આંધ્રપ્રદેશ અને તેલંગાણા: એક જ ભાષા બોલતા બે રાજ્યો

Tripoto

15 મી સદી દરમિયાન વિજયનગરના મહારાજા કૃષ્ણદેવરાયએ કહ્યું હતું કે દેશની તમામ ભાષાઓમાં તેલુગુ શ્રેષ્ઠ છે. ભારતમાં મોટા ભાગના રાજ્યોની રચના ત્યાં બોલાતી ભાષાના આધારે કરવામાં આવી છે. તો એક જ ભાષા બોલતા આ બે રાજ્યો શું કામ અલગ થયા?

Photo of Andhra Pradesh, India by Jhelum Kaushal

આપણે ત્યાં કહેવત છે કે બાર ગામે બોલી બદલાય. વળી, સંસ્કૃતિ અને પરંપરા તો ઘરે-ઘરે જુદી જુદી જોવા મળે!! આંધ્ર પ્રદેશમાં દરિયાકિનારે (કોસ્ટલ એરિયામાં) વસતા લોકો બાકીના તેલુગુ લોકો કરતાં ભિન્ન હોવાથી તેઓ પોતાના અલગ રાજ્યની માંગણી કરી રહ્યા હતા. બહુ થોડા સમયમાં તેમની આ ચળવળે રાજકીય અને સામાજિક રંગ ધારણ કર્યો અને પશ્ચિમ આંધ્રપ્રદેશના લોકો તેમના જુદા રાજ્ય તેલંગાણાની ઘણી ઉગ્ર માંગણી કરવા લાગ્યા.

ઉત્તર પશ્ચિમ આંધ્રપ્રદેશના 10 જિલ્લાઓને અલગ કરતાં, 2 જૂન 2014 ના રોજ સત્તાવાર ધોરણે ભારતનું 28 મુ રાજ્ય તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું.

વિશ્વ વિરાસત- રામપ્પા મંદિર: જુલાઇ 2021 માં યુનેસ્કો દ્વારા તેલંગાણાના રામપ્પા મંદિરને વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યું. આ અદભૂત પ્રાચીન મંદિર મંદિર ભારતનું એકમાત્ર મંદિર છે જેનું નામ તેના શિલ્પીના નામના આધારે રાખવામાં આવ્યું હોય. રામપ્પા મંદિર વિષે મારો વિસ્તૃત લેખ અહીં વાંચો.

Photo of આંધ્રપ્રદેશ અને તેલંગાણા: એક જ ભાષા બોલતા બે રાજ્યો by Jhelum Kaushal

હૈદરાબાદ: બંને રાજ્યોની સંયુક્ત રાજધાની રહી ચૂકેલું હૈદરાબાદ આજે તેલંગાણાની રાજધાની છે. આજે આ શહેર ભારતનો હિસ્સો છે તેનો શ્રેય સરદાર પટેલની કુનેહને આપવો ઘટે. નવાબોના શાસન હેઠળ દબાયેલું અને ભારત સરકારની આવડતથી ઘડાયેલું આ શહેર ઘણી રીતે નિરાળું છે. અહીં નજીકમાં જ 1600થી વધુ એકરના વિસ્તારમાં ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું રામોજી ફિલ્મ સિટી છે. આ ફિલ્મસિટી તેલુગુ ફિલ્મ જગતનું કેન્દ્રસ્થાન છે. ફલકનુમા પેલેસ, લુંબિની પાર્ક, મ્યુઝિયમ્સ વગેરે હૈદરાબાદ શહેરમાં મુલાકાત લેવા જેવી જગ્યાઓ છે. દક્ષિણ ભારતના સૌથી મોટા શહેરોમાંનું એક હોવાને કારણે સિલ્ક સાડીની ખરીદી માટે પણ આ એક આદર્શ નગર કહી શકાય. માંસાહાર કરતાં લોકો માટે હૈદરાબાદની બિરિયાની સૌથી મનપસંદ ખાણું હોય છે.

Photo of આંધ્રપ્રદેશ અને તેલંગાણા: એક જ ભાષા બોલતા બે રાજ્યો by Jhelum Kaushal
Photo of આંધ્રપ્રદેશ અને તેલંગાણા: એક જ ભાષા બોલતા બે રાજ્યો by Jhelum Kaushal

વળી, આ શહેર આઇટી ક્ષેત્રે પુષ્કળ પ્રગતિ કરી રહ્યું હોવાથી સૌ ભારતીયોને અહીં રોજગારની સમાન તક મળી છે. હૈદરાબાદના ટ્વીન સિટી ગણાતા સિકંદરાબાદ દેશભરમાંથી અનેક લોકો આવીને વસ્યા છે.

હૈદરાબાદના ઓછા જાણીતા, છતાં અનોખા કિસ્સાની વાત કરીએ તો અહીંનો બૈઠની ગૌડ પરિવાર છેલ્લા 160 વર્ષથી વિશેષ માછલીનો પ્રસાદ આપીને લોકોનો અસ્થમાનો રોગનો ઈલાજ કરે છે!

ઓંગોલ બળદ: આપણે તમામ શિવ મંદિરોમાં જે નંદી બાબા જોઈએ છીએ તે ઓંગોલ પ્રજાતિના બળદની મૂર્તિ છે. ભારતમાં આ ઓંગોલ પ્રજાતિના બળદ આંધ્રપ્રદેશમાં જોવા મળે છે.

Photo of આંધ્રપ્રદેશ અને તેલંગાણા: એક જ ભાષા બોલતા બે રાજ્યો by Jhelum Kaushal

કોહિનૂરનું ઘર: કહેવાય છે કે આંધ્રપ્રદેશના ગુંટૂર નજીક આવેલી કોળ્લુર નામની ગુફાઓમાંથી એક અસાધારણ ચમક ધરાવતો અમૂલ્ય હીરો પ્રાપ્ત થયો હતો જેને કોહિનૂર નામ અપાયું હતું.

Photo of આંધ્રપ્રદેશ અને તેલંગાણા: એક જ ભાષા બોલતા બે રાજ્યો by Jhelum Kaushal

પિંગલી વેંકયયા: આ એ માણસનું નામ છે જેણે ભારતનો રાષ્ટ્રધ્વજ ડિઝાઇન કર્યો છે. તેમનો જન્મ આંધ્રપ્રદેશના ક્રિષ્ના ગામમાં થયો હતો. તેમણે બ્રિટિશ ભારતીય સેનામાં કામ પણ કર્યું હતું.

વિશાખાપટનમ: ભારતના સૌથી પ્રમુખ બંદરોમાંનું એક એટલે વિશાખાપટનમનું બંદર. ભારતીય જલસેના માટે પણ ઘણા જ મહત્વના એવા આ શહેરમાં અને તેની આસપાસ ઘણી ફરવાલાયક જગ્યાઓ છે. શહેરના સુંદર બીચ, એક હજાર વર્ષ કરતાં પણ જૂની બોર્રાની ગુફાઓ, લંબાસિંગિ નામનું હિલ સ્ટેશન આ બધા જ ખૂબ સુંદર સ્થળો છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ