શિયાળાની ઠંડીમાં જંગલમાં ગુજરાતની આ ઇકો ફ્રેન્ડલી કેમ્પ સાઇટમાં કરો એન્જોય

Tripoto
Photo of શિયાળાની ઠંડીમાં જંગલમાં ગુજરાતની આ ઇકો ફ્રેન્ડલી કેમ્પ સાઇટમાં કરો એન્જોય by Paurav Joshi

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. જો કે હજુ શિયાળો બરોબર જામ્યો નથી પરંતુ જો તમે ઠંડીનો અનુભવ કરવા માંગો છો તો તમારે જંગલમાં જવુ પડે. વળી આ જંગલ તમારા શહેરની નજીકમાં હોય તો તો મજા જ પડી જાય. અમદાવાદીઓ વીકેન્ડમાં ફરવા જવાના શોખીન હોય છે. રજા પડી નથી કે ઉપડી જાય છે ફરવા. હવે જો તમે અમદાવાદમાં રહો છો અને વીકેન્ડ એટલે કે શનિ-રવિમાં વન નાઇટ કોઇક ઇકો ફ્રેન્ડલી કેમ્પલાઇટમાં રોકાવું છે તો તમારા માટે રતનમહાલની ઉધાલ મહુડા કેમ્પ સાઇટ બેસ્ટ છે. કારણ કે તમે અહીં તમારા બજેટમાં રોકાઇ શકો છો.

ક્યાં આવેલી છે ઉધાલ મહુડા કેમ્પ સાઇટ

અમદાવાદથી રતનમહાલ કેમ્પસાઇટ લગભગ 194 કિલોમીટર દૂર આવેલી છે. પ્રાઇવેટ કાર લઇને જાઓ તો તમને ત્યાં પહોંચતા લગભગ સાડા ત્રણ કલાક થશે. અહીં તમારે પ્રાઇવેટ વાહન લઇને જ જવું પડશે. બસની કોઇ વ્યવસ્થા નથી. આ જગ્યા રતન મહાલના જંગલોમાં આવેલી છે.

Photo of શિયાળાની ઠંડીમાં જંગલમાં ગુજરાતની આ ઇકો ફ્રેન્ડલી કેમ્પ સાઇટમાં કરો એન્જોય by Paurav Joshi

ઉધાલ મહુડા તમે ત્રણ રીતે જઇ શકો છો. એક તો તમે અમદાવાદથી કઠલાલ, ગોધરા અને દેવગઢ બારીયા થઇને ઉધાલ મહુડા પહોંચો જે સૌથી ટૂંકો રસ્તો છે. બીજો રસ્તો અમદાવાદથી નડિયાદ થઇને ઠાસરા, સેવાલિયા, ગોધરા, દેવગઢ બારિયા થઇને જઇ શકાય છે. આ રસ્તો થોડોક લાંબો છે અને આ રસ્તે કિલોમીટર વધીને 200 કિ.મી. થઇ જાય છે. જ્યારે ત્રીજો રસ્તો અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ વે પકડીને પહોંચી જાઓ. વડોદરાથી હાલોલ, ઘોઘંબા થઇને ઉધાલ મહુડા પહોંચી શકાય છે. આ રસ્તો સૌથી લાંબો છે. એટલે કે આ રસ્તે અમદાવાદથી ઉધાલ મહુડાનું અંતર 223 કિલોમીટર છે.

કેટલો ચાર્જ અને શું મળશે સુવિધા

રતનમહાલ તેના રીંછ અભયારણ્ય માટે જાણીતું છે. અહીં અનેક સાઇટ છે. જ્યાં તમે સનસેટ અને સનરાઇઝનો આનંદ લઇ શકો છો. જંગલમાં ટ્રેકિંગ કરવાની પણ એક અલગ જ મજા છે. ટ્રેકિંગ દરમિયાન તમે પ્રકૃતિને નજીકથી જોવાનો લ્હાવો માણી શકો છો. રતનમહાલમાં કુલ 2 સાઇટ કેમ્પ આવેલા છે. (1) નાલધા સાઇટ કેમ્પ (2) ઉધાલ મહુડા કેમ્પ સાઇટ. સરકાર દ્ધારા આ બન્ને સાઇટનું સંચાલન કરે છે. અહીં કોઇ ખાનગી રિસોર્ટ કે કેમ્પ સાઇટ નથી.

Photo of શિયાળાની ઠંડીમાં જંગલમાં ગુજરાતની આ ઇકો ફ્રેન્ડલી કેમ્પ સાઇટમાં કરો એન્જોય by Paurav Joshi

અહીં જંગલ, ગાર્ડન અને ડેમ જોવાલાયક છે. આ જગ્યાએથી હિલ તરફ સનસેટ પોઇન્ટ જવા 9 કિલોમીટરનો રસ્તો છે. અહીં જવા માટે તમારી પ્રાઇવેટ કાર ચાલી શકે નહીં કારણ કે અહીં કાચા રસ્તા છે. અહીંનો સનસેટ પોઇન્ટ જોઇને તમે આબુનો સનસેટ પોઇન્ટ પણ ભુલી જશો. આ જગ્યાએ ફોટોગ્રાફી કરવાની મજા પડશે.

ઉધાલ મહુડા એસી ટ્રી પેકેજમાં તમને દરેક ટ્રી હાઉસમાં ડબલ બેડની સુવિધા સાથે લંચ, ડિનર, કોમ્પ્લિમેન્ટરી બ્રેકફાસ્ટ (2 વાર) બે વ્યક્તિઓ માટે મળે છે. નોન એસી પેકેજમાં પણ બે વ્યક્તિઓને આ જ પ્રમાણેની સુવિધા મળે છે.

ઉધાલ મહુડા

નોન એસી ટેન્ટ રૂ.1650

એસી ટ્રી હાઉસ રૂ.3500

નોન એસી રૂમ રૂ.1650

નાલધા ઇકો કેમ્પસાઇટ

નાલધા ડેમ સાઇટમાં 10 ટેન્ટ છે જેમાં એક ફેમિલી આરામથી રહી શકે છે. આ ટેન્ટમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે. એકસ્ટ્રા બેડ જોઇએ તો તે પણ ઉપલબ્ધ છે. આ કેમ્પથી જ જંગલ ચાલુ થાય છે. કેમ્પ સાઇટથી 2.5 કિ.મી અંદર ચાલતા જવાનું છે જ્યાં વોટરફોલ આવે છે. આ અઢી કિલોમીટરના રસ્તે અનેક નાના-મોટા ઝરણાં, નાના-મોટા વૃક્ષો, પથ્થરોની હારમાળા આવે છે. ચારેતરફ લીલોતરી જ લીલોતરી. જાણે કે સ્વર્ગમાં આવી ગયા હોઇએ તેવું લાગે. અહીં મનને અપાર શાંતિ મળે છે. જો ભોજનની વાત કરીએ તો જમવાનું અહીં સુંદર મળે છે.

Photo of શિયાળાની ઠંડીમાં જંગલમાં ગુજરાતની આ ઇકો ફ્રેન્ડલી કેમ્પ સાઇટમાં કરો એન્જોય by Paurav Joshi

સરકારી ટેન્ટનો ચાર્જ

અહીં એર રાત નોન એસી ટેન્ટમાં રહેવાનો બે વ્યક્તિનો ચાર્જ 1650 રૂપિયા છે. શિયાળો હોવાથી એસીની જરૂર નહીં પડે. જંગલમાં આમેય ઠંડક હોય છે. આ પેકેજમાં સવારનો બ્રેક ફાસ્ટ, લંચ, સાંજે ચા-નાસ્તો અને રાતે ડીનરનો સમાવેશ થાય છે. એટલે કે કોઇપણ હોટલ કરતાં એકદમ સસ્તું અને દરેકને પોષાય તેવો ભાવ. અહીં કેન્ટીનનો કોન્ટ્રાક્ટ ભરતભાઇની પાસે છે. ભરતભાઇ તમને અવનવી વાનગી બનાવીને જમાડશે. તેઓ અત્યંત મૃદુભાષી છે અને કોઇ વાતની ના પાડતા નથી. રસોઇમાં તેમના બે પુત્રો શંકર અને મહેશ તેમને મદદ કરે છે. રસોઇ પણ કેવી, આંગળા ચાટો તેવી સ્વાદિષ્ટ.

આસપાસના આકર્ષણ

તમે જો ઉધાલ મહુડામાં એક દિવસ રોકાઓ છો તો ચેક-ઇન ટાઇમ સવારે 10 વાગ્યાનો છે. જ્યારે ચેક-આઉટ ટાઇમ સવારે 9 વાગ્યાનો છે. હવે તમે બીજા દિવસે 9 વાગે ચેક આઉટ કરીને જાંબુઘોડા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી પહોંચી જાઓ. અહીં કડા ડેમની મુલાકાત લો. આ જગ્યા ઉધાલ મહુડાથી 72 કિ.મી. દૂર આવેલી છે. ડેમની આસપાસ જંગલ હોવાથી રખડવાની મજા આવશે. કેમ્પ સાઇટના કિનારે બેસીને ફોટોગ્રાફી કરો, સેલ્ફી લો. અહીં એક પોઇન્ટ પણ છે જયાંથી તમે આખી નદીને જોઇ શકો છો. નજીકમાં હાથણી માતા ફોલ અને ઝંડ હનુમાન મંદિર આવેલું છે.

Photo of શિયાળાની ઠંડીમાં જંગલમાં ગુજરાતની આ ઇકો ફ્રેન્ડલી કેમ્પ સાઇટમાં કરો એન્જોય by Paurav Joshi

હાથણી માતા વોટર ફોલમાં જો કે શિયાળામાં પાણી નથી હોતું. પરંતુ ત્યાં જવાનો રસ્તો અત્યંત સુંદર છે. તમે આખા રસ્તે એન્જોય કરી શકો છો. જંગલ વિસ્તાર હોવાથી કુદરતના સાનિધ્યમાં સમય પસાર કરવાની મજા આવશે.

Photo of શિયાળાની ઠંડીમાં જંગલમાં ગુજરાતની આ ઇકો ફ્રેન્ડલી કેમ્પ સાઇટમાં કરો એન્જોય by Paurav Joshi

વાત કરીએ ઝંડ હનુમાનની તો તેની આસપાસ પણ જંગલ છે. જાંબુઘોડાનું આ મંદિર ખૂબ પ્રાચીન હોવાના અનેક પુરાવા છે. આ મંદિરમાં પાંડવોના વસવાટનો પણ ઉલ્લેખ જોવા મળે છે, સાથે અહીં કેટલીક પૌરાણિક વસ્તુઓ પણ છે જે પાંડવો સાથે સંબંધ ધરાવે છે. અહીં વસવાટ દરમિયાન દ્રોપદીને તરસ લાગતા અર્જુને બાણ મારી જલધારા વહાવી હતી. જેની નિશાની આજે પણ જોવા મળે છે. તો ભીમ જે ઘંટીથી દળતો હતો તે ભીમકાય ઘંટી પણ અહીં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ જાંબુઘોડાના જંગલો પાસે આવેલ હોવાથી અહીં આવતા ભક્તોને કુદરતી સૌંદર્ય માણવાની અને પ્રકૃતિની વચ્ચે રહેવાની તક પણ મળે છે.

Photo of શિયાળાની ઠંડીમાં જંગલમાં ગુજરાતની આ ઇકો ફ્રેન્ડલી કેમ્પ સાઇટમાં કરો એન્જોય by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો