હવે હવાઈ માર્ગે પણ પહોંચી શકાય છે પૂર્વ ભારતમાં આવેલા એકમાત્ર જ્યોતિર્લિંગ વૈધનાથ ધામના દર્શને

Tripoto

હવે હવાઈ માર્ગે પણ પહોંચી શકાય છે પૂર્વ ભારતમાં આવેલા એકમાત્ર જ્યોતિર્લિંગ વૈધનાથ ધામના દર્શને

દેશભરમાં આવેલા ભગવાન શંકરના 12 મુખ્ય મંદિરો છે જેને જ્યોતિર્લિંગ હોવાનું બહુમાન મળ્યું છે. બાર પૈકી સોમનાથ તેમજ નાગેશ્વર- બે જ્યોતિર્લિંગ તો આપણા ગુજરાતમાં જ આવેલા છે. વળી, ગુજરાતની નજીક જ મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશમાં આવેલા જ્યોતિર્લિંગની મુલાકાત લેવી સરળ છે. ઉત્તરે વારાણસીમાં વિશ્વનાથ મંદિર, હૈદરાબાદ નજીક આંધ્ર પ્રદેશમાં આવેલું શ્રીશૈલમ મંદિર સરળતાથી જઈ શકાય છે. સૌથી દક્ષિણે આવેલા જ્યોતિર્લિંગ રામેશ્વરમની મુલાકાતે પણ દર વર્ષે હજારો લોકો જતાં હોય અને અને વળી ચાર ધામમાં સમાવિષ્ટ તેવું કેદારનાથ તો ખરું જ! પરંતુ શું તમે ગુજરાતની ભૂમિથી હજાર કરતાં પણ વધુ કિમી દૂર પૂર્વ ભારતમાં આવેલા વૈધનાથ ધામ જ્યોતિર્લિંગની ક્યારેય મુલાકાત લીધી છે? જો સમયની સમસ્યાને કારણે આ મંદિરની મુલાકાત હજુ સુધી ન લીધી હોય તો તાજેતરમાં જ વૈધનાથ ધામ પાસે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા હવાઈમથકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એટલે કે હવે હવાઈ મુસાફરી કરીને પણ વૈધનાથ ધામના દર્શને જઈ શકાય છે. 

Photo of હવે હવાઈ માર્ગે પણ પહોંચી શકાય છે પૂર્વ ભારતમાં આવેલા એકમાત્ર જ્યોતિર્લિંગ વૈધનાથ ધામના દર્શને by Jhelum Kaushal

વૈધનાથ ધામ વિશે:

રાવણ એક પ્રખર શિવભક્ત હતો એ આપણે સૌ જાણીએ છીએ. ભારતના અનેક જાણીતા શિવ મંદિરોની જેમ આ મંદિરનો ઇતિહાસ પણ રાવણ સાથે સંકળાયેલો છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા રાવણે અનેક પ્રયાસો કર્યા હતા. વૈધનાથ ધામ મંદિરનો ઇતિહાસ કઈક એવો છે કે ભારત દેશના પૂર્વ ભાગે હાલના ઝારખંડ રાજ્યમાં સ્થિત દેવઘર શહેરમાં એક સ્થળે રાવણે મહાદેવને પ્રસન્ન કરવા એક પછી એક તેના દસેય શીશનું બલિદાન આપવાની તૈયારી દર્શાવી. 9 મસ્તિષ્કના બલિદાન બાદ પોતાના ઉપાસકના આ બલિદાનથી પ્રસન્ન થઈ ભગવાન શિવે ઇજાગ્રસ્ત રાવણની તમામ ઇજા દૂર કરી તેને પીડામાંથી મુક્ત કર્યો અને દસેય મસ્તિષ્ક પરત કર્યા. પરિણામે પોતાના ભક્ત માટે વૈદ્ય બનેલા ઈશ્વરના માનમાં આ ભૂમિ પર વૈધનાથ ધામની સ્થાપના થઈ હતી.  

Photo of હવે હવાઈ માર્ગે પણ પહોંચી શકાય છે પૂર્વ ભારતમાં આવેલા એકમાત્ર જ્યોતિર્લિંગ વૈધનાથ ધામના દર્શને by Jhelum Kaushal

દેવઘર હવાઈમથક:

હવાઈ માર્ગે વૈધનાથ ધામની મુલાકાત:વૈધનાથ ધામ ઝારખંડ રાજ્યના દેવઘર શહેરમાં આવેલું છે. આ રાજ્યમાં સૌથી વધુ ફ્લાઇટ્સનું આવાગમન થતું હોય તેવું એકમાત્ર એરપોર્ટ રાંચી છે જે વૈધનાથ ધામથી 252 કિમી દૂર આવેલું છે. આ પવિત્ર યાત્રાધામથી સૌથી નજીકના અંતરે આવેલા મહાનગરો પટણા અને કોલકાતા છે જે વૈધનાથ ધામથી અનુક્રમે 256 અને 325 કિમીના અંતરે આવેલા છે. પરિણામે દેવઘર સુધી પહોંચવું એ યાત્રાળુઓ માટે એક કઠિન પ્રક્રિયા થઈ જતી હતી. અલબત્ત, દર વર્ષે હજારો, લાખો યાત્રાળુઓ ગમે તે પરિસ્થિતિમાં પોતાના ઈશ્વર સમક્ષ શીશ ઝુકાવવા જવાની વ્યવસ્થા કરી જ લેતા હશે, પણ હવે વૈધનાથ ધામ જ્યોતિર્લિંગના દર્શન કરવા ઇચ્છતા તમામ લોકો માટે એક ખૂબ મોટી રાહતના સમાચાર છે. 

જુલાઇ 2022માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેવઘરમાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય વિસ્તારથી 12 કિમીના અંતરે બનેલું દેવઘર એરપોર્ટ હવાઈ માર્ગે વૈધનાથ ધામ મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે એક આશીર્વાદરૂપ નિર્માણ છે. હાલમાં દિલ્હી, પટણા, કોલકાતા અને રાંચી જેવા શહેરો સાથે દેવઘર હવાઈ માર્ગે જોડાયું છે. બહુ નજીકના ભવિષ્યમાં મુંબઈ તેમજ બેંગલોર જેવા શહેરો માટે પણ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. દેખીતી રીતે જ છેલ્લા અનેક વર્ષોથી નિર્માણ પામી રહેલું અને 400 કરોડના ખર્ચે બનેલું દેવઘર એરપોર્ટ પોતે જે ભૂમિ પર બન્યું છે તે ભૂમિની સૌથી મહત્વની જગ્યા વૈધનાથ ધામની નાનકડી ઝાંખી પણ દર્શાવે છે.

Photo of હવે હવાઈ માર્ગે પણ પહોંચી શકાય છે પૂર્વ ભારતમાં આવેલા એકમાત્ર જ્યોતિર્લિંગ વૈધનાથ ધામના દર્શને by Jhelum Kaushal
Photo of હવે હવાઈ માર્ગે પણ પહોંચી શકાય છે પૂર્વ ભારતમાં આવેલા એકમાત્ર જ્યોતિર્લિંગ વૈધનાથ ધામના દર્શને by Jhelum Kaushal

દેવઘર હવાઈમથકનું ઉદ્ઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાબા વૈધનાથ ધામના દર્શન કર્યા હતા. આ સાથે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંના એક એવા વૈધનાથ ધામના દર્શન કરનારા શ્રી નરેન્દ્ર મોદી દેશના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હતા. આજ સુધી કોઈ પ્રધાનમંત્રી કે અન્ય કોઈ નોંધપાત્ર રાજકારણીએ આ જ્યોતિર્લિંગની મુલાકાત લેવામાં રસ દર્શાવ્યો નહોતો. 

Photo of હવે હવાઈ માર્ગે પણ પહોંચી શકાય છે પૂર્વ ભારતમાં આવેલા એકમાત્ર જ્યોતિર્લિંગ વૈધનાથ ધામના દર્શને by Jhelum Kaushal

પણ હવે રાહ શેની?

બસ ત્યારે, તમારી સમયની સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. જો દેશના પૂર્વ ભાગમાં આવેલું એકમાત્ર જ્યોતિર્લિંગની મુલાકાત લેવાની બાકી હોય તો આજે જ પ્લાન બનાવો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ