બનારસનો ઉલ્લેખ થતા જ આ શહેર આપણા મનમાં એક ધુંધળી તસવીર બનાવી દે છે. ઓછામાં ઓછુ ત્યાં સુધી તો થાય જ છે જ્યાં સુધી તમે બનારસ ના ગયા હોવ. બનારસની સુંદર અને મનમોહક સવારનો ઉલ્લેખ તો ખુબ મળશે. પરંતુ બનારસની સાંજ અંગે ઘણું ઓછુ કહેવાયુ છે. બનારસની સવાર જેટલી સુંદર હોય છે સાંજ એટલી જ રંગીન હોય છે, શામ-એ-બનારસ. બનારસની સાંજને જોવાનું બિલકુલ એવું જ છે જેવુ કોઇને ઇશ્ક કરવાનું. મેં પણ બનારસની સાંજને જોઇ નહોતી, પરંતુ જ્યારે જોઇ તો મનમાં એવુ જ થઇ રહ્યું હતુ કે આ સાંજ ક્યારેય સમાપ્ત ન થાય.
કહેવાય છે કે જ્યારે ઝિંદગી સુસ્ત પડી જાય, જ્યારે લાગે કે ઝિંદગી અટકી ગઇ છે તો ક્યાક જતા રહેવું જોઇએ. આવા જ એક દિવસે જ્યારે હું ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે મારા દોસ્તનો ફોન આવ્યો. તેણે કહ્યું, ફરવા જઇશું. મેં પૂછ્યું તો તેણે બનારસનું નામ લીધુ. તે મને દરેક વખતે બનારસ જવાનું કહેતો હતો પરંતુ હું ક્યારેય જઇ ન શક્યો. આ વખતે લાગી રહ્યું હતું કે મારા નસીબમાં બનારસ જોવાનું સુખ હવે આવ્યું છે.
બીજા દિવસે સવારે સૂરજ નીકળતા પહેલા જ હું મારા દોસ્તોની સાથે બનારસ જતી ટ્રેનમાં હતો. થોડાક કલાકોમાં ઊંઘ આવી ગઇ અને જ્યારે આંખ ખુલી તો ખબર પડી કે થોડીવારમા બનારસ જંકશન આવવાનું હતુ. અમે પણ આ શહેરને જોવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતા.
બનારસ
મુસ્કુરાઇએ આપ બનારસ મેં હૈં....
થોડીકવારમાં અમે બનારસમાં હતા, ઓટોથી હોટલ તરફ જઇ રહ્યા હતા. રસ્તો સારો હતો, હું જે રસ્તાથી જઇ રહ્યો હતો ત્યાં ખાડા ન હતા. જો કે દરેક મોટા શહેરની જેમ ટ્રાફિકની સમસ્યા અહીં પણ હતી. અત્યાર સુધી મને બનારસ દેખાતુ હતું પરંતુ મારે તો વિશ્વના સૌથી પ્રાચીન શહેર કાશીને જોવું હતું. હોટલ પહોંચ્યો અને નક્કી કર્યું કે થોડીક વાર પછી બનારસને જોઇશું. સાંજ પડવાની હતી અને મારે સાંજની આરતી જોવી હતી.
નક્કી કરેલા સમયે અમે હોટલથી નીકળીને ગંગા ઘાટ પહોંચી ગયા. અમે ગંગાને અને આ પ્રાચીન સભ્યતાના શહેરને ગંગાની વચ્ચેથી જોવા માંગતા હતા. અમે રાજઘાટ ગયા, અહીંથી બોટ પર ચઢવાનું હતું. ગંગા કિનારે ઘણાં લોકો સ્નાન કરી રહ્યા હતા અને અનેક લોકો પૂજા કરી રહ્યા હતા. બનારસના ઘાટ પર આ દ્રશ્ય ઘણું જ સામાન્ય છે. બનારસના ઘાટ અને લોકોને જોતા જોતા અમે નાવ પર ચઢી ગયા.
ખુશનુમા મોસમ અને ગંગા
બોટ ચાલવા લાગી. ઘાટ અને તે બાળકો અમારાથી દૂર થવા લાગ્યા. બોટને નાવિક ચપ્પૂથી ચલાવી રહ્યો હતો. નજીકમા બીજી કેટલીક નાવો પણ હતી જે જોવામાં નાવ જેવી હતી પરંતુ મોટરબોટ હતી. આ રીતે અમે બનારસમાં એક નવી સફર પર હતા ગંગાની લટાર પર. ગંગાની શાંત અવાજ અને ચારેબાજુ મંદિર જ મંદિર, આ બધુ ઘણું જ શાંતિવાળુ હતુ.
જેમ-જેમ સાંજ પડતી ગઇ આ સુંદરતા વધવા લાગી. ગંગાની વચ્ચેથી ઘાટોને જોવાનું ઘણું જ મનોરમ્ય હતું. નાવિક આ ઘાટો અંગે જણાવી રહ્યો હતો. તેણે દશાશ્વમેઘ ઘાટ બતાવ્યો, જ્યાં થોડાક સમય બાદ આરતી થવાની હતી. ત્યાર બાદ મણિકર્ણિકા ઘાટ પણ જોયો જ્યાં દર વખતે ચિત્તા સળગતી રહે છે. આ ઉપરાંત, ગંગાથી આદિકેશવ ઘાટ, પંચગંગા ઘાટ, હરિશ્ચંદ્ર ઘાટ, કેદાર ઘાટ અને તુલસી ઘાટને પણ જોયો. અહીંથી જોતા આ શહેર ખરેખર પ્રાચીન શહેર લાગી રહ્યું હતું.
સૌથી ખાસ ગંગા આરતી
ચૌરાસ્સી ઘાટ જોયા બાદ નાવ પાછી ફરવા લાગી. હવે અમારે એ જોવાનું હતુ જેને જોવા માટે દુનિયાભરથી લોકો કાશી આવે છે, ગંગા આરતી. બોટ દશાશ્વમેઘ ઘાટ પર પહોંચી ગઇ અને અમારી બોટ પણ બાકી બોટની સાથે ગોઠવાઇ ગઇ. સામેથી આરતી જોવા માટે બોટ સામે ગોઠવાઇ જાય છે અને પર્યટક ત્યાંથી જ આરતી જોઇ શકે છે. આવી જ એક બોટ પર અમે પણ સવાર હતા. સામેથી આરતી જોવાનું દ્રશ્ય કંઇક અલગ હોય છે. બસ હવે ફક્ત આરતી શરુ થવાનો ઇંતઝાર હતો. સ્ટેજ પર ભજન શરુ થઇ ગયા હતા અને પછી શરુ થઇ ગંગાની ભવ્ય આરતી.
કાશીના દશાશ્વમેઘ ઘાટ પર યોજાતી ભવ્ય ગંગા આરતીનું સૌંદર્ય બસ જોયા જ કરીએ. આરતી શરુ થતા જ અહીંનો માહોલ બદલવા લાગે છે, હવામાં અલગથી સુગંધ ફેલાવા લાગે છે. મંત્ર જાપથી આખુ વાતાવરણ આધ્યાત્મિક અને શ્રદ્ધાથી ભરાઇ જાય છે. શંખનો અવાજ એટલો બુલંદ હતો કે આખુ વારાસણી આની ગુંજથી ભરાઇ ગયું હશે. આ આરતીને જોવા માટે બે પ્રકારના લોકો આવે છે. એક જે આરતીને આસ્થા અને શ્રદ્ધાના ભાવથી જોઇ રહ્યા હતા, બીજા જે આ દ્રશ્યને કેમેરાથી કેદ કરી રહ્યા હતા.
સાંજનો અંતિમ નજારો
આ આરતીની સાથે જ સાંજ પણ રંગીન થઇ ગઇ હતી. પરંતુ હવે અમારે પાછા ફરવાનો સમય થઇ ગયો હતો. બોટ ફરીએકવાર ઘાટથી દૂર જવા લાગી. હવે અમે પાછા ફરી રહ્યા હતા, બનારસ હવે એક અલગ પ્રકારનું જોવા મળી રહ્યું હતું. બનારસની રંગીન છટા જોવા મળી રહી હતી. મેં કદી વિચાર્યું ન હતું કે બનારસ મને એક દિવસમાં આટલી સુંદરતા બતાવશે.
ગંગાના પાણી પર ફેલાયેલી આ રોશની એટલી આકર્ષક હતી કે હું તેને જોયા જ કરવા માંગતો હતો. ક્યાક વાદળી રોશની હતી તો ક્યાંક લાલ અને સંતરી. આ જ નજારાને જોતા-જોતા રાજઘાટ આવી ગયું, જ્યાંથી અને શરુ કર્યું હતુ. બનારસની આ સાંજ ક્યારેય ભુલી શકાય તેવી નથી. જીવનમાં આવી સાંજ ઘણી ઓછી આવે છે. આ કેટલાક કલાકોની સફરમાં આ શહેર પ્રેમાળ લાગવા લાગ્યું હતું. અહીંના ઘાટ, અહીંના લોકો, આરતી બધુ જ ઘણું સુંદર છે. ત્યારે જ તો આ શહેર અંગે કહેવાય છે, ‘તુમ ઇશ્ક-ઇશ્ક કહેના, મેં બનારસ કહ દૂંગા’