“ભારત માતા કી જય.”
“વંદે માતરમ”
“હિન્દુસ્તાન ઝિંદાબાદ”
હજારોની જનમેદની અને ઉપરોક્ત નારાઓ! અટારી-વાઘા બોર્ડરની મુલાકાતનો રોમાંચ અનુભવવો એ ખરેખર એક અવિસ્મરણીય અનુભવ છે. પણ એ વાત પણ સમજી શકાય કે દરેક માટે અમૃતસરનો પ્રવાસ કરવો શક્ય ન હોય.
આપણું રાજ્ય પણ પાકિસ્તાનની સીમાએ આવેલું છે તો પછી ગુજરાતમાં પણ સૌને પાકિસ્તાની સીમા પર ‘ભારત માતા કી જય’ બોલવાનું ગૌરવ મળવું જોઈએ ને?
સપના જેવી લાગતી વાત બહુ જ ટૂંક સમયમાં સાચી પડવા જઈ રહી છે.
ગૃહ મંત્રી અમિત શાહે બનાસકાંઠા જિલ્લાના નાડા બેટમાં ભારત - પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર બોર્ડર વ્યૂઇંગ પોઇન્ટનું રવિવારના રોજ ઉદ્દઘાટન કરેલ છે. ગુજરાત ટુરિઝમની વેબસાઈટ મુજબ નાડા બેટ આ જમીનનો એક નાનો ટુકડો એક વિશાળ સરોવરમાં જાય છે અને અહીંથી પ્રવાસીઓ માટે બોર્ડર જોવા માટેનું આયોજન કરવામાં આવેલ છે.
વ્યૂ પોઇન્ટ પંજાબના વાઘ- અટારી બોર્ડરનો આધાર રાખીને બનાવવામાં આવેલ છે. તેને રવિવારના ઉદ્દઘાટન બાદ પ્રવાસીઓ માટે ખોલવામાં આવેલ છે.
વળી, રણ-પ્રદેશમાં ઊંટની મજા પણ માણવી જોઈએ ને! બોર્ડર ટુરિઝમ માટે એક મહત્વની કહી શકાય તેવા સ્થળે આવેલ દર્શકો ઊંટનો શો પણ જોઈ શકશે. પ્રવાસીઓને ઊંટની વિશેષતાઓ પણ કહેવામાં આવશે અને તેનું આકર્ષક પ્રદર્શન પણ કરવામાં આવશે.
નાડા બેટમાં હથિયારોનું એક સુંદર એક્ઝિબિશન પણ હશે. ત્યાં ફોટો ગેલેરી બનાવવામાં આવી છે. અને ત્યાં બંદુકો, ટેન્ક અને અન્ય ઉપકરણ રાખવામાં આવ્યા છે જે ઇન્ટરનેશનલ બોર્ડરને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
અહીં દર્શકો માટે અનેક રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન થશે. શાનદાર સોનેરી સૂર્યાસ્તના સમયે વાઘા બોર્ડર જેવી જ રિટ્રિટ સેરેમની પણ જોઈ શકશે.
પ્રવાસીઓને ભારતની સીમા પર એક લશ્કરની ચોકીનું કામકાજ પણ જોવા મળશે જેને સીમા દર્શન નામ આપવામાં આવ્યું છે. નાડા બેટ સુધી ટ્રાવેલ કરવું અને બોર્ડર પર આર્મીનું કામ જોવું તે ગુજરાત તેમજ દેશભરના પ્રવાસીઓ માટે એક અનમોલ તક કહી શકાય.
દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહે BSFના જવાનોને સંબોધીને કહ્યું હતું કે દેશ સુરક્ષિત છે અને વિશ્વભરમાં પ્રગતિ કરી રહ્યો છે તેનું કારણ માત્ર એ જ છે કે BSF ના જવાનો તેમના ઘરથી હજારો કિલોમીટર દૂર ઉભા રહીને દેશની રક્ષા કરે છે. જયારે પણ દેશ પર મુસીબત આવી છે ત્યારે BSF ના જવાનોએ વીરતા દેખાડી છે.
આપણા સૌના બાળકોના મનમાં પણ દેશભક્તિની ભાવના જાગે તે માટે પણ ખાસ આ જગ્યાની મુલાકાત લેવી આવશ્યક છે.
ટુર પેકેજ:
નાડા બેટમાં સીમા દર્શન માટે અને રિટ્રિટ સેરેમની અને સમગ્ર વિસ્તારના લગભગ ૨ -૩ કલાકનું ટુર પેકેજ હશે જેમાં પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઓડિટોરિયમ, મ્યુઝિયમ અને અન્ય આકર્ષણો જેવા કે અજય પ્રહરી મેમોરિયલ, પરેડ ગ્રાઉન્ડ, પ્રદર્શન કેન્દ્ર, આરામ સ્થળોનો સમાવેશ થશે. ઉપરાંત સરહદ સુરક્ષાની થીમને દર્શાવતા ખાસ ડિઝાઇન કરેલા ગેટ્સ પણ હશે.
ઇલેક્ટ્રોનિક વાહનોમાં ૨૫ કી.મી. લાંબા બોર્ડર એરિયાના પ્રવાસના ભાગરૂપે પ્રવાસીઓને ઝીરો પોઇન્ટ પર સેલ્ફી લેવાની મંજૂરી આપવામાં આવશે અને અહીં ઝીરો પોઇન્ટ પાસે ઓબ્ઝર્વેશન ટાવર હોઈ શકે છે.
પરવાનગી:
નાડા બેટની મુલાકાત લેવા માટે પરમીટની જરૂર પડી શકે છે કારણ કે તે આંતર-રાષ્ટ્રીય સરહદની નજીક છે. તેથી મુસાફરી કરી રહેલા તમામ પ્રવાસીઓએ સરકાર દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી સાથે રાખવો ફરજિયાત છે.
નાડા બેટ કઈ રીતે પહોંચવું?
રોડ દ્વારા: રોડ દ્વારા નાડા બેટ પહોંચવું તે બેસ્ટ વિકલ્પ છે . સુઈગામથી નાડા બેટ ૨૦ કી.મી. ના અંતરે છે. અને અમદાવાદથી અંદાજે ૨૬૭ કી.મી.નું અંતર છે.
ટ્રેન દ્વારા: ભીલડી, ડીસા અને પાલનપુર એ નાડા બેટથી નજીકના રેલવે સ્ટેશન છે.
ફ્લાઇટ દ્વારા: અમદાવાદ એરપોર્ટ આ નજીકનું એરપોર્ટ છે નાડા બેટ માટે અને તેનું અંતર ૨૬૦ કી.મી. આસપાસ છે.
નાડા બેટના સફર દરમિયાન મુલાકાત લેવા માટેના અન્ય સ્થળો
- નંદેશ્વરી માતા મંદિર જે સુઈ ગામમાં આવેલ છે અને અંદાજિત ૨૦ કી.મી. છે
- મોઢેરા સૂર્ય મંદિર જે મોઢેરામાં આવેલ છે જે અમદાવાદથી અંદાજિત ૧૭૦ કી.મી . છે.
- મોઢેશ્વરી માતા મંદિર જે મોઢેરામાં આવેલ છે અને અમદાવાદથી ૧૭૦ કી.મી. છે.
- રાણકી વાવ જે પાટણમાં આવેલ છે અમદાવાદથી અંદાજિત ૧૭૦ કી.મી. ના અંતરે છે.
- અંબાજી માતા મંદિર જે અંબાજીમાં આવેલ છે અને અમદાવાદથી લગભગ ૧૭૦ કી.મી. ના અંતરે છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ