ગોવિંદા ગોવિંદા.....બસ આ જ પ્રભુનામ સ્મરણ તમારા કાનમાં ગુંજશે જ્યારે તમે તિરુમાલા પર્વત પર આવેલા તિરુપતિ બાલાજી મંદિરની લેશો મુલાકાત....ભારત તીર્થ અને તર્પણની ભૂમિ છે અને અહીં દેવી-દેવતાના અનેકો તીર્થસ્થાન છે...અને દરેકનું એક અલગ જ અનેરું મહત્વ છે. ત્યારે દક્ષિણ ભારતમાં જે દેવમાં સૌથી વધુ આસ્થા રાખવામાં આવે છે તે છે તિરુપતિ બાલાજી. ભગવાન વિષ્ણુના અવતાર શ્રી વેંકટેશ્વર સ્વામીને સમર્પિત એવા આ મંદિરમાં દર્શન કરવાથી તમામ મનોકામના પુરી થતી હોવાની માન્યતા છે. દેશ-દુનિયાના કરોડો લોકો પુરી શ્રદ્ધાથી તિરુપતિ બાલાજીની આરાધના કરતા હોય છે. તિરુપતિમાં દાન-દક્ષિણાનો દરિયો છલકાતો જોવા મળે ત્યારે આજે કરીએ તિરુપતિ બાલાજી મંદિરની રહસ્યમય અને રોચક સફર.
ક્યાં આવ્યું તિરુપતિ બાલાજી મંદિર ?
તિરૂમાલા વેંકટેશ્વર ટેમ્પલ ભારતના પ્રાચીન મંદિરોમાંથી એક છે, તિરૂપતિ એ ભગવાન બાલાજીનું નિવાસસ્થાન છે,જેથી આ ધામને “ભૂલોક પરનું વૈકુંઠધામ” પણ કહેવામાં આવે છે.અને ભારતના સૌથી ધનાઢ્ય મંદિરોમાં તિરુપતિ બાલાજીનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લામાં આવેલા પર્વતીય શહેર તિરુમાલામાં આ મંદિર આવેલું છે. તે તિરૂમાલા શહેરથી 22 કિમી દૂર આવેલી શેષાદ્રિની સાત ટેકરીઓમાંની સાતમા નંબરની વેંકટાદ્રિ ટેકરી પર આવેલું હોવાથી તેને ટેમ્પલ ઓફ સેવન હિલ્સ એટલે કે સાત પહાડીઓનું મંદિર પણ કહેવાય છે.
આખું વર્ષ અવિરત અહીં ભક્તિ અને ભક્તોનો પ્રવાહ જોવા મળે છે, કહેવાય છે કે અહીંયા દરરોજ 50 હજારથી 1 લાખ સુધી ભક્તો દર્શન કરે છે. તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે તમારે ધીરજ ધરવી પડે. સામાન્ય રીતે દર્શન કરવા માટે તમને એકથી ત્રણ દિવસ લાગી શકે અને ભીડ વધારે હોય તો આનાથી પણ વધારે સમય થઈ શકે. દર્શન માટે સામાન્ય ટિકિટના દર 50 રુપિયા છે. પરંતુ ભીડથી બચવા માટે બેસ્ટ ઉપાય છે ઓનલાઈન બુકિંગ. તિરુપતિ બાલાજીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમારી માહિતી સાથે બુકિંગ કરાવવાનું રહે છે અને તેના માટે 300 રુપિયાનો શુલ્ક આપવાનો થશે. યાત્રાળુઓને સ્પેશિયલ દર્શનની ટિકિટ દર્શન કરવાના સ્લોટની ઉપલબ્ધિ પ્રમાણે અલોટ કરવામાં આવે છે. તિરુપતિ બાલાજીના દર્શન માટે જવું હોય તો ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય યોગ્ય રહે છે.
તિરૂપતિ કઈ રીતે પહોંચશો?
સડક માર્ગ -
તિરૂપતિથી તિરૂમાલા માટે દર 2 મિનિટે ડાયરેક્ટ બસની સુવિધા પ્રાપ્ય છે.ઉપરાંત ચેન્નાઈ, બેંગાલુરૂ અને વેલ્લોરથી પણ ડાયરેક્ટ બસની સુવિધા મળી રહે છે. ટેક્સી અને ખાનગી બસ સંચાલકો ચેન્નાઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ્ અને બેંગલોર જેવા નજદીકી શહેરોથી પણ નિયમિત તિરૂપતિ માટે નિયમિત રીતે અવરજવર કરતા હોય છે.
રેલ્વે માર્ગ -
તિરૂમાલાનું પોતાનું રેલ્વે સ્ટેશન નથી. સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન તિરૂપતિ છે,જે તિરૂમાલાથી 26 કિમી દૂર છે.તે પાંચ પ્લેટફોર્મ અને એસ્કેલેટર ધરાવતું મોટું રેલ્વે સ્ટેશન છે.વળી,આ સ્ટેશન ભારતભરના મોટા શહેરોથી જોડાયેલું છે. જો કે તમે રેનીગુંટા રેલવે સ્ટેશન પર ઉતરીને તિરુપતિ સુધીની પ્રાઈવેટ ટેક્સી કે ઓટોરિક્ષા કરી શકો છો જે સરળતાથી ઉપલબ્ધ છે. તો ગુડુર રેલ્વે સ્ટેશનથી પણ લગભગ 1 કલાક 30 મિનિટમાં તિરુપતિ પહોંચવાનું સરળ બને છે.
હવાઈ માર્ગ -
તિરૂમાલા માટે નજીકનું એરપોર્ટ રેનીગુંટા છે જે તિરૂપતિથી લગભગ 15 કિમી દૂર આવેલું છે.આ એરપોર્ટ પરથી હૈદરાબાદ, વિશાખાપટ્ટણમ, ચેન્નાઈ, નવી દિલ્હી અને બેંગાલુરૂ માટે નિયમિત રીતે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ મળતી હોય છે. તો થોડા સમય પહેલા જ રેનીગુંટા એરપોર્ટને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે ડેવલપ કરવામાં આવ્યું છે. ચેન્નાઈ અથવા બેંગ્લોર એરપોર્ટ થી લગભગ ત્રણથી પાંચ કલાકની અંદર તિરુપતિ પહોંચી શકાય છે.
પદયાત્રિકો માટે ખાસ -
ઘણા યાત્રાળુ પોતાની માનતા પૂરી કરવા પગપાળા તિરૂમાલા આવે છે. તેમના માટે તિરૂમાલા સુધી પથ્થરની બે પગદંડીઓ બનાવવામાં આવી છે. આ પદરસ્તાઓને “સોપાનમાર્ગ” કહેવામાં આવે છે. તળેટીમાં અલીપિરીથી શરૂ થતો મુખ્ય સોપાનમાર્ગ 11 કિમી લાંબો છે અને પદયાત્રા માટે વધુ વપરાય છે. 6 કિમી લંબાઈનો બીજો સોપાનમાર્ગ શ્રીવારી મેટ્ટુ ચંદ્રગીરીથી શરૂ થાય છે.
TTD સંસ્થાએ આ બન્ને રૂટ પર વિશ્રામગૃહો, સિક્યોરિટી, નાશ્તાની વ્યવસ્થા, શૌચાલય, પીવાનું સ્વચ્છ પાણી, તબીબી સારવાર વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. ઉપરાંત આ સંસ્થા દ્વારા યાત્રાળુઓ માટે વિનામૂલ્યે સામાન ટ્રાન્સફર કરવાની સુવિધા પણ પૂરી પાડે છે.
તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન
તિરુપતિમાં દર્શનનો સમય અઠવાડિયાના દરેક દિવસે અલગ અલગ હોય છે.જોકે સામાન્ય દિવસોમાં 18 કલાક અને વિશેષ દિવસોમાં મંદિર 20 કલાક માટે ખુલ્લું રખાય છે.
મંદિરના સમય- સોમવાર-મંગળવાર-શનિવાર-રવિવાર - સવારે 7.30 થી સાંજે 7.00 કલાકસુધી અને ફરી રાતે 8 વાગ્યાથી બીજી સવારે 1.00 કલાક સુધી.
બુધવાર-શુક્રવાર- સવારે 9 થી સાંજે 7.00 અને ફરી રાતે 8થી બીજી સવારે 1.00 કલાક સુધી.
મંદિરમાં પ્રવેશ માટે વૈકુંઠમ ક્યૂ કોમ્પ્લેક્ષમાંથી પસાર થવાનું હોય છે.આ કોમ્પ્લેક્ષ પરસ્પર જોડાયેલા હોલ છે,જે મુખ્ય મંદિર સુધી છે. જ્યાં યાત્રાળુઓ કતારબદ્ધ રીતે મંદિર સુધી પહોંચી શકે તે માટે આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે. ક્યૂ કોમ્પ્લેક્ષના હોલ સ્વચ્છ,હવાઉજાસયુક્ત અને વિશાળ હોય છે.TTD એટલે કે તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ્ ક્યૂ કોમ્પ્લેક્ષમાં મોટા પ્રમાણમાં વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે.
• લાઈનમાં રહેલા યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ભોજનપ્રસાદ
• દર 3 કલાકે વિનામૂલ્યે દૂધ, ચા-કોફીની સુવિધા
• મફત આરોગ્ય સુવિધા
• સુઘડ શૌચાલય અને RO ફિલ્ટર્ડ પાણી
• CCTVદ્વારા ધાર્મિક કાર્યક્રમો અને સંગીતનું પ્રસારણ
તિરૂપતિ મંદિરનું સ્થાપત્ય
તિરુપતિ બાલાજી મંદિર સ્થાપત્યકલાની દ્રષ્ટિએ પણ ખાસ છે. ઈ.સ. વર્ષ 300ની આસપાસ દક્ષિણ ભારતીય વાસ્તુકલા પ્રમાણે મંદિરનું નિર્માણ થયું. મંદિરના ગર્ભગૃહને આનંદનિલયમ કહેવાય છે.ગર્ભગૃહમાં ભગવાન વેંકટેશ્વરની મૂર્તિ ઊભી મુદ્રામાં અને તેમનું મુખ પૂર્વ દિશા તરફ રહે તે રીતે સ્થાપિત કરવામાં આવી છે.આ મંદિર સ્વયંભૂ વિષ્ણુના ક્ષેત્રોમાંનું એક અને 75મા દિવ્યદેશમના રૂપમાં ઓળખવામાં આવે છે.
તિરૂપતિ આસપાસની અન્ય શું જોવાલાયક?
તિરુપતિ જાવ તો માત્ર બાલાજી મંદિરના જ દર્શન કરી શકાય એવું નથી. તિરુપતિમાં અન્ય પણ ઘણા બધા જોવા લાયક સ્થળો આવેલા છે જેની મુલાકાત આપ લઈ શકો છો. અને અહીં ઘુમવાનો આનંદ લઈ શકો છો. અહીં તિરુપતિ મંદિરથી દર્શન કર્યા બાદ આપ ખરીદી કરવાનો લહાવો પણ લઈ શકો છો. જો કે તિરુપતિની સફર દરમ્યાન આપ અન્ય મંદિર, મ્યુઝિયમ, વોટરફોલ્સની પણ મુલાકાત લઈ શકો.
1. શ્રી વરાહસ્વામી મંદિર
2. શ્રી પદ્માવતી અમ્માવારી મંદિર
3. તાલાકોણ વોટરફોલ્સ
4. નેશનલ આર્ક અથવા શિલાતોરણમ્
5. શ્રીવારી પાદાલુ મંડપમ્
6. સ્વામી પુષ્કરિણી
7. પાપવિનાશમ્ તીર્થમ્
8. તિરૂમાલા હરણોદ્યાન
9. શ્રી વેંકટેશ્વર મ્યુઝિયમ,તિરૂમાલા
10. શ્રી કલ્યાણ વેંકટેશ્વરસ્વામી ટેમ્પલ
11. શ્રી વેંકટેશ્વર ઝૂલોજિકલ પાર્ક
12. દિવ્યરામમ્ પાર્ક
13. તિરૂમાલા ચક્રતીર્થ
14. કપિલા તીર્થ વોટરફોલ્સ
15. ચંદ્રગીરી ફોર્ટ
16. તિરૂપતિ વ્યૂપોઈન્ટ
17. રોક ગાર્ડન
18. શ્રી આંજનેયસ્વામી મંદિર,તિરૂમાલા
19. TTD ગાર્ડન્સ
તિરુપતિ બાલાજીની મુલાકાત ન માત્ર ભક્તિભાવ ભરી બની રહે છે પરંતુ અહીંના મનોરમ દ્રશ્યો પણ આપની આંખોને ગમી જાય તેવા છે. તિરુમાલા પહાડી પર ચડવાના વાંકાચૂકા પહાડી રસ્તાઓ હોય કે પછી આ રસ્તાઓ પરથી દેખાતો નીચેનો નજારો...તમામ મનને આનંદ આપે એવા નયનરમ્ય અને આહલાદક હોય છે. એટલે તિરુપતિ બાલાજી મંદિરની આપની સફર આસ્થાની સાથે આનંદની પણ અનુભૂતિ કરાવશે. તો હવે રાહ શેની જોવી. આજે જ કરી લો પ્લાન દક્ષિણ ભારતના આ ભવ્ય મંદિરની મુલાકાત માટે.
તો મિત્રો...તમારી સફરને આસાન અને આનંદદાયક બનાવવા માટેનો આ આર્ટિકલ જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભુલશો નહીં...ફરી ઘુમીશું કોઈ નવા ડેસ્ટિનેશન પર અને ફરી કરીશું કોઈ નવી ટ્રાવેલ તફરીની વાત...નેક્સ્ટ આર્ટિકલમાં.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો