વોટર ફોલ એટલે કે જળધોધનું નામ પડે એટલે આપણા મુખે સૌ પ્રથમ તો નાયગ્રાનો ધોધ જ આવે. ભારતના પણ ઘણા રાજ્યોમાં બારે મહિના વહેતા ધોધ છે જે પ્રવાસીઓને મોટી સંખ્યામાં આકર્ષે છે પરંતુ ગુજરાતમાં એક પણ બારમાસી ધોધ નથી. ગુજરાતમાં મોટાભાગના ધોધ માત્ર ચોમાસાની સીઝનમાં સક્રિય હોય છે, તો કેટલાક ધોધ શિયાળામાં સુધી પણ સક્રિય જોવા મળે છે. આપણે ત્યાં લગભગ 16 ધોધ છે. ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારાના સુપ્રસિદ્ધ ગિરા-ગિરી, ગિરિમાળ ધોધથી માંડીને સૌરાષ્ટ્રના જામવાલા નજીકના જમજીર ધોધ, ગુજરાતનો નાયગ્રા ગણાતો ચીમેર, બરડા, હાથણી માતાનો ધોધ, દક્ષિણ ગુજરાતના ધરમપુરની વિલ્સન હિલ્સ નજીક આવેલો શંકર વોટર ફોલ નિનાઈ, ઝરવાણી અને ગૌમુખ ધોધ વગેરે ટૂરિસ્ટ્સમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તો આવો જાણીએ ગુજરાતના કેટલાક ધોધ વિશે.
ચીમેર ધોધ:
ચીમેર ધોધ, ચીમેર ગામની નજીક આવેલો છે. ત્યાં જવા માટે સોનગઢથી સુબીરના રસ્તે જવાનું. આ રસ્તે ૨૮ કી.મી. જેટલું ગયા પછી ચીમેર ગામ આવે છે. સોનગઢથી જ જંગલ વિસ્તાર શરુ થઇ જાય છે. આ રસ્તો એ કોઈ મોટો હાઈ વે નથી. પણ જંગલમાં થઈને પસાર થતો, વળાંકોવાળો ઉંચોનીચો રસ્તો છે. આમ છતાં, ગાડી તેમ જ બસ પણ આરામથી જઈ શકે. આ ધોધ લગભગ 300 ફૂટની ઊંચાઈએથી નીચે પડે છે. અહીં કુલ ચાર ધોધ નીચે પડે છે. તેમાંનો ચીમેર ધોધ મુખ્ય છે. ચોમાસામાં આ ધોધની ભવ્યતા વધી જતી હોય છે. આ ધોધને ગુજરાતનો નાયેગ્રા ફોલ કહેવામાં આવે છે. અહીં પથ્થર પર બેસો અને ચીમેર ધોધને નિહાળતા રહો તો કલાકો ક્યાં પૂરા થઈ જાય તેની ખબર પણ નહીં પડે. આ ધોધનું દ્રશ્ય તમારા મગજમાં એવું કોતરાઈ જશે કે સગી આંખે જોયા પછી પણ તમને નવાઈ લાગશે કે આટલું સુંદર સ્થળ આપણા ગુજરાતમાં છે. આ ધોધ જુઓ ત્યારે એમ લાગશે જ કે ‘અરે ! અત્યાર સુધી આપણે અહીં કેમ ના આવ્યા ?’
ગિરા ધોધ:
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના જાણીતા હિલ સ્ટેશન સાપુતારાની નજીક વઘઈ ગામ પાસે ગિરા ધોધ આવેલો છે. ગીરા ધોધ (Gira waterfall) વઘઈથી માત્ર 4 કિ.મી. જ દૂર છે. વઘઈથી સાપુતારા જવાને રસ્તે 2 કિ.મી. જેટલું ગયા પછી, સાઈડમાં ધોધ તરફ જવાનો રસ્તો પડે છે. આ સાઈડના રસ્તે બીજા 2 કિ.મી. જાવ એટલે અંબિકા નદીના કિનારે પહોંચી જવાય. કિનારેથી જ ધોધનાં દર્શન થાય છે. ધોધ પડ્યા પછી નદી વળાંક લે છે. કિનારેથી નદીની રેતીમાં ઉતરીને, ખડકાળ પથ્થરોમાં પાંચેક મિનીટ જેટલું ચાલીને ધોધની બિલકુલ સામે પહોંચાય છે. અહીં ખડકો પર જ ઊભા રહીને ધોધ જોવાનો અને ધોધનો કર્ણપ્રિય અવાજ સંભાળવાનો. ધોધના ફોટા પાડવા માટે આ સરસ જગા છે. પાણીમાં ઉતરાય એવું છે નહિ. જો ઉતરો તો ડૂબી જવાય કે નદીમાં ખેંચાઈ જવાય. આવી સ્થિતિમાં ધોધનું પાણી જે જગાએ પડે છે, તે જગાએ જવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. ત્યાં જઈને ધોધમાં નહાવાનું તો શક્ય જ નથી.
વઘઈની અંબિકા નદીમાં પાણીનો વધારો થાય ત્યારે આ રમણીય લાગતા ગિરા ધોધનું રૌદ્ર રૂપ જોવા મળે છે. ગુજરાતના અન્ય ધોધની માફક સિઝનમાં જ સક્રિય થતો ધોધ છે. ગિરા ધોધ વિશાળતાની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો ધોધ માનવામાં આવે છે. આ ધોધ લગભગ 30 મીટરની ઊંચાઇએથી પડે છે.
ગિરિમાળ ધોધ:
ઉત્તરીય ડાંગ પ્રદેશના ગિરમાળ ગામે આ ધોધ આવેલો છે. મહારાષ્ટ્રમાંથી નીકળતી ગિરા નદી ગિરમાળ ગામે પર્વત ઉપરથી ત્રીસેક મીટરની ઊંચાઈએથી અહીં ધોધ રૂપે પડે છે. આ ધોધની ઊંચાઈ આશરે 30 મીટર જેટલી છે. વરસાદ બાદ જયારે નદીમાં પાણીનું સ્તર વધે છે ત્યારે આ ધોધની સુંદરતા અનેક ગણી વધી જાય છે. આ ધોધ એટલો સુંદર છે કે આ ધોધની આજુબાજુમાં આવેલા ખડકો પર બેસીને તમે કલાકો સુધી આ ધોધમાં પડતું પાણી જોઈ શકો છો,
જમજીર ધોધ:
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ સાસણ ગીર નજીક આવેલો આ ધોધ બે ભાગમાં ઉપરથી નીચે પડે છે. શીંગવડો નદી મધ્યગીર કનકાઈની ગીરી કંદરાઓમાંથી ઉદ્દભવી 80 કિલોમીટરનું અંતર કાપી કોડીનારનાં મુળ દ્વારકા બંદરે સમુદ્રને મળે છે. શીંગવડો નદી ગીર જંગલમાંથી પસાર થાય છે. ગીર બોર્ડરનાં જામવાળા ખાતે આ નદી શિંગોડા ડેમમાં આવે છે. અહીંથી આગળ વધી જમદગ્નિ ઋષિનાં આશ્રમની નજીક જમજીરનાં ધોધ સ્વરૂપે વહે છે.
બરડા ધોધ:
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી મહાલ તરફ જતાં 10 કિલોમીટર દૂર બરડાનો ધોધ આવેલો છે. ચનખલ ગામથી પણ અહીં જઈ શકાય છે. ચનખલ ગામથી બરડા ધોધ જવા માટે ખેતરોમાંની કેડીઓ પર ચાલીને જવું પડે છે. અહીં ચાલતા પહોંચતા લગભગ 30 મિનિટ જેટલો સમય લાગે છે. આ ધોધનું પાણી નીચે તલાવડીમાં પડે છે. આસપાસ આવેલા ખડકોની ઊંચાઈએથી જોતાં ધોધનું દૃશ્ય મુલાકાતીઓનું મન મોહી લે છે.
હાથણી માતાનો ધોધ:
પંચમહાલમાં આવેલા જાંબુઘોડા અભયારણ્યથી અંદાજે 21 કિમી. દૂર આવેલા બાકરોલ ગામ નજીક પર્વતમાળામાંથી વહેતી નદી અહીં ધોધ રૂપે જોવા મળે છે. આ ધોધ ફક્ત ચોમાસામાં જ જીવંત થતો જોવા મળે છે. આ ધોધ જ્યાં નીચે પડે છે ત્યાં એક ગુફા આવેલી છે. તેમાં હાથણી માતાનું મંદિર અંદર આવેલું છે. તેથી તે હાથણી માતાના ધોધ તરીકે જાણીતો બન્યો છે. અહીંના પ્રાકૃતિક સૌંદર્યને માણવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે.
ઝાંઝરી ધોધ:
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક વાત્રક નદીના કિનારે ઝાંઝરીએ મહત્વનું ધાર્મિક અને પ્રવાસન સ્થળે છે.બાયડથી આશરે ૧૨ કિ.મી.દૂર બાયડ-દહેગામ રોડથી દક્ષિણ બાજુએ અંદાજે ૭ કિ.મી દૂર આ રમણીય સ્થળ આવેલ છે. આ સ્થળે વાત્રક નદીમાં પડતો ધોધ એ પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. તદઉપરાંત આ સ્થળે ગંગામાતાનું મંદિર આવેલ છે કે જયાં ભુતકાળમાં ૨૪ કલાક શિવજીનો અભિષેક એક ઝરણા દ્રારા થતો હતો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ