કોઈએ પૂછ્યું, તમે કેટલા નસીબદાર છો?
મેં જવાબ આપ્યો, ભારતમાં કુલ 29 રાજ્યો છે અને મારો જન્મ ગુજરાતમાં થયો છે.
કેટલી સાચી વાત! ભારતની પશ્ચિમે આવેલું એક રાજ્ય નામે ગુજરાત, જેની બર્થ સર્ટિફિકેટમાં ઉંમર માત્ર 61 વર્ષની છે પણ નજાણે કેટલીય સદીઓથી વૃધ્ધિ અને વિકાસનું પ્રતિક રહ્યું છે. આપણા દેશમાં કદાચ એવું કોઈ જ ક્ષેત્ર નથી જેમાં કોઈ ગુજરાતીનું યોગદાન ન હોય. ગુજરાત રાજ્યના ઇતિહાસ વિષે પુસ્તકોમાં, ઇન્ટરનેટમાં, સાહિત્યમાં, નાટકોમાં, શીલ્પસ્થાપત્યોમાં વગેરે અનેક સ્વરૂપે ગર્વભેર વર્ણન કરવામાં આવ્યું છે.
ચાલો, આજે ઢોકળા- ફાફડા, ગરબા-ગાંઠિયા, સાવજ- સરદાર, નરસિંહ-મુનશી, સારાભાઈ, અંબાણી-અદાણીની ભૂમિ વિષે થોડું મંથન કરીએ.
ગુજરાતની ગરવી ભૂમિ આમ તો હજારો વર્ષોનો ઇતિહાસ ધરાવે છે. હાલના રાજસ્થાન રાજ્યથી હજારો વર્ષો પહેલા ગુજજરો ભારતનાં પશ્ચિમ વિસ્તારમાં શાસન કરવા આવ્યા હતા.
હડપ્પા અને ધોળાવીરા સમયે સિવિલાઈઝેશનની શરૂઆત પણ આ જ ભૂમિના એક ભાગ પર થઈ હતી.
ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા, મૌર્ય વંશના રાજા સમ્રાટ અશોકે રાજ કરેલ નગર જુનાગઢ, કર્ણદેવની નગરી કર્ણાવતી (હાલનું અમદાવાદ), સિધ્ધરાજ જયસિંહનું નગર પાટણ, મરાઠી રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, સો કરતાં પણ વધુ દેશી રજવાડાઓમાં રાજપૂત રાજાઓએ પ્રેમથી સાચવેલું સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓએ આ રાજ્યને ભારતનું સર્વશ્રેષ્ઠ રાજ્યમાંનું એક બનાવવા સદીઓથી ભરપૂર યોગદાન આપ્યું છે.
અમુક સદીઓ પહેલા મુઘલોનું આગમન થયું અને દેશના અન્ય પ્રાંતની માફક ગુજરાત પણ મુઘલ શાસકો દ્વારા લૂંટાયું. પણ કેટકેટલીય વાર હુમલાઓનો ભોગ બનનાર સોમનાથ મહાદેવ મંદિરની માફક ગુજરાત પણ ઝીંક જીલતું રહ્યું અને આગળ વધવા મહેનત કરતું રહ્યું. રાજપૂતો અને મરાઠાઓએ ફરીથી ગુજરાત પર શાસન મેળવ્યું અને ગુજરાત આગળ વધતું રહ્યું.
1 મે 1960ના દિવસે મહાગુજરાતના આંદોલન બાદ વિશાળ બોમ્બે સ્ટેટ(બૃહદ મુંબઈ)ના ભાષાના આધારે બે ભાગ પડ્યા. મરાઠી બોલતા લોકોનો પ્રાંત મહારાષ્ટ્ર બન્યો અને ગુજરાતી બોલતા લોકોના પ્રાંતને ‘ગુજરાત’ નામ મળ્યું. ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ તેની રાજધાની હતું. વર્ષ 1970 માં નવા બનાવાયેલ પ્લાન્ડ સિટી ગાંધીનગરને રાજધાની ઘોષિત કરવામાં આવ્યું.
મહાગુજરાત આંદોલનમાં અનેક ગુજરાતીઓના અનેક પ્રયાસો છતાંય દેશની આર્થિક રાજધાની એવું મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં આવ્યું. આજે 61 વર્ષે કદાચ આ વાતનો આપણે કોઈ ગુજરાતીએ અફસોસ કરવા જેવો નથી કેમકે મુંબઈ વિના પણ ગુજરાતના શહેરો તમામ ક્ષેત્રે વિકાસમાં હરણફાળ ભરી રહ્યા છે.
અને ગુજરાતની આ સમગ્ર ગૌરવગાથાનો સાક્ષી રહ્યો છે દેશનો સૌથી લાંબો 1600 કિમીનો દરિયાકિનારો. હજારો વર્ષો પહેલા આ દરિયાકિનારાએ જ અહીં વસતા લોકોમાં સાહસ અને વેપારના વિચારને જન્મ આપ્યો હતો. સદીઓથી ગુજરાતીઓ દુનિયભરમાં વ્યાપેલા છે તેનું કારણ પણ આ દરિયો જ! લોકો દરિયાની મદદથી વ્યાપારાર્થે સાત સમંદર પાર સ્થાયી થયા અને માનભેર વેપાર કર્યો, હજુયે કરી રહ્યા છે. આજે વેપાર ગુજરાતની ગળથૂથીમાં છે.
ભૌગોલિક રીતે જોઈએ તો ગુજરાત પાસે 1600 કિમીના દરિયાકિનારા સિવાય ખૂબ મોટો રણપ્રદેશ તેમજ ઘણા વનો-ઉપવનો આવેલા છે. આખા રાજ્યની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા આખા ગુજરાતમાં નદીઓ નથી આવેલી. પણ પ્રશ્નોનું શ્રેષ્ઠ સમાધાન મેળવતા ગુજરાતીઓ બરાબર જાણે છે. મધ્ય પ્રદેશમાં જન્મેલી નદી નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે અને એમ કહી શકાય કે એ જ ગુજરાતની જીવાદોરી છે. અદભૂત વ્યવસ્થા દ્વારા આજે આખા ગુજરાતમાં ખૂણે ખૂણે નર્મદાનું પાણી પહોંચે છે.
ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓમાં 6 કરોડથી વધુ લોકો વસે છે. ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ, ભારતીય ગણરાજ્યનો ભાગ બનનાર પ્રથમ દેશી રજવાડું ભાવનગર, એક માત્ર મતદાર ધરાવતું બૂથ બાણેજ, વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ અલંગ, હીરા અને એમ્બ્રોડરી ઉદ્યોગનું મોટું નામ એવું સુરત, વગેરે અનેક વિશેષતાઓ આ ભૂમિ ધરાવે છે.
ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે ગુજરાતમાં મુખ્ય શું છે?
ચિન્હ- ત્રણ સિંહો દેખાડતી સત્યમેવ જયતેની આકૃતિ,
ગીત- નર્મદ દ્વારા લખવામાં આવેલું ગીત ‘જય જય ગરવી ગુજરાત’,
પ્રાણી- સિંહ,
પક્ષી- ફ્લેમિંગો,
ફળ- કેરી,
ફૂલ- ગલગોટો
વૃક્ષ- વડલો
આજે ગુજરાતની ધરતી પર આઇઆઇટી એનઆઇટી આઇઆઇએમ જેવી વિખ્યાત શૈક્ષણિક સંસ્થાઓ, રિલાયન્સ, અદાણી જેવી વૈશ્વિક કંપનીઓ, કેટલીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ, વિશ્વના ડાયમંડ બિઝનેસમાં સિંહફાળો આપતું હીરા બજાર, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને પ્રથમ જ્યોતિર્લિંગ સહિતના અનેક નામાંકિત પર્યટન સ્થળો, વગેરે ધમધમે છે.
જય જય ગરવી ગુજરાત!
.