અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગોવાની જેમ ક્રૂઝમાં કરો લંચ અને ડીનર, જાણો શું છે ભાવ

Tripoto
Photo of અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગોવાની જેમ ક્રૂઝમાં કરો લંચ અને ડીનર, જાણો શું છે ભાવ by Paurav Joshi

આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા અક્ષર ટ્રાવેલ્સ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન વચ્ચેના જોઈન્ટ વેન્ચર અક્ષર રિવર ક્રુઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

સાબરમતી નદીમાં ફ્લૉટિંગ રેસ્ટૉરન્ટને ખુલ્લી મુકતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાસ સંબોધન કર્યુ હતુ, અમિત શાહે કહ્યું કે, આ નદી વિશે અમદાવાદમાં વર્ષોથી રહેતા લોકોને ખ્યાલ હશે, હું 1978માં અમદાવાદમાં આવ્યો હતો. સાબરમતી નદીની જગ્યાએ મોટો ખાડો હતો અને ગંદા પાણીના ખાબોચિયા હતા, નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારે તેમને રિવરફ્રન્ટની કલ્પના કરી અને આયોજન કર્યું હતુ. આજે ખાલી અમદાવાદમાં નહીં પણ દુનિયાભરમાં આ સાબરમતી નદીનો રિવરફ્રન્ટ જાણીતો બન્યો છે.

Photo of અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગોવાની જેમ ક્રૂઝમાં કરો લંચ અને ડીનર, જાણો શું છે ભાવ by Paurav Joshi

અમિત શાહે વધુમાં કહ્યું કે, -AMC, સાબરમતી રિવરફ્રન્ટ અને અક્ષર ટુર દ્વારા આ ક્રૂઝને તૈયાર કરવામાં આવ્યુ છે. 2 એન્જીન સાથેની દોઢ કલાક ચાલી શકે એવી આ સ્પેશ્યલ 30 મીટર લાંબી ક્રૂઝ છે, આ ક્રૂઝ મેક ઇન ઇન્ડિયા છે. 165 લોકોની ક્ષમતા ધરાવતી આ ક્રૂઝ બૉટ છે, આમાં 180 સેફટી જેકેટ, ઇમરજન્સી રેસ્ક્યૂ બૉટ પણ નાગરિકોની સુરક્ષાનું ધ્યાન રાખશે, ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગને હમેશા પ્રાધાન્ય અપાયું છે, દેશના બેસ્ટ ટુરિઝમ સેન્ટરમાં આજે ગુજરાત ટૉપ પર છે. મને પણ મન થયું છે કે હું મારા પરિવાર સાથે આ ક્રૂઝમાં ભોજન લેવા જઈશ, હું અમદાવાદ આવીશ એટલે મારા પરિવાર સાથે અચૂક જઇશ. ખાસ વાત છે કે આનાથી કૉર્પોરેશનને મોટી કમાણી પણ થશે, કેમ કે ખાનગી એજન્સી સાબરમતી નદીના ઉપયોગ કરવા માટે વાર્ષિક 45 લાખ AMCને ચૂકવશે.

Photo of અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગોવાની જેમ ક્રૂઝમાં કરો લંચ અને ડીનર, જાણો શું છે ભાવ by Paurav Joshi

શું છે ભાવ

સાબરમતી નદીમાં શરૂ કરવામાં આવેલી રિવર ક્રૂઝ આગામી 10 જુલાઈથી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવશે. રિવર ક્રૂઝમાં લંચનો 1800 અને ડિનરના 2000 ભાવ નકકી કરવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલબ્રિજથી દધિચીબ્રિજ સુધી જશે.

નદીને જોતા જોતા લંચ અને ડીનરની મજા

Photo of અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગોવાની જેમ ક્રૂઝમાં કરો લંચ અને ડીનર, જાણો શું છે ભાવ by Paurav Joshi

ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝમાં ઉપર અને નીચે એમ બે જગ્યાએ લોકો બેસીને ફૂડની મજા માણી શકશે. રેસ્ટોરન્ટ ક્રૂઝની નીચેનો ભાગ આખો કાચથી કવર કરેલો અને સેન્ટ્રલી એસી છે. ક્રૂઝની પાછળના ભાગમાં કિચન બનાવવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટમાં જે રીતે ટીવી, પ્રોજેક્ટર, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, લાઈફ સેવિંગ સિસ્ટમ સહિત વગેરે સુવિધાઓ હશે. રેસ્ટોરન્ટ ક્રૂઝમાં બેસી બંને તરફ સાબરમતી નદીનો નજારો જોતા ફૂડની મજા માણી શકાય તે રીતે ટેબલ ગોઠવવામાં આવ્યાં છે. ઉપરના ભાગે પણ લોકો ફૂડની મજા માણી શકે તેવું બનાવવામાં આવ્યું છે.

ફ્રેશ વસ્તુઓ ક્રૂઝમાં બનાવવામાં આવશે

ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝના ઉપરનો ભાગ ઓપન રાખવામાં આવ્યો છે. બપોરના સમયે પણ ચોમાસા કે શિયાળા દરમિયાન લોકો ક્રૂઝમાં ઉપરના માળે બેસી અને એક જ સાઈડ બેસી સાબરમતી નદીનો નજારો માણતા જમી શકે તેવી રીતે બનાવવામાં આવ્યું છે. ક્રૂઝમાં કિચન પાછળના ભાગે બનાવવામાં આવ્યું છે. આ કિચનમાં રેસ્ટોરન્ટમાં જે પણ ફૂડ હશે, તે બહારથી તૈયાર કરી અને લાવવામાં આવશે. માત્ર જે ફ્રેશ વસ્તુઓ બનાવવાની હશે, તે જ ક્રૂઝમાં બનાવવામાં આવશે.

Photo of અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગોવાની જેમ ક્રૂઝમાં કરો લંચ અને ડીનર, જાણો શું છે ભાવ by Paurav Joshi

10 કરોડના ખર્ચે આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝ તૈયાર

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટના લીધે નદીમાં મનોરંજન માટેનું આ શ્રેષ્ઠ સ્થાન બની રહેશે. રૂપિયા 10 કરોડના ખર્ચે આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝ તૈયાર કરવામાં આવી છે. નદીના ઉપયોગ બદલ અક્ષર ટ્રાવેલ્સ દ્વારા વાર્ષિક રૂ. 45 લાખની લાઇસન્સ ફી પણ સાબરમતી રિવરફ્રન્ટ તંત્રને ચૂકવવામાં આવશે. ગત ફેબ્રુઆરી મહિનામાં વલસાડના ઉમરગામથી આ ક્રૂઝને સાબરમતી રિવરફ્રન્ટ પર લાવવામાં આવી હતી. ત્રણ મહિના સુધી રેસ્ટોરન્ટ ક્રૂઝને બનાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી, જેને પાણીમાં ઉતારી અને બનાવવામાં આવી હતી. આ ક્રૂઝ બની ગયા બાદ તેને સાબરમતી નદીમાં ચલાવી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને આજ રોજ તેનું કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

Photo of અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગોવાની જેમ ક્રૂઝમાં કરો લંચ અને ડીનર, જાણો શું છે ભાવ by Paurav Joshi

લક્ઝરી રિવર ક્રૂઝની વિશેષતાઓ

મેક ઈન ઈન્ડિયાના નેજા હેઠળ ભારતમાં જ બનેલું પહેલું પેસેન્જર કેટામરીન ક્રૂઝ.

બે પ્રોપલ્શન એન્જિન તથા બે જનરેટર.

30 મીટર લંબાઈ તથા લોઅર અપર ડેક

150+15 ક્રુ મેમ્બર્સની કેપેસિટી

ત્રણ વોશરૂમ

લોઅર ડેક (સેન્ટ્રલી એરકંડિશનર) અપર ડેક ઓપન ટુ સ્કાય.

સિટિંગ એસી રેસ્ટોરન્ટ.

સમય સ્લોટ 12થી 1:20 અને 1:45થી 3:15 લંચ સ્લોટ.

7:15થી 8:45 અને 9:00 થી 10:30 ડિનર

મ્યુઝિક તથા એલઈડી સિસ્ટમ.

દરરોજ લાઈવ કાર્યક્રમ.

મોક્ટેઈલ બાર.

35થી વધુ વેજિટેરિયન/જૈન વ્યંજનો. (સૂપ, સ્ટાટર, મેઈન કોર્સ, વિવિધ ડેઝર્ટ)

180થી વધુ લોકોને બેસવા માટે ભવ્ય વેઈટિંગ એસી લોંજ.

અટલબ્રિજથી દધિચીબ્રિજ વચ્ચે દોઢ કલાકના લંચ/ડિનર એન્ટરટેઈમેન્ટ સાથે રાઈડ.

ઈન્ટરનેશનલ સ્ટાર્ન્ડડ મુજબ ચેકઈન

ઓનલાઈન અને ઓફલાઈન બુકિંગ માટેની વ્યવસ્થા.

પ્રોફેશનલ મેનેજમેન્ટ.

વાઈફાઈ

હાઈ રિજ્યોલ્યુશન સીસીટીવી કેમેરા.

ઐતિહાસિક શહેર અમદાવાદની ઓડિયા-વીડિયો ગાઈડ વિઝ્યુઅલ દ્વારા જાણકારી.

કોર્પોરેટ અને અન્ય પ્રસંગ કે ઈવેન્ટ માટે ચાર્ટડ માટેની વ્યવસ્થા.

ક્રૂઝ એન્ટ્રી વખતે પ્રોપર સિક્યુરિટી.

વીઆઈપી લોન્જ ઉપલબ્ધ.

અપર ડેક પરથી પ્રવાસી સાબરમતીનાં મનોહર દૃશ્યોનો આનંદ માણી શકશે.

બોર્ડિંગ માટે 27 મીટર લાંબી અને 14 મીટર પહોળી વિશાળ 700 ટન કેપેસિટીવાળી જેટી.

Photo of અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગોવાની જેમ ક્રૂઝમાં કરો લંચ અને ડીનર, જાણો શું છે ભાવ by Paurav Joshi

સેફ્ટી ફિચર્સ

180 લાઈફ સેફ્ટી જેકેટ

12 તરાપા (10 લોકો અને 20 લોકો બેસીને તરી શકે તેવી કેપેસિટી)

ફાયર સ્પ્રિંકલર સિસ્ટમ, ફાયર એલાર્મ સિસ્ટમ સાથે, સ્મોક ડિટેક્ટર, પોર્ટેબલ અગ્નિશામક આગ સંબંધિત સલામતી માટે સ્થાપિત ફાયર સેફટી અને ફાયર પંપની ઈનબિલ્ટ વ્યવસ્થા.

કોઈપણ કટોકટીની કાળજી લેવા માટે-ઈમર્જન્સી રેસ્ક્યુ બોટ દરેક સમયે/સ્ટેન્ડબાય ઉપલબ્ધ ઈમર્જન્સી રેસ્કયુ બોટની વ્યવસ્થા.

6 નંગ-કટોકટીમાં ઉપયોગ કરવા માટે રિંગ બોય્સ.

ક્રૂઝમાં પાવર ફેલ થવાના કિસ્સામાં બેટરી પર ચાલતી ઈમર્જન્સી લાઈટો ઉપલબ્ધ.

ક્રૂઝનું માળખું થર્મલ ઇન્સ્યુલેશન દ્વારા અગ્નિથી સુરક્ષિત.

1 કેપ્ટન 1 જોઈન્ટ કેપ્ટન તથા 7 ક્રુ મેમ્બર્સ ફુલ ટાઈમ ઓન ક્રૂઝ.

ઓનબોર્ડ પર હાજર એડવાન્સ વોકીટોકી અને રેડિયો સાધનોનો ઉપયોગ કરીને જો કોઈ ઘટના ઊભી થાય તો ક્રૂ તાત્કાલિક ધોરણે કિનારાની ટીમ સાથે વાતચીત કરી શકશે.

પબ્લિક એડ્રેસ સિસ્ટમ.

ફસ્ટ એડ ફોર ઈમર્જન્સી.

ઇમર્જન્સી એક્ઝિટ ડોર.

સાધનોની યોગ્ય ઓળખ માટે બોટમાં પર્યાપ્ત સાઇન અને સિગ્નલો નિશ્ચિત કરવામાં આવ્યાં છે.

અટલબ્રિજ રિવર ફ્રન્ટ પર

100 પ્રવાસીઓ માટે વિશાળ વેઈટિંગ લક્ઝરી એસી લોંજ

વીઆઈપી માટે વિશેષ વેઈટિંગ લોંજ.

Photo of અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગોવાની જેમ ક્રૂઝમાં કરો લંચ અને ડીનર, જાણો શું છે ભાવ by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads