ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં ક્યાં ફરવા જવાય? એકવાર આ જગ્યાઓ જોઇ લો

Tripoto
Photo of ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં ક્યાં ફરવા જવાય? એકવાર આ જગ્યાઓ જોઇ લો by Paurav Joshi

ગુજરાતમાં ચોમાસું બરોબરનું જામ્યું છે. જંગલોમાં લીલાછમ બન્યા છે. નદીઓ બે કાંઠે વહી રહી છે તો વોટરફોલ અને ઝરણાં પણ જાણે કે સજીવન થયાં છે. આવા સમયે જંગલમાં જઇને મોરના ટહૂકા સાંભળવાનું મન કોને ન થાય. ચોમાસામાં જંગલમાં ટ્રેકિંગ કરવાનો આનંદ પણ કંઇક અલગ જ હોય છે. કુદરતના ખોળે થોડોક સમય પસાર કરીને રોજબરોજની ભાગદોડથી મુક્તિ મેળવી શકાય છે. તો આજે અમે કેટલાક એવા સ્થળો વિશે તમને બતાવીશું જ્યાં ખાસ કરીને ચોમાસામાં તમારે એકવાર તો જરૂર જવું જોઇએ.

પોલો ફોરેસ્ટ

Photo of ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં ક્યાં ફરવા જવાય? એકવાર આ જગ્યાઓ જોઇ લો by Paurav Joshi

જો તમે અમદાવાદમાં રહો છો અને એક દિવસીય પ્રવાસનું આયોજન કરતા હોવ તો આ જગ્યા બેસ્ટ છે. જો કે વન નાઇટ રહેવાની પણ મજા જ આવશે. વિજયનગરનું પોલો ફોરેસ્ટ જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજયનગર એટલે વનનું પ્રગાઢ નગર અને વનવાસીઓની ધબકતી સંસ્કૃતિ. આ એક આદિવાસી વિસ્તાર છે. પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. વરસાદની સિઝનમાં આ ફોરેસ્ટની મજા બમણી થઇ જાય છે. તો ગરમીના દિવસોમાં હરિયાળીથી ગાઢ જંગલ તમને ટાઢક આપે છે. અહીં જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે જેના પર અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે. અહીં 450થી પણ વધારે ઔષધીય વનસ્પતિઓ આવેલી છે. 275 જેટલી પક્ષીઓની જાતો ઉપલબ્ધ છે. 30 જેટલા સસ્તન પ્રાણીઓ અને 32 સરીસૃપો આવેલા છે.

જાંબુઘોડા

Photo of ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં ક્યાં ફરવા જવાય? એકવાર આ જગ્યાઓ જોઇ લો by Paurav Joshi

ગુજરાતમાં પાવાગઢ નજીક આવેલા ચાંપાનેરથી 26 કિ.મી દૂર જાંબુઘોડા આવેલુ છે. જાંબુઘોડા આવતા પહેલાં જ રોડની બંને બાજુ ગાઢ જંગલો શરુ થઇ જાય છે. આ જંગલો ‘જાંબુઘોડા અભયારણ્ય’ તરીકે ઓળખાય છે. અહીં તેનું બોર્ડ મારેલું છે. આ અભયારણ્ય વિસ્તારમાં જ એક નદી પર કડા ડેમ બાંધેલો છે અને એક જગાએ ઝંડ હનુમાન વસેલા છે. જાંબુઘોડાથી આગળ જતો મુખ્ય રસ્તો બોડેલી તરફ જાય છે. જાંબુઘોડા અભયારણ્યમાં દીપડો, રીંછ, શિયાળ, વરુ, હરણ વગેરે પ્રાણીઓનો વસવાટ છે. અહીં સાપ અને પાયથોન પણ જોવા મળી જાય છે. આ જંગલમાં મુખ્યત્વે ટીક, મહુડો અને વાંસનાં ઝાડ છે. કડા ડેમ જાંબુઘોડાથી ફક્ત ૩ કી.મી. દૂર છે. સરોવરની બધી બાજુ જંગલો જ જંગલો છે. જાંબુઘોડા અભયારણ્યમાં રાત્રિરોકાણ કરવું હોય તો કોટેજ અને ટેન્ટની વ્યવસ્થા છે. અહીં હાથણી માતા વોટરફોલ, ઝંડ હનુમાન વગેરે જોવાલાયક જગ્યા છે.

રતનમહાલ

Photo of ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં ક્યાં ફરવા જવાય? એકવાર આ જગ્યાઓ જોઇ લો by Paurav Joshi

રતનમહાલના જંગલો પંચમહાલ જિલ્લામાં આવેલા છે. અમદાવાદથી 210 કિલોમીટર દૂર છે આ જગ્યા. ગોધરાથી દેવગઢ બારિયા થઇને ત્યાં જઇ શકાય છે. અહીં રીંછ અભ્યારણ્ય (બિઅર સેન્ચુરી) આવેલું છે. રતનમહાલ એ એક વન્ય પ્રાણીઓના રહેઠાણની જગ્યા છે. અહીંના મુલાકાતીઓ વન્ય પ્રાણી અને વાનસ્પતિક ખજાનો જોઈને આનંદિત થઈ જાય છે. પાનમ નદી એ અભયારણ્યની ખૂબસૂરતીમાં ખૂબ જ અગત્યની ભૂમિકા અદા કરે છે. પાનમ નદીનું ઉદ્ગમ સ્થાન પણ રતનમહાલ જ છે. મિશ્ર પ્રકારનું જંગલ ધરાવતા આ અભયારણ્યમાં મહુડો, સાદડ, ટીમરુ, સાગ, દૂધલો, કેસૂડાં, આમળા, વાંસ, કાકડિયો, વગેરે ઉપરાંત અન્ય ઘણી જાતો જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં જવલ્લે જ જોવા મળતી ઊડતી ખિસકોલી પણ અહીંયાં સામાન્ય રીતે જોવા મળે છે.

જમજીર ધોધ:

Photo of ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં ક્યાં ફરવા જવાય? એકવાર આ જગ્યાઓ જોઇ લો by Paurav Joshi

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ સાસણ ગીર નજીક આવેલો આ ધોધ બે ભાગમાં ઉપરથી નીચે પડે છે. શીંગવડો નદી મધ્યગીર કનકાઈની ગીરી કંદરાઓમાંથી ઉદ્દભવી 80 કિલોમીટરનું અંતર કાપી કોડીનારનાં મુળ દ્વારકા બંદરે સમુદ્રને મળે છે. શીંગવડો નદી ગીર જંગલમાંથી પસાર થાય છે. ગીર બોર્ડરનાં જામવાળા ખાતે આ નદી શિંગોડા ડેમમાં આવે છે. અહીંથી આગળ વધી જમદગ્નિ ઋષિનાં આશ્રમની નજીક જમજીરનાં ધોધ સ્વરૂપે વહે છે.

સાપુતારા

Photo of ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં ક્યાં ફરવા જવાય? એકવાર આ જગ્યાઓ જોઇ લો by Paurav Joshi

સાપુતારા પણ ડાંગ જિલ્લામાં આવેલું હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. અહી નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ઓગસ્ટ મહિનામાં અહીં મોનસૂન ફેસ્ટિવલ થાય છે ત્યારે ખાસ જવું જોઇએ. ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલસ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે.

Photo of ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં ક્યાં ફરવા જવાય? એકવાર આ જગ્યાઓ જોઇ લો by Paurav Joshi

ડોન હિલ

Photo of ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં ક્યાં ફરવા જવાય? એકવાર આ જગ્યાઓ જોઇ લો by Paurav Joshi

કુદરતી સંપત્તિથી ભરપૂર અને લીલાંછમ એવા ડાંગ જિલ્લામાં આવેલું ડોન ગિરિમથક આમ તો છેલ્લા 4 વર્ષથી જ ચર્ચામાં આવ્યું છે. જો તમે ટ્રેકિંગના શોખીન છો તો પણ ડોન હિલ સ્ટેશન ઉત્તમ સ્થળ છે. ઉંચા નીચા ઢોળાવ હોવાને કારણે અહીં ટ્રેકિંગ માટે પણ લોકો ઉમટે છે. આ સ્થળ પર્વતારોહણ માટે શ્રેષ્ઠ છે અને ટ્રેક માટે આ અત્યંત રળિયામણું સ્થળ છે. આ હિલ સ્ટેશનથી મહારાષ્ટ્ર બોર્ડર 3 કિલોમીટર જ દૂર છે. એટલે તમે ડોનથી થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકો છો. ડોન ગામ ડુંગર પર આવેલું છે અને અહીં ચારે તરફ ડુંગરો જ છે. અહીં ગુરુ દ્રોણની ટેકરી છે, અંજની પર્વત-અંજની કુંડ છે જે હનુમાનજીનું જન્મસ્થળ ગણાય છે. ડોન આહવાથી અંદાજે ૩૩ કિલોમીટર દૂર છે. આહવા થઈને ચિંચલી થઇને જઇ શકાય છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો