રાજસ્થાન એ ભારતમાં સૌથી સમૃદ્ધ ઇતિહાસ ધરાવતું રાજ્ય છે તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. ભવ્ય રાજમહેલો, કિલ્લાઓ, અફાટ રણપ્રદેશ, રંગબેરંગી પોશાક અને સ્વાદિષ્ટ શાકાહારી વ્યંજનો- રાજસ્થાનની કઈક વાત જ અનોખી છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનાં સૌથી મોટા રાજ્ય એવા રાજસ્થાનમાં આમ તો અનેક જોવાલાયક જગ્યાઓ છે, પણ આ 12 સ્થળો તો સાચે જ ખાસ છે.
1. જયપુર
રાજસ્થાનની રાજધાની, સૌથી લોકપ્રિય શહેર અને શોપિંગ-લવર્સનુ સૌથી મનપસંદ સ્થળ એટલે જયપુર. વર્ષ 1727માં મહારાજા સવાઇ જય સિંઘ દ્વારા આ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. અહીં રાણીઓ નગરચર્યા જોઈ શકે તેવા ખાસ હેતુથી બનાવવામાં આવેલો હવા મહેલ તો અદભૂત છે જ, તદુપરાંત અહીં આમેર કિલ્લો પણ જોવાલાયક જગ્યા છે.
અને જયપુરની વિશેષતાઓ માત્ર રાજમહેલો કે કિલ્લાઓ પૂરતી સીમિત નથી. અહીં લક્ષ્મી મિષ્ટાન ભંડાર અને જયપુર લિટરેચર ફેસ્ટિવલ ખૂબ જ નામનાં ધરાવે છે.
2. જેસલમેર
અફાટ રણપ્રદેશમાં ઊંટ સવારી કે આકાશમાં ઝગમગતા તારાનો અનન્ય નજારો જોવો હોય તો તે માટે શ્રેષ્ઠ જગ્યા એ જેસલમેર છે. રાજસ્થાનની પરંપરા અને સંસ્કૃતિની ઉત્કૃષ્ટ ઝાંખી દર્શાવતો અહીંનો ડેઝર્ટ ફેસ્ટિવલ ખૂબ જ લોકપ્રિય છે જ, વળી, અહીં કિલ્લાઓ, હવેલી, ગોલ્ડન મકાનો, વોર મેમોરિયલ વગેરે ખાસ જોવાલાયક જગ્યાઓ છે. સ્વાદિષ્ટ વાનગીઓના શોખીનો માટે પણ જેસલમેર એક મહત્વની જગ્યા છે.
3. ઉદયપુર
જાજરમાન સિટી પેલેસ કદાચ સૌ કોઈ પ્રવાસીનું ડ્રીમ ડેસ્ટિનેશન હશે. અઢારમી સદીમાં સંગેમરમરથી બનાવવામાં આવેલો સિટી પેલેસ એ ઉદેપુરની આગવી ઓળખ છે. અલબત્ત, પ્રવાસીઓમાં અહીંના અન્ય પ્રવાસન સ્થળો પણ એટલા જ લોકપ્રિય છે. ગુજરાતની સીમાથી નજીક આવેલા આ શહેરમાં ખૂબ સારા રિસોર્ટ્સ આવેલા છે જે પરફેક્ટ હોલિડે ડેસ્ટિનેશન સાબિત થઈ શકે તેમ છે. ઉદયપુર વિશ્વ સંગીત સમારોહ પણ ખાસ માણવાલાયક ઉત્સવ છે.
4. જોધપુર
‘બ્લૂ સિટી’ના નામે જાણીતા આ શહેરથી કોણ અજાણ હશે? અલબત્ત, ભૂરા મકાનોના આકર્ષણ સિવાય આ શહેરની કોઈ ખાસ વિશેષતા હોય તો તે છે મહેરાનગઢ કિલ્લો. આ કિલ્લામાં જોધપુર ફ્લેમિંગો અને જિપ્સી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે જ્યાં સ્પેનિશ અને રાજસ્થાની સંસ્કૃતિનો ઉત્સવ મનાવવામાં આવે છે. જોધપુરનું અન્ય એક આકર્ષણ છે ઉમેદ ભવન પેલેસ જે વિશ્વના સૌથી શાહી ખાનગી ઘરમાંનું એક છે. આ શહેરમાં જીપ લાઈનીંગ ટૂર કરી શકાય છે જેમાં રાજસ્થાનના તમામ મહત્વના સ્થળોનો પ્રવાસ કરી શકાય છે.
તમને વાંચવું પણ ગમશે: જવાહર કલા કેન્દ્ર
5. પુષ્કર
અજમેરમાં ઉત્તર પશ્ચિમે આવેલું પુષ્કર હિન્દુ ધર્મનાં લોકો માટે એક ખૂબ જ ખાસ સ્થળ છે કેમકે અહીં વિશ્વનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર આવેલું છે. પુષ્કર લેક પણ એક અનોખુ સરોવર છે. વળી, પુષ્કરમાં દર વર્ષે પાંચ દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં પશુધનનુ ખરીદ-વેચાણ કરવામાં આવે છે.
6. બિકાનેર
રાજસ્થાનના ઉત્તરી વિસ્તારમાં આવેલું બિકાનેર તેના કિલ્લાઓ, મંદિરો અને ઊંટો માટે પ્રસિદ્ધ છે. બ્રિટિશરો દ્વારા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આ શહેરનો ગોદામ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીનો વર્ષ 1588માં બનેલો જુનાગઢ કિલ્લો એક એવો કિલ્લો છે જેના પર આજ સુધી કોઈ ચડાઈ નથી કરી શક્યું. વળી, શહેરથી 8 કિમી દૂર ઊંટ અનુસંધાન કેન્દ્ર એ એશિયાની બે માત્ર આવી જગ્યાઓમાંનું એક છે. બ્રિટિશ આર્કિટેક્ટ દ્વારા રીનોવેટ કરવામાં આવેલો લક્ષ્મી નિવાસ પેલેસ આજે એક અત્યાધુનિક હોટેલ બની ચૂક્યો છે. અહીં યોજવામાં આવતા કેમલ ફેસ્ટિવલની પ્રસિદ્ધિ પણ દેશ વિદેશમાં ફેલાયેલી છે.
7. બૂંદી
કોટાથી 36 કિમી દૂર આવેલું બૂંદી રાજપૂતોના ગામની ઝલક મેળવવા માટે શ્રેષ્ઠ જગ્યા છે. બૂંદી પેલેસમાં રાજપુતિ વાસ્તુકલા સહિત અનેક શાનદાર રચનાઓ જોવા મળે છે. અહીં સુખ મહેલ, તારાગઢ કિલ્લો, અને રાણીજી કી બાવડી ખાસ જોવાલાયક જગ્યાઓ છે.
તમને વાંચવું પણ ગમશેઃ પન્ના મીના કા કુંડ, બાંસવાડા રાજસ્થાન, ભાનગઢ કિલ્લો ભૂતિયા
જૈત સાગર સરોવર, નવલ સાગર સરોવર, અને કનક સાગર સરોવર પણ બૂંદીની આગવી ઓળખ છે. અહીં રામગઢમાં આવેલા અભયારણ્યમાં વન્યજીવોની વિવિધતા પણ માણી શકાય છે.
8. અલવર
રાજસ્થાનની બધી જ ટ્રીપમાં આ શહેરનો સમાવેશ થવો જોઈએ કારણકે આ નજીકના ભૂતકાળમાં બનેલું સૌથી સક્ષમ રાજપૂત રાજ્ય છે. અહીં બાલ કિલ્લા, અલવર સિટી પેલેસ, પેલેસ સંગ્રહાલય, અને પાંડુપોલ જેવી જગ્યાઓનો જોવાલાયક સ્થળોમાં સમાવેશ થાય છે. જો તમને એડવેન્ચરનો શોખ હોય તો અહીં નજીકમાં આવેલા સરિસ્કા ટાઈગર રિઝર્વની જરુર મુલાકાત લેવી જોઈએ.
9. ભરતપુર
પાંચમી સદીથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું ભરતપુર એક નાનું, પણ સુંદર ગામ છે. કેવલાદેવ ઘાના રાષ્ટ્રીય ઉદ્યાન અહીં પ્રવાસન માટે સૌથી મહત્વની જગ્યા છે. આપણી સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી 58 કરતાં વધારે પથ્થરની મૂર્તિ અને 861 સ્થાનિક શિલ્પો ધરાવતું સંગ્રહાલય ઇતિહાસમાં રસ ધરાવતા તમામ લોકોએ ખાસ જોવું જોઈએ. વળી, અહીં લોહાગઢ કિલ્લો અને ગંગા મંદિર પણ જાણીતા છે. દર વર્ષે હોળી પહેલા અહીં બ્રજ હોળી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
10. ઝાલાવાડ
આ શહેર બ્રજનગરના નામથી પણ ઓળખાય છે જે અહીંની વિશિષ્ટ વનસ્પતિઓ માટે જાણીતું છે. અહીં અફીણ તેમજ નારંગીની ખૂબ મોટી માત્રામાં ખેતી થાય છે. ઝાલાવાડી કિલ્લો અને સંગ્રહાલય અહીંના પ્રમુખ આકર્ષણો છે. અહીંથી 90 કિમી દૂર બૌદ્ધ ગુફાઓ અને સ્તૂપ પણ જોવાલાયક છે.
11. અજમેર
અજમેર શબ્દનો અર્થ છે ‘અજય પહાડીઓ’. 13મી સદીમાં બનેલી દરગાહને કારણે જાણીતા આ શહેરમાં આમ તો કોઈ ખાસ જોવાલાયક જગ્યાઓ નથી પણ આ શહેરની ફરતે કુદરતી સુંદરતા અને શહેરમાં જોવા મલ્ટી રાજસ્થાની સંસ્કૃતિ તેને ખાસ બનાવે છે. ખરીદી કરવા માટે પણ અજમેર બહુ સારો વિકલ્પ છે.
12. સવાઇ માધોપુર
રાજસ્થાનની કોઈ પણ ટૂરમાં સવાઇ માધોપુરનો સમાવેશ નથી થતો પણ રાજાઓના સમયને નજીકથી જોવો હોય તો અચૂક આ સ્થળની મુલાકાત લેવી જોઈએ. અહીં આકર્ષક મહેલો અને કુદરતી લેન્ડસ્કેપ જોવા મળે છે. અહીં રણથંભોર કિલ્લો વીર ક્ષત્રિયાણીઓના ‘જૌહર’ સાથે સંબંધ ધરાવે છે. વિશ્વપ્રસિદ્ધ રણથંભોર પાર્ક પણ અહીં જ આવેલો છે. 12 મુ જ્યોતિર્લિંગ ઘૂશમેશ્વર મહાદેવ મંદિર પણ સવાઇ માધોપુરમાં આવેલું છે.
.