સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલું ચોટીલા ધામ, જ્યાં ચોટીલા ડુંગર પર વિરાજમાન છે મા ચંડી ચામુંડા. માતા ચામુંડા 64 જોગણીઓના અવતારમાના એક છે. જ્યાં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં દર્શને આવનાર દરેક શ્રદ્ધાળુઓની માતા ચામુંડા કરે છે મનોકામના પૂર્ણ. આ મંદિર ડુંગર પર આવેલું છે, જ્યા સુધી જવા માટે 1000 પગથિયાં ચડીને જવું પડે છે.
આ ડુંગરની ઉંચાઇ 1,173 ફુટ જેટલી છે. શ્રદ્ધાળુ લોકો માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ધાર્મિક સ્થળ ગુજરાતનાં મુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણીક અને અગત્યનું યાત્રાધામ છે. ચોટીલા પ્રસિધ્ધ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ પણ છે.
વર્ષના બારેય મહિના ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ, મુલાકાતીઓ અને પ્રવાસીઓથી ભરચક રહે છે. આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા નોંધપાત્રપણે વધી જાય છે. ચોટીલા પર્વતની તળેટીમાં જ ચોટીલા-નગર પણ વસ્યું છે.
ધાર્મિક મહત્વ
હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા. તે અહીના અને આજુબાજુના લોકોને ખૂબ ત્રાસ આપતા હતા. એ ત્રાસથી બચવા માટે લોકોએ અને ત્યાં રહેતા ઋષિમુનિઓએ આધ્યશક્તિની આરાધના કરી. ત્યારે આદિ આધ્યશક્તિ પ્રસન્ન થયા ને એ બે રાક્ષસોનો વધ કરવા માટે આધ્ય શક્તિ એક મહાશક્તિ રૂપે પૃથ્વી પર અવતરીને ચંડ મૂંડ નામના રાક્ષસોનો વધ કરે છે.
ત્યારથી મહાશક્તિ ચામુંડાનાં નામથી પ્રખ્યાત થયા. ને જ્યાં ચંડ મુડનો વધ કર્યો એ જ ડુંગર પર માતાની સ્થાપના કરવામાં આવી.
ગોહિલવાડના ગોહિલ દરબારો, જૂનાગઢના સોલંકી, ડોડીયા, પરમાર વગેરે કુળના, રાજપૂતોના, ચોટીલા વિસ્તારના ખાચર-ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજિયા સોની, દરજી, પંચાલ, ઉત્તર ગુજરાતના ઠાકોર, કચ્છના રબારી અને આહીર, દીવ-સોમનાથ તરફના ખારવા, મોરબીના સતવારા સમાજ તેમજ અન્ય કુળોમાં ચામુંડા માતા કુળદેવી તરીકે પૂજાય છે. નવરાત્રિમાં દર્શનનું ખાસ મહત્વ છે. માતાજી દિવસમાં ત્રણ વાર સ્વરૂપ બદલે છે. સવારે બાલિકા રૂપ, બપોરે વૃદ્ધા અને સાંજે કોપાયમાન રૂપ.
ચામુંડા માતાજીને રણ-ચંડી (યુદ્ધની દેવી) તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબિમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી-ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબિમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે.
ચોટીલા ચામુંડા માતાજીના સ્થારને વિશેષ પરંપરા છે. અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો-પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રીના ઉપર કોઇ રોકાઇ શકતુ નથી. એક માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્યરકિતને ડુંગર ઉપર રાત્રી રહેવાની મંજુરી માતાજીએ આપી છે.
ચોટીલા ડુંગર પર વર્ષો પહેલાં એક નાનો ઓરડો હતો. વિક્રમ સંવત 1910થી 1916 એટલે 155 વર્ષ પહેલાં મહંત શ્રી ગોસાઇ ગુલાબગિરિ હરિગિરિ બાપુ અહીં માતાની પૂજા કરતા હતા. અત્યારે તેમના વારસદારો માતાજીની સેવા કરે છે અને યાત્રાળુઓની સગવડ માટે કાર્યો કરે છે.
ખોડલ ધામ, કાગવડ
રાજકોટ જીલ્લાનું કાગવડ એક લોકપ્રિય ખોડલધામ બની ગયું છે. જેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જાન્યુઆરી 2017માં. આ મંદિરનાં નિર્માણ માટેનાં પથ્થરો ખાસ રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા હતા. અને ઓરિસ્સાનાં કારિગરો દ્વારા સુંદર કોતરણી કરીને આ ભવ્ય મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. મંદિરનું બાંધકામ 2012માં શરુ કરવામાં આવ્યું હતું અને પાંચ વર્ષમાં અંદાજે 100 કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થયું છે.
મંદિરની ફરતે રામાયણ અને મહાભારતનાં પાત્રો તેમજ પ્રસંગોને પથ્થર પર જાણે અદભૂત રીતે આલેખાયા છે. ઉપર અને નીચે મળીને કુલ 238 પિલ્લર પર આ મંદિર અડિખમ ઉભેલું છે.
ગર્ભગૃહમાં મા ખોડિયારની પ્રતિમા એકદમ જીવંત ભાસે છે. શક્તિ સ્વરુપા મા ખોડલ જાણો સાક્ષાત દર્શન આપતા હોય તેવી અનુભૂતિ તમામ ભક્તોને થાય છે. માતાજીની પ્રતિમાને દરરોજ અલગ અલગ દિવ્ય શણગાર કરવામાં આવે છે.
મા ખોડલની સાથે અહિં ગર્ભ ગૃહમાં શિવલિંગ પણ આવેલું છે. મંદિરમાં 20 જેટલા દેવી-દેવતાની મૂર્તિઓ છે. અહીં યજ્ઞશાળા, રંગમંચ, અન્નપૂર્ણા ભોજનશાળા, અલ્પાહાર, ગાર્ડન છે. અહીં માતાજીનો સુખડીનો પ્રસાદ 50 રુપિયામાં મળે છે.
ચોટીલા અને ખોડલધામ કેવીરીતે જશો?
રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં-8-એ પર વચ્ચે આવે છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 170 કિ.મી અને કાગવડના ખોડલ ધામનું અંતર આશરે 275 કિલોમીટર છે. જયારે રાજકોટથી ચોટિલાનું અંતર આશરે 46 કિ.મી અને કાગવડનું અંતર 61 કિલોમીટર જેટલું થાય છે.
રહેવા-જમવાની વ્યવસ્થા
ચોટિલા અને ખોડલધામ એમ બન્ને સ્થળે ટ્રસ્ટ તરફથી રહેવા અને જમવાની વ્યવસ્થા છે. જમવાની વાત કરીએ તો ચોટિલા બસ સ્ટેશન્ડ પાસે લાલા રઘુવંશી પરોઠા હાઉસ કાઠિયાવાડી થાળી માટે પ્રખ્યાત છે. અહીંની થાળીનો સ્વાદ અદ્ભુત છે. માત્ર 120 રુપિયામાં તમે અનલિમિટેડ જમી શકો છો. એક થાળીમાં તમને રોટલી, રોટલા, પરોઠા, 10 કરતાં વધારે શાક, દાળ-ભાત, છાશ, 10થી વધુ સલાડ મળે છે. સાંજે ખીચડી-કઢી, રિંગણનો ઓળો વગેરે મળે છે. અહીં જે 10 જાતના શાક પીરસવામાં આવે છે તેમાં સેવ ટામેટા, મિક્સ શાક, લસણિયા બટાકા, ઢોકળી, મસાલા રિંગણા, રસાવાળા બટાકા, છોલે ચણા, ઉંધિયુ વગેરે હોય છે.
ખોડલધામમાં અન્નપૂર્ણા ભોજનાલયમાં 80 રુપિયામાં ગુજરાતી થાળી મળે છે. એકથી ચાર વર્ષના બાળકો માટે ભોજન ફ્રી છે. જ્યારે 5 થી 10 વર્ષના બાળકો માટે જમવાનો ચાર્જ 40 રુપિયા છે. બપોરે ભોજનનો સમય સવારે 11 થી 2 વાગ્યા સુધી જ્યારે સાંજે 6.30 થી 8 વાગ્યા સુધીનો છે. બપોરના મેનુમાં રોટલી, કઠોળ, શાક, લાપસી કે રવો, ફરસાણ, દાળ, ભાત, સલાડ, ફ્રાયમ્સ અને છાશ પીરસવામાં આવે છે. સાંજના મેનુમાં કઢી-ખીચડીનો હોય છે બાકીનું મેનુ સવાર જેવું જ હોય છે.