સપ્ટેમ્બર મહિનામાં આવશે ગણેશ ચતુર્થી. ગણેશ મહોત્સવ દેશ-દુનિયામાં ધૂમધામથી મનાવવામાં આવે છે. ગણપતિ બપ્પાના ભક્તો ગણેશ ચતુર્થીના દિવસે વિધ્નહર્તાને ઘરે લાવીને તેમની સ્થાપના કરે છે. 10 દિવસ સુધી તેમની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જન કરવામાં આવે છે. માન્યતા અનુસાર વિસર્જન બાદ બાપ્પા પોતાને ધામ ચાલ્યા જાય છે. ગણેશજીના આ શુભ પર્વમાં ભગવાન શ્રી ગણેશના 8 અવતારોનું ધ્યાન કરીને તમે પણ પોતાની મનોકામનાઓ પૂરી કરી શકો છો. રિદ્ધિ-સિદ્ધિના દાતા અને દુંદાળા દેવ ભગવાન ગણેશ પોતાના ચમત્કારો માટે પણ પ્રસિદ્ધ છે. દેશ-દુનિયામાં ઘણાં પ્રસિદ્ધ ગણેશ મંદિરો આવેલા છે. આપણા ગુજરાતમાં પણ ગણપતિના મંદિરો મોટી સંખ્યામાં છે જ્યાં ગણેશ ચતુર્થીએ લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. આજે આપણે આવા જ એક મંદિર વિશે ચર્ચા કરીશું.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર બે કિલોમીટર દૂર આવેલું ગૌણ ગણેશ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. ગણેશ ચતુર્થીએ માત્ર પંચમહાલ જ નહીં પરંતુ વડોદરા, અમદાવાદ, સુરતના શ્રદ્ધાળુઓ ગણેશજીને મસ્તક નમાવી પોતાની મન્નતો પૂરી કરે છે. આ સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની છે.
પોપટપુરા મંદિર પંચમહાલ જિલ્લાના ગોધરા વડોદરા હાઇવેથી અને વેજલપુર ગામથી 10 કિલોમીટર દૂર આવેલું છે. ગણેશજીની મૂર્તિ રિદ્ધિ સિદ્ધિ સહિત ઉભેલી મુદ્રામાં વિરાજમાન છે. આ મંદિરમાં પૂજા કરતા પૂજારીઓના 17 મી પેઢી એટલે કે ૭૦૦ વર્ષ જુનું માનવામાં આવે છે. ગણેશજીની મૂર્તિ ખૂબ જ ચમત્કારી છે તથા ગણેશજીની સૂંઢ જમણી બાજુ છે. જે શુભ અને મંગળકારી માનવામાં આવે છે.
પોપટપુરા ગણેશ મંદિરએ ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ગણેશ મંદિરમાં ચોથનું ખૂબ મહત્વ ધરાવે છે તથા દર ચોથે અને મંગળવારે મેળો ભરાય છે. દૂરદૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. તેમજ બહારગામથી આવતા ભક્તો માટે ભોજન તથા રહેવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં આ મંદિર ખુબ જ પ્રાચીન ગણાય છે કહેવાય છે કે જ્યારે ચાંપાનેરમાં નરેશનુ પતન થયું હતું, ત્યારે આ મૂર્તિ જમીનમાં સમાઇ ગઈ હતી. ત્યારે કેટલાક પંડિત વિદ્વાનો અને મહંતો દ્વારા વેદોપચાર હોમ હવનથી આ પોપટપુરા મંદિરની ભૂમિને પવિત્ર કરાઇ હતી. ત્યારબાદ ગણેશજીની મૂર્તિ જમીનમાંથી બહાર આવી હતી તેવું માનવામાં આવે છે. જે કુંડમાં હોમ હવન કર્યું હતું તે કુંડ હાલ પણ એ જગ્યા પર જ છે સાથે શિવ-પાર્વતીના દર્શન કરવાથી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વમાં પંચમહાલ જિલ્લામાં આવેલું પોપટપુરા ગણેશ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની જાય છે. આ મંદિરનું અનોખું મહાત્મય છે. અહીં સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ પ્રગટ થયેલી છે, જે લગભગ 700 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. અહીં ગોધરા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. ગોધરા તાલુકાના પોપટપુરા ગામ પાસે ગોધરા દાહોદ વડોદરા હાઇવે માર્ગ અડીને આવેલું આવેલું ગણેશ મંદિર ખૂબ જ પ્રચલિત છે અને લગભગ 700 વર્ષ પહેલા આ જગ્યાએ ગણેશ મૂર્તિ નીકળી હતી. હાલ ભક્તોને સહાયથી અહીં મંદિર બનાવવામાં આવ્યું છે.
અહીં દર મંગળવારે દાદાના ભક્તોનો ઘસારો જોવા મળે છે. આ મંદિરમાં સવારે ચાર વાગે મંગળા આરતી તથા સવારે સાત વાગ્યે શ્રુંગાર આરતી અને સાંજે સાત વાગ્યાના સુમારે સંધ્યા આરતી એમ ત્રણ ટાઈમ આરતી કરવામાં આવે છે. પોપટપુરા ગણેશ મંદિરે અંગારીકા ચોથને દિવસે અહીં મેળો ભરાય છે. તે દિવસે મોટી સંખ્યામાં દાદાના ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે કહેવાય છે કે અહીં મંગળવાર તથા ચોથ ભરવાથી દુંદાળા દેવ દરેકની મનોકામના પૂરી કરે છે. વધુમા હાઈવે માર્ગને અડીને આવેલુ હોવાથી અહી રસ્તેથી જતા આવતા લોકો પણ દાદાના દર્શન કરવાનુ ચુક્તા નથી.
ગણપતપુરા, ધોળકા
પોપટપુરા સિવાય પણ જો તમે અમદાવાદમાં રહો છો અને તમારે ગણેશજીના દર્શન કરવા છે તો નજીકમાં ગણપતપુરાનું પ્રાચીન મંદિર આવેલું છે. ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. ધોળકાથી 20કિ.મી જ્યારે અમદાવાદથી 60થી 62 કિ.મી અને બગોદરા નેશનલ હાઇવેથી 14 કિ.મી.ના અંતરે આ ગામ આવેલું છે. જેને લોકો ગણેશપુરા, ગણપતિપુરા,ગણપતપુરા ગણેશ ધોળકા જેવા નામથી ઓળખે છે.
આખા ભારતમાં ન જોવા મળતી મૂર્તિ અહીંયા જોવા મળે છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ ધરાવે છે.
ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. ગુજરાત તેમજ બહારનાં રાજ્યોમાંથી અહીંયા બેથી અઢી લાખ લોકો ચોથના દિવસે દર્શને આવે છે. અહીંયા દર્શને આવતા યાત્રિકો માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે.
ચોથના દિવસે ગણપતિદાદાને પ્રિય એવા 6,000 કિલો બુંદીના લાડુ અને 1500 કિલો ચૂરમાના લાડુ પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. ચોથના દિવસે દાદાનાં દર્શન સવારે ચાર વાગ્યાથી સાંજે ચંદ્રોદયની આરતી પછી અડધા કલાક સુધી ખુલ્લા રાખવામાં આવે છે.
આ મંદિર તરફથી અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. સવારના 10.30થી બપોરના 1.00 વાગ્યાસુધી અહી અન્નક્ષેત્રમાં રોજ ભકતો લાભ લે છે.
મંદિરનો ઈતિહાસ
ગણપતપુરાના આ મંદિરનો ઈતિહાસ લોકવાયકા મુજબ વિક્રમ સંવત 933ના અષાઢ વદ-4ને રવિવારના રોજ હાથેલમાંની જમીનના કેરડાના જાળાના ખોદકામ સમયે ગણપતિ દાદાની મૂર્તિ પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડે કંદોરા સાથે પ્રગટ થઈ હતી. વર્ષો પહેલા આ સ્થળે વન હતું. આ મૂર્તિને લઈ જવા માટે કોઠ, રોજકા અને વણકૂટા ગામના આગેવાનોમાં વિવાદ થયો હતો. ત્યાર બાદ જ્યારે મૂર્તિ ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું વગર બળદે ચાલવા લાગ્યું અને ગણપતિપુરાના ટેકરે જઈને ઊભું રહી ગયું અને મૂર્તિ આપમેળે ગાડામાંથી નીચે ઉતરી ગઈ. ત્યારથી તે સ્થળનું નામ ગણેશપુરા પડ્યું.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો