પંજાબને શું કામ પંજાબ કહેવાય છે જાણો છો?

Tripoto

જ્યાં પાંચ નદીઓનો સહવાસ છે તે પંજાબ વિષે આ માહિતી તમે જાણો છો?

પંજ (પાંચ) +આબ (નદી) = પંજાબ.

પંજાબ નામમાં જ પાંચ નદીઓનો સહવાસ છે: સતલજ, બિયાસ, રાવી, જેલમ અને ચિનાબ.

શીખ બહુમતી ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય એવું પંજાબ અનેક કારણોસર અનોખુ છે. અને આ તમામ કારણો પંજાબને એક ખાસ ફરવાલાયક ડેસ્ટિનેશન બનાવે છે.

Photo of પંજાબને શું કામ પંજાબ કહેવાય છે જાણો છો? 1/10 by Jhelum Kaushal

1. પાંચ નદીઓ

કહેવાય છે કે સદીઓ પહેલા જ્યાં જ્યાં નદીઓ હતી તેની નજીકમાં જ સિવિલાઈઝેશન એટલેકે માનવ સભ્યતાનો વિકાસ થયો. પંજાબ રાજ્ય એ વિસ્તારની દ્રષ્ટિએ આમ તો એક ઘણું નાનું રાજ્ય કહી શકાય પણ પાંચ નદીઓ મળીને આ રાજ્યને એક સમૃદ્ધ રાજ્ય બનાવે છે.

Photo of પંજાબને શું કામ પંજાબ કહેવાય છે જાણો છો? 2/10 by Jhelum Kaushal

2. ફળદ્રુપતા

નદીઓ અને ફળદ્રુપતા એકબીજાના પૂરક છે. નદીની આસપાસનો વિસ્તાર હંમેશા ફળદ્રુપ જ હોય છે. તો પછી જ્યાં પાંચ-પાંચ નદીઓ આવેલી હોય તે વિસ્તાર તો પુષ્કળ ફળદ્રુપ જ હોવાનો ને! અને એટલે જ પંજાબનું નામ પડે એટલે આપણા માનસપટ પર લહેરાતા પાકવાળા હરિયાળા ખેતરો તરવરી ઉઠે.

Photo of પંજાબને શું કામ પંજાબ કહેવાય છે જાણો છો? 3/10 by Jhelum Kaushal
Photo of પંજાબને શું કામ પંજાબ કહેવાય છે જાણો છો? 4/10 by Jhelum Kaushal

3. સુવર્ણમંદિર

અમૃતસર શહેરમાં આવેલું સુવર્ણમંદિર શીખોના સૌથી પવિત્ર યાત્રાધામમાંનું એક છે. આ મંદિરની મુલાકાત ખરેખર એક અલૌકિક, અવિસ્મરણીય અનુભવ બની રહે છે. સુવર્ણ મંદિરમાં કોઈ પણ ધર્મ કે જાતિનો વ્યક્તિ પ્રવેશ મેળવી શકે છે પણ મંદિરની ધાર્મિક મર્યાદામાં રહીને. અહીં કોઈ પણ મુલાકાતીનું માથું ઢંકાયેલું હોવું ફરજિયાત છે. મંદિરનું વાતાવરણ એટલું પવિત્ર છે કે અમુક પ્રકારના કપડાં પહેરીને અંદર આવવાની કોઈ જ ભૂલ નથી કરતું.

Photo of પંજાબને શું કામ પંજાબ કહેવાય છે જાણો છો? 5/10 by Jhelum Kaushal

સુવર્ણ મંદિરના ભવ્ય રસોડામાં દરરોજ હજારો લોકોનું જમવાનું બને છે અને ગરીબ-તવંગર સૌ આ માટે કાર સેવામાં જોડાય છે.

4. દેશની સુરક્ષામાં યોગદાન

ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે મુઘલો અને અફઘાનોના ભારત પર આક્રમણ સમયે પંજાબ પ્રાંતના શીખોએ તેમનાથી શક્ય હોય તેટલો સામનો કર્યો હતો. મુઘલ બાદશાહ જ્યારે હજારોની સંખ્યામાં લોકોને બળજબરીપૂર્વક ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કરતાં ત્યારે ઘણા શીખોએ પારાવાર યાતના વેઠીને આ હજારો લોકોને બચાવ્યા છે.

Photo of પંજાબને શું કામ પંજાબ કહેવાય છે જાણો છો? 6/10 by Jhelum Kaushal
Photo of પંજાબને શું કામ પંજાબ કહેવાય છે જાણો છો? 7/10 by Jhelum Kaushal

અરે! જલિયાવાલા બાગ પંજાબીઓના દેશ પ્રેમનો રકતરંજીત સાક્ષી રહ્યો છે.

સ્વતંત્રતા બાદ પણ ભારતનાં સંરક્ષણને સફળ બનાવવામાં પંજાબ પ્રાંતનો ફાળો ઘણો મોટો છે.

5. વિભાજનની વેદના

વાઘા બોર્ડર પર ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવવા એ ખૂબ રોમાંચક અનુભવ છે. પણ આપણે સૌ મુલાકાતીઓ તરીકે પંજાબના સ્થાનિકોની લાગણી ક્યારેય નહિ સમજી શકીએ જેમણે પોતાના જ વિસ્તારને સરહદથી ઘેરાતો જોયો છે.

Photo of પંજાબને શું કામ પંજાબ કહેવાય છે જાણો છો? 8/10 by Jhelum Kaushal

ગુજરાત અને રાજસ્થાન રાજ્યને અડીને આવેલો જે ભાગ પાકિસ્તાનનો ભાગ બન્યો એ બધો જ રણ પ્રદેશનો વિસ્તાર છે. પંજાબ એવી જગ્યા છે જેના ખરા અર્થમાં બે ભાગ થયા છે. લાહોર-અમૃતસર જે ‘ટ્વીન-સિટી’ જેવા શહેરો હતા તે જુદા પડ્યા. શીખોનું ખૂબ જ પવિત્ર યાત્રા સ્થળ નાનકાના સાહેબ પાકિસ્તાનના ભાગમાં આવ્યું. પંજાબના હજારો લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા હતા. આજે પંજાબમાં લોકો ખૂબ પ્રગતિ કરી રહ્યા પણ હજુયે ક્યાંક આ વેદના દેખાઈ આવે છે.

6. લસ્સી અને રોટી-સબ્જી

10-12 વર્ષ પહેલા અમે પંજાબ ગયા હતા. અમૃતસરની ગલીઓમાં અમારા ડ્રાઇવરે અમને ઓથેન્ટિક પંજાબી લસ્સી પીવડાવી હતી એ મને હજુ પણ બરાબર યાદ છે. એટલી બધી મલાઈથી ભરપૂર હતી કે હું અને મમ્મી પછી જમી પણ નહોતા શક્યા! ભારતમાં ઘણા શહેરોમાં ઘણી સ્વાદિષ્ટ લસ્સી મળે જ છે પણ પંજાબની તુલનાએ કોઈ ન આવે!

Photo of પંજાબને શું કામ પંજાબ કહેવાય છે જાણો છો? 9/10 by Jhelum Kaushal
Photo of પંજાબને શું કામ પંજાબ કહેવાય છે જાણો છો? 10/10 by Jhelum Kaushal

વળી, સરસો દા સાગ- મકકે દી રોટી, પનીર સબ્જી, આલૂ પરાઠા આ બધાનું મૂળ પણ પંજાબ જ છે ને? ઘીથી તરબતર ભોજન માણવા માટે પંજાબ શ્રેષ્ઠ જગ્યા છે.

5 ‘ક’ સાથે રાખતા શીખોની ભૂમિ પંજાબ ખરેખર ભારતનું ‘ક’માલનું રાજ્ય છે!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ