શિયાળો વિદાય થવાની તૈયારીમાં છે. કોરોનાના કેસો પણ ઘટ્યા છે ત્યારે જો તમે અમદાવાદ કે ગાંધીનગરમાં રહો છો અને વિકેન્ડમાં એડવેન્ચર પાર્કમાં એન્જોય કરવાનું વિચાર રહ્યા છો તો આજે અમે આપને કેટલાક એવા પાર્ક વિશે જણાવીશું જ્યાં જઇને તમે તમારો સન્ડે સુધારી શકો છો. એડવેન્ચરની સાથે વન-ડે પિકનિક પણ થઇ જશે. તો આવો જોઇએ આવા જ કેટલાક પાર્ક વિશે.
કિડ્સ સિટી
અમદાવાદમાં કાંકરીયા લેકમાં આવેલું કિડ્સ સિટી 4240 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. 5 થી 14 વર્ષના બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું કિડ્સ સિટી એટલે બાળકોનું પોતાનું શહેર. અહીં એજ્યુકેશનની સાથે એન્ટરટેઇન્મેન્ટનો સુભગ સમન્વય કરવામાં આવ્યો છે. એક શહેર કેવું હોય તેનું આબેહૂબ ચિત્રણ આ કિડ્સ સિટીમાં કરવામાં આવ્યું છે. જેમાં શહેરની જેમ રોડ, વાહનો અને અનેક પ્રકારની એક્ટિવિટીઝ જેવી કે બેન્ક, ફાયર સ્ટેશન, સાયન્સ લેબ, રેડિયો સ્ટેશન, પોલીસ સ્ટેશન, કોર્ટ રૂમ, જેલ, મેડિકલ હોસ્પિટલ, થિયેટર, બીઆરટીએસ, હેરિટેજ ગેલેરી, આઇટી સેન્ટર, ન્યૂઝ રૂમ, આઇસક્રીમ ફેક્ટરી વગેરે તૈયાર કરવામાં આવ્યા છે.
માતા-પિતા રજિસ્ટ્રેશન કરીને પોતાના બાળકોને અહીં સુપવાઇઝર્સના ગાઇડન્સ હેઠળ મુકી છે. એક બેચનો સમય 3 કલાકનો હોય છે. બાળકો આ ત્રણ કલાકમાં ડોક્ટર, આરજે, ફાયર મેન વગેરે જેવી વિવિધ ભૂમિકા ભજવી શકે છે. બાળકો અહીં રિયલ લાઇફનો અનુભવ કરી શકે છે. જો એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો બાળકો માટે 100 રૂપિયા અને પુખ્તવયના માટે 50 રૂપિયા ટિકિટ છે. જેમાં બાળકો 5 એક્ટિવિટી કરી શકે છે. કિડ્સ સિટીનો સમય સવારે 10 થી સાંજે 8.30 વાગ્યા સુધીનો છે. સોમવારે કિડ્સ સિટી બંધ હોય છે.
તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્ક
રિસોર્ટ તો અનેક બન્યા છે પરંતુ એક જ જગ્યાએ વોટરપાર્ક અને એડવેન્ચર રાઇડ્સ હોય તેવા રિસોર્ટ ઘણાં ઓછા હોય છે. વિજાપુરની નજીક આવો જ એક રિસોર્ટ છે, જ્યાં તમે તમામ પ્રકારની એક્ટિવિટી કરી શકો છો. આ રિસોર્ટનું નામ છે તિરુપતિ ઋષિવન. ખરેખર નામ પ્રમાણે જ જંગલમાં સ્વર્ગ ઉભું કર્યું છે. અમદાવાદથી તિરુપતિ ઋષિવન લગભગ 74 કિલોમીટર દૂર આવેલું છે. વાયા ગાંધીનગર વિજાપુર થઇને અહીં પહોંચતા લગભગ દોઢ કલાક થશે. વિજાપુર-હિંમતનગર હાઇવે પર દેરોલમાં તિરુપતિ રિસોર્ટ સ્થિત છે. તિરૂપતિ એમ્યુઝમેન્ટ પાર્ક 150 એકરમાં ફેલાયેલો ગુજરાતનો નદી કિનારાનો સૌથી મોટો રિસોર્ટ છે.
અહીં આનંદપ્રમોદ કરવા માટે ફ્રિસ્બી, કોલમ્બસ, મેરી ગો રાઉન્ડ, આર્ચરી, બુલ રાઇડ, ફ્લાઇંગ ફોક્સ, ડેશિંગ કાર્સ, સ્વિંગ કાર, ડર્ટ બાઇક, વોટર રાઇડ્સ, વન્ડર વ્હીલ્સ, એડવેન્ચર શુટિંગ સહિત 17 કરતાં વધુ રાઇડ્સ અને એટ્રેક્શન્સ છે. ઉપરાંત, એડવેન્ચર પાર્ક, વોટર પાર્ક, 6ડી સિનેમા, મોન્યુમેન્ટસ, જંગલ સફારી અને ફિલ્મના લોકેશન માટેની પણ ઉત્તમ સુવિધા છે. તો ડાયનોસોર, તાજમહેલ, એફિલ ટાવર, અશોક સ્તંબ, હોલી શિવધારા, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, લાફિંગ બુદ્ધા જેવા મોન્યુમેન્ટ્સ પણ છે. પાર્કમાં મિનિટ્રેન પણ છે. ફુલ-ડે એન્જોય કરવા માટે આ જગ્યા પરફેક્ટ છે.
એન્ટ્રી ફી
તિરુપતિ એડવેન્ચર પાર્કની એન્ટ્રી ફી 100 રુપિયા છે. વોટર પાર્કમાં 300 રૂપિયા ટિકિટ છે પરંતુ કોરોનાના કારણે વોટર પાર્ક બંધ છે. અન્ય રાઇડ્સની વાત કરીએ તો મોન્સ્ટર કારની ટિકિટ રુ.50, થ્રો બોલના રૂ.20, રિવરસેન્ડ સફારીના રૂ.50, બંજી જમ્પિંગના રૂ.50, નિન્જા ટ્રેકના રૂ.50, ફેમિલી ટ્રેનના રૂ.20, કિડ્સ બોટિંગના રૂ.30, વન્ડર વ્હીલના રૂ.30, બોડી ઝોર્બિંગના રૂ.30, ઝીપ લાઇનના રૂ.70, બુલ રાઇડ્સના રૂ.20, ડેશિંગ કારના રૂ.40, સ્વિંગ કારના રૂ.30, ડર્ટ બાઇકના રૂ.60, સ્કેરી ડ્રાઇવના રૂ.20, સાયકલિંગના રૂ.20 ટિકિટ છે. આ ઉપરાંત રાઇફલ શુટિગ અને આર્ચરીની 20-20 રૂપિયા ટિકિટ છે. તો જંગલ સફારી માટે રૂ.70 જ્યારે પેઇન્ટ બોલ માટે 100 રૂપિયા ચૂકવવા પડશે. 6ડી થિયેટરના 40 રૂપિયા આપવા પડશે. વોટર શૂટની રૂ.50, મેરિ ગો રાઉન્ડની રૂ.20 ટિકિટ છે.
રહેવા માટે અહીં હોટલ મીરા છે. વેડિંગ અને પ્રી વેડિંગના આયોજન પણ કરી શકાય છે. અહીં કોન્ફરન્સ હોલની પણ સુવિધા છે.
સ્વપ્નસૃષ્ટિ એડવેન્ચર પાર્ક
સ્વપ્નસૃષ્ટિ એડવેન્ચર પાર્ક સાબરમતી નદીના કિનારે આવેલો આઉટડોર એડવેન્ચરનો અનુભવ કરાવતો એક સુંદર પાર્ક છે. એડવેન્ચરના શોખીનો માટે અહીં ઘણું બધુ છે. તમારી ધીરજ, તાકાત અને શક્તિઓના પરિક્ષણ માટે અનેક પ્રવૃતિઓનું આ સ્થળ છે. પરિવાર, દોસ્ત, સંબંધીઓ અને સહકર્મીઓ સાથે સમય પસાર કરવા માટે આ યોગ્ય જગ્યા છે. આ પાર્ક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખીને બનાવાયો છે.
ક્યાં છે આ પાર્ક
અમદાવાદથી લગભગ 50 કિલોમીટર દૂર ગાંધીનગર-મહુડી હાઇવે પર ગ્રામ ભારતી ક્રોસ રોડ, અમરનાથધામ નજીક અમરાપુર ગામમાં આ પાર્ક આવેલો છે.
એક્ટિવિટીઝ
અહીં ત્રણ પ્રકારની પ્રવૃતિઓ થાય છે. બોર્ડ ગેમ્સ, એડવેન્ચર સ્પોર્ટ્સ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક. બોર્ડ ગેમ્સમાં ચેસ, સાપ-સીડી, લુડો, હોપસ્કોચ, હૂપ ટોસ, બોલ મેઝ, ઝેંગાનો સમાવેશ થાય છે. એડવેન્ચર સ્પોર્ટ્સ ઝોનમાં વોલીબોલ, બાસ્કેટ બોલ, કમાન્ડો નેટ, ટાયર વોલ, કિડ્સ પાર્ક, બેડમિન્ટન, એરો થ્રો, સ્વિંગ બોલનો સમાવેશ થાય છે. તો એમ્યુઝમેન્ટ પાર્કમાં અમરનાથ એક્સપ્રેસ, જમ્પિંગ ટોય, ડોમિનેટ ડ્રેગન, બ્રેક ડાન્સ, ચિલ્ડ્રન ગેમ્સ, જમ્બો કાર, લવલી કાર, વોકિંગ એનિમલ, બુલેટ ટ્રેનનો સમાવેશ થાય છે.
એન્ટ્રી ફી
સ્વપ્નસૃ્ષ્ટિ એડવેન્ચર પાર્કમાં ફેમિલી પેકેજ, ફ્રેન્ડસ પેકેજ, કોર્પોરેટ પેકેજ, સ્કૂલ ફિલ્ડ ટ્રીપ, સ્કાઉટ ગ્રુપ, બર્થ ડે પાર્ટી પેકેજ, કિટ્ટી પાર્ટી પેકેજ એમ અલગ અલગ પેકેજ પણ રાખવામાં આવ્યા છે. પેકેજનો ભાવ રૂ.600 છે પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.