવાસ કરે છે. મંદિરમાં પુરૂષોના આવવાની મનાઇ છે.
ચક્કુલાથુકાવુ મંદિર
કેરળમાં રહેલા મંદિરમાં માં દુર્ગાની પૂજા કરવામાં આવે છે. અહીં દર વર્ષે પોંગલમાં દિન નારી પૂજા કરવામાં આવે છે. આ 10 દિવસો સુધી ચાલે છે અને આ દરમિયાન પુરૂષોના અહીં આવવા પર પ્રતિબંધ હોય છે. પૂજાના અંતિમ દિવસે પુરૂષ, પુજારી મહિલાઓના પગ ધુએ છે.
સંતોષી માતા મંદિર
જોધપુરનું સંતોષી માતા મંદિરમાં પુરૂષ શુક્રવારના દિવસે નથી જઇ શકતા. જો પુરૂષ બાકી દિવસોમાં મંદિરમાં જઇ રહ્યા છે, તો ફક્ત માતાના દર્શન કરી શકે છે, પરંતુ પૂજા નથી કરી શકતા. હકીકતમાં શુક્રવારનો દિવસ માં સંતોષીનો દિવસ ગણાય છે. આ ખાસ દિવસે મહિલાઓ વ્રત રાખે છે. ત્યારે આ મંદિરમાં પુરૂષોના આવવા પર પ્રતિબંધ છે.