ગુજરાતમાં ઇકો ટુરિઝમ માટે જાંબુઘોડા, રતનમહાલ, પોલો ફોરેસ્ટ, સાસણગીર, ડાંગના જંગલો બેસ્ટ જગ્યા છે. જંગલમાં કુદરતની વચ્ચે રહીને શાંતિથી થોડાક દિવસ પસાર કરવા માટે લોકો આવી જગ્યાએ જતા હોય છે. જો તમે અમદાવાદમાં રહો છો તો તમારા માટે સાપુતારા કે સાસણગીર જવું કદાચ થોડૂક દૂર પડશે પરંતુ તમે જાંબુઘોડાના જંગલમાં અવશ્ય જઇ શકો છો.
ગુજરાતમાં પાવાગઢ નજીક આવેલા ચાંપાનેરથી 26 કિ.મી દૂર જાંબુઘોડા આવેલુ છે. જાંબુઘોડા આવતા પહેલાં જ રોડની બંને બાજુ ગાઢ જંગલો શરુ થઇ જાય છે. આ જંગલો ‘જાંબુઘોડા અભયારણ્ય’ તરીકે ઓળખાય છે. અહીં તેનું બોર્ડ મારેલું છે. આ અભયારણ્ય વિસ્તારમાં જ એક નદી પર કડા ડેમ બાંધેલો છે અને એક જગાએ ઝંડ હનુમાન વસેલા છે. જાંબુઘોડાથી આગળ જતો મુખ્ય રસ્તો બોડેલી તરફ જાય છે. જાંબુઘોડા અભયારણ્યમાં દીપડો, રીંછ, શિયાળ, વરુ, હરણ વગેરે પ્રાણીઓનો વસવાટ છે. અહીં સાપ અને પાયથોન પણ જોવા મળી જાય છે. આ જંગલમાં મુખ્યત્વે ટીક, મહુડો અને વાંસનાં ઝાડ છે.
કડા ડેમ જાંબુઘોડાથી ફક્ત ૩ કી.મી. દૂર છે. રસ્તો સાંકડો અને ઠીકઠીક છે પણ ગાડી જઈ શકે એવો છે. અહીં બાંધેલા ડેમથી પાણીનું બહુ જ મોટું વિશાળ સરોવર રચાયું છે. સરોવરની બધી બાજુ જંગલો જ જંગલો છે. નિઃશબ્દ વાતાવરણ છે. ડેમ આગળ ઉભા રહીને કુદરતનો આ નઝારો જોવાનું ગમે એવું છે. જાંબુઘોડા અભયારણ્યમાં રાત્રિરોકાણ કરવું હોય તો કોટેજ અને ટેન્ટની વ્યવસ્થા છે.
કડા ડેમ અને તરગોળ ઇકો ટૂરિઝમ સાઇટ
કડા ડેમ અને તરગોળમાં ઇકો ટુરિઝમ સાઇટ છે જે વનવિભાગ હસ્તક આવે છે. કડા ડેમ કેમ્પસાઇટમાં 3 ડિલક્સ એસી અને 10 નોન એસી કોટોજીસ આવેલા છે. આ ઉપરાંત અહીં ટેન્ટ પણ છે. જેમાં એટેચ બાથરુમ અને ટોઇલેટની વ્યવસ્થા છે. આ ઉપરાંત, ઓરીએન્ટેશન સેન્ટર, સેપરેટ કિચન અને ડાઇનિંગ પ્લેસ, વોકિંગ એરિયા, કેમ્પફાયરની પણ વ્યવસ્થા છે. અહીંના કિચનમાં શુદ્ધ દેશી જમવાની મજા આવી જશે. બાજરીનો રોટલો, છાશ, ગોળ, સેવ-ટામેટાં, રિંગણનો ઓળો, લણસિયા બટાકા વગેરેનો સ્વાદ તમને જીવનભર યાદ રહેશે. અહીં જંગલ જોવા માટે માંચડા પણ બનાવેલા છે. કડા ડેમથી જંગલનો અદ્ભુત નજારો જોવા મળે છે. કડા ડેમ પર બેસીને નદીની સુંદરતા માણ્યા જ કરીએ તેવું મન થાય છે.
કડા ડેમથી આગળ તરગોળ કેમ્પ સાઇટ છે જ્યાં છ જેટલા નોન એસી કોટેજ છે. જો કે રૂમની વ્યવસ્થા બરોબર નથી એટલે મારુ માનો તો તમારે કડા ડેમની ઇકો સાઇટમાં જ રહેવું જોઇએ. તરગોળ ડેમ સાઇટનું સૌંદર્ય માણવાલાયક છે. અહીં તમે વિવિધ પ્રકારના પક્ષીઓ જોઇ શકો છો. તરગોળ ડેમ સાઇટ નજીક ઝાડ પર મોટી સંખ્યામા ચામા ચીડીયાનો વાસ છે.
બુકિંગ માટે નીચેના નંબર પર સંપર્ક કરવો
ફોનઃ (0265) 2425136
કેમ્પસાઇટ માટે સંપર્ક: મનહરભાઇ – 09712480161
જાંબુઘોડામાં અન્ય આકર્ષણ
હાથણી માતા ફોલ
સુંદર પર્વતોની વચ્ચેથી પડતો ધોધ નયનરમ્ય દૃશ્યનું સર્જન કરે છે. ધોધ જમીન પર આવ્યા પછી સુંદર ઝરણા સ્વરૂપે વહે છે. જે સલામત રીતે નહાવા માટેનું ઉત્તમ સ્થળ છે. પર્વતને દૂરથી નિહાળવાથી જાણે હાથી બેઠો હોય તેવું લાગતું હોવાથી તેને હાથણી માતા કહેવામાં આવે છે. હાથણી માતા ફોલમાં વાહન પાર્કિંગ વિસ્તારમાં સ્થાનિકો દ્ધારા નાસ્તાના સ્ટોલ લગાવેલા છે જેમાં ગરમા ગરમ ગોટા ખાવાની મજા આવી જશે.
હાથણી માતાએ જવા માટે પાવાગઢથી જાંબુઘોડા તરફ જતા હાઇવે પર પાવાગઢથી ૬-૭ કિ.મી. દૂર શિવરાજપુરનું સ્ટેન્ડ આવે ત્યાં બોર્ડ મારેલું જ છે. હાથણી માતા તરફ જવાનો રસ્તો દર્શાવતું બોર્ડ છે. ત્યાંથી હાથણી માતા ૧૩થી ૧૪ કિ.મી. દૂર થાય. આમ પાવાગઢથી કુલ વીસેક કિ.મી. દૂર જાવ એટલે હાથણી માતા ધોધ આવે છે જ્યાં વન ડે પિકનિક માટે પણ આવી શકાય છે. અમદાવાદ અને વડોદરાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ રવિવાર કે જાહેર રજાના દિવસે આવતા હોય છે.
જો સમય હોય અને પ્રાઇવેટ સાધન હોય તો થોડું દસેક કિ.મી. નું વધુ ચક્કર લગાવીને નીકળવાથી રસ્તામાં સુખી ડેમનો નજારો માણવાનો મળશે. આ એક વિશાળ ડેમ છે તેનું દૃશ્ય સંધ્યા ટાણે આહલાદક લાગે છે. એટલું જ નહીં પરંતુ ત્યાંથી રસ્તામાં જંગલ અને માખણીયા પર્વતનો નજારો જોતા જોતા પસાર થવાથી મજા પડી જશે. તમારું નસીબ હશે તો આજુબાજુમાં જંગલી પ્રાણીના પણ દર્શન થઇ જશે. જેવા કે રીંછ, ઝરખ વગેરે.
હાથણી માતાનો ધોધ પંચમહાલ જિલ્લાના ઘોઘામ્બા તાલુકામાં આવેલો છે. જ્યારે સુખી ડેમ જામ્બુઘોડા વન્ય પ્રાણી અભયારણ્યમાં આવેલ છે. ત્યાં જવા માટે પાવાગઢથી નજીક પડે છે. અને બને ત્યાં સુધી પ્રાઇવેટ વાહનથી જવું જ સગવડતાપૂર્ણ રહે છે, ત્યાં જવા માટે ચોમાસાની તથા મધ્ય શિયાળા સુધીની સિઝન સારી રહે છે. કારણ કે આ સિઝનમાં ધોધમાં પાણી હોય છે.
ઝંડ હનુમાન
કડા ડેમથી ઝંડ હનુમાન મંદિર 12.5 કિલોમીટર દૂર છે જ્યાં પહોંચતા 20થી 25 મિનિટ લાગે છે. એટલે કે જો તમે ઇકો કેમ્પસાઇટમાં રોકાયા છો તો સવારે ઝંડ હનુમાન દર્શન કરીને બપોર સુધીમાં કેમ્પસાઇટ પર પાછા ફરી શકો છો.
શનિના પ્રકોપથી બચવા માટે લોકો મોટી સંખ્યામાં આ મંદિરે દર મંગળવાર અને શનિવારે ઉમટી પડે છે. જાંબુઘોડાનું આ મંદિર ખૂબ પ્રાચીન હોવાના અનેક પુરાવા મળ્યા છે. આ મંદિરમાં પાંડવો પણ આવી ચૂક્યાનો ઉલ્લેખ જોવા મળે છે સાથે અહીં કેટલીક પૌરાણીક વસ્તુઓ પણ છે જે પાંડવો સાથે સંબંધ ધરાવે છે. અહીં વસવાટ દરમિયાન દ્રોપદીને તરસ લાગતા અર્જુને બાણ મારી જલધારા વહાવી હતી. જેની નિશાની આજે પણ જોવા મળે છે. તો ભીમ જે ઘંટીથી દળતો હતો તે ભીમકાય ઘંટી પણ અહીં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે.
નોંધઃ કોરોનાનો સમય ચાલતો હોવાથી જાંબુઘોડા જતા પહેલા સ્થાનિક પ્રસાશનની પરવાનગી લઇ લેવી અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું.