
ભારતના જાણીતા હિલ સ્ટેશનોની વાત કરીએ તો બધા ઉટી, શિમલા, નૈનીતાલ, દાર્જિલિંગ જવાની સલાહ આપશે. પરંતુ જો તમે કોઇ યૂનિક જગ્યાએ જવા માંગો છો તો વિકલ્પોની કોઇ કમી નથી. આજે અમે આપને આવી જ એક યૂનિક જગ્યા વિષે બતાવવા જઇ રહ્યા છીએ જ્યાં દોસ્તોની સાથે જશો તો એડવેન્ચર એક્ટિવિટી કલ્પના નહીં કરી હોય તેવી મળશે.
કર્ણાટકમાં દાંડેલી આવી જ એક જગ્યા છે. ગોવાથી 135 કિ.મી. દૂર આવેલી આ જગ્યા પ્રકૃતિની સુંદરતા અને સાહસિક પ્રવૃતિઓથી ભરપુર છે. આ સ્થળ ભારતના જાણીતા સફેદ પાણીના રાફ્ટિંગ પૈકીનું એક છે. દાંડેલી તેના વોટર રાફ્ટિંગ ઉપરાંત, પક્ષીદર્શન, વાઘ અને મગરના દર્શન તેમજ નજીકમાં મંદિરો અને ગુફાઓને એક્સપ્લોર કરવા માટે પણ જાણીતું છે.
જંગલ સફારી- દાંડેલી વન્યજીવ અભયારણ્ય

દાંડેલી વાઇલ્ડ લાઇફ સેંક્ચુરી સેવ ધ ટાઇગર તેમજ અન્ય જંગલી પશુઓના અભિયાન હેઠળ આવે છે. અહીં વાઘ સિવાય અન્ય જંગલી પ્રાણીઓ વિચરતા જોઇ શકાય છે.
દાંડેલી કર્ણાટકમાં બીજા નંબરનું સૌથી મોટું વન્યજીવ અભયારણ્ય છે. દાંડેલી વન્યજીવ અભયારણ્યને વર્ષ 2007માં ટાઇગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. કાલી નદી, કનેરી નદી અને નાગાઝરી નદીની ઉપનદીઓ દાંડેલી વન્યજીવ અભયારણ્યના ગાઢ પાનખર જંગલોમાંથી પસાર થાય છે.
આ અભયારણ્ય પક્ષીઓની 300 થી વધુ પ્રજાતિઓ તેમજ અનેક સરિસૃપો અને ઉભયજીવીઓ અને ચિત્તા, બ્લેક પેન્થર્સ, હાથી, ગૌર, બારસિંગા, રીંછ, બિલાડીઓ, જંગલી બળદ, વરુ અને વાંદરાની વિવિધ જાતિઓનું ઘર છે.
દાંડેલીમાં તમે કાલી નદી પર કાયાકિંગ, કેનોઇંગ, વોટર રાફ્ટિંગ અને નાઇટ રાફ્ટિંગ તેમજ સાઇકલિંગ અને માઉન્ટેન બાઇકિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ કરી શકો છો. આ સ્થાન પર્યટકોને મગર જોવા, કુદરતી વાતાવરણમાં ટહેલવા, ટ્રેકિંગ, પક્ષીઓ નિહાળવા અને એગ્લિંગ ટ્રિપની તકો પણ પૂરી પાડે છે.
સફેદ પાણીમાં રાફ્ટિંગ

ભારતમાં પશ્ચિમી ઘાટમાં કાલી નદીને કિનારે રિવર રાફ્ટિંગ કરવા માટે દાંડેલી બેસ્ટ જગ્યાઓ પૈકીની એક છે. અહીં 4 કલાકનું લાંબુ અને 2 કલાકનું ટુંકુ રિવર રાફ્ટિંગ થાય છે.
સિંથેરી રોક્સ

દાંડેલીથી 25 કિ.મી. દૂર સ્થિત સિંથેરી રૉક્સની યાત્રા એક રસપ્રદ અનુભવ છે. સિંથેરી પથ્થરો અખંડ ગ્રેનાઇટથી બન્યા છે અને તેને મજબૂત નદીઓની ધારા દ્વારા ગુફાઓ અને તિરાડોમાં કોતરવામાં આવ્યા છે. તમે સિંથેરીની યાત્રા સવારે વહેલા કે બપોર પછી શરૂ કરવી જોઇએ.કારણ કે તેમાં ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. નદી કનારે ચાલવુ પડે છે. આ નાની નદી છેવટે કાલી નદીમાં વિલીન થઇ જાય છે. અહીં પથ્થરની આડમાં સૂર્યોદય અને સૂર્યાસ્તને જોવાની મજા જ કંઇક અલગ છે.
કાવલા ગુફાઓ

પ્રાચીન કાવલા ગુફા એવા લોકો માટે આદર્શ સ્થાન છે જે ઇતિહાસ અને પૌરાણિક કથાઓને ફરીથી જોવા માંગે છે. દાંડેલીથી 25 કિ.મી.દૂર આવેલી આ ગુફાઓ ગાઢ જંગલમાં છે. ગુફાઓને ભગવાન શિવના પવિત્ર નિવાસ તરીકે માનવામાં આવે છે. ઘણાં લોકો આ ગુફાઓમાં ધ્યાન ધરવાની સાથે-સાથે વિનાશના દેવતાને પોતાનું સન્માન આપવા જાય છે. ગુફાઓ સુધી પહોંચવા માટે તમારે લગભગ 1000 પગથિયાં ચઢવા પડશે.
દાંડેલીમાં શું કરશો
રેપલિંગ

સહ્યાદ્રિ પવર્તમાળાઓમાં દોરડાના સહારે તમે રેપલિંગ કરી શકો છો. આ પ્રવૃતિથી તમારા અંગે અંગમાં રોમાંચનો અનુભવ થશે.
ટ્રેકિંગ

દાંડેલી અભયારણ્ય જંગલ ટ્રેકિંગ માટે એક શાનદાર જગ્યા છે. આ જગ્યા ઉત્સાહી ટ્રેકર માટે એક ખજાના સમાન છે. અહીં તમે વિવિધ પશુ-પક્ષીઓ, અનેક જાતના વૃક્ષો જોઇ શકો છો. જો તમે નસીબદાર છો તો તમને બાઇસન કે પેન્થર પણ જોવા મળશે.
પ્રાકૃતિક જાકુઝી
જો તમારે રિવર રાફ્ટિંગ નથી કરવું પણ કાલી નદીની સુંદરતાને નજીકથી જોવી છે તો તમે કુદરતી જાકુઝી માટે જઇ શકો છો. કાલી નદીના ટાપુઓમાંથી એકની યાત્રા કરો અને એક નાનકડી બોટ સવારી તમે રેપિડ્સની વચ્ચે આરામથી કરી શકશો. તમે અહીં મસાજનો આનંદ પણ માણી શકો છો.
પક્ષી દર્શન (બર્ડ વોચિંગ)


દાંડેલીમાં અનેક જાતના પક્ષીઓ જોવા મળે છે. તમે અહીં મેગ્પી રોબિન, બાર વિન્ગ્ડ ફ્લાયકેચર શ્રાઈક્સ, બ્લુ હેડેડ ગ્રાઉન્ડ થ્રશ, પોમ્પાડૌર ગ્રીન કબૂતર, ગોલ્ડન બેક, વુડપેકર(લક્કડખોદ) યલો બ્રાઉડ બુલબુલ્સ, કોયલ, ક્રેસ્ટેડ સર્પન્ટ ઈગલ, પાઈડ હોર્નબિલ્સ, જંગલ બેબલર્સ અને આ સિવાય બીજા પણ અનેક પક્ષીઓ જોઈ શકો છો.
કયાકિંગ
કયાકિંગ સામાન્ય રીતે સુપા જળાશયમાં કરવામાં આવે છે, જે સુપા બંધનું એક માનવનિર્મિત જળાશય છે. જળાશય આકારમાં એટલું વિશાળ છે કે ખુલ્લા સમુદ્રમાં કયાકિંગ જેવો અનુભવ થાય છે.
ક્રોકોડાઇલ સ્પૉટિંગ એન્ડ કૉર્કલ રાઇડ્સ

કોર્કલ એક દેશી આકારની નાવ છે જે વાંસ અને ભેંસની ચામડીથી બનેલી છે. આ ખાસ કરીને નદીને નેવિગેટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને કાળી નદીના અશાંત પાણીનો અનુભવ કરવાની એક શાનદાર રીત છે, કારણ કે મગરમચ્છ તમારી આસપાસ તરે છે. તમે અહીં મૂનલાઇટ બોટ રાઇડ્સ, રિવર સાઇડ ફિશિંગ, કેમ્પિંગ, નેચર વૉક અને રિવર આઇલેન્ડ વિઝિટ કરી શકો છો.
કેવી રીતે પહોંચશો
વિમાનમાં: દાંડેલીથી નજીકનું ઇન્ટરનેશનલ એરપોર્ટ 135 કિ.મી. દૂર ગોવા છે. ડોમેસ્ટીક એરપોર્ટની વાત કરીએ તો કર્ણાટકનું હુબલી 56 કિ.મી. અને બેલગામનું સાંબ્રે 66 કિ.મી. છે.
રેલવેઃ બેંગ્લોરથી 56 કિ.મી.દૂર હુબલી કે 23 કિ.મી. દૂર આવેલા અલનાવરની ટ્રેન પકડી શકાય છે. ત્યાંથી બસ કે ટેક્સી કરીને અહીં પહોંચી શકાય છે. બીજો વિકલ્પ તરીકે તમે હૈદરાબાદથી લોંદાની ટ્રેન પકડી શકો છો જે 24 કિ.મી. દૂર છે.
રોડ માર્ગઃ KSRTCની બસો કર્ણાટકના દરેક મુખ્ય શહેરથી મળી જાય છે. તમે ગોવાથી ડ્રાઇવ કરીને NH 748 પરથી જઇ શકો છો.
ક્યારે જશો
પક્ષીઓ જોવા- જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ
જંગલ દર્શન માટે- એપ્રિલ, મે અને જુન
રિવર રાફ્ટિંગ માટે- જુન અને જુલાઇ
ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે- જુન, જુલાઇ અને ઓગસ્ટ
હવામાન- ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર
રહેવા માટે બેસ્ટ જગ્યા
1. રેજેન્ટા રિસોર્ટ સેન્ચુરી – રૂ.7,260થી શરૂ

2. દાંડેલી ચાલેટ હોમસ્ટે – રૂ.5,011થી શરૂ

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો