શ્રાવણ એટલે ભોળા શંભુની તપસ્યા કરવાનો મહિનો. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ શિવ મંદિરોમાં લોકો દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે શ્રાવણ માસની શરૂઆતને પગલે AMTS દ્વારા ધાર્મિક યાત્રા યોજના શરૂ કરવામાં આવી છે. જેને લઇને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતી AMTS બસની અમદાવાદ અને ગાંધીનગર કુલ 23 જેટલા ધાર્મિક સ્થળો પર દર્શન કરાવશે. જેમાં ટિકિટ દર પણ ઘટાડવામાં આવ્યો છે.
ટિકિટનો દર જાણી લો
AMTSમાં સામાન્ય દિવસોમાં ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં પુખ્ત વયના લોકોની 90 અને બાળકોની 45 રૂપિયા ટિકિટ હોય છે. જેને ઘટાડી પુખ્ત વયના લોકો માટે 60 અને બાળકો માટે 30 રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત રક્ષાબંધનના દિવસે પણ મહિલાઓ માટે મનપસંદ ટિકિટ યોજનામાં માત્ર 10 રૂપિયામાં મહિલાઓ મુસાફરી કરી શકશે. બાળકોની પાંચ રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે.
AMC દ્વારા પ્રથમવાર આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના કુલ 23 જેટલા અલગ-અલગ મંદિરોમાં પ્રવાસીઓને દર્શન કરાવવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે શ્રાવણ માસમાં લોકો મંદિરોમાં દર્શનનો લાભ વધુ લેતા હોય છે. નાગરિકો સસ્તા દરે શ્રાવણ માસમાં વિવિધ મંદિરોમાં દર્શન કરી શકે તેના માટે AMTS સત્તાધીશો દ્વારા ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ધાર્મિક બસ પ્રવાસ યોજના માટે ઓછામાં ઓછા 40 પ્રવાસીઓ હોવા જરૂરી છે. સવારે 8.15થી ઉપડી વિવિધ 23 મંદિરે ફરી સાંજે 4.15 વાગ્યે પરત લાવે છે.
મંદિરોની પસંદગી આ રીત થશે
આઠ કલાકના સમયમાં દર્શનનો લાભ લઈ શકાય તે રીતે મંદિરો નક્કી કરવાના રહેશે. આ યોજનાનો લાભ લેનાર લોકો જે સ્થળે નિશ્ચિત કરે ત્યાં બસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. લાલદરવાજા, મણિનગર, સારંગપુર અને વાડજ ટર્મિનસથી બસ ઉપલબ્ધ થાય છે. ધાર્મિક બસ પ્રવાસ યોજના માટે લોકોને પાંચ રૂટના ઓપ્શન આપવામાં આવ્યા છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મંદિરોના રૂટ અલગ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પુર્વમાં બે અને પશ્ચિમમાં બે તેમજ એક જનરલ રૂટ છે. જે પણ રૂટ ઉપર પ્રવાસીઓ નક્કી કરે તે રૂટ પર દર્શનનો લાભ તેમને આપવામાં આવશે.
આ મંદિરનો લાભ મળશે
એએમટીએસના રૂટમાં વૈષ્ણો દેવી મંદિર, હરેકૃષ્ણ મંદિર (ભાડજ), ત્રિમંદિર, જલારામ મંદિર, નરોડા બેઠક, લાંબા મંદિર, સોમનાથ મંદિર (ગ્યાસપુર), ઇસ્કોન મંદિર, સોલા ભાગવત મંદિર, ચકુડિયા મહાદેવ, નીલકંઠ મહાદેવ, જગન્નાથ મંદિર, મહાકાળી મંદિર, ગુરુદ્વારા એસ.જી.હાઇવે, તિરુપતિ બાલાજી, અક્ષર પુરષોત્તમ મંદિર, કર્ણમુક્તેશ્વર મહાદેવ, ભદ્રકાળી મંદિર, વિશ્વ ઉમિયાધામ (જાસપુર), સિદ્ધિ વિનાયક મંદિર (મહેમદાવાદ), કેમ્પ હનુમાન, પરમેશ્વર મહાદેવ, અસારવા બેઠક વગેરે જેવા મંદિરોના દર્શનનો લાભ મળશે.
મંદિરની ખાસિયતો
હરેકૃષ્ણ મંદિર, ભાડજ
હરેકૃષ્ણ મંદિરનું નિર્માણ એપ્રિલ, 2015માં અક્ષય તૃતિયાના પાવન દિવસે કરવામાં આવ્યું હતું. આ પહેલા થલતેજના એક ભાડાના બંગ્લોમાં મંદિરની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 2012માં દાનમાં મળેલી જમીન પર મંદિર નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી. અહીં ગીતાજયંતી, ગોવર્ધનપૂજા, દશેરા, સહિતના તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
મંદિર દ્વારા 'અક્ષય પાત્ર' કાર્યક્રમ હેઠળ બાળકોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવે છે. તે ગુજરાતની 1500 શાળામાં મધ્યાનભોજન પુરુ પાડે છે. દેશનું મોટું રસોડું અહીં આવેલું છે જે પાંચ કલાકમાં બે લાખ બાળકો માટે રસોઈ બનાવે છે. અહીં ભક્તો માત્ર આશીર્વાદ લેવા જ નહીં, પણ મનની શાંતિ માટે પણ આવે છે.
ઇસ્કોન મંદિર
ઈસ્કોન મંદિરને શ્રી રાધા ગોવિંદધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસને મિતાક્ષરમાં ISKCON તરીકે ઓળખવામાં આવે છે. આ સંપ્રદાય મુખ્યત્વે દક્ષિણ ભારતની ગૌડિય વૈષ્ણવ પરંપરા પર આધારિત છે, જેમાં શ્રીમદ્ ભગવતગીતામાં પ્રબોધાયેલા કૃષ્ણ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. ઈસ્કોન પરંપરાના મંદિરોમાં યોગેશ્વર શ્રીકૃષ્ણની સાથે રાધારાણીની મૂર્તિ પણ સ્થાપિત થયેલી હોય છે. ગૌડિય વૈષ્વણ પરંપરાના અનુયાયી અભયચરણારવિંદ ભક્તિવેદાંત સ્વામીએ અમેરિકાના ન્યુયોર્ક સિટી ખાતે ઈસ. ૧૯૬૬માં ઈસ્કોન સંપ્રદાયની સ્થાપના કરી હતી. શ્રીલ પ્રભુપાદ સ્વામી તરીકે ભાવિકોમાં જાણીતા ભક્તિવેદાંત સ્વામીએ અમેરિકા અને યુરોપમાં હરે ક્રિષ્ણા મૂવમેન્ટના માધ્યમથી વિદેશોમાં ઈસ્કોન મંદિરોની સ્થાપના કરી હતી.
તિરુપતિ બાલાજી મંદિર, એસ.જી.હાઇવે
આશરે 8,000 મીટર વિસ્તારમાં ફેલાયેલા અમદાવાદના બાલાજી મંદિર સંકુલમાં દ્રવિડ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા વેંકટેશ્વર મંદિર, કલ્યાણમંડપમ્, કલા અને સાંસ્કૃતિક કેન્દ્ર તથા ટીટીડી ઈન્ફર્મેશન-કમ-બુકિંગ સેન્ટરનો સમાવેશ થાય છે.
આ મંદિરના બાંધકામ માટેના ગ્રેનાઈટ બ્લોક્સ કાંચીથી ખરાદવામાં આવ્યા, ત્યારબાદ તેને તિરુપતિ લઈ જવાયા. જ્યાં ધર્મસ્થાન સ્થાપત્યના પરંપરાગત નિયમો અનુસાર આ બ્લોક્સને કાપીને કોતરણી કરવામાં આવી. તે પછી આશરે 25 ટ્રકમાં આ બ્લોક્સને લાદીને અમદાવાદ લાવવામાં આવ્યાં. મંદિરના બાંધકામમાં ત્રણ વર્ષનો સમય લાગ્યો. દ્રવિડ સંસ્કૃતિના મંદિરના સ્થાપત્યના જાણકાર એવા તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના આશરે 300 તાલીબદ્ધ અને અનુભવી કલાકારો જ્યાં સુધી મંદિરનું બાંધકામ પૂરું ન થયું ત્યાં સુધી અમદાવાદમાં જ રહ્યાં.
સિદ્ધિવિનાયનક મંદિર, મહેમદાવાદ
મહેમદાવાદમાં ગણેશજીના મુખાકારમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર તેના અનોખા સ્થાપત્યને કારણે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરને કુલ 4 માળ છે. વિશિષ્ટ વાત એ છે કે અહીં મંદિરનું ગર્ભગૃહ નીચે નહીં પરંતુ મંદિરના ચોથા માળે આવેલું છે. 56 ફૂટની ઉંચાઇએ મંદિરના ચોથા માળે ભગવાન સિદ્ધિવિનાયકની પ્રતિમા સ્થાપિત થયેલી છે. આ વિશાળ મંદિર 120 ફૂટની લંબાઈ, 71 ફૂટની ઉંચાઇ અને 80 ફૂટની પહોળાઈ ધરાવે છે.
મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરથી જ્યોત લાવી વાત્રક નદીના કિનારે અંદાજે રૂપિયા 14 કરોડના ખર્ચે 6 લાખ સ્ક્વેર ફીટના વિસ્તારમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરનું નિર્માણ સિમેન્ટ કે લોખંડનો વપરાશ કર્યા વિના વિશિષ્ટ રીતે કરાયું છે. નિર્માણ કાર્ય એક વર્ષ સુધી ચાલ્યું હતું. મંગળવાર તથા ગણેશ ચતુર્થી તેમજ વિવિધ તહેવારો પર અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો