
તમે બધા સોશિયલ મીડિયાના પ્રભાવથી તો પરિચિત હશો જ. અહીં ક્યારેક એવી વસ્તુ ટ્રેડિંગમાં આવી જાય છે જેના કારણે લોકોનું જીવન પણ બદલાઇ જાય છે. તેનું સૌથી મોટું ઉદારહણ બાબા કા ઢાબા વાળા બાબા અને રાનુ માંડલ છે. તેમને સોશિયલ મીડિયાએ રાતોરાત ફેમસ કરી દીધા હતા.
સોશિયલ મીડિયા પર તેમની મદદની એક પોસ્ટ મૂકાઈ અને તેમને મદદ કરવા માટે દેશભરમાંથી લોકો હાથ લંબાવ્યા હતા. બાબા કા ધાબાને એટલી મદદ આવી કે, કોરોનાકાળમાં નિરાધાર બનેલ દંપતીનુ ઘર રમતુ થયું. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર ફરી એકવાર અમદાવાદના એક નાનકડા છોકરાની મદદ માટેની અપીલ ઉઠી છે. અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પર 14 વર્ષનો સગીર પરિવારને મદદ કરવા ફક્ત માત્ર 10 રૂપિયાની કિંમત પર દહીં કચોરી વેચી રહ્યો છે. લોકોને મદદ કરવા માટે હાલ સોશિયલ મીડિયા પર અપીલ કરી રહ્યાં છે.

જીવન જીવવા અને ઘર ચલાવા માટે જાત મહેનત જ કરવી પડે છે. સમય ખરાબ ચાલતો હોય અને રૂપિયાની તંગી હોય તો તેની સામે કામ કરવામાં ઉંમર બાધ આડે આવતી નથી. નાનપણમાં આવેલી જવાબદારી બાળકોને સમજદાર જરૂર બનાવી દે. ત્યારે આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરો પરિવારને મદદ કરવા માટે પોતાની માતા શ્વેતાબેનને મદદ કરી રહ્યો છે. આ વીડિયો અમદાવાદના મણિનગરના રેલવે ક્રોસિંગનો છે. જ્યાં આ કિશોર પોતાની માતા સાથે દહી કચોરી વેચી રહ્યો છે. પરિવારની મદદ કરવા 14 વર્ષનો છોકરો માત્ર 10 રૂ. માં કચોરી વેચી રહ્યો છે!

અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પાસે કચોરી વેચતા કિશોરનો જે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે તેનું નામ છે તન્મય અગ્રવાલ. આ છોકરાએ સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી લીધું છે. લોકો આ છોકરાની મદદ કરવા અપીલ કરી રહ્યાં છે.
બાળકની સ્ટોરી એટલી શેર થઈ કે, ટીવીના ફેમસ એક્ટર જય ભાનુશાલીએ પણ તેની નોંધ લીધી અને ગુરુવારે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેનો વિડીયો શેર કરી લખ્યું હતું કે, ‘હું આવતીકાલે શો માટે અમદાવાદ જવાનો છું. હું ચોક્કસ આ ૧૪ વર્ષના છોકરાને મળીશ અને તેની કચોરી ખાઈશ’.
તન્મય અગ્રવાલ દ્વારા નાની ઉંમરે કચોરી વેચવા પાછળનું કારણ એ છે કે, તેનો પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. તેનો પરિવાર દિવસે કચોરી અને સમોસા બનાવે છે અને સાંજે મણિનગર રેલવે સ્ટેશનની બહાર એક્ટિવા પર સમોસા અને કચોરી વેચવા બેસે છે. તેના પપ્પા દિલીપ અગ્રવાલની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, આથી તેમણે પહેલા સિંધી માર્કેટમાં કચોરી વેચવાનું શરૂ કર્યું પછી તે મણિનગર વિસ્તારમાં આવ્યા અને અહી તેમણે કચોરી વેચી. બાળકના મમ્મી શ્વેતા અગ્રવાલ પણ પરિવારનું ગુજરાન ચલાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.