5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આપણે પ્લાસ્ટિક, પેટ્રોલ, ડીઝલ, કેમિકલનો વપરાશ ઘટાડી પર્યાવરણને સુરક્ષિત રાખવામાં મદદરુપ બની શકીએ છીએ. કોરોનાના કારણે હાલ તો સમગ્ર દેશની સાથે જ ગુજરાતમાં પણ ટુરિઝમને લગતી પ્રવૃતિઓ ઠપ્પ પડી છે પરંતુ જ્યારે અનલૉક થાય ત્યારે શહેરોથી દૂર ઇકો ફ્રેન્ડલી જગ્યાઓ પર ફરવા માટે લોકો નીકળી પડશે. આજે અમે ગુજરાતના કેટલાક એવા સ્થળો વિશે વાત કરીશું જ્યાં તમે જીવનની ભાગદોડથી દૂર શાંતિનો અનુભવ કરી શકો છો. જો કે, આ જગ્યાઓ પર પણ તમારે પર્યાવરણને સુરક્ષિત જ રાખવાનું છે અને પ્લાસ્ટિક વેસ્ટ તો કરવાનો જ નથી. તો ચાલો નીકળી પડીએ શાંતિની શોધમાં અને મન ભરીને માણીએ કુદરતનો સંગાથ.
ડોન હિલ
કુદરતી સંપત્તિથી ભરપૂર અને લીલાંછમ એવા ડાંગ જિલ્લામાં આવેલું ડોન ગિરિમથક આમ તો છેલ્લા 4 વર્ષથી જ ચર્ચામાં આવ્યું છે. જો તમે ટ્રેકિંગના શોખીન છો તો પણ ડોન હિલ સ્ટેશન ઉત્તમ સ્થળ છે. ઉંચા નીચા ઢોળાવ હોવાને કારણે અહીં ટ્રેકિંગ માટે પણ લોકો ઉમટે છે. આ સ્થળ પર્વતારોહણ માટે શ્રેષ્ઠ છે અને ટ્રેક માટે આ અત્યંત રળિયામણું સ્થળ છે. આ હિલ સ્ટેશનથી મહારાષ્ટ્ર બોર્ડર 3 કિલોમીટર જ દૂર છે. એટલે તમે ડોનથી થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકો છો. ડોન ગામ ડુંગર પર આવેલું છે અને અહીં ચારે તરફ ડુંગરો જ છે. અહીં ગુરુ દ્રોણની ટેકરી છે, અંજની પર્વત-અંજની કુંડ છે જે હનુમાનજીનું જન્મસ્થળ ગણાય છે. ડોન આહવાથી અંદાજે ૩૩ કિલોમીટર દૂર છે. આહવા થઈને ચિંચલી થઇને જઇ શકાય છે.
સાપુતારા
સાપુતારા પણ ડાંગ જિલ્લામાં આવેલું હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. અહી નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલસ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે.
સાસણગીર
સાસણગીરનું જંગલ લગભગ 1412 ચોરસ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલું છે અને છેલ્લી વસતી ગણતરી મુજબ અહીં 523 જેટલા સિંહોનો વાસ છે. સિંહોની વસતી વધવાની સાથે તેનો વિસ્તાર પણ વધ્યો છે. ગીરમાં દિપડાની સંખ્યા પણ ખુબ જ છે. ગીરની અંદર સાબર, હરણ, કાળીયાર, નીલગાય, શિયાળ, વાંદરા વગેરે જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. પ્રાણીઓની સાથે સાથે પક્ષીઓની પણ કેટલીયે જાતો જોવા મળે છે. સાસણગીરમાં અભયારણ્ય અને દેવળિયા પાર્ક છે. રહેવા માટે તમને અનેક હોટલો, રિસોર્ટ, ફાર્મ હાઉસ, ગેસ્ટ હાઉસ મળી રહેશે. અમદાવાદથી ગીરનું અતર 350 કિલોમીટર જેટલું છે. સાસણગીરમાં બે દિવસ રોકાઇને તમે તુલસીશ્યામ, કનકાઇ માતા મંદિર, સોમનાથ મંદિર, દીવ, સતાધાર, જમજીર વોટર ફોલ વગેરેની મુલાકાત લઇ શકો છો.
પોલો ફોરેસ્ટ
જો તમે અમદાવાદમાં રહો છો અને એક દિવસીય પ્રવાસનું આયોજન કરતા હોવ તો આ જગ્યા બેસ્ટ છે. જો કે વન નાઇટ રહેવાની પણ મજા જ આવશે. વિજયનગરનું પોલો ફોરેસ્ટ જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિજયનગર એટલે વનનું પ્રગાઢ નગર અને વનવાસીઓની ધબકતી સંસ્કૃતિ. આ એક આદિવાસી વિસ્તાર છે. પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. વરસાદની સિઝનમાં આ ફોરેસ્ટની મજા બમણી થઇ જાય છે. તો ગરમીના દિવસોમાં હરિયાળીથી ગાઢ જંગલ તમને ટાઢક આપે છે. અહીં જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે જેના પર અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે. અહીં 450થી પણ વધારે ઔષધીય વનસ્પતિઓ આવેલી છે. 275 જેટલી પક્ષીઓની જાતો ઉપલબ્ધ છે. 30 જેટલા સસ્તન પ્રાણીઓ અને 32 સરીસૃપો આવેલા છે.
જાંબુઘોડા
ગુજરાતમાં પાવાગઢ નજીક આવેલા ચાંપાનેરથી 26 કિ.મી દૂર જાંબુઘોડા આવેલુ છે. જાંબુઘોડા આવતા પહેલાં જ રોડની બંને બાજુ ગાઢ જંગલો શરુ થઇ જાય છે. આ જંગલો ‘જાંબુઘોડા અભયારણ્ય’ તરીકે ઓળખાય છે. અહીં તેનું બોર્ડ મારેલું છે. આ અભયારણ્ય વિસ્તારમાં જ એક નદી પર કડા ડેમ બાંધેલો છે અને એક જગાએ ઝંડ હનુમાન વસેલા છે. જાંબુઘોડાથી આગળ જતો મુખ્ય રસ્તો બોડેલી તરફ જાય છે. જાંબુઘોડા અભયારણ્યમાં દીપડો, રીંછ, શિયાળ, વરુ, હરણ વગેરે પ્રાણીઓનો વસવાટ છે. અહીં સાપ અને પાયથોન પણ જોવા મળી જાય છે. આ જંગલમાં મુખ્યત્વે ટીક, મહુડો અને વાંસનાં ઝાડ છે. કડા ડેમ જાંબુઘોડાથી ફક્ત ૩ કી.મી. દૂર છે. સરોવરની બધી બાજુ જંગલો જ જંગલો છે. જાંબુઘોડા અભયારણ્યમાં રાત્રિરોકાણ કરવું હોય તો કોટેજ અને ટેન્ટની વ્યવસ્થા છે. અહીં હાથણી માતા વોટરફોલ, ઝંડ હનુમાન વગેરે જોવાલાયક જગ્યા છે.
રતનમહાલ
રતનમહાલના જંગલો પંચમહાલ જિલ્લામાં આવેલા છે. અમદાવાદથી 210 કિલોમીટર દૂર છે આ જગ્યા. ગોધરાથી દેવગઢ બારિયા થઇને ત્યાં જઇ શકાય છે. અહીં રીંછ અભ્યારણ્ય (બિઅર સેન્ચુરી) આવેલું છે. રતનમહાલ એ એક વન્ય પ્રાણીઓના રહેઠાણની જગ્યા છે. અહીંના મુલાકાતીઓ વન્ય પ્રાણી અને વાનસ્પતિક ખજાનો જોઈને આનંદિત થઈ જાય છે. પાનમ નદી એ અભયારણ્યની ખૂબસૂરતીમાં ખૂબ જ અગત્યની ભૂમિકા અદા કરે છે. પાનમ નદીનું ઉદ્ગમ સ્થાન પણ રતનમહાલ જ છે. મિશ્ર પ્રકારનું જંગલ ધરાવતા આ અભયારણ્યમાં મહુડો, સાદડ, ટીમરુ, સાગ, દૂધલો, કેસૂડાં, આમળા, વાંસ, કાકડિયો, વગેરે ઉપરાંત અન્ય ઘણી જાતો જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં જવલ્લે જ જોવા મળતી ઊડતી ખિસકોલી પણ અહીંયાં સામાન્ય રીતે જોવા મળે છે.
જેસોર રીંછ અભ્યારણ્ય
જેસોર હિલ બીજા ક્રમનું સૌથી મોટું શિખર છે. આ અભ્યારણ્ય સાંબર,બ્લુ બુલ્સ,જંગલી બોર,તાડગોળા ( તાડફળ ) તેમજ સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ સહિત 105 પ્રકારના પક્ષીઓનું મુળ વતન છે. અભયારણ્યના સુકા હવામાને 405 જેટલા વનસ્પતિના છોડને ખીલવ્યાં છે. અન્ય મહત્વની પ્રાણીસૃષ્ટિની પ્રજાતિમાં રિસસ મકાઇક, ભારતીય બિલાડી, સાપ, શિયાળ, પટ્ટાવાળી હાઈના, જંગલી ડુક્કર વગેરેનો સમાવેશ થાય છે. બનાસકાંઠાના જિલ્લાના પાલનપુરથી 25 કિ.મી અંતરે આવેલું જેસોર અભયારણ્ય ફોટોગ્રાફીના શોખીનો માટેનું ગુજરાતનું એક માનીતું અને આકર્ષે તેવું સ્થળ છે. આ અભયારણ્યમાં વનપ્રાણી સુષ્ટિ સિવાય ત્યાં કેદારનાથ મહાદેવ મંદિર અને મુનિ જી કી કુટિયા આ બન્ને સ્થળો પણ વધારાના આકર્ષણના કેન્દ્રો છે.