ગુજરાત એ ઐતિહાસિક કિલ્લાઓ, શાંત દરિયાકિનારા, ભવ્ય મંદિરો, સુંદર તળાવો અને કચ્છના ભવ્ય રણનું ઘર કહેવાય છે. ગુજરાતની અદભૂત સુંદરતા અને સમૃદ્ધ સંસ્કૃતિએ અનેક ફિલ્મ નિર્માતાઓને વારંવાર આકર્ષ્યા છે. સંજય લીલા ભણસાલી તેમના કલાત્મક સેટ માટે જાણીતા છે અને તેમની ફિલ્મો હમ દિલ દે ચૂકે સનમ અને ગોલિયોં કી રાસલીલા રામ લીલા માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી હતી.
ગુજરાતે અમેરિકન ડિરેક્ટર સેમ હરગ્રેવનું પણ ધ્યાન ખેંચ્યું હતું. તેમની મૂવી એક્સટ્રેક્શનના મુખ્ય ભાગમાં અમદાવાદની આઇકોનિક ગલીઓ દર્શાવવામાં આવી હતી. તો ચાલો એવી 10 બોલિવૂડ મૂવીઝની વાત કરીએ જેની ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું હતું.
હમ દિલ દે ચૂકે સનમ
હાલમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂર્ણ કરનારા સંજય લીલા ભણસાલી ગુજરાતના સ્થળોના ચાહક રહ્યા છે. તેમણે ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતી બે ફિલ્મો બનાવી છે જેનું શૂટિંગ પણ ગુજરાતના કચ્છમાં જ કરવામાં આવ્યું હતું. જેમાં સલમાન અને એશ્વર્યા રાયની સુપરહિટ ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ' સામેલ છે. આ રોમાન્ટિક-મ્યુઝિકલ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કચ્છના દરિયાકાંઠાના માંડવીમાં આવેલ શાહી વિજય વિલાસ પેલેસમાં કરવામાં આવ્યું છે. જે સ્થળની શાહી સુંદરતાની ઝલક રજૂ કરે છે. બોક્સ ઓફિસ પર હિટ રહેલી આ ફિલ્મને કુલ 4 નેશનલ એવોર્ડ અને 9 ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા.આ ફિલ્મમાં ભુજ અને કચ્છની ગુજરાતી સંસ્કૃતિને સુંદર રીતે રૂપેરી પડદે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મના સંગીતકાર ઈસ્માઈલ દરબાર પણ ગુજરાતી છે.
ગોલિયોં કી રાસલીલા- રામલીલા
તો સંજય લીલા ભણસાલીની બીજી ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા- રામલીલા' ની વાત કરવામાં આવે તો આ કલરફૂલ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કચ્છમાં કરવામાં આવ્યું છે. આ લવસ્ટોરીમાં કચ્છી ભરતકામથી લઈ કચ્છની સંસ્કૃતિના રંગ દેખાય છે.
કાઇ-પો છે
ચેતન ભગતની નવલકથા પર આધારિત આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ અમદાવાદ શહેરમાં થયું હતું. બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મ 'કાઈ પો છે!'માં એક્ટર સુશાંત સિંહ રાજપૂતના પરફોર્મન્સની ભારે પ્રશંસા થઈ હતી. તેણે આ ફિલ્મમાં ઈશાન ભટ્ટનું ગુજરાતી પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે એક્ટર અમિત સાધ અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મનું સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું હતું. 'કાઈ પો છે' એ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પહેલી ફિલ્મ હતી. સુશાંત સિંહ રાજપૂતે તારીખ 14 જૂન, 2020ના રોજ જીવ ગુમાવ્યો હતો.
મોંહે જો દારો
પ્રાચીન શહેર 'મોહેંજો-દારો'ને આશુતોષ ગોવારીકરની ફિલ્મમાં ફરીથી બનાવવા માટે પણ કચ્છની પસંદગી કરવામાં આવી હતી. 25 એકરમાં ફેલાયેલો આ સેટ કચ્છ જિલ્લાના ભુજના કુનરિયા ગામ ખાતે ઉભો કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં રિતિક રોશન અને પૂજા હેગડે જોવા મળ્યા હતા. 500 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મનું શિડ્યુલ પુરૂ કરવામાં 11 મહિના લાગ્યા હતા.
રઇસ
ગુજરાતના જાણીતા બુટલેગર અબ્દુલ લતીફના જીવન પરથી બનેલી ફિલ્મ રઇસનું મોટાભાગનું શૂટિંગ ગુજરાતમાં થયું હતું. અમદાવાદમાં દિવાન બંગ્લોઝ, અડાલજની વાવમાં કેટલાક સીન ફિલ્માવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કચ્છના ધોરડો અને સિદ્ધપુરમાં પણ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.
આર.રાજકુમાર
શાહિદ કપૂર અને સોનાક્ષી સિંહા સ્ટારર ફિલ્મ 'આર...રાજકુમાર'નું હિટ સોંગ સાડી કે ફોલ સા પણ કચ્છના સફેદ રણમાં શૂટ કરવામાં આવ્યું છે. બ્રાઈટ કોસ્ચ્યુમ્સ -હજારો ઊંટ, અને પ્રભુ દેવાની અનોખી કોરિયોગ્રાફી સાથે જોડાયેલી સફેદ અફાટ રણની સુંદરતા તમને ચોક્કસથી યાદ હશે જ.
લગાન
'લગાન' ફિલ્મ ભારતીય સિનેમાજગતની ઐતિહાસિક ફિલ્મોમાંની એક ગણાય છે. આ ફિલ્મનો ગુજરાત સાથેનો ગાઢ સંબંધ છે, કારણ કે આ ફિલ્મના શૂટિંગ માટે પસંદ કરવામાં આવ્યું હતું કચ્છ. ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ 'લગાન' માટે જ્યારે ભુવાનને 1890ના ચાંપાનેરની જરૂર પડી ત્યારે આશુતોષ ગોવારિકર અને આમિર ખાનને કચ્છ સિવાય કઈ ના ગમ્યું અને તેણે ત્યાં ફિલ્મ માટે આખું ગામ વસાવી નાખ્યું. ફિલ્મની સ્ટોરી પ્રમાણે સૂકા સ્થળની જરૂર હતી. ત્યારે નિર્માતાઓએ ચાંપાનેર સ્થાપવા માટે ભુજ નજીક કુનારિયા ગામ પસંદ કર્યું. અને લગભગ પાંચ મહિના સુધી શૂટિંગ ચાલ્યું હતું. આ ફિલ્મમાં કચ્છના ઘણા કલાકારોએ કામ કર્યું હતું. એટલું જ નહીં મૅચ દરમિયાન દસેક હજારની ભીડ એકઠી કરવાની હતી તે સમયે આસપાસના ગામલોકોને 50 રૂપિયા વળતર પેટે આપવામાં આવ્યા હતા.
આશુતોષ ગોવારિકરે જ્યારે આમિર ખાનને પહેલી વાર આ ફિલ્મનો આઇડિયા આપ્યો ત્યારે આમિર ખાનને આ ફિલ્મનો આઇડિયા ખૂબ જ વાહિયાત લાગ્યો હતો અને એમણે આશુતોષને પણ આના પર કામ કરવાની મનાઈ કરી દીધી હતી. પરંતુ જ્યારે લગાન ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ન ફક્ત એણે બૉક્સઑફિસ ઉપર કમાણી કરી પણ ઑસ્કર માટે પણ નૉમિનેટ થઈ. જોકે, આ ફિલ્મને ઑસ્કર ન મળી શક્યો.
ભૂજ- ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા
અજય દેવગણ અને સંજય દત્તની આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું હતું. ઈન્ડો-પાક યુદ્ધ સમયે ગુજરાતના ભુજ એરપોર્ટ પર સતત બોમ્બાર્ડિંગ કરવામાં આવ્યું અને છતાં ભુજ એરપોર્ટને યુદ્ધ દરમિયાન કાર્યરત રાખવામાં સ્થાનિક મહિલાઓએ મહત્વનો ભાગ ભજવેલો...ગુજરાતની મહિલાઓની બહાદુરી બતાવતી આ ફિલ્મ ગુજરાતના કચ્છમાં જ ફિલ્માવવામાં આવી હતી.
રેફ્યૂ જી
જે.પી દત્તાની ફિલ્મ 'રેફ્યૂજી' પણ ઈન્ડો-પાક બોર્ડર પર શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મથી અભિષેક બચ્ચન અને કરીના કપૂરે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં કચ્છની ગામઠી સુંદરતાને સંપૂર્ણ રીતે કેમેરામાં કંડારવામાં આવી હતી. કચ્છનું રણ, લખપત ફોર્ટ અને બન્નીના ઘાસીયા મેદાન સહિત અન્ય મનોહર સ્થળો ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે.
2 સ્ટેટ્સ
ચેતન ભગતની આ જ નામથી લખાયેલી બુક પરથી આ ફિલ્મનું નામ રાખવામાં આવ્યું હતું. જેનું શૂટિંગ અમદાવાદના આઇઆઇએમમાં થયું હતું. ચેતન ભગત તેમના પુસ્તકો દ્વારા ભારતીય યુવાનોમાં ખાસ્સા લોકપ્રિય છે. જ્યારે તેમની નવલકથા 2 સ્ટેટ્સ: ધ સ્ટોરી ઓફ માય મેરેજ 2009 માં પ્રકાશિત થઈ, ત્યારે તે દેખીતી રીતે જબરદસ્ત હિટ બની હતી.. નવલકથા એક એવા યુગલ વિશે છે જેઓ બે ભારતીય રાજ્યોના છે અને એકબીજાના પ્રેમમાં ગાંડા છે. જ્યારે તેઓ લગ્ન કરવાનું નક્કી કરે છે અને તેમના માતા-પિતાને મનાવવા માટે પ્રયાસ શરૂ કરે છે ત્યારે તેમની મજાથી ભરેલી લવ સ્ટોરી ઊંધી વળે છે. આ નવલકથા એટલી લોકપ્રિય બની હતી તેના પરથી આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર અભિનીત 2 સ્ટેટ્સ બની હતી.
Feature Image Credits: Bhansali Productions, Eros International
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો