જો તમે અમદાવાદ, વડોદરા કે ભરુચમાં રહો છો તો તમે નારેશ્વર, ગરુડેશ્વર અને કબીર વડથી સારીરીતે વાકેફ હશો. ગીરનાર પર્વત પર જે રીતે દત્તાત્રેય ભગવાનના પગલા છે તે જ રીતે નારેશ્વર, ગરુડેશ્વરમાં ભગવાન દત્તાત્રેયના મંદિર છે. જગ્યાને પ્રસિદ્ધ બનાવવાનું શ્રેય જાય છે પૂ.રંગઅવધૂત મહારાજને. જો તમે દક્ષિણ ગુજરાતની ધાર્મિક યાત્રાએ નીકળો છો તો તમારે આ ત્રણ સ્થળોની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. આજે આપણે આ પવિત્ર સ્થળો વિશે થોડીક જાણકારી મેળવીશું.
નારેશ્વર
નારેશ્વર એટલે શ્રી રંગ અવધૂત મહારાજની કર્મભૂમિ. એમણે સ્થાપેલો આ આશ્રમ કોઈ રિસોર્ટથી કમ નથી. આજુબાજુ લીલોતરીઓથી ઘેરાયેલું સ્થળ ખરેખર ગુજરાતનું એક સુંદર અને રમણીય પર્યટકસ્થાન બની ગયું છે. નારેશ્વર તીર્થસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ જાણીતું છે. નર્મદાજીના તીરે ભરૂચથી વડોદરા તરફ 25 કિ.મી. જતાં નારેશ્વરનો માર્ગ આવે છે. અહીંથી 19 કિ.મી. સીંગલ પાકા રસ્તે નારેશ્વર પહોંચાય છે. નારેશ્વર અમદાવાદથી 176 અને વડોદરાથી 60 કિ.મી. દૂર છે. નારેશ્વરથી નજીકનું રેલવે સ્ટેશન વડોદરા છે અને એરપોર્ટ પણ વડોદરા જ છે.
નારેશ્વર આજે તો વિશાળ જગ્યામાં પથરાયેલું તીર્થસ્થાન છે. પરંતુ રંગ અવધૂત સ્વામી અહીં પધાર્યા ત્યારે માત્ર જંગલ હતું. 1930ની આસપાસ રંગ અવધૂત સ્વામી નારેશ્વર આવ્યા. અહીં નર્મદા કિનારે તેમણે સાપ અને મોરને સાથે જોયાં. તેમને થયું કે આ ભૂમિ અહિંસક છે. ભૂમિની દિવ્યતાને પારખી જંગલમાં એક લીમડાના વૃક્ષ નીચે તેમણે આસન બિછાવ્યું અને સાધના કરી. તેમના તપોબળથી ભૂમિનો પ્રભાવ વધવા લાગ્યો અને જોતાજોતામાં આ ડરામણી જગા એક તપસ્વીનું તીર્થ સ્થાન બન્યું. રંગ અવધૂત મહારાજના ભકતો દૂરદૂરથી આવવા લાગ્યા અને ભકતો દ્વારા જ આ સ્થળે ધર્મશાળા, ભોજનશાળા અને મંદિરનો જીણોદ્ધાર થયો. રંગ અવધૂત મહારાજ જ્યાં ધ્યાન માટે બેસતા હતા તે લીમડો આજે પણ છે. વિના મૂલ્યે રહેવા અને જમવાની વ્યવસ્થા છે, પરંતુ પ્રવાસી સહેલાણી માટેની જગા નથી. તે યાદ આપાવતાં ઠેરઠેર નાનાં સૂચનાપત્રો જોવા મળે છે.
ગરુડેશ્વર
અમદાવાદથી 187 કિ.મી. વડોદરાથી ડભોઈ- તિલક વાડા થઈને સરદાર સરોવરના માર્ગે ગુરૂડેશ્વર પહોંચી શકાય છે. અહીંથી નજીકનું રેલવે સ્ટેશન વડોદરા અને ભરુચ છે. બન્નેનું અંતર લગભગ એક સરખું એટલેકે 80 કિલોમીટર છે. ગરુડેશ્વર મહાદેવની પૌરાણિક કથા એવી છે કે, આ સ્થળે પુરાતનકાળમાં મહાન દૈત્ય ગજાસુર રહેતો હતો. એણે હાથીનું રૂપ લઇ ગરૂડની સાથે ભીષણ યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં ગરૂડે ગજાસુરના પ્રાણ હર્યા. અને નદીકિનારા પરની ટેકરી ઉપર બેસીને તેનું ભક્ષણ કર્યું હતું. એના હાડકાં પર્વત ઉપર પડી રહ્યાં. સદ્દનસીબે એના અસ્થિ નર્મદા નદીમાં ઘસડાઇ આવ્યા પરિણામે તેનો દેહ પવિત્ર થયો. આ સ્થળનો પાવનકારી મહિમા જાણીને ગજાસુરે અહીં આકરી શિવ આરાધના કરી.
શિવજી પ્રસન્ન થયા અને ગજાસુરને વરદાન આપ્યું કે હવે પછી તું મારો ગણ થઈશ. ગરુડના હાથે અજાણતાં જ પોતાનો ઉદ્વાર થયો એટલે તેણે ગરૂડેશ્વર શિવની સ્થાપના કરી. ગરુડેશ્વર મંદિર નદીથી થોડુંક દૂર ટેકરી ઉપર આવેલું છે. અહીં દત્ત મંદિર અને શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનું સમાધિ મંદિર તથા ધ્યાનકેન્દ્ર આવેલાં છે. પ્રવેશદ્વાર પાસે ધર્મશાળા તથા પાછળના ભાગે ભોજનશાળા આવેલી છે.
કબીરવડ
કબીરવડ નર્મદા નદીની વચ્ચે આવેલા ટાપુ પર આવેલું એક ધાર્મિક સ્થળ છે. આ સ્થળે સંત કબીરનું મંદિર આવેલું છે. અહીં વિશાળ વડ આવેલો છે, જે સંત કબીર દ્વારા નંખાયેલી દાતણની ચીરીમાંથી ઉગ્યો હોવાની વાયકા છે. કબીરવડ જવા માટે ભરૂચથી વાયા શુકલતીર્થ થઇ ઝનોર જતા રસ્તા પર આવેલા કબીરમઢી નામના સ્થળ પરથી હોડીમાં બેસી જવું પડે છે.
ગુજરાતમાં જે સારા પ્રવાસન સ્થળો છે એમાં કબીરવડનું આગવુ સ્થાન છે. વડની વડવૈયોથી વૃક્ષવાટિકામાં ફેરવાયેલું આ વૃક્ષ હાલ અનેક ઘણાં વિસ્તારમાં ફેલાઇ ચૂક્યું છે. કહેવાય છે કે, સંત કબીર કે, જેઓ વર્ષો સુધી અહીં વસ્યાં હતાં તેમના નામ પરથી આ વડનું નામ કબીરવડ પડ્યું છે. અહીં કબીર મંદિર પણ છે જ્યાં મુલાકાતીઓ અને શ્રદ્ધાળુઓ પૂજા-અર્ચના કરવા આવે છે.
કબીરવડ આવવા પાછળનું કારણ માત્ર ઐતિહાસિક જ નહીં પરંતુ અહીંના ભવ્ય વડની આસપાસ ફેલાયેલી અપાર શાંતિ અને પવિત્રતા પણ છે જેને માણવા લોકો મોટી સંખ્યામાં આવે છે. અહીં સૌથી નજીકનું રેલવે સ્ટેશન ભરૂચ છે તેમજ એરપોર્ટ વડોદરા ખાતે આવેલું છે. કબીર વડ અમદાવાદથી આશરે 150 કિ.મી. અને વડોદરાથી 60 કિલોમીટર દૂર છે.
નજીકમાં જોવાલાયક સ્થળ
જો તમે નારેશ્વર, ગરુડેશ્વર અને કબીરવડની યાત્રાએ નીકળો છો તો ગરુડેશ્વરથી માત્ર 13 કિલોમીટર દૂર કેવડિયા કોલોની પણ જઇ શકો છો. અહીં નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જરુર જજો. સ્ટેચ્યુ ઓફ યૂનિટીમાં ટેન્ટ સિટીમાં રોકાવાની વ્યવસ્થા છે. આ ઉપરાંત, અહીં સરદાર પટેલનું સ્ટેચ્યુ, વિશ્વ વન, એકતા નર્સરી, બટરફ્લાય ગાર્ડન, જંગલ સફારી, એકતા ઓડિટોરિયમ, રિવર રાફ્ટિંગ, કેક્ટસ ગાર્ડન, ભારત વન, ફેરી સર્વિસ, એકતા મોલ, આરોગ્ય વન, ગોલ્ફ કાર્ટ, નૌકા વિહાર વગેરે જોઇ શકો છો.