પ્રવાસનું પેશન ધરાવતા લોકોની દેશ અને દુનિયામાં કોઈ જ કમી નથી. સતત ફ્લાઇટ્સની મુસાફરી કરીને મોંઘી હોટેલોમાં રોકાવું અને ટેક્સીમાં પ્રવાસન સ્થળોએ ફરવા જવું આ કરનારા લોકો ઘણાએ હશે. પરંતુ આજની યુવા પેઢીમાં એવા કેટલાય પ્રવાસ-પ્રેમીઓ જોવા મળશે જે નહિવત ખર્ચે પોતાની મનપસંદ જગ્યાઓની મુસાફરી કરે છે. ખૂબ મુશ્કેલીઓ વેઠીને પોતાના આયોજન અનુસાર પ્રવાસ કરતાં રહેવો એ ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.
ચાલો, આજે આપણે એક એવા જ વ્યક્તિને મળીએ જેનું પ્રવાસનું પેશન સાંભળીને નતમસ્તક વંદન થઈ જાય છે.
આ વાત છે રાયપુર, છત્તીસગઢના મુસાફિર સોમેશની. સોમેશ 17 જુલાઇ, 2021ના રોજ રૂ 4300ના બેન્ક-બેલેન્સ સાથે ભારત-ભ્રમણ કરવા નીકળ્યા હતા. તેમનું લક્ષ્ય 500 દિવસમાં ભારતના બધા જ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશનો પ્રવાસ કરવાનું છે અને હાલમાં તેમના આ પ્રવાસના 425 જેટલા દિવસો વીતી ગયા છે તેમજ તેઓ લક્ષદ્વીપ અને અંદામાન સિવાય આખા ભારતનો સફળતાપૂર્વક પ્રવાસ કરી ચૂક્યા છે. લગભગ આખા ભારતનો પ્રવાસ!
સોમેશે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવા માટે બધી જ જગ્યાએ મુસાફરી કરવા માટે વોકિંગ અથવા હીચહાઇકિંગ (અન્ય વાહનની લિફ્ટ લેવી) નું માધ્યમ અપનાવ્યું હતું. શરૂઆત તેમણે બાઇક પર રાયપુરથી જમ્મુ જઈને કરી. ત્યાર બાદ તેમણે કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ વગેરે ઉત્તર ભારતના રાજ્યોનો પ્રવાસ કર્યો.
પ્રવાસનો શ્રેષ્ઠ સમય:
ઉત્તર પ્રદેશના વિવિધ શહેરોથી બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ થઈને તેમણે પૂર્વોત્તરના 'સેવન સિસ્ટર્સ' તરીકે ઓળખાતા સાતેય રાજ્યોનો પ્રવાસ કર્યો હતો. સોમેશના જણાવ્યા અનુસાર 425 જેટલા દિવસોમાં યાદગાર સમય તો બધો જ છે, તમામ 425+ દિવસો. પરંતુ સર્વ શ્રેષ્ઠ અનુભવમાં ટોચનું સ્થાન આપવું હોય તો તે તેમનો પૂર્વોત્તરનો અનુભવ હતો.
તેમના જ શબ્દોમાં જાણીએ:
"આમ તો ભારતના દરેક રાજ્યના દરેક શહેરમાં મને પુષ્કળ યાદગાર અનુભવો થયા છે. હું દેશના દરેક રાજ્યને અને તેના લોકોને ખૂબ આદર અને પ્રેમથી જોવા લાગ્યો છું. પરંતુ નોર્થ-ઈસ્ટના લોકો સાચે જ મુઠ્ઠી ઊંચેરા છે. આસામ તો એક વ્યવસ્થિત વિકસિત રાજ્ય છે અને સિક્કિમ તેમજ મેઘાલયમાં પણ પ્રવાસન ઉદ્યોગ ઘણો સારો વિકસી ચૂક્યો છે. પણ મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ,જેવા રાજ્યોમાં હજુ પણ લોકો ખૂબ સરળ જીવન જીવે છે. માંસાહારી, પણ સાવ નહિવત તેલ-મસાલામાં સંતોષપૂર્વક જમી લે છે. ભારતના મુખ્ય રાજ્યના લોકોને તેઓ પુષ્કળ પ્રેમ કરે છે પણ દેશના મોટા ભાગના લોકોના તેમના દેખાવને કારણે તેમના પ્રત્યે ભેદભાવપૂર્ણ વર્તનથી દુઃખી પણ છે. તેઓ કહે છે કે અમને ચીંકી, ચીની કહીને મજાક ન ઉડાવો, અમે પણ તમારા જ દેશના નાગરિકો છીએ.
પૂર્વોત્તરના ઘણા લોકો હિન્દી નથી સમજી શકતા, પણ તેઓ તેમના આંગણે આવતા કોઈ પણને ખૂબ હોંશભેર આવકારે છે. અહીં મને સૌથી વધુ પ્રેમ અને અનહદ સહકાર મળ્યો છે. મિઝોરમનો એક કિસ્સો જણાવું. એક વાર સાંજના સમયે હું એક બાઈકરની લિફ્ટ લઈને કોઈ જંગલ વિસ્તારમાં હતો. સૂર્યાસ્ત થયા બાદ લોકોને કેમ્પ લગાવવા માટે કનવિન્સ કરવા એ અઘરું કાર્ય છે કારણકે અજાણ્યા લોકો પર એમ સરળતાથી વિશ્વાસ નથી કરી શકતા. પરંતુ એ જંગલમાં અમને દૂર દૂર સુધી કોઈ જ ઘર દેખાતું નહોતું જ્યાં અમે કેમ્પ લગાવવા વિનંતી કરી શકીએ. જે એક ઘર દેખાયું ત્યાં એક વૃદ્ધ યુગલ હતું. તેઓ હિન્દી નહોતા સમજતા પણ અમારા દેખાવ અને સામાન પરથી તેઓ અમારી સ્થિતિ સમજી ગયા. તેમણે પોતાના ઘરમાં અમને સુવાની અને જમવાની વ્યવસ્થા કરી આપી. હું મારી આ યાત્રાનો નાનો-મોટો ભાગ બન્યા હોય તેવા દરેકનો આભારી છું, પણ આ યુગલ કઈક વધુ ખાસ હતું!"
પૂર્વોત્તર રાજ્યો ફર્યા બાદ સોમેશે એક પછી એક દક્ષિણ ભારતના રાજ્યોની મુલાકાત લીધી. છેલ્લે મધ્ય પ્રદેશ બાદ તેઓ તાજેતરમાં ગુજરાત આવ્યા હતા. અહીંથી તેઓ મહારાષ્ટ્ર ફર્યા બાદ કોચીન જઈને લક્ષદ્વીપ અને છેલ્લે અંદામાનની મુલાકાત સાથે સંપૂર્ણ ભારત-દર્શન પૂર્ણ કરશે.
ગુજરાત વિશે સોમેશનો અનુભવ:
"આખા ભારતનું સૌથી સ્વાદિષ્ટ શાકાહારી ભોજન જ્યાં મળતું હોય તો એ ગુજરાત છે. હું આટલી બધી જગ્યાએ ફરીને આવ્યો, પરંતુ શાકાહારી ભોજનમાં આટલી વધી વિવિધતા મને ગુજરાત સિવાય ક્યાંય જોવા નથી મળી. ગુજરાતની બીજી મહત્વની લાક્ષણિકતા છે અહીંના માનવતાવાદી લોકો. અહીં લોકો એકબીજાને તેમજ અજાણ્યા લોકોને ખૂબ પ્રેમથી મદદ કરી શકે છે."
પ્રવાસ દરમિયાન શીખવા મળેલા જીવનના વિશેષ બોધપાઠ:
સોમેશનું કહેવું છે કે તેને આ આખા પ્રવાસ દરમિયાન 'વિવિધતામાં એકતા' અને 'અતિથિ દેવો ભવઃ' આ બંનેનો ડગલે ને પગલે સ્વ-અનુભવ થયો છે. તેઓને જ્યારે પૂછવામાં આવ્યું કે આ પ્રવાસ દરમિયાન તમે કયા 3 લાઈફ-લેસન્સ શીખ્યા? તો તેમણે જણાવ્યું:
આ સંપૂર્ણ પ્રવાસ મારા આખા જીવનનો સૌથી મોટો લર્નિંગ એક્સપિરિયન્સ છે. જુલાઇ 2021 પહેલાનો સોમેશ અને અત્યારનો સોમેશ બંનેમાં પુષ્કળ તફાવત છે. અલબત્ત, હું મારું બહેતર વર્ઝન શોધી શક્યો છું. પણ જો 2 જ લાઈફ-લેસન્સ નોંધું તો-
1. Patience (ધીરજ): આ પ્રવાસમાં કેટલીય વાર હું લિફ્ટ મેળવવા 4-4 કલાક સુધી રસ્તા પર ઊભો રહ્યો છું. કેટલીય રાતો મેં કોઈ જગ્યાએ બેસીને વિતાવી છે.
2. Acceptance (સ્વીકાર): લોકોનો અને પરિસ્થિતિનો. હું અસંખ્ય લોકોને મળ્યો છું જેમાં ઝુંપડામાં રહેતા લોકોથી લઈને અમુક સો કરોડ રુના માલિક હોય તેવા તમામ લોકો સામેલ છે. લોકો તેમજ પરિસ્થિતિ વિવિધ પ્રકારના હોય છે પરંતુ તેમનો સહર્ષ સ્વીકાર કરવાથી ઘણું કામ આસાન થઈ જાય .
કેટલીક રસપ્રદ વાતો સોમેશના જ શબ્દોમાં:
- લિફ્ટ લઈને પ્રવાસ કરવો કે કોઇની મિલકતમાં કેમ્પ રાખવા પરવાનગી માંગવી- આ બંને કામ દિવસના સમયે કરવા જોઈએ. અંધારું થઈ ગયા બાદ લોકો અજાણ્યા લોકો પર સરળતાથી વિશ્વાસ નથી મૂકી શકતા.
- આ પ્રવાસ દરમિયાન મેં ભારતનું સૌથી ઉત્તરે આવેલું ગામ થાંગ, (ભારતીય મુખ્ય ભૂમિ પર) સૌથી દક્ષિણે કન્યાકુમારી, સૌથી પૂર્વે વિજયનગર, અને સૌથી પશ્ચિમે કોટેશ્વર આ બધી જ જગ્યાઓ જોઈ છે. મેં ચારધામની તેમજ અત્યાર સુધીમાં 12 માંથી 9 જ્યોતિર્લિંગ મુલાકાત લીધી છે.
- પ્રવાસીઓને ક્યારેય ભાષા બાધારૂપ નથી બનતી. આપણી ભાષા ન જાણતા લોકોને પણ આપણે કોઈને કોઈ રીતે આપણી સ્થિતિ ચોક્કસપણે સમજાવી શકીએ છીએ.
- મેં આ આખા પ્રવાસમાં એક પણ વાર મારા પોતાના ખર્ચે મિનરલ વોટર નથી ખરીદ્યું. 1 લિટર પાણી 20 રૂમાં મળે તે રકમ પહેલી દ્રષ્ટિએ નાની જણાય પણ જ્યારે તમે આખા પ્રવાસ દરમિયાન એનો હિસાબ માંડો તો સમજાશે કે પાણી જેવી સાવ પાયાની વસ્તુમાં કેટલો મોટો ખર્ચો થઈ જાય છે.
- જીવનમાં દરેક વ્યક્તિએ શક્ય હોય એટલું ટ્રાવેલ કરવું જોઈએ. નવી જગ્યા અને નવા લોકોને મળવાથી, તેમના જીવન વિશે જાણવાથી એટલું બધું શીખવા મળે છે જે કદાચ ભલભલા લાઈફ-કોચ નથી શીખવી શકતા!
- આ દેશમાં લોકો ખૂબ ખૂબ ખૂબ સારા છે. દરેક વ્યક્તિ બીજા કરતાં ભિન્ન છે પણ અંતે સૌ ભારતીય છે અને મારા પ્રવાસમાં દરરોજ મેં આ લાગણી અનુભવી છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ