ચોમાસામાં ફરવા લાયક ગુજરાતના 5 અદભૂત ધોધ

Tripoto
Photo of ચોમાસામાં ફરવા લાયક ગુજરાતના 5 અદભૂત ધોધ by HIGNESH HIRANI

ભૌગોલિક વિવિધતા તેમજ કુદરતી લાક્ષણિકતાને કારણે ગુજરાતમાં વિવિધ જળધોધ આવેલાં છે. જેમાંના કેટલાંક તો એટલા આકર્ષક અને તેની આસપાસ એક આભા બનાવે છે કે એક નજર જોનારાને મંત્રમુગ્ધ કરી દે છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે નદીઓમાં આવેલા નવા નીરથી કેટલીય જગ્યાએ ધોધ તેમજ ચારેબાજુ કુદરતની હરિયાળીનો અનેરો નજારો જોવા માટે અનેક લોકો પરિવાર સાથે ફરવા જવાનું વિચારતા હોય છે, તો આવો આજે આપણે જોઈએ ગુજરાતનાં અલગ અલગ ક્ષેત્રમાં આવેલા 5 આકર્ષક ધોધ.

જમજીર ધોધ, ગીર સોમનાથ

ગીર જંગલમાં કોડીનાર નજીક જામવાળા પાસે આ મનમોહક જમજીર ધોધ આવેલો છે. ગીરના જંગલમાંથી નિકળતી શિંગોડા નદી પર આવેલા જમજીર ધોધનું સૌંદર્ય માણવું તે એક લ્હાવો છે. વરસાદી માહોલ શરૂ થતાની સાથે જ અહીં પર્યટકોની સંખ્યા પણ વધવા લાગે છે. ૩૦ ફૂટની ઊંચાઈથી પડતી જળરાશિનો કુદરતી નજારો નિહાળવા વિવિધ સ્થળોએથી પર્યટકો આવે છે અને નિહાળીને દંગ બની જાય છે. જમજીર ધોધને ગીરનો “નાયગ્રા ધોધ” તરીકે પણ લોકો ઓળખે છે.

Photo Credit: Internet

Photo of ચોમાસામાં ફરવા લાયક ગુજરાતના 5 અદભૂત ધોધ by HIGNESH HIRANI

ચોમાસામાં ધોધનો પ્રવાહ ખૂબ જ વધુ હોવાથી તેની નજીક જવાનું ટાળવું જોઈએ, ધોધ પાસેની પથરાળ જમીન ચોમાસા દરમિયાન લપસણી બની જાય છે અને જો તમારો પગ લપસી જાય તો ચોક્કસ પડી જવાનો ડર રહે છે અને જીવ પણ ગુમાવો પડી શકે. જમજીર ધોધ જેટલો આકર્ષક અને મનોહર છે તેટલો જ તે ખતરનાક અને જીવલેણ પણ છે આથી જમજીર ધોધને દૂરથી જ માણવામાં શાણપણ છે. કારણ કે જમજીર ધોધની સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ઘણાં લોકો જીવ ગૂમાવતાં હોય છે. આથી તેને મોતનો ધોધ પણ કહેવાય છે.

દિવ, સોમનાથ અને સાસણ જતા સહેલાણીઓ માટે જમજીર ધોધ આકર્ષણનું કેન્દ્ર છે. જમજીર ધોધની નજીકમાં આવેલા પાંચ મહાદેવ મંદિરનુ મહાત્મય પણ અનેરૂ છે. તેમજ અહીંથી ફક્ત ૩૦ કિમીના અંતરે આવેલ દ્રોણેશ્વર ડેમ અને દ્રોણેશ્વર મહાદેવ પણ ખુબ જ પ્રખ્યાત છે. જમજીર ધોધથી પાછાં ફરતાં ગીરનાં માલધારીઓ દ્વારા ખુલ્લાં તવડામાં તાજા દૂધમાંથી બનાવેલા થાબડી પેંડા ખાવાનું ન ભુલશો. આ સિવાય દેશી ગોળ બનાવવાના ચીચોડાની મુલાકાત અચૂક લેશો.

નજીકના ફરવાલાયક સ્થળો: ગીર નેશનલ પાર્ક, દીવ, સોમનાથ

ઝરવાણી ધોધ, નર્મદા

સાતપુડાની ગિરિમાળા વચ્ચે આવેલું ઝરવાણી સહેલાણીઓમાં અતિ લોકપ્રિય સ્થળ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 12 કિમીના નજીક અને શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર આવેલો ઝરવાણી ધોધ તેના પ્રાકૃતિક સૌંદર્યને કારણે સહેલાણીઓમાં લોકપ્રિય છે. અહીં 25 મીટરની ઊંચાઇએથી વહેણ સાથે નીચે પૂલમાં પાણી પડતું હોવાથી આ ધોધ જાણે ગર્જના કરતો હોય તેમ ભાસે છે. ઝરવાણી ધોધના પૂલમાં પાણીની ઊંડાઇ વધુ નથી, આથી બાળકો સાથે અહીં નહાવાનો મજા માણી શકો છો. ઝરવાણી ધોધના ઝરણાનું પાણી એટલું ચોખ્ખું છે કે, પાણીના તળિયે તરતી નાની માછલીઓ પણ જોઇ શકાય છે. આ સ્થળનું અપ્રતિમ સૌંદર્ય પર્યાવરણ સાથેની તમને જોડે છે. લીલાછમ જંગલની વચ્ચે આવેળ આ ધોધના ઝરણાના પ્રવાહમાં થાકેલા તન-મનને આહલાદક અનુભૂતિ થાય છે.

Photo Credit: Gujarat Tourism Website

Photo of ચોમાસામાં ફરવા લાયક ગુજરાતના 5 અદભૂત ધોધ by HIGNESH HIRANI

ઝરવાણી ધોધમાં બારે મહિના પાણી આવતું હોવાથી, તમે આખા વર્ષ દરમિયાન અહીંની મુલાકાત લઈ શકો છો. તેમજ આ વિસ્તારમાં પિકનિક અથવા ટ્રેકિંગ પ્રવૃત્તિઓ ગોઠવવા માટે વન વિભાગની મદદ પણ લઈ શકો છો. પ્રકૃતિની ખોળે પરિવાર મિત્રો સાથે સમય પસાર કરવા માટે એક મસ્ત જગ્યા છે. યુવાનો અને એડવેન્ચર પ્રિય લોકોની આ લોકપ્રિય કેમ્પસાઇટ છે, અને ધોધથી સીધા ખડકો પર પડતા ફીણવાળા પાણીનો નજારો અને પક્ષીઓના કિલકિલાટ તમારા મન અને શરીરને નવપલ્લવિત કરવા માટે પૂરતા છે. શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર સ્થિત હોવાથી અહી તમને વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિનું ગજબ વૈવિધ્ય જોવા મળશે.

જો તમે પ્રકૃતિની વચ્ચે સંપૂર્ણ શાંતિ અને પ્રાકૃતિક સામે ગળવાનું આયોજન કરી રહ્યા છો, તો આ શ્રેષ્ઠ સ્થળ છે. આ સ્થળે કેમ્પિંગ, હાઇકિંગ અને ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ પણ કરી શકાય છે. ભવ્ય ધોધ ઉપરાંત, અહી ઇકો-ટૂરિઝમ કેમ્પસાઇટ, જંગલમાં સાથી ટ્રેક્સ અને એડવેન્ચર પાર્ક પણ ધરાવે છે. ચોમાસામાં તે પૂરેપૂરું મહોરી ઉઠે છે. આ વખતે ત્યાંનું ઝરણું મનમોહક હોય છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વઘતી જતી લોકપ્રિયતાને કારણે અહીં પ્રવાસન ઉદ્યોગ વિકસ્યો છે આથી અહીં જંગલમાં પર્યાવરણ પ્રવાસન લક્ષી કેમ્પ સાઇટ, એડવેન્ચર પાર્ક તેમજ એકતા નગરમાં પાસે વિશાળ પટમાં વહેતાં નર્મદાના નીરમાં ખાતે રીવર રાફટીંગ પ્રવૃત્તિ અને દિલઘડક રોમાંચ આપતી બેમિસાલ જળક્રીડા પ્રવૃતિઓ ચાલુ કરવામાં આવી છે.

શહેરના રોજિંદા થકવી દેનારા સ્ટ્રેસને અહીં આવીને સાવ ભૂલી જવાય છે. આ પ્રકૃતિના ખોળે શારીરિક-માનસિક યાતનાને ભૂલી જઇને અદમ્ય ઉત્સાહ ભરી લેવાની મસ્ત લહાવો અહી મળે છે. જો તમે ફોટોગ્રાફીના શોખીન છો, તો તમને ચોક્કસપણે આ સ્થળ ગમશે જ.

નજીકના ફરવાલાયક સ્થળો: સ્ટેચ્યુ ઓફ યુનિટી, શૂલપાણેશ્વર અભયારણ્ય, શૂલપાણેશ્વર મંદિર

ત્રંબક ધોધ, ભાવનગર

ત્રંબક ધોધ ભાવનગરથી 24 કિમીના અંતરે ત્રંબક ગામમાં એક નાનકડા પહાડ પર આવેલો અદભૂત ધોધ છે જે નાના જંગલથી ઘેરાયેલો છે. તે લગભગ 30 ફૂટની ઊંચાઈથી નીચે આવે છે અને જમીન સાથે અથડાતાં કુદરતી પૂલ બનાવે છે. શાંત વાતાવરણ, ઉછળતા પાણીનો ગર્જના કરતો અવાજ, લીલીછમ હરિયાળી, ખડકાળ ટેકરીઓ અને એકાંત પ્રકૃતિ તેને ભાવનગરના લોકો તેમજ પ્રવાસીઓ માટે તેમના ભાવનગર પ્રવાસ દરમિયાન એક લોકપ્રિય પિકનિક સ્થળ બનાવે છે.

Photo Credit: Internet

Photo of ચોમાસામાં ફરવા લાયક ગુજરાતના 5 અદભૂત ધોધ by HIGNESH HIRANI

આ ધોધથી 5 કિમીના અંતરે માળનાથ મહાદેવ મંદિર આવેલ છે, ચોમાસા દરમિયાન આ સ્થળ જોવાનો આનંદ અનેરો હોય છે કારણ કે આ સમયમાં આજુબાજુના ડુંગરો કુદરતી લીલોતરીથી ઢંકાયેલા હોય છે અને વચ્ચે નાનાં-નાનાં ઝરણાઓને જોઈને મનને આહલાદક વાતાવરણની અનુભૂતિ થાય છે.

ધોધની આસપાસનો વિસ્તાર લપસણો હોવાથી વિશેષ સાવચેતી રાખવી.

નજીકના ફરવાલાયક સ્થળો: રાજપરા ખોડિયાર માતા મંદિર, નિષ્કલંક મહાદેવ અને અલંગ શિપિંગ યાર્ડ

ખૂણિયા મહાદેવ ધોધ, પાવાગઢ

યાત્રાધામ પાવાગઢ ખાતે વર્ષા ઋતુની સિઝનમાં ધોધ વહેતો હોય છે આ ધોધ ખૂણિયા મહાદેવના ધોધ તરીકે પ્રખ્યાત છે. પાવાગઢ મેઇન રોડથી જંગલમાં ૩ કિમી ચાલીને ખૂણિયા મહાદેવ ધોધ સુધી પહોંચી શકાય છે. શક્તિપીઠ પાવગઢના દર્શને આવેલા શ્રદ્ધાળુઓ મહાકાળી માતાજીના દર્શન સાથે પ્રકૃતિનો આનંદ માણી શકે છે.

Photo Credit: Internet

Photo of ચોમાસામાં ફરવા લાયક ગુજરાતના 5 અદભૂત ધોધ by HIGNESH HIRANI

ચોમાસામાં વરસાદ થતાં પાવાગઢ પર્વતે લીલી ચાદર ઓઢી લીધી હોય તેમ સોળે કળાએ ખીલી ઉઠે છે. ગઢ ધુમ્મસ ભર્યા વાદળોથી ઘેરાયેલો પાવાગઢ અને તેની આસપાસના પર્વતો પર ધોધ અને ઝરણાઓ પડતાં હોય તે દ્રશ્ય નયનરમ્ય લાગે છે. ચોમાસામાં પ્રવાસીઓ આ ધોધને નિહાળવા માટે ઉમટી પડે છે.

નજીકના ફરવાલાયક સ્થળો: પાવાગઢ, ચાંપાનેર આર્કિયોલોજીકલ પાર્ક, જાંબુઘોડા

ઝાંઝરી ધોધ, દહેગામ

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે ઝાંઝરી આવેલું છે. આ સ્થળે વાત્રક નદીમાં પડતો ધોધ એ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. ઝાંઝરી ધોધએ વાત્રક નદીમાંથી વહેતા પાણીની ધારાઓ છે, જેમાં મુખ્ય પાણીનો ધોધ ૨૫ ફૂટ જેટલો ઊંચો છે. અમદાવાદથી લગભગ ૭૫ કિમી અને ગાંધીનગરથી 60 કિમીના અંતરે આવેલો ઝાંઝરી ધોધ વરસાદી ઋતુમાં એક દિવસના પિકનિક માટેનું યોગ્ય સ્થળ છે.

Photo Credit: Internet

Photo of ચોમાસામાં ફરવા લાયક ગુજરાતના 5 અદભૂત ધોધ by HIGNESH HIRANI

ઝાંઝરી ધોધ બારમાસી ધોધ નથી પણ ચોમાસા દરમિયાન નદીના ખડકાળ કિનારેથી વહેતું પાણી છે. જોકે ઉનાળા દરમિયાન ધોધના પ્રવાહમાં ઘટાડો થાય છે પણ ચોમાસાની શરૂઆત થતાં જ જાણે અહીંના પ્રાકૃતિક સ્થળોનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે. ત્યારે ઝાંઝરી ગામની વાત્રક નદી પરના પ્રકૃતિના ખોળે વહેતા આ ધોધનો નજારો માણવા લાયક છે.

અમદાવાદ અને ગાંધીનગરની નજીકમાં આવેલ ઝાંઝરી એકમાત્ર ધોધ છે. આ ધોધ સુધી જવા માટે ખાસ ઝાંઝરી બસ સ્ટોપથી નદીના પટમાં ૩ કિમી ચાલવું પડે છે, પ્રવાસીઓ માટે કોઈ સગવડ નથી. નદી વિસ્તાર હોવાથી પ્રવાસી માટે કોઈ શૌચાલય કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા નથી. ઝાંઝરી ધોધમાં ન્હાવાની મનાઈ છે.

નજીકના ફરવાલાયક સ્થળો: ઉત્કંઠેશ્વર મહાદેવ, ડાકોર

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

Further Reads