ચોમાસામાં આ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, અમદાવાદીઓ ઝટ પહોંચી જાઓ!

Tripoto

અમદાવાદથી 3 થી 4 કલાકના અંતરે આવેલો છે ભારતનો સૌથી સુંદર ધોધ

Photo of ચોમાસામાં આ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, અમદાવાદીઓ ઝટ પહોંચી જાઓ! by Paurav Joshi

ગુજરાતમાં ચોમાસુ બરોબરનું જામ્યું છે. કોરોના કાળ પણ હળવો થતા પ્રવાસીઓ નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતનો નાનકડો આ જીલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ સૌથી મોટો વન વિસ્તાર ગણાય છે. જ્યાં સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ આવેલી છે. જે અહીંના કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. નર્મદા જિલ્લામાં ચોમાસાના કારણે ચારે બાજુ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવું લાગે છે.

Photo of ચોમાસામાં આ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, અમદાવાદીઓ ઝટ પહોંચી જાઓ! by Paurav Joshi

ચોમાસા દરમિયાન અહીં આવેલો નિનાઈ ધોધ (ninai waterfall) પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાતપૂળાની ગીરીમાળામાંથી ખળખળ વહેતી નદી-ઝરણાં અને વન આચ્છદીત કુદરતી પ્રકુતિને કારણે નર્મદા જીલ્લાને મીની કાશ્મીરનું બિરૂદ મળ્યું છે. નર્મદા જીલ્લાના કુદરતી સૌદર્યમાં વધારો કરતો રાજપીપળા શહેરની નજીક નિનાઈ ધોધ આવેલો છે. આ ધોધનો નજારો જોઈ પ્રવાસીઓ આનંદ માણવા ઉમટી રહ્યાં છે. ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લોએ જ્યાં સૌથી વધુ અને મોટો વન વિસ્તારો આવેલા છે.

Photo of ચોમાસામાં આ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, અમદાવાદીઓ ઝટ પહોંચી જાઓ! by Paurav Joshi

સાતપુડા અને વિધ્યાંચલની ગિરીમાળાઓ વચ્ચે કુદરતી સૌન્દર્ય બારેમાસ જોવા મળે છે. જેને કારણે જ ગુજરાતના કાશ્મીરનું ઉપનામ નર્મદા જિલ્લાને મળ્યું છે. ડેડીયાપાડાના ઘનઘોર સાતપુડાની વનરાજી વચ્ચે 70 મીટર ઉંચેથી નીચે પડતો આ જળધોધ સુંદરતામાં વધારો કરે છે. ધોધની ઉંચાઈ 30 ફુટથી વધુ છે. જેને નિનાઈ ધોધ તરીકે ઓળખવામાં આવે છે.

આ ધોધ જોવા માટે માત્ર ચોમાસાની ઋતુમાં જ 1 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવે છે. જોકે આ ધોધ જોવા માટે પ્રવાસીઓને 270 જેટલા પગથિયાં ઉતરવા અને ચઢવા પડે છે.

ક્યાં આવેલો છે?

આ ધોધ દેડીયાપાડાથી લગભગ 35 કિ.મી. અને સુરતથી આશરે 143 કિ.મી. દુર આવેલો છે. અમદાવાદથી નિનાઇ ધોધનું અંતર લગભગ 280 કિ.મી. છે.

અન્ય જોવાલાયક સ્થળો

ઝરવાણી ધોધ

નિનાઇ ધોધ ઉપરાંત તમે ઝરવાણી ધોધ પણ જઇ શકો છો સરદાર સરોવર ડેમની સાઈટથી માત્ર 28 કિમી દૂર છે. રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ આવેલો આ ધોધ કાવડિયા ચેકપોસ્ટથી 7 કિમી દૂર છે.

Photo of ચોમાસામાં આ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, અમદાવાદીઓ ઝટ પહોંચી જાઓ! by Paurav Joshi

શુરપાણેશ્વર વન્યજીવ અભ્યારણ્યની અંદર આવેલા ઝરવાણીના ધોધની સુંદરમાં ચોમાસુ આવતા જ ચાર ચાંદ લાગી જાય છે. ગર્જના સાથે વહેતો આ ધોધ તેની આસપાસના જંગલને કારણે ઘણો જ સુંદર લાગે છે. આ આખી જગ્યા જ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું ગજબનું વૈવિધ્ય ધરાવે છે.

સરદાર સરોવર ડેમ જોવામાં જેટલી મજા આવે તેટલી મજા ઝરવાણીનો ધોધ જોવામાં પણ આવે છે. અહીં ધોધમાં કલાકો સુધી નાહ્યા બાદ પણ લોકો થાકતા નથી. ચોમાસામાં જો રજાનો દિવસ હોય તો અહીં ઘણી ભીડ પણ જોવા મળે છે.

તેની આસપાસ પણ કમર સુધીનું જ પાણી હોવાથી ડૂબવાનો કોઈ ખતરો નથી, માટે લોકો મન મૂકીને મસ્તી કરે છે. અમદવાદથી આ જગ્યા માત્ર 203 કિમી દૂર આવેલી છે. તમે વડોદરા થઈને ત્યાં પહોંચી શકો છો. વડોદરાથી તમને ત્યાં જવા માટે બસ પણ મળી શકે છે. જો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો પ્લાન હોય તો ઝરવાણીનો ધોધ જોવાનું તમારે ચૂકવું ન જોઈએ.

કરજણ ડેમ

Photo of ચોમાસામાં આ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, અમદાવાદીઓ ઝટ પહોંચી જાઓ! by Paurav Joshi

ચોમાસામાં નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્ય થી ભરપૂર બની જાય છે. અને નવા નવા પ્રવાસીઓ માટેના સ્થળો નિર્માણ થઇ રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 40 કિ.મી. દૂર રાજપીપળાથી 12 કિલોમીટર આવેલા જંગલ વિસ્તાર અને કરજણ ડેમનું બેક વોટર જેના કિનારે માંડણ ગામ વસ્યું છે. જે હાલ ચોમાસાની સીઝનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બનવા પામ્યું છે.

Photo of ચોમાસામાં આ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, અમદાવાદીઓ ઝટ પહોંચી જાઓ! by Paurav Joshi

કરજણ નદીના પાછળના ભાગે કુદરતના ખોળે આવેલ આ ગામ એ સંપૂર્ણ આદિવાસી ગામ છે આ સ્થળે શનિ ને રવિવાર તો જાણે મેળો ભરાય તેટલી ભીડ જોવા મળે છે જ્યાં સ્થાનિકો લોકો દ્વારા નાની હોડીઓમાં પ્રવાસીઓને બેસાડીને બોટિંગ કરાવવામાં આવે છે.

રાજવંત પેલેસ

Photo of ચોમાસામાં આ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, અમદાવાદીઓ ઝટ પહોંચી જાઓ! by Paurav Joshi

રાજવંત પેલેસની સ્થાપના વર્ષ 1915માં રાજપીપળા સ્ટેટનાં રાજા વિજયસિંહજીએ કરી હતી. ટીપીકલ યુરોપીયન સ્ટાઇલના બાંધકામનો આ એક અદભુત નમુનો છે. આ પેલેસ હાલ હેરીટેજ હોટેલમાં ફેરવાઇ ગયો છે. રાજમહેલમાં રોમ અને ગ્રીકની સ્થાપત્ય કલાના પણ દર્શન થાય છે. મહેલમાં એક મ્યુઝિયમ પણ આવેલું છે, જેમાં રજવાડી પરિવેશથી લઇ રહેણી-કરણીની ચીજવસ્તુ વસ્તુઓને પ્રદર્શન માટે મૂકવામાં આવી છે. મ્યુઝિયમમાં મહારાજા વિજયસિંહની 700 વર્ષ જૂની કાર મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. રાજપીપળા સ્ટેટનાં રાજવીઓનો વિશાળ તૈલચિત્રો, ઝુમ્મરોનો ઝગમગાટ અને આલીશાન ઠાઠમાઠ આંખોને આંજી દે તેવાં છે. હાલમાં તેને રાજવંત પેલેસ રિસોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. પેલેસને પિંક પેલેસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પેલેસ ગુજરાતી અને ભોજપુરી ફિલ્મોનાં શુટિંગનો સાક્ષી બની ગયો છે. આ પેલેસને ફિલ્માંકન માટે ભાડે આપવામાં આવે છે.

Photo of ચોમાસામાં આ ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો, અમદાવાદીઓ ઝટ પહોંચી જાઓ! by Paurav Joshi

રાજપીપળા સ્ટેટને નાંદોદ તરીકે ઓળખવામાં આવતું હતું. નાંદોદમાં ગોહિલવાડનો ઉદય થતાં પહેલાં રાજા અને સ્ટેટનાં સ્થાપક મહારાજા ગંભીરસિંહજી હતાં. તેમનો શાસનકાળ 1897 સુધી રહ્યો હતો. તેમનાં ઉત્તરાધિકારી તરીકે મહારાજા છત્તરસિંહજી રહ્યાં હતાં જેમણે 1915 સુધી રાજ કર્યું હતું. ત્યારબાદ મહારાજા વિજયસિંહજીનાં હાથમાં નાંદોદ(રાજપીપળા) સ્ટેટનો દોરી સંચાર સોંપાતાં તેમનો કાર્યકાળ એ ગોહિલ રાજનો સુવર્ણયુગ બની ગયો. રજવાડી નગરી રાજપીપળાને વિકાસની ભેટ આપનારા અને પ્રજા વાત્સલ્ય રાજા વિજયસિંહજી ગોહિ‌લની કાળા ઘોડા પર સવાર પ્રતિમા રાજપીપળાનાં પ્રવેશ દ્વાર સમા કાળા ઘોડા સર્કલ ઉપર મુકવામાં આવી છે.

અન્ય આકર્ષક સ્થળોની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં તમે શૂળપાણેશ્વર મંદિર, શૂળપાણેશ્વર અભયારણ, રાજપીપળામાં આવેલું હરસિદ્ધ મંદિર, કેવડિયામાં આવેલો નર્મદા ડેમ અને દુનિયામાં ખ્યાતી મેળવનાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા સ્થળો પર પણ જઇ શકો છો તેમજ નજીકમાં પોઇચામાં સ્વામીનારાયણ ભગવાનનું નીલકંઠ ધામ આવેલ છે, તો આ ચોમાસામાં નર્મદા કાંઠે પહોંચી પ્રકૃતિનો આનંદ માણો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

More By This Author

Further Reads