વિશ્વના સૌથી ઊંચા વાહનમાર્ગ પર સાઇકલ લઈને પહોંચ્યો 20 વર્ષનો આ અમદાવાદી ટ્રાવેલર

Tripoto

વીસ વર્ષની યુવાન ઉંમરમાં ભાગ્યે જ કોઈ યુવક અભ્યાસ કે નોકરીને બદલે સંપૂર્ણ સ્વખર્ચે ટ્રાવેલિંગ કરવાની હિમ્મત દાખવી શકતો હશે. આજે અહીં આવા જ એક અમદાવાદી ટ્રાવેલરની વાત કરવાની છે જેમણે 2021માં કોલેજમાંથી ડ્રોપ આઉટ લઈને ટ્રાવેલિંગ કરવાનું શરૂ કર્યું અને આજે પણ સફળતાપૂર્વક તેમની આ યાત્રા અવિરત ચાલુ છે.

આ વાત છે વીસ વર્ષના વિહાર પરીખની.

આપણે ત્યાં કહેવાય છે ને કે નામ પ્રમાણે ગુણ હોય! વિહારને પહેલેથી જ હરવા ફરવાની ખૂબ ઉત્કંઠા રહેતી. દેશ અને દુનિયા જોવાની ઇચ્છા તો ઘણાને હોય પણ આટલું બધું ફરવા માટે આર્થિક સગવડ પણ હોવી જોઈએ ને? વર્ષ 2021માં વિહારે કોલેજમાંથી ડ્રોપ આઉટ લેવા વિચાર્યું અને માતા પિતાને સહેજ પણ આર્થિક બોજો ન આપવો પડે તે રીતે પોતાની રીતે જ બજેટ ટ્રાવેલિંગ કરવાનું નક્કી કર્યું.

કોઈ પણ માતા પિતાને પોતાના 19 વર્ષના સંતાનને બધું પડતું મૂકીને ફરવા નીકળી પડે તે જોવું ન ગમે. વિહાર પણ માનસિક તૈયાર જ હતા કે ઘરમાં નકારાત્મક પ્રતિભાવ મળી શકે છે પણ તેમણે ઇન્ટરનેટ પર આ રીતનું બજેટ ટ્રાવેલિંગ, તેની જરૂરિયાત, લઘુતમ ખર્ચ, ક્યાં કેવી રીતે પહોંચી શકાય તે તમામ બાબતોનો પૂરતો અભ્યાસ કરીને તેમના ઘરમાં પોતાનો નિર્ણય જણાવ્યો હતો.

સાઇકલ પર કાશ્મીરથી કન્યાકુમારી:

વધુમાં વધુ 50-100 કિમી સાઈકલિંગનો અનુભવ ધરાવતા વિહારે સૌથી પહેલા સાઇકલ પ્રવાસ માટે કાશ્મીરથી કન્યાકુમારી જવાનું નક્કી કર્યું હતું. આ માટે તેઓ કતરા (જમ્મુ) સુધી ટ્રેનમાં ગયા હતા અને ત્યાર પછી કાશ્મીરથી પોતાની યાત્રાની શરૂઆત કરી હતી. જમ્મુ-કાશ્મીર પ્રદેશથી આગળ વધતાં તેઓ પશ્ચિમ ભારતના કોસ્ટલ માર્ગે (દરિયાકિનારાના રસ્તે) પોતાની આ મુસાફરી કરવા ઇચ્છતા હતા એટલે કાશ્મીરથી કન્યાકુમારીની યાત્રા માટે તેમણે પરંપરાગત દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગાણા જેવા રાજ્યોમાંથી પસાર થઈને ભારત મુખ્ય ભૂમિના દક્ષિણતમ છેડા સુધી પહોંચવાને બદલે ઉત્તરથી દક્ષિણ તરફ જતાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુનો પ્રવાસ કર્યો.

દક્ષિણ ભારતના રાજ્યોમાં ભાષાની ખૂબ સમસ્યા હોવા છતાં વિહારે સફળતાપૂર્વક કાશ્મીરથી કન્યાકુમારી યાત્રા પૂરી કરી. વિહારના જણાવ્યા અનુસાર કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલની સામે ઊભા રહ્યા ત્યારે તેમની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા અને 19 વર્ષના જીવનમાં કઈક સારું કામ કર્યાનો સંતોષ! તેઓ જ્યારે ગુજરાત પાછા ફર્યા ત્યારે જે કોઈ પરિચિતો તેમની આ સાઇકલ યાત્રા વિશે શંકાસ્પદ હતા તે તમામ તેમના સ્વાગત માટે આવ્યા હતા. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પણ રૂબરૂ મુલાકાત લઈને વિહારને અભિનંદન પાઠવ્યા હતા.

સાઇકલ પર ભારત-દર્શન:

2021માં 4000 કિમીની એક અદ્ભુત યાત્રા કર્યા બાદ મે 2022થી વિહાર ફરીથી સાઇકલ પર જ આખા ભારતનો પ્રવાસ કરવા નીકળ્યા છે. આ પ્રવાસની શરૂઆત જ તેમણે ઉત્તર ભારતથી કરી. ઓગસ્ટની શરૂઆતમાં તેઓ જ લેહ પહોંચ્યા હતા. 9-10 તારીખે વિશ્વના બીજા ક્રમે સૌથી ઊંચા વાહનમાર્ગ એવા ખારડુંગ લા પાસથી પસાર થઈને તેઓ ઉમલિંગ લા તરફ આગળ વધ્યા.

વિશ્વના સૌથી ઊંચા વાહન માર્ગ પર 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી:

લદ્દાખમાં દેશ વિદેશથી પુષ્કળ સાઇક્લિસ્ટ આવતા હોય છે પણ ઉમલિંગ લા સુધી જવા માત્ર ભારતીય નાગરિકોને જ પરવાનગી આપવામાં આવે છે. ઉમલિંગ લા પાસના અમુક કિમી બાકી હતા ત્યાં વિહારે કેમ્પિંગ કર્યું હતું અને તેમને સ્નો ફોલનો સામનો કરવો પડ્યો હતો. 15 ઓગસ્ટ 2022ના રોજ દેશ જ્યારે 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે ગરવા ગુજરાતી વિહાર પરીખ સાઇકલ પર વિશ્વના સૌથી ઊંચા વાહનમાર્ગે પહોંચ્યા! 19,000 ફીટ કરતાં વધુ ઊંચાઈએ આવેલા હાઈએસ્ટ મોટરેબલ રોડની મુલાકાત લેવી એ વિહાર માટે જાણે જીવનની એક યાદગાર ઘડી હતી. હજુ 2 વર્ષ પહેલા જ હાઈએસ્ટ મોટરેબલ રોડ ઇન ધ વર્લ્ડનું બહુમાન મેળવેલા ઉમલિંગ લા પાસ ખાતે ખાસ પ્રવાસીઓનો ધસારો હોતો નથી. આ સ્થિતિમાં વિહારને હિમવર્ષાને કારણે અતિશય ઠંડી લાગી ગઈ હતી અને થોડી મિનિટો માટે તો તે ખૂબ લાચારી અનુભવવા લાગ્યા હતા. પણ ભારતીય સેના હોય ત્યાં કોઈ ભારતીયોને ન હરાવી શકે, કુદરત પણ નહિ! સેનાના જવાનોએ વિહારને તેમના કેમ્પમાં હીટર શરૂ કરી આપ્યું અને તેઓ પૂરતા સ્વસ્થ થયા પછી જ પાછા ફરવા દીધા.

સૌથી સારો અને સૌથી ખરાબ અનુભવ:

પંજાબ રાજ્ય અને તેમની મહેમાનગતિને વિહાર સૌથી પહેલા ક્રમે આંકે છે. ત્યાંના લોકોએ તેમને ખૂબ પ્રેમથી આવકાર્યા, તેમને ઉતારો આપ્યો અને જમાડયા પણ. તેથી વિરુદ્ધ કાશ્મીરમાં સ્થાનિકોની ભારત અને ભારતીય સેના પ્રત્યેની હાડોહાડ નફરત જોઈને તેમને ખૂબ દુઃખ થયું. વિહાર તેમની આ સમગ્ર મુસાફરીમાં ગૌરવભેર એક ભારતનો ધ્વજ સાથે રાખે છે. કાશ્મીરમાં સ્થાનિકોની એ ઝંડા પ્રત્યેની ખરાબ નજર અને એથીયે વધુ ખરાબ વાતો સાંભળી એક ભારતીય તરીકે વિહાર ખૂબ નિરાશ થયા હતા.

વિહારનું માનવું છે કે તેમના અત્યાર સુધીના ટ્રાવેલિંગમાં એક વાત જાણવા મળી છે કે જે કઈ પણ થાય એ સારા માટે થતું હોય. પરંતુ અમુક એવા કિસ્સાઓ પણ બને જે આપણા મનમાં કાયમ માટે નકારાત્મક રીતે અંકિત થઈ જાય.

ગુજરાતી પ્રવાસીઓને ખાસ વિનંતી:

રાજસ્થાનમાં રણમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં સાઇકલ પર ન જઇ શકાય તે નજીવું અંતર કાપવા માટે તેમણે અને તેમની સાથે ઉત્તરાખંડના અન્ય સાઈક્લિસ્ટએ અમુક ગુજરાતી પરિવાર પાસે લિફ્ટ માંગી હતી. 3થી 4 ગુજરાતી પરિવારોએ તેમની અડધી કાર ખાલી હોવા છતાં આ 2 સાઈક્લિસ્ટને મદદ કરવા સ્પષ્ટ ના પાડી દીધી હતી. બીજી બાજુ ઉત્તરાખંડના સાઈક્લિસ્ટને જ્યારે UK લખેલી કોઈ કાર નજીક જઈને તેમની સાથે પોતાની પહાડી ભાષામાં માત્ર 2 મિનિટ વાત કરી એટલામાં જ તેઓ આ બંને મુસાફરોને પોતાની સાથે લઈ જવા તૈયાર થઈ ગયા.

સમગ્ર ભારત કે વિશ્વનો પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ આપણા વર્તનને આધારે આપણા આખા રાજ્ય વિશે સારી કે ખરાબ છાપ ઊભી કરતાં હોય છે. આપણે સમૃદ્ધ છીએ એટલે લક્ઝરી પ્રવાસ કરીએ છીએ તેમાં કશું ખોટું નથી. પણ અન્ય કોઈ પ્રવાસીઓને પણ નાનકડી મદદ કરવામાં પાછીપાની ન કરવી જોઈએ.

ભવિષ્યની યોજના:

હાલમાં ગુજરાતથી પસાર થઈ રહેલા વિહારનું ભવિષ્યનું આયોજન દક્ષિણ ભારતીય રાજ્યોમાંથી પસાર થઈને તામિલનાડુના બંદરેથી શ્રીલંકા જતા જહાજમાં પોતાની સાઇકલ સાથે શ્રીલંકા જવા માંગે છે અને શ્રીલંકા એક્સ્પ્લોર કરીને પછી ભારતના બાકીના રાજ્યોનો પ્રવાસ કરવા ઇચ્છે છે. ભારત દર્શન કર્યા બાદ વિહાર સાઇકલ પર જ વિશ્વના વિવિધ દેશ ફરવાની યોજના ધરાવે છે.

વિહાર આમ જ દેશ અને દુનિયામાં વિહાર કરતાં રહે અને લોકો અને ટ્રાવેલર્સ માટે પ્રેરણારૂપ બનતા રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ