
તમે ફરવા જાઓ તો શું કરો ? સામાન્ય રીતે આપણે કોઇ હોટલ કે રિસોર્ટમાં રોકાઇએ. જો પોષાતુ ન હોય તો ગેસ્ટહાઉસ કે ધર્મશાળામાં પણ રાતવાસો કરી લઇએ. પરંતુ શું તમે ક્યારેય કોઇ હોમ સ્ટેમાં રોકાયા છો ? તમારો જવાબ હશે હાં, કારણ કે ગુજરાત અને દેશભરમાં એવા ઘણાં બધા હોમ સ્ટે છે જ્યાં ટૂરિસ્ટ રોકાતા હોય છે. હવે મારો બીજો સવાલ કે શું તમે એવા હોમ સ્ટેમાં રોકાયા છો જ્યાં કોઇ ફેમિલી પણ રહેતી હોય ? ઘણાં ઓછા લોકોનો જવાબ હા હશે. ગુજરાતમાં આમ તો અનેક હોમ સ્ટે છે પરંતુ જેમાં ફેમિલી રહેતી હોય એટલે કે ફેમિલી સાથેનો હોમ સ્ટે એક જ છે અને તે છે અમદાવાદમાં આવેલો જગદિપ મહેતાનો હેરિટેજ હોમ સ્ટે.

આપણે ભારતીયો સંયુક્ત કુટુંબની ભાવના ધરાવીએ છીએ. પરંતુ મેટ્રો અને મેગા સિટીના કલ્ચરમાં જોઇન્ટ ફેમિલીની ભાવના ભુલાતી જાય છે. આ સિવાય મોટા કુટુંબો એક મકાનમાં સાથે નથી રહી શકતા તેનું એક બીજુ કારણ પણ છે, અને આ કારણ છે શહેરોમાં જગ્યાનો અભાવ. જો બધાએ સાથે રહેવું હોય તો મોટુ મકાન રાખવું પડે અને શહેરોમાં મકાનોના ભાવ એટલા ઊંચા છે કે પાંચ કે છ માણસોનુ કુટુંબ પણ સાથે ન રહી શકે. આવા સંજોગોમા જે કપલ શહેરોમાં એકલા રહે છે કે કુટુંબથી દૂર રહે છે તેઓ ફરવા જાય ત્યારે હોમ સ્ટેમાં રોકાવાનું પસંદ કરે છે. હોમ સ્ટે પણ એવા કે જેમાં પરિવારના સભ્યો સાથે હળીમળીને રહેતા હોય. આવા હોમ સ્ટેમાં તમને પોતીકાપણાનો અહેસાસ થાય છે. બંગ્લોઝ કે સોસાયટીઓમાં રહેતા લોકો પણ પોળ કલ્ચરનો અનુભવ કરવા માંગતા હોય છે. અમદાવાદમાં આવું જ એક હોમ સ્ટે છે જે તમને સંયુકત કુટુંબની ભાવના સાથે સાથે પોળની સંસ્કૃતિને નજીકથી જાણવાની તક પૂરી પાડે છે.
જગદિપ મહેતાનું હેરિટેજ હોમ સ્ટે

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં મોટા સુથારવાડામાં આવેલું છે આ હેરિટેજ હોમ સ્ટે જે વનિતા વિશ્રામ સ્કૂલની નજીક છે. આ હેરિટેજ હોમ 200 વર્ષ જુનું છે. ઘરના માલિક જગદિપ મહેતા જણાવે છે કે ફ્રેન્ચ સરકાર અને ભારત સરકારના હેરિટેજ વિભાગના સહયોગથી આ ઘરને 2004માં રિસ્ટોર કરવામાં આવ્યું હતું અને 2005થી તેનો હોમ સ્ટે તરીકે ઉપયોગ શરુ કરવામાં આવ્યો છે. જો કે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે કોઇ બુકિંગ લેવામાં આવ્યા નથી. આ હોમ સ્ટે શરૂ થયુ ત્યારથી અત્યાર સુધીમાં 70,000 કરતાં વધુ લોકોએ તેની મુલાકાત લીધી છે.
હોમ સ્ટેની ખાસિયતો

આ હોમ સ્ટે ખાડિયા વિસ્તારમાં છે. રાયપુર-ખાડિયા એટલે જુના અમદાવાદનો વિસ્તાર. સાચુ અમદાવાદ તમને અહીં જ જોવા મળે છે. વર્ષો પહેલા જ્યારે અમદાવાદ આટલા મોટા વિસ્તારમાં ફેલાયેલુ નહોતું ત્યારે સાબરમતી નદીના પૂર્વના વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં રહેતા હતા. ખાડિયા એટલે પોળ કલ્ચરની સાંસ્કૃતિક વિરાસત. હજુ વિરાસત જગદિપભાઇ જેવા લોકોએ સાચવીને રાખી છે, એટલું જ નહીં તેની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાવી છે. જગદિપભાઇની ચોથી પેઢી આ હોમ સ્ટેમાં રહે છે. તેમના ઘરમાં દરેક વ્યક્તિ એક આર્ટિસ્ટ છે. તેઓ પોતે એક સારા ડ્રમર છે. તેમની જોડકી પુત્રીઓ (ટ્વિન ડોટર્સ) સારી સિંગર છે. જગદિપભાઇ એક ઓરકેસ્ટ્રા પણ ચલાવે છે અને નવરાત્રી દરમિયાન તેમનું ઓરકેસ્ટ્રા ગાંધીનગર અને અમદાવાદમાં પર્ફોર્મ કરે છે.

જગદિપભાઇ જણાવે છે કે ઘણાં લોકો હોમ સ્ટેને કેર ટેકરથી ચલાવે છે પરંતુ અમે અહીં જ રહીએ છીએ અને મહેમાનોને પરિવારના સભ્યની જેમ રાખીએ છીએ. મહેમાનો માટે અલગથી કોઇ વ્યવસ્થા નથી. એટલે કે કોઇ સ્પેશ્યલ ટ્રિટમેન્ટ તેમને આપવામાં આવતી નથી. અમે જે ખાઇએ છીએ તે જ તેઓ પણ જમે છે જેનાથી તેમને પોતાના ઘર જેવી ફિલ આવે છે. વિઝિટર માટે અમે કોઇ ચાર્જ રાખ્યો નથી. અમે તેમને ગુજરાતી સંસ્કૃતિથી પરિચિત કરાવીએ છીએ. મોટી સંખ્યામાં વિદેશી ટૂરિસ્ટ્સ આવે છે જેને અમે ગાયત્રી મંત્ર બોલવાનું, મહિલાઓને સાડી પહેરવા અમે મહેંદી મુકવાનું શિખવાડીએ છીએ. મહેમાનોને પરિવારના જેવી હૂંફ મળે છે. ઉત્તરાયણમાં મોટી સંખ્યામાં વિદેશીઓ આવે છે. દિવાળી દરમિયાન અહીં કરવામાં આવતી રંગોળી પણ અમદાવાદીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.

જગદિપ મહેતાનું હેરિટેજ હાઉસ 100 ચોરસ મીટરમાં ફેલાયેલું બે માળનું મકાન છે. દરેક રૂમમાં એટેચ બાથરૂમ અને ટોયલેટ છે. મકાનનું ઇન્ટિરિયર તમને કોલોનિયલ સમયની યાદ અપાવે છે. આ હેરિટેજ હોમમાં ઇટાલિયન ટાઇલ્સ, ઇટાલિયન સિલિંગ, બેલ્જિયમ ગ્લાસિસ, વરસાદના પાણીની સાચવણી માટે ભૂગર્ભ ટાંકી છે. અમદાવાદમાં ઉનાળા દરમિયાન સખત ગરમી પડે છે એટલે હોમ સ્ટેમાં રોકાવા માટે મોટાભાગે શિયાળામાં 3 મહિના માટે જ ટૂરિસ્ટ આવે છે. અહીં નિરવ શાંતિ છે. ફેમિલી વાતાવરણ મળે છે.

હોમ સ્ટેમાં રોકાવા માટે ગુજરાત સિવાય દેશના જુદા જુદા રાજ્યો તેમજ અમેરિકા, મેક્સિકો, યુરોપના દેશો જેવા કે જર્મની, બ્રિટન, ફ્રાન્સ વગેરેમાંથી પણ પ્રવાસીઓ આવે છે. પોળના લોકો પણ વિદેશીઓને સન્માન આપે છે. તેમને કોઇ છેતરી ન જાય તેનું ધ્યાન રાખે છે. આ હોમ સ્ટેને ગુજરાતના ટુરિઝમ વિભાગ દ્ધારા આધિકારીક રીતે મંજૂરી આપવામાં આવી છે. આ હેરિટેજ હાઉસને ગાહેડ દ્ધારા બેસ્ટ મેઇન્ટેન્ડ હેરિટેજ હાઉસ, ગુજરાત ટુરિઝમ દ્ધારા બેસ્ટ હોમ સ્ટે ઓફ ગુજરાત તેમજ બેસ્ટ હોમ સ્ટે એસ્ટાબ્લિશમેન્ટ ઇન ગુજરાત જેવા એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે.
બુકિંગ કેવી રીતે કરશો?
જગદિપ મહેતા હેરિટેજ હોમનું બુકિંગ નીચેની વેબસાઇટ પરથી થઇ શકે છે
http://heritagehouseinahmedabad.blogspot.com