
રજાઓનો સમય એટલે ભણતર અને નોકરીની ચિંતાઓને બાજુએ રાખીને મનને હળવું કરવાના દિવસો. સપ્તાહમાં એક દિવસ કોઇક એવા સ્થળે એડવેન્ચર ટૂર કરવી જોઇએ જેનાથી તમારો અઠવાડિયાનો થાક ઉતરી જાય અને તમે બિલકુલ ફ્રેશ થઇને ઉત્સાહપૂર્વક કામે લાગી શકો. ઠંડીના દિવસો એટલે એડવેન્ચર કરવાના દિવસો પરંતુ કોરોના કાળમાં તમે ઓછી ભીડભાડવાળી જગ્યાએ જઇને એડવેન્ચર એક્ટિવિટી કરી શકો છો. આખુ વર્ષ લગભગ લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પસાર કર્યા પછી જો તમે કંટાળ્યા હોવ અને એક દિવસ માટે ફેમિલી સાથે પિકનિક કરવી હોય તો બાકોર તમારા માટે સારી જગ્યા છે. જો ઓછા બજેટમાં તમે ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે બાકોર બેસ્ટ જગ્યા છે.
ક્યાં છે બાકોર
બાકોર મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલું છે. બાકોર અમદાવાદથી 165 કિલોમીટર દૂર છે. વડોદરાથી 165 કિ.મી., મોડાસાથી 45 કિ.મી. અને લુણાવાડાથી 32 કિલોમીટર દૂર છે. અહીં તમને જંગલમાં વોટરફોલ, ઝરણાં, કડાણા ડેમ, અદાદારી વોટરફોલ, પક્ષીઓ વગેરે જોવા મળશે. અહીં કાલેશ્વરીના મંદિરો ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
કેવી રીતે જવાય
જો પોતાના વાહનમાં એટલે કે કાર લઇને નીકળ્યા છો તો અમદાવાદથી તલોદ,ધનસુરા, માલપુર થઇને બાબલિયા ચોકડી અથવા વડોદરાથી હાલોલ વાયા ગોધરાથી બાબલિયા ચોકડી થઇને પણ બાકોર જઇ શકાય છે.

બાકોરનો કાર્યક્રમ આ રીતે ગોઠવો
બાકોરમાં બે કેમ્પ સાઇટ છે. એક છે મહુવન ફાર્મ અને બીજી છે બાકોર નેચર અને એડવેન્ચર ફાર્મ. બન્નેમાં કિંમત લગભગ સરખી જ છે. ગુજરાત એડવેન્ચર ક્લબ દ્ધારા બાકોર નેચર ફાર્મનું સંચાલન કરવામાં આવે છે. આજે આપણે આ કેમ્પની માહિતી મેળવીશું.
રૂ.999માં બાકોર ટૂર
બાકોર જવા માટે તમારે ગુજરાત એડવેન્ચર ક્લબમાં ફોન કરીને એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે. દર શનિવાર અને રવિવારે અમદાવાદથી બાકોર જવા માટે બસ ઉપડે છે.
એક્ટિવિટીઝ
ટ્રેકિંગ, બર્મા બ્રિજ, રાઇફલ શૂટિંગ, સાઇટસીન, આર્ચરી, સ્વિમિંગ પુલ, વોટરફોલ, કડાણા ડેમ વિઝિટ, ડીજે, કાલેશ્વરી મંદિરની મુલાકાત

પ્રવાસની રૂપરેખા
સવારે 5 કલાકે અમદાવાદથી લકઝરી બસ દ્ધારા પ્રસ્થાન
8.30 વાગે બાકોર પહોંચી જશો
9 વાગે બ્રેકફાસ્ટ આપવામાં આવે જેમાં ચા, કોફી, ઉપમા, બટાટા પૌંઆ વગેરે હશે
9.30 વાગે ડોડાવંતા તળાવ સુધી ટ્રેકિંગ કરાવવામાં આવે છે જેમાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. અહીં તમે ફોટોગ્રાફી કરી શકો છો. રસ્તામાં પાણીની ડંકી આવે છે ત્યાંથી પાણી પી શકો છો, તમને ગ્રામ્ય જીવનનો અનુભવ થશે
1.00 વાગે કેમ્પ સાઇટ પર લંચ આપવામાં આવે છે
2.30 વાગે કાલેશ્વરી ઐતિહાસિક મંદિરની મુલાકાતે લઇ જવામાં આવશે.
4.00 વાગે ચા-કોફીની સાથે નાસ્તો આપવામાં આવે છે. અમને ગરમા-ગરમ ભજીયા ખાવાની મજા પડી હતી.
4.30 વાગે અદાદારી વોટરફોલની મુલાકાતે લઇ જવામાં આવશે. અહીં વોટરફોલમાં જો તમારે ન્હાવાની ઇચ્છા હોય તો એકસ્ટ્રા જોડી કપડા સાથે રાખવા પડશે પરંતુ આ જગ્યા થોડીક જોખમી છે તેથી ન્હાવામાં સાવધાની રાખવી કારણકે જો પગ લપસ્યો તો ગંભીર ઇજા પણ થઇ શકે છે.
7.30 વાગે સાંજે કેમ્પસાઇટ પર ડિનર હોય છે અને રાતે 8 વાગે અમદાવાદ પાછા ફરવાનું હોય છે.
જો તમારે સ્વિમિંગ પુલમાં ન્હાવું હોય તો સાથે એક જોડી કપડા રાખવા પડશે. અહીં રહેવા માટે ટેન્ટની સુવિધા પણ છે. જો કે ગ્રુપ હોય તો રોકાવાની મજા આવશે. સિંગલ ફેમિલી હશે તો એટલી મજા નહીં આવે પરંતુ શહેરના કોલાહલથી દૂર શાંતિથી એક દિવસ પસાર કરવો હોય તો એન્જોય કરી શકો છો.

અમે આ રીતે ગયા
દિવાળીના વેકેશનમાં અગાઉથી કોઇ મોટી ટૂરનું પ્લાનિંગ નહોતું કર્યું. એક દિવસ માટે ગુજરાતમાં જ અને તેમાંય અમદાવાદથી નજીકના સ્થળે ફરવા જવાનો વિચાર હતો. બાકોર વિશે થોડીક જાણકારી હતી તેથી ગુજરાત એડવેન્ચર ક્લબમાં ફોનથી બુકિગ કરાવ્યું અને નીકળી પડ્યા બાકોર તરફ. અમદાવાદથી કાર દ્ધારા દહેગામ, ધનસુરા, માલપુર થઇને બાકોર પહોંચતા લગભગ અઢી કલાક લાગ્યા. બાકોર પહોંચીને સૌપ્રથમ એડવેન્ચર ફાર્મ પર બ્રેક ફાસ્ટ કર્યો. બ્રેક ફાસ્ટ પહેલા ફાર્મમાં વડના ઝાડ નીચે હિંચકાનો આનંદ માણ્યો. અહીં એક વિશાળ ઝાડ છે જેની નીચે ગોળ ફરતે ખાટલા મૂકવામાં આવ્યા છે ત્યાં બેસવામાં અનેરો આનંદ આવે છે. બ્રેક ફાસ્ટ પછી ગાઇડની સાથે અમદાવાદથી જ આવેલા એક ગ્રુપ સાથે અમે ટ્રેકિંગ કરવા માટે ડોડાવંતા તળાવ તરફ નીકળ્યા. અહીં આદિવાસીઓની વસતી છે. ઘણાંના ઘરમાં પાણીની ડંકી છે, આવી જ એક ડંકીમાંથી અમે પાણી પણ પીધું. તળાવનો વિસ્તાર મનને શાંતિ આપે છે અહીં અમે ફોટો સેશન કર્યું. લગભગ 2 કલાક ફર્યા પછી પાછા કેમ્પસાઇટ પર આવીને લંચ કર્યું. લંચમાં ગુજરાતી ભોજન હતું જે સ્વાદિષ્ટ હતું. ભોજન બાદ અમે વોટર ફોલ તરફ આગળ વધ્યા. વોટર ફોલ તરફ જવાનો રસ્તો સાંકડો છે પરંતુ કાર લઇને જઇ શકાશે.

પાણીના ધોધ તરફ જવાનો રસ્તો પથરાળ અને જોખમી છે તેથી સાવચેતી રાખવી. ડેમ સાઇટ પર ફોટોગ્રાફી કરી અને જ્યાં પાણીનો પ્રવાહ ધીમો હતો ત્યાં પાણીમાં ન્હાવાની મજા પડી. કેમ્પ સાઇટ પર પાછા ફરીને બર્મા બ્રિજની એક્ટિવિટી કરી. સ્વિમિંગ પુલમાં ધુબાકા માર્યા. લગભગ 5 વાગે ચા-નાસ્તો કર્યો. ફાર્મના માલિક આનંદભાઇ સાથે વાતો કરીને ગરમા ગરમ ગોટાનો આનંદ માણ્યો. અહીનો રસોઇયો ગોટા સ્વાદિષ્ટ બનાવે છે. તો જો તમે જાઓ તો ગોટા બનાવવાનું ખાસ આગ્રહ કરજો. આનંદભાઇને સ્વભાવ ખુબ મળતાવડો છે. અહીં એક વાત તમને ખાસ કહું કે જો તમે એકને એક જગ્યા જોઇને કંટાળી ગયા હોવ તો આ જગ્યાએ વન ડે પિકનિક કરી શકાય છે જો કે પોળો ફોરેસ્ટ જેવી મજા અહીં નહીં આવે કારણ કે જંગલ એટલું ગાઢ નથી. તેમજ સાઇટસીન પણ ઓછા છે. પરંતુ જો તમે મિત્રો કે સંબંધીઓ સાથે ગ્રુપમાં જશો તો વધારે એન્જોય કરી શકશો.
નોંધઃ આ લેખની વિગતો કોરોના પહેલાની હોવાથી ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ ઉપરાંત, કોઇપણ સ્થળની યાત્રા કરતાં પહેલા સ્થાનિક પ્રશાસન દ્ધારા કોરોના અંગેની ગાઇડલાઇન્સ જાણી લેવી.