ટિહરી: ગઢવાલના પહાડો વચ્ચે આકર્ષક નજારાઓ અને શાંતિ-સુકૂનનું નગર

Tripoto
Photo of ટિહરી: ગઢવાલના પહાડો વચ્ચે આકર્ષક નજારાઓ અને શાંતિ-સુકૂનનું નગર 1/6 by Jhelum Kaushal

પહાડો વિષે વિચારતા જ હું ખૂબ આનંદિત થઈ જાઉં છું. મને કોઈ પણ આયોજન કર્યા વિના ફરવા નીકળી પડવાનો પહેલેથી જ ખૂબ શોખ છે. આ જ શોખને કારણે એક દિવસ હું જઈ ચડયો ઉત્તરખંડના ટિહરી નામનાં ગામમાં. હું માત્ર એટલું જાણતો હતો કે ટિહરીમાં એશિયાનો સૌથી મોટો ડેમ આવેલો છે. પણ અહીં જઈને મને જાણે સ્વર્ગમાં પહોંચી ગયાની અનુભૂતિ થઈ. અવર્ણનીય સુંદરતા!

પહાડોમાં વસેલા દરેક ગામ કે શહેર સુંદર જ હોય છે પણ કોઈ જગ્યાઓ મુઠ્ઠી ઉચેરી હોય છે. મારા માટે આ જગ્યા ટિહરી છે. મેં આ જગ્યા વિષે ઘણું સાંભળ્યું હતું પણ કોઈ દિવસ જવાનો વારો નહોતો આવતો. એક દિવસ અચાનક જ મિત્રો સાથે પ્લાન બનાવ્યો અને નીકળી પડ્યો ટિહરી જવા.

અમે હરદ્વાર હતા. અહીંથી દહેરાદૂન તેમજ ઋષિકેશ એમ બે રસ્તેથી ટિહરી જઈ શકાય છે. અમને શરૂઆતમાં તો કોઈ બસ મળવામાં મુશ્કેલી પડી પણ આખરે મળી જ ગઈ. બસ ચંબા સુધી જ જઈ રહી હતી પણ ત્યાંથી ટિહરી નજીક જ જતું. બે કલાક બાદ અમને બોર્ડ જોવા મળ્યું, "ચંબામાં તમારું સ્વાગત છે."

Photo of ટિહરી: ગઢવાલના પહાડો વચ્ચે આકર્ષક નજારાઓ અને શાંતિ-સુકૂનનું નગર 2/6 by Jhelum Kaushal

ચંબા ટિહરીથી દૂર નથી પણ પહાડોમાં રાત્રે મોડી બસો નથી મળતી. રાત્રિના 8 વાગ્યા હતા એટલે એક રૂમ ભાડે રાખી, ત્યાં સામાન મૂકીને અમે ચંબાની ઝલક જોવા ઉપડ્યા. ગુલાબી ઠંડીમાં અંધારામાં પણ આ નગર સુંદર લાગતું હતું. બીજે દિવસે સવારે અમે વહેલા ઉઠી ગયા. અહીં સુધી આવ્યા જ હતા એટલે થોડો સમય કાઢીને આ ગામને પણ માણી જ લીધું.

અમે કોઈ ઊંચાઈવાળી જગ્યા પર પહોંચ્યા જ્યાંથી આખું ચંબા ગામ દેખાતું હતું. આગલા દિવસે રાત્રે અમે જોયું તેના કરતાં પણ દિવસના સમયે સૂર્યપ્રકાશને કારણે નગરની સુંદરતા કઈક ઔર જ ભાસતી હતી.

Photo of ટિહરી: ગઢવાલના પહાડો વચ્ચે આકર્ષક નજારાઓ અને શાંતિ-સુકૂનનું નગર 3/6 by Jhelum Kaushal

વળાંકવાળા રસ્તા પરથી પસાર થતાં, પહાડી નગરોની સુંદરતા નિહાળતા અમે આખરે નવી ટિહરી પહોંચી જ ગયા.

ટિહરી વાસ્તવમાં એક આબેહૂબ પહાડી શહેર છે. ઓછી વસ્તી, માયાળું લોકો, કુદરતી સુંદરતા અને એકદમ શાંતિ. અમે એક હોટેલ બૂક કરી અને ત્યાં સામાન ખડકી દીધો. ઘણી સસ્તી તો પણ ઘણી જ સારી હોટેલ હતી. અજાણ્યા પ્રવાસીઓની જેમ અમે ટિહરી નગર ખેડવા તૈયાર હતા.

અમારી જેવા શહેરના લોકો આ સ્થળને ટિહરી તરીકે જ ઓળખે છે પણ સ્થાનિકો માટે આ નવી ટિહરી છે. અહીંના બંધમાં કોઈ દુર્ઘટના થતાં ટિહરી નગર આખું તબાહ થઈ ગયું હતું, સરકારે તેનું નવીનીકરણ કરીને નામ આપ્યું નવી ટિહરી. અહીં પરંપરા અને સંસ્કૃતિ ખૂબ સુંદર સાચવવામાં આવી છે. વળી, ગઢવાલી પરંપરાની સાથોસાથ અહીં આધુનિકતાની અસર પણ જોવા મળે છે. અહીં હરદ્વાર- ઋષિકેશ કરતાં વધારે ઠંડક હતી. દિવસના સમયે પણ અમે ધ્રુજી રહ્યા હતા.

આખું નગર અમે ચાલીને જ ફરવાનું નક્કી કર્યું. અહીં બજારો તેમજ સરકારી ઓફિસો હતી. એક ચાર-રસ્તે એક લાઇબ્રેરી પણ હતી જ્યાં લખવામાં આવ્યું હતું કે 'તમે તમારા જુના પુસ્તકો અહીં રાખી શકો છો જેથી એ કોઈ બીજાને ઉપયોગમાં આવે.' ટિહરી એક ઊંચાઈ પર આવેલું ગામ હોવાથી ચારે તરફ પહાડોના અદભૂત દ્રશ્યો દેખાતા હતા. હિમાલયને જોઈને કોઈ અનેરો જ આનંદ મળી રહ્યો હતો. કોઈ વાર કોઈ પણ માહિતી મેળવ્યા વગર એમને એમ કોઈ નવું નગર ખેડવાની પણ આગવી મજા છે.

શહેરના લોકોને રાત પડે રખડવાની નીકળવાની કઈક વિચિત્ર આદત હોય છે. અમે પણ રાતે મોડેથી બહાર નીકળ્યા. ટિહરી એવું નાનું ગામ છે કે રાતે બહાર સાવ જ સૂનકાર હતો. બધું જ બંધ. અમે એક ચક્કર લગાવીને ટિહરીને એક અલગ જ શાંત સ્વરૂપમાં જોયું. આમ પણ શહેરમાં આવો સૂનકાર ક્યાં જોવા મળે છે?

અમે શહેરથી બહાર નીકળીને ખુલ્લા રસ્તે પહોંચ્યા ત્યારે તો દંગ જ રહી ગયા. તારાઓ થી ઝગમગતું આકાશ જાણે પહાડો સાથે વાતો કરવા આવ્યું હોય તેવું નજીક ભાસતું હતું. અમે આ દ્રશ્ય મન ભરીને માણ્યું. રૂમ પર માંડ એકાદ બે કલાક સૂઈને બીજા દિવસે વહેલી સવારે જ પ્રવાસ માટે નીકળી ગયા.

Photo of ટિહરી: ગઢવાલના પહાડો વચ્ચે આકર્ષક નજારાઓ અને શાંતિ-સુકૂનનું નગર 4/6 by Jhelum Kaushal

અમે જ્યાં રોકાયા હતા ત્યાં જ અગાશીમાં સનરાઇઝ જોવા ગયા. મારા માટે તો આ દ્રશ્ય પણ દુર્લભ જ હતું કારણકે હું પહેલી વાર હિમાચ્છાદિત શિખરો જોઈ રહ્યો હતો અને સૂર્યોદય થતાંની સાથે જ પહાડો વધુ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા હતા જે ખૂબ સુંદર દ્રશ્ય હતું. સૂરજની લાલી જાણે કોઈ ફિલ્મમાં જોઈ રહ્યા હોઈએ એટલી સુંદર લાગતી હતી.

Photo of ટિહરી: ગઢવાલના પહાડો વચ્ચે આકર્ષક નજારાઓ અને શાંતિ-સુકૂનનું નગર 5/6 by Jhelum Kaushal
Photo of ટિહરી: ગઢવાલના પહાડો વચ્ચે આકર્ષક નજારાઓ અને શાંતિ-સુકૂનનું નગર 6/6 by Jhelum Kaushal

ટિહરી ગામ તો ચાલતા જ જોઈ લીધું હતું એટલે પછી અમે બસમાં ટિહરી તળાવ જોવા જવા માટે ગોઠવાઈ ગયા જે આશરે 18 કિમી જેટલું દૂર આવેલું છે. આ 18 કિમીના રસ્તામાં તમને સહેજ પણ કંટાળો નહિ આવે તેની હું ખાતરી આપું છું. ટિહરી ડેમને પાર કર્યા પછી આ તળાવ આવે છે. નૈનીતાલ, મસુરી, હરદ્વાર જેટલી સંખ્યામાં અહીં પ્રવાસીઓ નથી આવતા એટલે ખૂબ જ નિરાંતે આ સ્થળનો આનંદ માણી શકાય છે.

પાણીના પ્રવાહને લીધે પહાડોમાં એક ચોક્કસ ડિઝાઇન બની ગઈ છે જેને અહીંના સ્થાનિકો ગદેરો કહે છે. પણ હું જો મારી વાત કરું તો મને તો પહાડો કરતાં અહીંના ખેતરો અને ગામ વધારે આકર્ષક લાગ્યા.

ટિહરી તળાવને જ્યારે અમે પહેલી વાર જોયું ત્યારે જ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. 

અમારે ટિહરી ડેમ જોવા જવું હતું પણ અમને મંજૂરી ન મળી. પણ અમને કોઈએ કહ્યું કે ટિહરી વ્યૂ પોઈન્ટથી એ જોઈ શકાશે. ત્યાં જાળીવાળી મોટી દીવાલ હતી જેમાંથી ગામનો નજારો જોવા મળતો હતો. જોકે મને એ જોવામાં બિલકુલ રસ નહોતો, મને તો તળાવ જ જોવામાં રસ હતો. એ નજારો જ ખૂબ નયનરમ્ય હતો. જાણે સુંદરતાની પરાકાષ્ઠા!

ટિહરીનો આ પ્રવાસ હું ભરપૂર માણી રહ્યો હતો. ઉત્તરાખંડનું આ એક લોકપ્રિય ટુરિસ્ટ ડેસ્ટિનેશન નહોતું પણ સુંદરતાની દ્રષ્ટિએ અન્ય સ્થળોથી સહેજ પણ ઉતરતું પણ નહોતું. ન ભીડ કે ન શોરબકોર. જો મન ભરીને પ્રકૃતિની સુંદરતા માણવી હોય તો ટિહરીની એક વાર ચોક્કસ મુલાકાત લેવી જોઈએ.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ