આમ તો આપણા ભવ્ય ભારત દેશમાં દર અમુક દિવસે કોઈને કોઈ તહેવારોની ઉજવણી થયા જ કરતી હોય છે. વળી, વસુધૈવ કુટુંબકમની વિચારધારાના ચુસ્ત પાલનકર્તા એવા આપણે સૌ ભારતીયો દરેક ધર્મના તહેવારો સમાન ઉત્સાહ સાથે ઉજવીએ છીએ. પણ પ્રવાસ સંદર્ભે કદાચ 2 જ તહેવાર મહત્વના કહી શકાય કેમકે આ તહેવારો પોતાની સાથે વેકેશન અને રજાનો આનંદ લઈને આવે છે. હા, પ્રવાસપ્રેમીઓ માટે મનપસંદ સમય એટલે દિવાળી તેમજ ક્રિસમસ વેકેશનનો સમય.
પશ્ચિમી દેશોની સરખામણીએ ખૂબ જ ગરમ દેશ એવા ભારતમાં આમ પણ મોટા ભાગની જગ્યાઓએ હરવા ફરવા માટે ઓક્ટોબરથી માર્ચનો સમયગાળો શ્રેષ્ઠ માનવામાં આવે છે કેમ કે આ મહિનાઓ દરમિયાન ઠંડુ અથવા ખુશનુમા વાતાવરણ હોય છે.
પાર્ટી પ્લસ પ્રવાસના શોખીન લોકો આખા વર્ષ દરમિયાન ફરવા જવા કદાચ ક્રિસમસની રાહ જોતાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ક્રિસમસ એ પ્રવાસ માટે સૌથી ખરાબ સમય છે? ના? ચાલો, જરા વિસ્તારપૂર્વક જાણીએ...
ફ્લાઇટ ટિકિટ્સ:
ડિસેમ્બર એન્ડ એટલે આખા વર્ષમાં સૌથી ઊંચા ફ્લાઇટ ટિકિટના ભાવનો સમય. ગમે તેટલી એડ્વાન્સમાં ટિકિટ બૂક કરશો તો પણ 20થી 31 ડિસેમ્બર વચ્ચે તમને આ દરો આસમાને જ જોવા મળશે. કોઈ પણ નોકરી, ધંધો કે વ્યવસાય કરતા લોકો શક્ય હોય ત્યાં સુધી ઓછા દિવસોમાં વધુ પ્રવાસ કરવાનું પસંદ કરે છે અને દૂરના સ્થળો ફરવા હોય તો તે ફ્લાઇટ્સમાં મુસાફરી કરવા સિવાય બહુ જ મુશ્કેલ સાબિત થાય અને જો ટિકિટના ભાવ ખૂબ જ વધુ હોય તો હજુ પ્રવાસના અન્ય ખર્ચ તો બાકી જ હોય!
હોટેલ રૂમ્સ:
અહીં પણ ઉપર વર્ણવ્યા જેવી જ સ્થિતિ! લોકોના પુષ્કળ ધસારાને લીધે ડિસેમ્બર એન્ડમાં તદ્દન મામૂલી હોટેલ પણ ઘણું વધારે ભાડું લેતી હોય છે; સારી કે લક્ઝરી હોટેલના ભાવ તો જાણે આપણા ખિસ્સાને પરવડે જ નહીં! રોજ રહેવાનો ખર્ચ વધુ હોય તો પ્રવાસના દૈનિક ખર્ચમાં વધારો થાય અને સરવાળે આખો પ્રવાસ વર્ષના અન્ય મહિનાઓની સરખામણીમાં ખૂબ મોંઘો પડે. જાણી જોઈને ઓવર પ્રાઇસ શું કામ ચૂકવવી જોઈએ?
ભીડ:
આ મુદ્દો સૌથી વધુ દેખીતો છે કેમકે ક્રિસમસ દરમિયાન પ્રવાસ ન કરતા લોકો પણ આ વાત સાથે સહમત થશે.
એક સર્વેમાં ધ્યાનમાં આવ્યું હતું કે દર ત્રણ પૈકી એક ભારતીય ક્રિસમસ પર ફરવા જવા માંગે છે અને તે અનુસાર જોઈએ તો દેશની કુલ વસ્તીના 30% જેટલા લોકો આ સમયમાં પ્રવાસ કરવા ઇચ્છે છે. અલબત્ત, ઇચ્છા ધરાવતા તમામ લોકો સાચે જ પ્રવાસ ન પણ કરે તોયે 140 કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં કોઈ નિશ્ચિત વર્ગ એક સાથે એક સમયે પ્રવાસ કરે તો સ્ટેશન, એરપોર્ટ, હોટેલ્સ કે પ્રવાસન સ્થળો પર માણસો જ માણસો જોવા મળવાના. પરિણામે તમારી ટ્રેન/ ફ્લાઇટમાં વિલંબ, હોટેલ્સમાં ચેક ઇન અને ચેક આઉટ સમયની સમસ્યા, તેમજ ફરવામાં જે તે સ્થળની મજા જ ન માણી શકાય તેવું શક્ય છે.
ઉપરોક્ત ત્રણ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આમ તો આ સમયગાળા દરમિયાન પ્રવાસ કરવાનું ટાળવું જ જોઈએ. પણ છતાંય જો તમે જવા ઇચ્છો જ છો તો કૃપા કરી આ સ્થળોએ ફરવા ન જશો.
દીવ:
ગુજરાતીઓ માટે બીચ પાર્ટી કરવા સૌથી મનગમતી જગ્યા એટલે દીવ. દેશના અન્ય ફરવાના સ્થળોની સરખામણીમાં વિસ્તારની દ્રષ્ટિએ દીવ સાવ નાનું છે એટલે ક્રિસમસનો સમય એ એવો સમય છે જ્યારે એવી પૂરેપુરી શક્યતા હોય છે કે દીવમાં કોઈ હોટેલ જ ન મળે! ક્રિસમસ આસપાસ દીવ અને તેની નજીકના સ્થળોનો પ્રવાસ ન ગોઠવવો જ હિતાવહ છે.
ગોવા:
ભારતનું પાર્ટી કેપિટલ કહેવાય છે ગોવા! એક સમયની પોર્તુગલ કોલોની અને આજે પણ ઘણી જ ખ્રિસ્તી વસ્તી ધરાવતું રાજ્ય. ગોવામાં વર્ષ દરમિયાન આવતા 80થી 90% પ્રવાસીઓ 18થી 35 વર્ષની વય જૂથના લોકોનો સમાવેશ થતો હોય છે જેનો એકમાત્ર હેતુ આ પાર્ટી કેપિટલમાં મોજ-મસ્તી કરવાનો હોય છે. હવે સાચે જ પાર્ટી કરવાનો તહેવાર એટલે કે ક્રિસમસ કે 1 જાન્યુઆરી આસપાસ તો અહીં કેટલો બધો જનસમુદાય જોવા મળતો હોય!
દિલ્હી:
દેશની રાજધાની અને સમગ્ર ઉત્તર ભારતનું ઓફિશિયલ પ્રવેશ દ્વાર. વળી, અહીંની હોટેલ્સમાં યોજાતી પાર્ટીઝમાં દેશભરમાંથી ધનિક વર્ગના લોકોની હાજરી જોવા મળે છે.
14 ડિસેમ્બર 2022ના રોજ મળેલા સમાચાર અનુસાર IndiGo Airlinesએ તેના પેસેંજર્સને ફ્લાઇટના 2 કલાક પહેલા નહિ, પણ 3.5 કલાક પહેલા એરપોર્ટ પર આવી જવા સૂચિત કર્યા છે. આ આધારે તમે દિલ્હીમાં લોકોની ભીડનો અંદાજ લગાવી શકો છો.
કોલકાતા:
અંગ્રેજોએ જે શહેરને ભારતની રાજધાની હોવાનું બહુમાન આપ્યું હતું તે શહેરમાં આજે પણ અંગ્રેજોની ઝલક તો જોવા મળે જ છે, સાથોસાથ અહીંના પાર્ક સ્ટ્રીટ નામના વિસ્તારમાં પ્રચંડ જન-મેદનીના ફોટોગ્રાફ્સ જોઈ તમે અચંબામાં મુકાઇ જશો. આ કોઈ ક્રિકેટ મેચનું સ્ટેડિયમ નહિ પણ કોલકાતાનો પાર્ક સ્ટ્રીટ વિસ્તાર છે!
પૂર્વ ભારતના મોટા ભાગના પ્રવાસો આ શહેરથી જ શરૂ થાય છે તેથી હિતાવહ એ જ છે કે બરાબર ક્રિસમસના સમય પર અહીં પ્રવાસ ન કરવો.
શું તમને ક્યારેય ક્રિસમસ દરમિયાન પ્રવાસનો ખરાબ અનુભવ થયો છે? કમેન્ટ્સમાં જણાવો.
Photo Credit: Google
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ