પશ્ચિમ બંગાળની આ અજાણી જગ્યાઓ દરેક ફરનારાના બકેટ લિસ્ટમાં હોવી જોઇએ

Tripoto
Photo of પશ્ચિમ બંગાળની આ અજાણી જગ્યાઓ દરેક ફરનારાના બકેટ લિસ્ટમાં હોવી જોઇએ 1/2 by Paurav Joshi

જો તમારી અંદર રખડવાનો કિડો છે તો તમારુ વારંવાર મન કરતું હશે કે ક્યાંક ફરવા માટે નીકળી જઇએ. એ રસ્તાઓ પર રખડવામાં આવે જ્યાં ઘણાં ઓછા લોકો જાય છે, એવી જગ્યાઓ પર જઇએ જે હજુ અજાણી છે. જો તમે પણ આવી જગ્યાઓના શોખીન છો તો પશ્ચિમ બંગાળમાં આવી ઘણી જગ્યાઓ છે. પશ્ચિમ બંગાળ પોતાની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પ્રકૃતિની સુંદરતા માટે ફેમસ છે. અહીં સુંદર પહાડ, ખીણો, જંગલ અને હિલ સ્ટેશન છે. આમાંની ઘણીબધી જગ્યાઓ તો એવી છે જે અંગે ઘણાં ઓછા લોકોને ખબર છે. બંગાળમાં પણ મોટાભાગે ફેમસ જગ્યાઓ પર જાય છે. તેમને કદાચ ખબર નથી કે આ ઓફબીટ જગ્યાઓ કેટલી સુંદર છે અને અહીં કેટલી શાંતિ મળે છે. અમે પશ્ચિમ બંગાળની તમામ ઓફબીટ જગ્યાઓમાંથી કેટલીક સુંદર જગ્યાઓની યાદી બનાવી છે જે દરેક ટ્રાવેલરના બકેટ લિસ્ટમાં હોવી જોઇએ.

1- ગઢ પંચકોટ

આ પશ્ચિમ બંગાળની ઐતિહાસિક અને ઘણી જ સુંદર જગ્યા છે. અહીં ચારેબાજુ પહાડ અને લીલાછમ જંગલ છે. અહીં સુંદર તળાવ છે જેના કિનારે તમે કલાકો સુધી બેસી શકો છો. બે મોટા ડેમ પણ છે. આ ઉપરાંત, કેટલીક ઐતિહાસિક જગ્યાઓ છે જે હજુ અસ્તિત્વમાં છે. આ કિલ્લા અને જુની ઇમારતોને જોઇને તમે તે જ સમયે આર્કિટેક્ચરનો અંદાજો લગાવી શકો છો. ઘણાં સમય પહેલા સિંહ દેવ રજવાડું હતું. 18મી શતાબ્દીમાં અહીં બાગરીએ હુમલો કર્યો. જેમાં અહીંના મોટાભાગના કિલ્લા અને ઇમારતો તોડી પાડવામાં આવી. તેમ છતાં કેટલીક જગ્યાઓ હજુ પણ બચી છે જે જોવાલાયક છે. જો તમે શહેરના શોર અને પ્રદુષણથી દૂર કોઇ શાંત જગ્યાએ જવા ઇચ્છો છો તો ગઢ પંચકોટ તમારા માટે યોગ્ય જગ્યા છે.

2- ડુઆર્સ

પશ્ચિમ બંગાળની ડુઆર્સ જગ્યા પોતાના નામ પ્રમાણે બિલકુલ પરફેક્ટ જગ્યા છે. આ નામ ડોરથી લેવામાં આવ્યું છે જેનો ગુજરાતીમાં અર્થ થાય છે દરવાજો, ગેટ, બારણું. ડુઆર્સ પશ્ચિમ બંગાળની સુંદરતાનો ગેટ વે છે. ભૂટાન અને કલિમ્પોંગની 350 કિ.મી.ના પર્વતો ડુઆર્સના નામથી ઓળખાય છે પરંતુ તમે જંગલમાં ફક્ત ભારતના ડુઆર્સની સુંદરતાને જોઇ શકો છો. અહીં ઘણાં જ સુંદર જંગલ, પહાડ અને ચાના બગીચા છે. ડુઆર્સની અંદર પશ્ચિમ બંગાળના ત્રણ જિલ્લા આવે છે, જલપાઇગુડી, અલીપુરદુઆર અને કૂચ બિહાર. આ ઉપરાંત દાર્જિલિંગના દક્ષિણી ભાગ અને કલિમ્પોંગનો થોડોક હિસ્સો ડુઆર્સમાં આવે છે. અહીં ઘણી સુંદર જગ્યાઓ છે, નેશનલ પાર્ક, વાઇલ્ડ લાઇફ સેંક્ચુરીઝ અને ઝરણા છે. તમે અહીં ટ્રેકિંગ કરી શકો છો કે કોઇ જગ્યાને સારી રીતે જોઇ શકો છો. આ જગ્યા કોઇ સ્વર્ગથી કમ નથી. પશ્ચિમ બંગાળ જાઓ તો આ જગ્યાએ જવાનું ભૂલતા નહીં.

3- ચલસા

પશ્ચિમ બંગાળમાં તમે સુંદર ગાઢ જંગલો, પહાડો, ચાના બગીચાની વચ્ચે ભટકવા ઇચ્છો છો. જ્યાં સુંદર નદીઓ, તળાવો અને ઝરણા હોય તો તમારે બંગાળના ચલસા જતા રહેવું જોઇએ. પશ્ચિમ બંગાળના પૂર્વી હિમાલયની તળેટીમાં વસેલી આ જગ્યા અંગે ઘણાં ઓછા લોકોને ખબર હશે. તમે અહીં ઝલોંગ અને જલાધકાને જોઇ શકો છો. આ ઉપરાંત, તમે અહીં ગોરુમારા નેશનલ પાર્ક, ચપરામારી વાઇલ્ડલાઇફ સેંક્ચુરી અને ચલસાની સાપ્તાહિક હાટને જોઇ શકો છો. ચલસા આવીને ખબર પડે છે કે પશ્ચિમ બંગાળમાં કેટલું બધુ જોવા જેવું છે. જો તમારે ઓફબીટ જગ્યાએ જવાનું પસંદ છે તો ચલસાને તમારા રખડપટ્ટી કરવાના લિસ્ટમાં સામેલ કરો. આ જગ્યા તમને નિરાશ નહીં કરે.

4- લેપચાજગત

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અંગે કોણે નહીં સાંભળ્યું હોય? અહીંથી ફક્ત થોડાક જ અંતરે એક નાનકડુ અને ઘણું જ સુંદર ગામ છે, લેપચાજગત. અહીં આવીને તમે પ્રકૃતિને અલગ જ રુપે જોશો. આ જગ્યા હાથ ફેલાવીને તમને પોતાની સુંદરતા સાથે રુબરુ કરાવે છે. અહીં જશો તો પછી તમે દાર્જિલિંગ ભુલી જશો. લેપચામાં બંગાળની કેટલીક આદિવાસી જનજાતિઓ પણ રહે છે. તમે તેની સાથે વાત કરી શકો છો. તેમના અંગે જાણી શકો છો અને તેમના કલ્ચરને પણ સમજી શકો છો. આ ગામની પાસે જ બે સુંદર તળાવો છે અને એક જુની મોનેસ્ટ્રી પણ છે. જો તમે દાર્જિલિંગ જાઓ તો આ ગામમાં જવાનું ન ભૂલો.

5- શંકરપુર

Photo of પશ્ચિમ બંગાળની આ અજાણી જગ્યાઓ દરેક ફરનારાના બકેટ લિસ્ટમાં હોવી જોઇએ 2/2 by Paurav Joshi
ક્રેડિટઃ ઇન્ડિયા

પશ્ચિમ બંગાળની અજાણી જગ્યાઓમાંની એક છે, શંકરપુર. શંકરપુર તેની સુંદરતા અને ચોખ્ખા સમુદ્ર કિનારા માટે ઓળખાય છે. અહીં તમને લોકોની ભીડ અને શોરબકોર સાંભળવા નહીં મળે. કદાચ આ જ કારણ છે કે અહીંના બીચ ઘણાં જ ચોખ્ખા છે. તમે અહીં કલાકો સમુદ્રને નિહાળી શકો છો, રેતી પર પગપાળા ચાલી શકો છો. અહીંના સૂર્યાસ્ત અને સૂર્યોદયને પણ જોઇ શકો છો. આ સુંદર નગર કોલકાતાથી 176 કિ.મી. દૂર છે. કોલકાતાથી તમે અહીં 4-5 કલાકમાં આરામથી પહોંચી શકો છો. આ જગ્યા વીકેન્ડ પર જવા માટે પરફેક્ટ છે. તમારે એકવાર અહીં જરુર જવું જોઇએ.

6- લતાગુડી

લતાગુડી પશ્ચિમ બંગાળની સૌથી સુંદર પરંતુ ઓછી જાણીતી જગ્યાઓમાંની એક છે. આ જગ્યા જલાઇપુડી જિલ્લામાં આવે છે. જો તમે બંગાળના ગોરુમારા નેશનલ પાર્ક અને ચમરામારી સેન્ક્ચુરી જવા માંગો છો તો તમારે લતાગુડીમાં જ પરમિટ મળશે. મહત્વપૂર્ણ જગ્યા હોવા છતાં આ જગ્યાને ફરવાના દ્રષ્ટિકોણથી ઘણાં ઓછા લોકો જુએ છે. તમે લતાગુડી આવશો તો ખબર પડશે કે અહીં ફરવા માટે ઘણું બધુ છે. અહીંની જલઢાકા, જલબોંગ, અલીપુરદુઆર અને મૂર્તિ નદી જેવી તમામ જગ્યાઓને જોઇ શકો છો. આ ઉપરાંત, તમે લતાગુડીમાં ભારત અને ભૂટાનની બોર્ડર પર વસેલા બિંદુ ગામને પણ જોઇ શકો છો. જંગલોની વચ્ચે વસેલુ આ ગામ ઘણું જ સુંદર છે. જો તમે ખરેખર અજાણી જગ્યાઓ પર જવાનું પસંદ કરો છો તો લતાગુડી જરુર જાઓ.

7- ચંદ્રકેતુગઢ

પશ્ચિમ બંગાળની વધુ એક ઐતિહાસિક જગ્યાઓમાંની એક છે ચન્દ્રકેતુગઢ. આ જગ્યા આર્કોલોજી સાઇટ છે. લગભગ અઢી હજાર વર્ષ પહેલા ચંદ્રકેતુગઢ નગર ગંગારિદઇ રજવાડાનો ભાગ હતી. તમે તે સમયની કેટલીક ઇમારતોને જોઇને તે સમયની બનાવટ અને શૈલીનો અંદાજો લગાવી શકો છો. આ જગ્યા ફક્ત ઐતિહાસિક જ નહીં પરંતુ સુંદર પણ છે. પાસે જ બિદયાધરી નદી છે અને આસપાસ જંગલ પણ છે. પશ્ચિમ બંગાળની ઑફબીટ જગ્યાઓની વાત કરીએ અને ચંદ્રકેતુગઢનું નામ ન લેવામાં આવે તો પછી એક જરુરી જગ્યા છુટી જાય છે. એટલા માટે તમે બંગાળ જાઓ તો આ જરુરી અને ઐતિહાસિક જગ્યાની મુલાકાત જરુર કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads