બીર બિલિંગ પેરાગ્લાઈડિંગના રોમાંચ માટે જાણીતું છે પરંતુ અમે પેરાગ્લાઈડિંગ વગરનો પણ ઘણો રોમાંચ જોઇ ચૂક્યા હતા. ભીના અને લપસણા રસ્તાઓ પર થઈને પહેલા રાજગુંધા પહોંચ્યા. ત્યાં પલાચક સુધી ટ્રેકિંગ કર્યું અને પછી ખતરનાક માર્ગે પાછા ફર્યા. અમે વિચાર્યું કે હવે બીર આવી ગયું છે, તેથી ફરવા માટે આવા જોખમી અને મુશ્કેલ રસ્તા પર જવું પડશે નહીં, પરંતુ ફરી એકવાર હું ખોટો નીકળ્યો. આ વખતે એક ધોધ મારા માટે સાહસ અને જોખમ લઈને આવ્યો.
રાજગુંધા ખીણમાંથી પાછા ફર્યા પછી, અમે બીરમાં એક સસ્તી હોટેલ લીધી. આ દિવસે અમે આરામ કર્યો અને બે દિવસનો બધો થાક દૂર કર્યો. અમે જે સ્કૂટી ભાડે લીધી હતી તે બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી અમારી સાથે હતી. બીજા દિવસે સવારે ઊઠીને નવી જગ્યાએ જવાની તૈયારી કરી. અમારી પાસે સ્કૂટી હતી એટલે મેં વિચાર્યું કે શા માટે તેનો લાભ ન લઈએ. અમે સૌ પ્રથમ બીર ખાતેનો ધોધ જોવાનો વિચાર કર્યો. બિરની આસપાસ બે ઝરણાં છે, ગુનેહર અને બોનગોડુ વોટરફોલ.
ગુનેહર
મેં ગૂગલ કર્યું ત્યારે ગુનેહર ગામ બીરથી થોડાક કિલોમીટર જ દૂર દેખાતું હતું. અમે સ્કૂટી ઉપાડી અને ગુનેહર તરફ જવા લાગ્યા. બીરની ઘણી શેરીઓ વટાવીને એક જગ્યાએ આવ્યા જ્યાં ગુનેહરનું બોર્ડ લગાવેલું હતું. અમને લાગ્યું કે આગળ ગુનેહર ગામ છે, એટલે અહીં ધોધ હશે, જોકે ગૂગલ બીજે ક્યાંક દેખાડતું હતું. એક સ્થાનિક વ્યક્તિ સાથે વાત કરતાં મને ખબર પડી કે અહીં ગુનેહર ગામ છે પણ ધોધ અહીં નથી. તેના માટે બિલિંગ રોડ તરફ આગળ વધવું પડશે.
અમે બિલિંગ રોડ તરફ નીકળી પડ્યા. થોડાક કિલોમીટર પછી એક જગ્યાએ એક વ્યક્તિ બેઠો હતો. તે બિલિંગ તરફ જતા લોકો પાસેથી ગ્રીન ટેક્સ તરીકે 20 રૂપિયા લેતો હતો. તેણે એટલું જ કહ્યું કે આગળ જતાં જમણી બાજુએ એક રસ્તો નીચે જશે જે સીધો ગુનેહર ધોધ તરફ જશે. થોડી વારમાં અમે જે રસ્તે પૂછપરછ કરી હતી ત્યાં પહોંચી ગયા. એ રસ્તે આગળ વધતા વધતા અમે બોનગોડુ નામના ગામમાં પહોંચ્યા. અમે અમારી કાર એક ઘરની સામે પાર્ક કરી.
પ્રથમ ઝરણું
લોકો સાથે વાત કર્યા પછી અમને ખબર પડી કે અહીં એક નહીં પરંતુ બે ધોધ છે. એક છે ગુનેહર વોટરફોલ જે અમે જોવા આવ્યા હતા અને બીજો બોનગોડુ વોટરફોલ જેને અહીં હિડન વોટરફોલ પણ કહેવામાં આવે છે. લોકોએ એમ પણ કહ્યું કે ગુનેહર વોટરફોલ નજીકમાં છે પરંતુ અન્ય વોટરફોલ જોવા માટે તમારી પાસે ગાઈડ હોવો જરૂરી છે. મેં તેમની સલાહને અવગણી અને ગુનેહર ધોધ જોવા નીકળી ગયો. ગામની બહાર નીકળતા જ ડાબી બાજુ એક મોટો ધોધ આવે છે જે ખરેખર જોવાલાયક છે.
અમે થોડે ઊંચે ચઢીને ગુનેહર ધોધ તરફ ગયા. પાણી ઘણી ઉંચાઈથી નીચે પડી રહ્યું હતું અને તેનો ફોર્સ પણ ઘણો હતો. આવી જગ્યાઓ પર આવવાથી મનને શાંતિ મળે છે. અમે થોડો સમય અહીં રોકાયા અને પછી બોનગોડુ વોટરફોલ્સ જોવા માટે નીકળી ગયા. અમે વિચાર્યું કે ગાઇડ નથી કરવો અને જો અમને ધોધ મળે તો અમે તેને જોઇ લઇશું અને જો અમને તે નહીં મળે, તો અમે પાછા આવી જઇશું. અહીંથી પર્વતોનો નજારો પણ ખૂબ જ સુંદર જોવા મળે છે. જાણે પહાડો પર કોઈએ લીલી ચાદર પાથરી હોય. પહાડોમાંથી વહેતી નદી આ દ્રશ્યને વધુ સુંદર બનાવી રહી હતી.
ક્યાં છે ધોધ?
સીધા રસ્તે ચાલીને અમે એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં ભૂસ્ખલનથી રસ્તો કપાઈ ગયો હતો. ત્યાં રસ્તામાં મળેલા કેટલાક લોકોએ કહ્યું કે અહીંથી તમારે ગોળ ફરીને પર્વત પર જવું પડશે અને પછી નીચે ઉતરવું પડશે. મેં એ પહાડ પર કોઈ ગાઈડ વગર ચઢવાનું શરૂ કર્યું. આ કોઇ રોડ નથી, પરંતુ જૂનો રસ્તો છે જે તૂટી ગયો છે, તેથી લોકો અહીંથી આવતા-જતા રહે છે. થોડા સમય પછી હું સામાન્ય રસ્તા પર આવી ગયો. એક જગ્યા પર તો એક પથ્થર પર ધોધનું નામ લખેલું હતું. આનાથી મને ખ્યાલ આવ્યો કે હું સાચા માર્ગ પર છું.
એક જગ્યાએથી હું ધોધને ઉંચાઈથી જોઈ શકતો હતો એટલે મને લાગ્યું કે હવે હું ધોધની નજીક ચોક્કસ પહોંચી જઈશ. ઘણું ચાલ્યા પછી એક રસ્તો નીચેની બાજુ જતો હતો. હું એ રસ્તે જઈને નીચે પહોંચ્યો પણ ધોધ ન દેખાયો. હું થાકીને પાછો ફર્યો. ત્યાં મને એક રસ્તો નીચેની તરફ જતો દેખાયો અને તેના પર એક નિશાન પણ હતું. મેં વિચાર્યું કે હવે ધોધ મળી જશે પણ નીચે પહોંચીને પાણી મળ્યું પણ ધોધ ન મળ્યો. મને પાણીનો જોરદાર અવાજ સંભળાતો હતો, પણ આટલી અંદર કોઈ ધોધ હશે એવું મેં વિચાર્યું પણ ન હતું.
અંતે ગાઇડ
હું ધોધ શોધી શક્યો નહીં અને હું ખૂબ જ દુઃખ અનુભવી રહ્યો હતો. ત્યારે મને લાગ્યું કે મારે કોઈ ગાઈડ લેવો જોઇતો હતો. હું પાછો જવાનું મન બનાવી રહ્યો ત્યારે જ મને યાદ આવ્યું કે અહીં કેટલાક લોકોના ઘર છે. ત્યાં જઇને લોકોને પૂછું કે ધોધ ક્યાં છે? ઘણું ચાલ્યા બાદ ત્યાં પહોંચ્યો અને એક ઘરની બહાર જઇને બૂમ પાડી તો એક બાળક આવ્યો. જ્યારે મેં તેને ધોધનો રસ્તો પૂછ્યો તો તે મારી સાથે આવવા સંમત થયો. હવે હું છુપાયેલા ઝરણાને જોવા સ્થાનિક બાળક સાથે નીકળ્યો.
હું પહેલા ખૂબ જ થાકી ગયો હતો અને તે બાળક પર્વત પર ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો હતો. હું થાકી રહ્યો હતો અને તે આરામથી ચાલતો હતો. રસ્તામાં તેનો એક ઓળખીતો વ્યક્તિ મળી ગયો. તેણે કહ્યું કે તે ગાઇડ છે. મેં આ વખતે તેને ન જવા દીધો. હવે હું ધોધ જોવા બે જણ સાથે જઈ રહ્યો હતો. હું એકલો બીજી વાર જે રીતે નીચે ઉતર્યો હતો તે જ રીતે આ લોકોએ મને નીચે લઇ ગયા. હવે મને ખબર પડી કે આવ્યો તો હું યોગ્ય રસ્તાએ હતો પરંતુ અસલી મુશ્કેલી પાણીની નીચે ચાલવાની હતી.
હિડન વોટરફૉલ
પાણીમાં પહેલું પગલું ભરતાં જ એવું લાગતું હતું કે જાણે આત્મા અને શરીર અલગ થઈ ગયા. પાણી ખૂબ ઠંડુ હતું અને હવે મારે આ પાણીમાં લાંબા સમય સુધી ચાલવાનું હતું. બે લોકોની મદદથી પાણીમાં ચાલી રહ્યો હતો. રસ્તામાં મોટા મોટા ખડકો મળ્યા, જેના પર એકલા ચડવું લગભગ અશક્ય છે. એ બે જણની મદદથી થોડું સહેલું થઈ રહ્યું હતું. હું એક જગ્યાએ તો લપસીને પડી પણ ગયો, પરંતુ આ બધું પ્રવાસમાં ચાલ્યા કરે. અંતે હું એ હિડન વોટરફોલ પર પહોંચી ગયો.
પાણી એટલી ઉંચાઈ અને ઝડપે પડતું હતું કે અમે 100 મીટર દૂર ઊભા હતા છતાં પાણીના છાંટા અમારા સુધી પહોંચી રહ્યા હતા. અમે એ છાંટામાં ભીંજાઈ ગયા. અહીં પહોંચવું ચોક્કસપણે મુશ્કેલ છે, પરંતુ જ્યારે મેં આ ધોધ જોયો ત્યારે મને લાગ્યું કે આ સુંદર ધોધ જોવામાં આટલી મુશ્કેલી તો વેઠવી પડે. એવું કહેવાય છે કે સૌથી સુંદર નજારો સૌથી મુશ્કેલ રસ્તાઓ પછી જ જોવા મળે છે. બોનગોડુ વોટરફોલ જોયા પછી એ જ રસ્તે અમે ગામમાં પહોંચ્યા. ત્યાંથી સ્કુટી ઉપાડી બીર પહોંચી ગયા. અમે સમયસર સ્કૂટી પાછી આપી અને સાથે સાથે એક સુંદર સફર પણ પૂરી કરી.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો