વેલેન્ટાઇન્સ ડેઃ હાથમાં હાથ નાંખીને ફરો અને એકબીજામાં ખોવાઇ જાઓ અમદાવાદની આ જગ્યાઓમાં

Tripoto

ના તને ખબર પડી, ના મને ખબર પડી,

કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;

કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,

ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.

કવિ તુષાર શુક્લની આ પંક્તિ પ્રેમની ઉત્કટ લાગણીને દર્શાવે છે. વેલેન્ટાઇન્સ ડે એટલે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ. આ દિવસે ગિફ્ટ, ગુલાબનું ફુલ કે કાર્ડ આપીને પ્રેમીઓ પોતાની લાગણી વ્યક્ત કરે છે. પ્રેમને જાહેર કરવાની આ સિવાય પણ અનેક રીતો છે જેની આપણે આજે ચર્ચા નહીં કરીએ પરંતુ કહેવાય છે કે પ્રેમ સાચો હોય તો કોઇ ગિફ્ટની જરુર નથી ફક્ત તમારા પ્રિયજનનો સંગાથ જ કાફી છે. વેલેન્ટાઇન્સ ડે સેલિબ્રેટ કરવાની કોઇ ઉંમર નથી પરંતુ જો તમે યુવાન છો કે કોલજ લાઇફનો આનંદ માણી રહ્યા છો તો તમારા માટે આ દિવસ વિશેષ બની જાય છે. તમે પાર્ટનરની સાથે આખો દિવસ પસાર કરવા માંગો છો અને પછી રાતે ડિનર તો ખરું જ. અમદાવાદની ભીડભાડમાં એકાંત મળવુ ઘણું મુશ્કેલ છે પરંતુ શહેરમાં અને તેની નજીક કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં પાર્ટનર સાથે કેટલીક પળ માણી શકાય છે. તો આવો વાત કરીએ આવી જ કેટલીક જગ્યાએ વિશે.

સાબરમતી રિવર ફ્રન્ટ

Photo of વેલેન્ટાઇન્સ ડેઃ હાથમાં હાથ નાંખીને ફરો અને એકબીજામાં ખોવાઇ જાઓ અમદાવાદની આ જગ્યાઓમાં 1/5 by Paurav Joshi

છેલ્લા ઘણાં વર્ષોથી રિવર ફ્રન્ટ કપલ્સ અને તેમાંય ખાસ કરીને કોલેજના છોકરા-છોકરીઓ માટે ફેવરીટ જગ્યા બની ગઇ છે. રિવર ફ્રન્ટ પર સાબરમતી નદીની સુંદરતાને નિહાળતા કલાકો સુધી બેસી શકો છો. પાલડીથી શાહીબાગ સુધી વિસ્તરેલા રિવર ફ્રન્ટમાં મુંબઇના મરિનડ્રાઇવની જેમ લાંબી વોક કરવાની મજા આવે છે અને તેમાંય વેલેન્ટાઇન્સ જેવો દિવસ હોય અને પાર્ટનરનો સાથ હોય તો રસ્તો ક્યાં કપાઇ જાય તેની ખબર જ ન પડે. અમદાવાદના સૌથી રોમેન્ટિક પ્લેસિસ પૈકીનું એક છે રિવર ફ્રન્ટ. અહીં ફ્લાવર ગાર્ડન છે તેમજ ક્રૂઝ બોટ, સાયકલિંગ, ઝીપ લાઇન, ઝોરબિંગ તેમજ અનેક વોટર એક્ટવિટિઝ પણ કરી શકાય છે. રિવર ફ્રન્ટ પર બનાવેલા સ્ટોલમાં તમને ફાસ્ટ ફૂડ પણ મળી રહે છે.

કાંકરિયા લેક

Photo of વેલેન્ટાઇન્સ ડેઃ હાથમાં હાથ નાંખીને ફરો અને એકબીજામાં ખોવાઇ જાઓ અમદાવાદની આ જગ્યાઓમાં 2/5 by Paurav Joshi

કુતુબુદ્દીન એહમદ શાહ બીજાના સમય એટલે કે ઇસ.1451માં બંધાયેલું કાંકરિયા તળાવ બહારના પ્રવાસીઓની સાથે સ્થાનિક અમદાવાદીઓની ફરવા માટેની ફેવરિટ જગ્યા છે. આજે તો લેકની સુંદરતા અનેક ગણી વધી ગઇ છે. મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડોના ખર્ચે અહીં અનેક સુવિધાઓ ઉભી કરી છે. દર વર્ષે 31 ડિસેમ્બરે ન્યૂયર સેલિબ્રેશન પણ થાય છે જો કે કોરોનાના કારણે આ વર્ષે કોઇ ઉજવણી થઇ નથી. કાંકરિયામાં નગીના વાડી, ઝૂ, બાલવાટિકા છે તો એમ્યુઝમેન્ટ પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, ટોય ટ્રેન, બોટિંગ વગેરેની સુવિધા પણ છે. કાંકરિયાની ફરતે અનેક ફુડ સ્ટોલ પણ છે જ્યાં દાબેલી, વડાપાઉંથી માંડીને પાઉંભાજી, ઢોસા સુધીના અનેક ફાસ્ટફૂડ જોવા મળે છે. લવબર્ડ્સને આ જગ્યા ઘણી જ પસંદ આવે છે. સામાન્ય દિવસોમાં પણ તમને અહીં કપલ્સ હાથમાં હાથ નાંખીને તળાવના કિનારે ફરતા જોવા મળે છે. નગીનાવાડીમાં બેસીને પણ કલાકો સુધી લેકની સુંદરતાને માણી શકાય છે. તો તમે પણ વેલેન્ટાઇન્સ ડેના દિવસે પહોંચી જાઓ કાંકરીયા લેકમાં.

અડાલજની વાવ

Photo of વેલેન્ટાઇન્સ ડેઃ હાથમાં હાથ નાંખીને ફરો અને એકબીજામાં ખોવાઇ જાઓ અમદાવાદની આ જગ્યાઓમાં 3/5 by Paurav Joshi

અમદાવાદથી ગાંધીનગર જવાના રસ્તે અડાલજ ગામ આવે છે, આ ગામમાં આવેલી છે અડાલજની વાવ. વાવના ઈતિહાસ પર એક ડોકિયું કરીએ તો ૧૪૯૯માં વીરસંઘ વાઘેલાની પત્ની રાણી રૂડીબાઈ માટે રાજા મોહમ્મદ બેગડાએ આ વાવનું નિર્માણ કરાવ્યું હતું. એટલે જ તેને અડાલજની વાવ ઉપરાંત રૂડીબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સમયે આ વાવ રૂપિયા પ લાખના ખર્ચે બંધાઈ હતી.

વાવની મહત્વની વિશેષતા છે કે તે પાંચ માળની છે અને ત્રણ મુખ્ય પ્રવેશ દ્વાર ધરાવે છે.કપલ્સ માટેની ફેવરીટ જગ્યાઓમાંની એક છે. તમે પણ તમારા પાર્ટનર સાથે આ જગ્યાએ વેલેન્ટાઇન્સ મનાવવા જઇ શકો છો. દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ આ જગ્યાની મુલાકાતે આવે છે. અહીંના સ્તંભની કોતરણી મનમોહી લે છે.

વસ્ત્રાપુર લેક

Photo of વેલેન્ટાઇન્સ ડેઃ હાથમાં હાથ નાંખીને ફરો અને એકબીજામાં ખોવાઇ જાઓ અમદાવાદની આ જગ્યાઓમાં 4/5 by Paurav Joshi

અમદાવાદમાં કપલ્સ માટેની એક મહત્વની જગ્યા છે વસ્ત્રાપુર લેક. આ લેકમાં તળાવની ફરતે બગીચો, રાઇડ્સ, ફૂડ સ્ટોલ છે. લેકમાં બેસવાની સુંદર વ્યવસ્થા છે. તમે અહીં તમારા પાર્ટનરની સાથે કલાકો સુધી બેસી શકો છો. તળાવની પાળે તમને શાંતિનો અનુભવ થશે. લેકની અંદર એક એમ્ફિથિયેટર પણ છે. લેકની બહાર નીકળશો તો ખાણી-પીણીના સ્ટોલ જોવા મળે છે. આ ઉપરાંત, તમને અહીં અનેક રેસ્ટોરન્ટ્સ, ફાસ્ટફૂડ સ્ટોલ પણ જોવા મળે છે.

લો-ગાર્ડન

Photo of વેલેન્ટાઇન્સ ડેઃ હાથમાં હાથ નાંખીને ફરો અને એકબીજામાં ખોવાઇ જાઓ અમદાવાદની આ જગ્યાઓમાં 5/5 by Paurav Joshi

લો-ગાર્ડનને લોકો મજાકમાં લવ ગાર્ડન પણ કહે છે. ઘણાં વર્ષોથી આ જગ્યા કપલ્સ માટે ફેવરીટ જગ્યા રહી છે. અમદાવાદમાં વર્ષો પહેલા ફરવા માટેના બે જ ઓપ્શન હતા. એક કાંકરીયા લેક અને બીજી જગ્યા એટલે લો ગાર્ડન. હવે તો અનેક બગીચા બની ગયા છે પરંતુ હજુ પણ કપલ્સ અહીં આવે છે અને શાંતિનો અનુભવ કરે છે. આ જગ્યાની ખાસિયત એ છે કે સાંજે અહીં ખાણી-પીણી માર્કેટ ભરાય છે. હવે તો આ જગ્યાને હેપ્પી સ્ટ્રીટના નામે ઓળખવામાં આવે છે. પાર્ટનરની સાથે કલાકો વિતાવ્યા પછી તમે સાંજના સમયે અહીંની હેપ્પી સ્ટ્રીટમાં ડિનર કરીને વેલેન્ટાઇન્સ ડેનું સેલિબ્રેશન કરી શકો છો. આ જગ્યાએ પંજાબી, સાઉથ ઇન્ડિયન, પાઉંભાજી, પિઝા, બર્ગર, દાબેલી એમ દરેક પ્રકારના ફૂડ મળે છે. આઇસ્ક્રીમ અને લસ્સીની જ્યાફત પણ ઉડાવી શકો છો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads