આપણે બધા કાશ્મીરને સ્વર્ગ કહીએ છીએ પરંતુ જ્યારે આપણે તેની સુંદરતા વિશે વાત કરીએ ત્યારે ફક્ત શ્રીનગર, ગુલમર્ગ અને સોનમાર્ગ જ ધ્યાનમાં આવે છે. પરંતુ કાશ્મીરને સ્વર્ગ આ મોટા અને ગીચ શહેરોએ નથી બનાવ્યુ. કાશ્મીરના સુંદર હોવાનુ કારણ અહિના મેદાનો છે. અહીં ઘણી એવી જગ્યાઓ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. કાશ્મીરના આ અસ્પૃશ્ય સ્થળોની મુલાકાત લઈને કાશ્મીરની સુંદરતાનો અંદાજ લગાવી શકાય છે. કાશ્મીરના આ અસ્પૃશ્ય સ્થળોમાંની એક છે ગુરેઝ વેલી.
ગુરેઝ વેલી, રાજધાની શ્રીનગરથી લગભગ 123 કિલોમીટરના અંતરે છે. ચારે બાજુ બરફથી ઢંકાયેલી આ ખીણ સમુદ્ર સપાટીથી 8,000 ફૂટની ઊંચાઈ પર છે. કિશનગંગા નદી ગુરેઝ વેલીમાંથી વહે છે, જે પાછળથી પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં ઝેલમ નદીમાં ભળી જાય છે. આ વેલીનુ સૌથી મોટું નગર દવાર છે. ગુરેઝ વેલી વર્ષના 6 મહિના બરફથી ઢંકાયેલી રહે છે, અવર-જવરના તમામ રસ્તા બંધ થઈ જાય છે. જો તમને મનાલી અને શિમલા જેવા મોટા શહેરો ગમતા હોય જ્યાં વધુ લોકો હોય, સારી હોટેલ અને બજારો હોય તો ગુરેઝ વેલી તમારા માટે બિલકુલ નથી. જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને નદીઓનો કલરવ સાંભળવાનું પસંદ કરો છો તો ગુરેઝ તમારા માટે પરફેક્ટ સ્થળ છે.
ગુરેઝ વેલી વિશે
આ વેલીના લોકો મૂળ કાશ્મીરી નથી. અહીંના લોકો દર્દ શિન આદિવાસી જાતિના છે. આ લોકો તેમની બોલી શિનામાં વાત કરે છે. દર્દ શિન આદિવાસીઓનો વિસ્તાર દર્દિસ્તાન તરીકે ઓળખાય છે. જેનો અમુક ભાગ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં છે. ભારતમાં દર્દિસ્તાન માત્ર ગુરેઝ વેલી છે. એક સમયે આ જગ્યા સિલ્ક રૂટનો ભાગ હતી પરંતુ 1947 ના ભાગલા પછી તે ભારત અને પાકિસ્તાનની સીમા રેખા બની ગઈ. લગભગ 60 વર્ષ સુધી બહારના લોકોને આ સ્થળે આવવાની મનાઈ હતી. 2007 માં આ સ્થળ પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું. આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં આ સ્થળ હજુ પણ કાશ્મીરના અસ્પૃશ્ય સ્થળોમા આવે છે. તો ચાલો આજે કાશ્મીરની ગુરેઝ વેલીની યાત્રા કરીયે.
શું જોવું?
પહાડોમા એ કહેવાની જરૂર જ નથી હોતી કે જોવા લાયક શું છે? અહીં ચારે બાજુ સુંદરતા ફેલાયેલી છે. તમે બસ ખાલી ચાલવા લાગો, આ જગ્યા તમને પોતાની બનાવી લેશે. ગુરેઝ વેલીમાં પણ આવું જ છે. ચારેબાજુ સુંદરતા જ સુંદરતા છે, ગાઢ જંગલો, બરફથી ઢંકાયેલા પહાડો, લીલાછમ મેદાનો, નદીઓ અને વોટરફૉલ. ગુરેઝ વેલી જાવ શું જોવું એવી ચિંતા બિલકુલ ન કરતા.
1. હબ્બા ખાતૂન
ગુરેઝ વેલીમાં એક સુંદર પહાડ છે જેને કાશ્મીરી કવિ હબ્બા ખાતૂનના નામથી ઓળખવામા આવે છે. એવું કહેવાય છે કે હબ્બા ખાતૂન હજુ પણ આ પહાડોમાં તેના પતિને શોધી રહ્યા છે. તેમની પ્રેમકથા આ વેલીમાં ગુંજતી હોવાનું માનવામાં આવે છે. આ ત્રિકોણાકાર આકારનો પર્વત ગુરેઝ વેલીના સુંદર સ્થળોમાંનો એક છે. આ પહાડીની નીચે તમે કિશનગંગા નદી વહેતી જોઈ શકો છો. આ પહાડ પર એક ધોધ પણ છે જેને હબ્બા ખાતૂન કા ચશ્મા કહેવામાં આવે છે. જો તમે ગુરેઝ વેલીમાં પ્રકૃતિના આનંદનો અનુભવ કરવા માગતા હો તો તમારે આ પહાડી પર જવુ જ જોઈયે.
2. દવાર
દવાર માત્ર ગુરેઝ વેલીનું સૌથી મોટું નગર જ નથી, તે આ વેલીનું હૃદય છે. અહીંના લોકો દવારને એક શહેર તરીકે નહીં પણ 15 નાના-નાના ગામોથી બનેલી જગ્યા તરીકે વર્ણવે છે. પરંતુ જ્યારે તમે જોશો ત્યારે તમને આ એક જ જગ્યા મળશે, એક મોટું નગર. આ નગરમાં તમામ મોબાઇલ રિચાર્જ, એટીએમ, પેટ્રોલ, કપડાં એકંદરે જરૂરી બધું ઉપલબ્ધ છે. આ શહેરની ચારે બાજુ પહાડો છે. જેમાં હબ્બા ખાતૂન પહાડી પણ છે. સુંદર કિશનગંગા નદી નગરની નીચેની બાજુ પહાડી પરથી વહે છે. જો તમે ગુરેઝ વેલી જાઓ તો ચોક્કસપણે આ સુંદર શહેરની મુલાકાત લો.
3. તુલૈલ
આ વેલીને સારી રીતે જાણવા માટે, તેના અંત સુધી જવું જોઈએ. દવારથી 60 કિમી આગળ જતાં તુલૈલ જિલ્લો આવે છે. અહીંના લોકો તેને તિલૈલ પણ કહે છે. તુલૈલ વેલીમા એક ગામ છે, ચકવાલી. આ ભારતનું છેલ્લું ગામ છે. અહીંથી પાકિસ્તાનના સુંદર પહાડો દેખાય છે. ચકવાલી ગામના લોકો ખૂબ જ પ્રેમાળ છે. તમને આ ગામમાં ઉત્તમ આતિથ્ય મળશે. આ સ્થળે હજુ સુધી મોબાઈલ નેટવર્ક નથી, તેથી લોકો હજુ પણ એકબીજા સાથે જોડાયેલા છે. દવાર અને ચકવાલી વચ્ચે ઘણા ગામો છે જેની તમે મુલાકાત લઈ શકો છો. તુલૈલ માછીમારી માટે ખૂબ જ પ્રખ્યાત છે. જો તમારે ગ્રામીણ જીવન જોવું હોય તો આ સ્થળે આવવું જ જોઈએ. અહીં તમને એવી ક્ષણો વિતાવવાની તક મળશે જે તમે જીવનભર યાદ રાખશો.
4. હરમુખ
ક્યારેક એવું બને છે કે ઈન્ટરનેટ પર જે વંચાય છે તે વળી પાછુ જે તે જગ્યાએ હોતુ જ નથી. હરમુખનું પણ એવું જ છે. ઇન્ટરનેટ પર હરમુખને ગુરેઝ વેલીના એક ભાગ તરીકે બતાવવામા આવ્યો છે, પણ અસલમા તે નથી. હરમુખ પહાડ ગુરેઝ વેલીમાં નથી. હરમુખ ગાંદરબલ જિલ્લામાં આવે છે. જો તમારે હરમુખ પર્વતની સુંદરતા જોવી હોય તો રઝદાન પાસના શિખરથી જોઈ શકો છે. હા તો જો તમે ગુરેઝ વેલી જવાના હો તો હરમુખને તમારા ટ્રાવેલ લિસ્ટમા ન રાખતા.
5. કિશનગંગા
જ્યારે તમે રાઝદાન પાસથી ગુરેઝ વેલીમાં પ્રવેશ કરો છો ત્યારે એક સુંદર નદી તમારુ સ્વાગત કરે છે. ગુરેઝ વેલીથી પસાર થતી આ નદી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જાય છે. જ્યાં આ નદીનું નામ બદલાઈને નીલમ થઈ જાય છે, જે આગળ મુઝફ્ફરાબાદમા ઝેલમ નદીમા ભળી જાય છે. અહીં તમે રિવર રાફ્ટિંગ જેવી ઘણી પ્રવૃત્તિઓ કરી શકો છો. જો તમારે રિવર રાફ્ટિંગ કરવું હોય તો તમારે બુકિંગ શ્રીનગરમા કરાવવું પડશે. કોઈ પણ ટ્રાવેલ કંપની ગુરેઝ વેલીમાં રિવર રાફ્ટિંગ ઓફર કરતી નથી. આ સિવાય તમે અહીં કેમ્પિંગ કરી શકો છો. અહીં ઘણા કેમ્પિંગ સ્પોટ છે પરંતુ તે પહેલા તમારે ભારતીય સેના અને જમ્મુ -કાશ્મીર પોલીસની પરવાનગી લેવી પડશે.
અન્ય સ્થળો
1. વુલર લેક
વુલર લેક ગુરેઝ વેલીમાં નથી, તે ગુરેઝ વેલી જતા રસ્તામા આવે છે. વુલર તળાવ એશિયામાં તાજા પાણીના સૌથી મોટા તળાવો પૈકીનું એક છે. તળાવની આસપાસ લીલું મેદાન છે જે આ સ્થળને વધુ સુંદર બનાવે છે. જો તમારી પાસે સમય હોય તો તમારે ચોક્કસપણે આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.
2. રઝદાન પાસ
શ્રીનગર અને ગુરેઝ વેલી વચ્ચે આવતો રઝદાન પાસ ખૂબ જ સુંદર છે. લીલાછમ ઊંચા પહાડો વાળા રાઝદાન પાસ ની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 3,300 મીટર છે. આ જગ્યા જોઈને તમને કાશ્મીરની સુંદરતાનો ખ્યાલ આવી જશે. આ સ્થળોની સામે શ્રીનગર અને ગુલમર્ગ કંઈ નથી. ગુરેઝ વેલીના રસ્તામા આવતા રઝદાન પાસ ની સુંદરતા જોવા માટે અહીં થોડો સમય રોકાવું જોઈએ.
પરમિટ
ગુરેઝ વેલીમાં તમારે કેટલાક સ્થળો માટે પરમિટની જરૂર પડશે અને કેટલીક જગ્યાઓ માટે નહીં. જો તમે ગુરેઝ વેલીમાં દવાર શહેરમાં જવા માંગતા હો તો તમારે પરમિટની જરૂર નથી. પણ હા, રસ્તામાં ઘણી ચેકપોસ્ટ છે જ્યાં તમારે તમારું આધાર કાર્ડ બતાવવુ પડશે. તેથી તમારું આધાર કાર્ડ તમારી સાથે રાખો. જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમને ગુરેઝ વેલીમાં જવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
જો તમે દવારરથી આગળ ચકવાલી જવા માંગતા હો તો તમારે પરમિટ લેવી પડશે. દવાર પોલીસ સ્ટેશન પર પરમિટ બની જશે. પરમિટ માટે તમારે આધાર કાર્ડની ફોટોકોપી આપવી પડશે. વિદેશી પ્રવાસીઓએ શ્રીનગર અથવા બાંદીપોરામાં જિલ્લા કમિશનર કચેરીમાંથી પરમિટ મેળવવી પડશે.
ક્યારે જવું?
એમ તો ગુરેઝ વેલી બારેમાસ સુંદર રહે છે, પરંતુ વર્ષના 6 મહિના રસ્તો બરફના કારણે બંધ રહે છે. આ કારણે શિયાળામાં ગુરેઝ વેલીમાં જવું મૂર્ખામી થશે. અહીં મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી જૂન છે. સપ્ટેમ્બર ઓક્ટોબરની શરૂઆતમાં પણ તેની મુલાકાત લઈ શકાય છે. આ સમયે તમે પર્વતો પર થોડો બરફ જોઈ શકો છો.
કેવી રીતે પહોંચવું?
ગુરેઝ વાલી જવા માટે પહેલા તમારે શ્રીનગર જવું પડશે. તમે ટ્રેન અથવા ફ્લાઇટ દ્વારા અહીં પહોંચી શકો છો. શ્રીનગરથી ગુરેઝ વેલી જવા માટે બે માર્ગો છે. એક, તમે રઝદાન પાસ દ્વારા પહોંચી શકો છો. તમે તમારી પોતાની કાર દ્વારા અહીં આવી શકો છો અથવા ટેક્સી બુક કરીને પણ જઈ શકો છો. રોડ દ્વારા શ્રીનગરથી ગુરેઝ વેલી સુધી પહોંચવામાં લગભગ 6 થી 8 કલાક લાગશે.
શ્રીનગર-સુમ્બલ-બરાર-બાંદીપોરા-રઝદાન પાસ-કાજલવાન-વામપોર-દવાર
હેલિકોપ્ટર દ્વારા
કાશ્મીર પ્રવાસન વિભાગે 2017 માં પ્રવાસીઓ માટે નવી સેવા શરૂ કરી હતી. હવે પ્રવાસીઓ હેલિકોપ્ટર દ્વારા પણ ગુરેઝ વેલીની મુલાકાત લઈ શકે છે. તમે આ સેવા શ્રીનગર અને બાંદીપોરથી લઈ શકો છો. શ્રીનગર એરપોર્ટથી ગુરેઝ વેલી જવા માટે હેલિકોપ્ટર દ્વારા વ્યક્તિ દિઠ 3,000 રૂપિયા અને બાંદીપોરાથી 2,000 રૂપિયા ચૂકવવા પડશે. તમે આ સેવા વિકેંડ ત્રણ દિવસ ગુરુવાર, શુક્રવાર અને શનિવારે મેળવી શકો છો. હેલિકોપ્ટર દ્વારા શ્રીનગરથી ગુરેઝ વેલી પહોંચવામાં માત્ર 35 મિનિટનો સમય લાગે છે. તમે તેને શ્રીનગર એરપોર્ટ પરથી બુક કરાવી શકો છો.
ક્યાં રહેવું?
દવાર શહેર ગુરેઝ વેલીમાં રહેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમને સારી હોટેલો મળશે. તમને ગુરેઝ વેલીના ગામોમાં હોટેલ નહીં મળે. અહીં તમારે સ્થાનિક લોકો સાથે રહેવાનું છે. જે મારા મતે હોટેલ કરતાં સારી જગ્યા છે. પૈસા તો અહિં પણ ખર્ચ થશે પરંતુ અહીં તમે કાશ્મીરને જાણી શકશો.
ગુરેઝ વેલી ખૂબ સુંદર હોવા છતાં, ખૂબ ઓછા પ્રવાસીઓ અહીં આવે છે. ઘણા લોકો આ સ્થળ વિશે જાણતા પણ નહીં હોય. 1895 માં બ્રિટિશ લેખક વોલ્ટર લોરેન્સે આ સ્થળ વિશે કહ્યું હતું કે ગુરેઝ વેલી સમગ્ર કાશ્મીરમાં સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. તે આવનારા વર્ષોમાં કાશ્મીરના સૌથી પ્રખ્યાત સ્થળોમાંનું એક હશે. તે સમયને 125 વર્ષ વીતી ગયા છે અને ગુરેઝ વેલી હજી પણ તેમણે જે કહ્યુ તે સાચુ થવાની રાહ જોઈ રહી છે.