ગોવા જવું હોય કે સિમલા, ફરવા માટે જતાં ગુજરાતીઓ આટલું જરુર કરે છે

Tripoto

ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે તે સર્વવિદિત છે. એક કે બે દિવસની તહેવારોની રજાઓ હોય કે દિવાળી કે ઉનાળાનું વેકેશન હોય, આપણો ફરવાનો ચસ્કો જાણીતો છે. હવે તો વીકેન્ડ્સમાં પણ નાની મોટી પિકનિક થઇ જતી હોય છે. પરંતુ જ્યારે આપણે ગુજરાતીઓ લાંબા વેકેશન એટલે કે 3-4 દિવસ કે અઠવાડિયા માટે ફરવા જવાનું પ્લાનિંગ કરતા હોઇએ છીએ ત્યારે આપણે કેટલીક ચીજો અવશ્ય કરીએ છીએ. એટલું જ નહીં ફરવાના સ્થળોએ પણ પૈસા બચાવવા કેટલાક નુસ્ખા અજમાવતા હોઇએ છીએ તો આવો જાણીએ આપણી આવી 10 આદતો વિશે.

Photo of ગોવા જવું હોય કે સિમલા, ફરવા માટે જતાં ગુજરાતીઓ આટલું જરુર કરે છે 1/6 by Paurav Joshi

ખર્ચો કેટલો આવશે!

ફરવા જતા હોઇએ ત્યારે સ્વાભાવિક છે કે ખર્ચનું પ્લાનિંગ તો કરવું જ પડે. જ્યાં ફરવા જવાનું છે ત્યાં રહેવાનો, જમવાનો અને ફરવાનો કેટલો ખર્ચ થશે તેનું એડવાન્સ પ્લાનિંગ કરવું પડે છે. વળી શોપિંગ કરવા માટે પણ કેટલાક રુપિયા હાથ પર રાખવા પડે છે.

Photo of ગોવા જવું હોય કે સિમલા, ફરવા માટે જતાં ગુજરાતીઓ આટલું જરુર કરે છે 2/6 by Paurav Joshi

એડવાન્સ બુકિંગ

હોટલ અને ટિકિટનું એડવાન્સ બુકિંગ કરવાથી સારાએવા રુપિયા બચાવી શકાય છે. જો આપણે દિવાળીમાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો હોય તો ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં જ ટ્રેન કે વિમાનની ટિકિટ બુક કરાવી લેતા હોઇએ છીએ. આજ રીતે ત્રણ મહિના પહેલા હોટલનું બુકિંગ પણ કરી લઇએ છીએ જેનાથી સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા થઇ જાય છે.

બજેટ હોટલની પસંદગી

ગુજરાતીઓ હંમેશા સસ્તી હોટલ શોધતા હોય છે. મારો કહેવાનો અર્થ એ નથી કે બધા આવું કરે છે. ફોર કે ફાઇવ સ્ટાર હોટલમાં રહેનારાનો વર્ગ પણ છે. પરંતુ અહીં ગુજરાતી મધ્યમવર્ગની વાત થાય છે. જો હોટલના બદલે ધર્મશાળા કે ગેસ્ટ હાઉસ સસ્તામાં મળે તો તેમાં પણ આપણે બુકિંગ કરાવતા હોઇએ છીએ. દેશના ઘણાં શહેરોમાં ગુજરાતી સમાજના ગેસ્ટ હાઉસ છે જે સસ્તા પડે છે તેમાં અથવા તો મંદિર કે ટ્રસ્ટ દ્ધારા ચલાવાતી ધર્મશાળાઓ કે ગેસ્ટ હાઉસમાં રોકાવાનું ઘણાં પસંદ કરે છે.

Photo of ગોવા જવું હોય કે સિમલા, ફરવા માટે જતાં ગુજરાતીઓ આટલું જરુર કરે છે 3/6 by Paurav Joshi

ફરવું જ છે તો એસી રુમની જરુર નથી

ગુજરાતીઓની માનસિકતા એવી છે કે આપણે હોટલમાં તો રોકાવા જતા નથી પરંતુ ફરવા જઇએ છીએ તો શા માટે રહેવાનો વધારે ખર્ચ કરવો? રાતે સુઇ જવા માટે શું કામ વધારે પૈસા આપવા? આવુ વિચારીને નોન-એસી રુમ પસંદ કરતા હોઇએ છીએ. ઘણીવાર હોટલવાળાને ફોન કરીને પણ પુછીએ છીએ કે ગરમી વધારે તો નથી ને, એસી વગર ચાલશે?

Photo of ગોવા જવું હોય કે સિમલા, ફરવા માટે જતાં ગુજરાતીઓ આટલું જરુર કરે છે 4/6 by Paurav Joshi

ગ્રુપ ટૂર અને પેકેજ ટુરની પસંદગી

અમદાવાદ, વડોદરા, રાજકોટ કે સુરત સહિત ગુજરાતના ઘણાં શહેરોમાં ટ્રાવેલ ઓપરેટર્સ ગ્રુપ ટૂર ઉપાડતા હોય છે. લકઝરી એસી કે નોન એસી બસમાં રાજસ્થાન, ઉત્તર ભારત, દક્ષિણ ભારતની ટૂર નીકળે છે. જેમાં રસોઇઓ પણ સાથે હોય છે. પ્રવાસમાં ઘર જેવું ખાવાનું મળે તેવા ઉદ્દેશથી કેટલાક લોકો ગ્રુપ ટૂરમાં ફરવા જાય છે.

પેકેજ ટૂરમાં એરપોર્ટ કે રેલવે સ્ટેશનથી પીક-અપ અને ડ્રોપની સુવિધા મળતી હોય છે. એટલે ઘણાં લોકોને આ વધુ માફક આવે છે. વળી બ્રેકફાસ્ટની સાથે લંચ કે ડિનર તેમજ જે-તે શહેરમાં એક કે બે દિવસ ફરવાનો ખર્ચ પણ પેકેજમાં સામેલ હોય છે.

પેટ ભરીને બ્રેક ફાસ્ટ કરી લેવું

જે પેકેજમાં બ્રેક ફાસ્ટ ફ્રી હોય ત્યાં સવારે પેટ ભરીને બ્રેક ફાસ્ટ કરી લેવું જેથી લંચ કરવાની જરુર ન પડે અને પૈસા બચી જાય. એવી સામાન્ય વૃતિ ગુજરાતીઓની હોય છે. બ્રેક ફાસ્ટ હેવી હોય તો બપોરે નાસ્તાથી ચાલી જાય અને જમવું ન પડે. વળી ફરવામાં પણ વાંધો ન આવે.

Photo of ગોવા જવું હોય કે સિમલા, ફરવા માટે જતાં ગુજરાતીઓ આટલું જરુર કરે છે 5/6 by Paurav Joshi

ખાખરા કે પુરીઓ સાથે લઇ જવી

હવે તો પ્લેનમાં પણ પેકેટમાં ખાખરા, ગાંઠિયા કે અન્ય નાસ્તા લોકો સાથે લઇ જાય છે. કારણ કે વિમાનમાં ચા પણ દોઢસો રુપિયાની મળે છે. એરપોર્ટ પર પણ નાસ્તો કરો તો 300 રુપિયા થઇ જાય. એટલે સાથે નાસ્તો રાખવો સારો એવી ગણતરીએ આપણે સુકો નાસ્તો લઇ જઇએ છીએ.

શોપિંગમાં ભાવતાલ કરવાનું

સિમલા કે મનાલી જઇએ અને ગરમ કપડા ખરીદવા હોય તો ગુજરાતીઓ ભાવ-તાલ અચૂક કરે. 2000નું જેકેટ 1200માં લઇને આવે. સામાન્ય રીતે ટૂરિસ્ટ પ્લેસિસ પર મોજડીથી લઇને ગરમ કપડાં સુધી તમામ વસ્તુઓ મોંઘી જ મળતી હોય છે. એટલે આપણે ખરીદી કરતાં ફરવામાં વધુ સમય આપીએ છીએ. જો સમય મળે અને એકસ્ટ્રા પૈસા હોય તો જ બજારમાં ખરીદી કરવા જઇએ છીએ અને તેમાંય મોટાભાગનો સમય વિંડો શોપિંગમાં પસાર થાય છે.

હોટલમાં નહીં બહાર જમવાનું

ઘણાં લોકો માત્ર હોટલમાં રહેવાનું જ બુકિંગ કરાવે છે અને જમવાનું બહાર રાખે છે. એટલે કે હોટલનો મોંઘોદાટ જમવાનો ખર્ચ બચી જાય છે. કેટલાક લોકોને કંપની તરફથી રિસોર્ટ કે હોટલમાં રહેવાનું ફ્રી મળ્યું હોય તો નજીકમાં ઢાબા પર જઇને જમી આવતા હોય છે. આપણી સામાન્ય માન્યતા છે કે હોટલમાં જમવાનું મોંઘું હોય છે એટલે કોઇ સારી વેજ રેસ્ટોરન્ટ શોધી લેવી.

Photo of ગોવા જવું હોય કે સિમલા, ફરવા માટે જતાં ગુજરાતીઓ આટલું જરુર કરે છે 6/6 by Paurav Joshi

શેરીંગ ઓટો કે ટેક્સી કરી લેવી

જો તમે આબુ, ગોવા કે પંચમઢી ફરવા જાઓ અને પ્રાઇવેટ ટેક્સીમાં ફરો તો મોંઘું પડે એટલે મોટાભાગે આપણે શેરીંગ ટેક્સીનો વિકલ્પ પસંદ કરીએ છીએ. ગોવામાં તો ગુજરાતીઓ એક્ટિવા ભાડે લઇ લે છે. આ ઉપરાંત, એક દિવસમાં મોટાભાગના સ્થળો કરી લેવાની વૃતિ પણ જોવા મળે છે. જેથી બીજા દિવસે ટેક્સી કરવી ન પડે.

જો તમે ગુજરાતી છો અને ફરવા જતી વખતે આ સિવાયની પણ કોઇ આદતો ધરાવો છો તો કોમેન્ટ બોક્સમાં લખીને અમને અવશ્ય જણાવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

More By This Author

Further Reads