ઓછા બજેટમાં પ્લાન કરવી છે થાઈલેન્ડ ટ્રિપ,જાણો કેવી રીતે જશો અને શું રાખશો ધ્યાન ?

Tripoto
Photo of ઓછા બજેટમાં પ્લાન કરવી છે થાઈલેન્ડ ટ્રિપ,જાણો કેવી રીતે જશો અને શું રાખશો ધ્યાન ? by Kinnari Shah

ચાલો ફરીએ ઓછા ખર્ચે મોજ અને મસ્તીના દેશ થાઈલેન્ડમાં, થાઈલેન્ડથી બેસ્ટ કંઈ નહીં.

દેશમાં તો ઘણું ઘુમ્યા પણ હવે ઈચ્છા થઈ ગઈ છે એક ઈન્ટરનેશનલ ટ્રિપ કરી આવીએ...આવું તમારા મારા જેવા ઘણા બધા લોકો વિચારતા હોય...પણ આ વિચારને અમલમાં મુકવામાં થઈ જવાય કન્ફ્યુઝ કે આખરે વિદેશમાં જવું તો ક્યાં જવું. અને એ પણ ખિસ્સાને પરવડે એવી રીતે. તો ચિંતા કરવાની બિલકુલ પણ જરુર નથી...આ આર્ટિકલમાં તમને મળી રહેશે એ તમામ જાણકારી જે તમને પહોંચાડશે તમારી મેમરેબલ ઈન્ટરનેશનલ ટ્રિપ પર. તો ચાલો તમને લઈ જઈએ સુંદર મજ્જાની..મોજમસ્તીથી ભરપુર થાઈલેન્ડ ટ્રિપ પર અને જણાવીએ કે થાઈલેન્ડ જવું કેવી રીતે, ક્યાં તમે ખોટો ખર્ચ બચાવી શકો, થાઈલેન્ડના વિઝા કેવી રીતે મળશે, થાઈલેન્ડ જવા માટે કરન્સી ક્યાં ચેન્જ કરાવી શકો, અને થાઈલેન્ડમાં ક્યાં ઘુમી શકો.

ભારતીયો માટે થાઈલેન્ડ સૌથી પસંદીદા ટુરિસ્ટ પ્લેસમાંથી એક છે. સસ્તી ફ્લાઈટ ટિકિટ, સરળ વિઝા નિયમો, બેસ્ટ લોકેશનના કારણે ભારતીયો થાઈલેન્ડ ફરવું વધારે પસંદ કરે છે. ત્યારે જાણીએ થાઈલેન્ડ ઘુમવા માટેની કેટલીક ખાસ જાણકારી.

Photo of ઓછા બજેટમાં પ્લાન કરવી છે થાઈલેન્ડ ટ્રિપ,જાણો કેવી રીતે જશો અને શું રાખશો ધ્યાન ? by Kinnari Shah

થાઈલેન્ડ પહોંચવું કેવી રીતે ?

ઈન્ડિયાથી થાઈલેન્ડ જવું ખુબ જ આસાન છે. ભારતના મોટા શહેરો જેવા કે નવી દિલ્લી, બેંગલુરુ, કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ, અમદાવાદ ઉપરાંત ઘણા બીજા શહેરો સીધા જ થાઈલેન્ડની રાજધાની બૅંગકોક સાથે ફ્લાઈટ કનેક્ટિવિટી ધરાવે છે. બાય ફ્લાઈટ તમારે પહોંચવાનું છે સીધા જ બૅંગકોકના સુવર્ણ ભૂમિ એરપોર્ટ પર. જો કે એક વાત તમને જણાવી દઈએ કે જો તમારે ઓછા સમયની મુસાફરીમાં અને સસ્તા ભાડામાં પહોંચવું છે થાઈલેન્ડ તો તમે કોલકાતાથી બૅંગકોકની ફ્લાઈટ લઈ શકો છો. અન્ય શહેરોથી જ્યાં સામાન્ય રીતે 4 થી 6 કલાકમાં બૅંગકોક પહોંચી શકાય ત્યાં તમે કોલકાતાથી 3 કલાકમાં પહોંચી જશો થાઈલેન્ડની ધરતી પર. મોટાભાગની ફ્લાઈટ્સ બૅંગકોક સુવર્ણભૂમિ એરપોર્ટ પર લેન્ડ થતી હોય છે.

થાઈલેન્ડ જવા માટે હવાઈ માર્ગ છે બેસ્ટ ઓપ્શન...જો કે સડક માર્ગે પણ થાઈલેન્ડ પહોંચી શકાય પરંતુ આ મુસાફરી ઘણી લાંબી અને વધારે સમય માગી લેતી સફર બની જાય, સાથે જ તમારે અલગ અલગ દેશમાંથી પસાર થવું પડે જેથી તમારે ઘણી બધી ટેકનિકલ બાબતોનું ધ્યાન રાખવું પડે. એટલે સૌથી સરળ ફ્લાઈટ પકડો અને પહોંચી જાવ બૅંગકોક.

Photo of ઓછા બજેટમાં પ્લાન કરવી છે થાઈલેન્ડ ટ્રિપ,જાણો કેવી રીતે જશો અને શું રાખશો ધ્યાન ? by Kinnari Shah

જો કે થાઈલેન્ડમાં ફરવા માટે તમારે કેટલાક જરુરી ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા પડશે. ફ્લાઈટમાંથી ઉતરતાની સાથે જ એરપોર્ટ પર તમારે કેટલીક ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવી પડશે જેના માટે તમારી પાસે આટલી વસ્તુ હોવી જરુરી છે.

Photo of ઓછા બજેટમાં પ્લાન કરવી છે થાઈલેન્ડ ટ્રિપ,જાણો કેવી રીતે જશો અને શું રાખશો ધ્યાન ? by Kinnari Shah

થાઈલેન્ડ વિઝા માટે જરુરી ડોક્યુમેન્ટ્સ

- પાસપોર્ટ (જેની વેલિડિટી કમ સે કમ 6 મહિનાની હોય)

- પાસપોર્ટના પહેલા અને છેલ્લા પેજની ફોટોકોપી

- વિઝા એપ્લિકેશન ફોર્મ

- વિઝા ફી – 2200 થાઈ કરન્સી (થાઈ બાહત)

- રિસન્ટ ફોટોગ્રાફ(4 x 6 સેમી,વ્હાઈટ બૅકગ્રાઉન્ડમાં)

- રિટર્ન અથવા આગળની કન્ફર્મ ફ્લાઈટ ટિકિટ (અરાઈવલના 15 દિવસમાં)

- રોકાણનું લોકેશન અને બુકિંગ ડિટેલ્સ

- પ્રતિ વ્યક્તિ જરુરી કરન્સી 10 હજાર થાઈબાહત

- ઈમિગ્રેશન કાર્ડ (અરાઈવલ અને ડિપાર્ચરકાર્ડ)

Photo of ઓછા બજેટમાં પ્લાન કરવી છે થાઈલેન્ડ ટ્રિપ,જાણો કેવી રીતે જશો અને શું રાખશો ધ્યાન ? by Kinnari Shah

થાઈલેન્ડ જવા માટે આટલું રાખો ધ્યાન

- થાઈલેન્ડ જવા માટે સૌથી પહેલા તો તમારો ટ્રાવેલ ટાઈમ તમારે નક્કી કરવો પડશે. કયા મહિનામાં તમારે થાઈલેન્ડ જવું છે અને તે દરમ્યાન ત્યાંનું વેધર કેવું રહે છે તે જાણી લેવું.

- જતા પહેલા જ પોતાનો ટ્રાવેલ પ્લાન બનાવી લેવો કે તમારે કઈ જગ્યાએ ફરવું છે. જેથી તેના પ્રમાણે તમે ફ્લાઈટ ટિકિટ્સ અને હોટેલ સ્ટે નક્કી કરી શકો.

- હોટેલ એવી પસંદ કરવી કે જ્યાંથી ટ્રાન્સપોર્ટેશન સરળ રહે અને સુરક્ષિત પણ હોય.

- થાઈલેન્ડ જવા માટે જો તમે જેટલું વહેલું એડવાન્સ બુકિંગ કરશો ટિકિટ્સ એટલી જ સસ્તી પડશે. એટલે પ્રીપ્લાન કરીને બુકિંગ કરાવવું વધુ યોગ્ય રહે. એરલાઈન્સના ફેરની સરખામણી કરીને ટિકિટ્સ બુક કરવી.

- ગુજરાતી છો તો અમદાવાદથી બૅંગકોકની ડાયરેક્ટ ફ્લાઈટ સસ્તી પડશે અને સાથે જ રિટર્ન ટિકિટ પણ બુક કરાવી લેવી.

- થાઈલેન્ડમાં ઓન અરાઈવલ વિઝા મળી રહે છે જેમાં તમને 15 દિવસના વિઝા મળશે. જેના માટે તમારે ચુકવવા પડશે લગભગ 2200 થાઈ બાહત.

- થાઈલેન્ડમાં પહોંચતા તમારી પાસે 10 હજાર થાઈબાહત હોવા ફરજિયાત છે જેના માટે એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવતું હોય છે. ફેમિલી સાથે જઈ રહ્યા છો તો તમારી પાસે 20 હજાર થાઈબાહત હોવા જરુરી છે.

- ઈમિગ્રેશન ચેકિંગ સમયે ઓફિસર કેટલાક અન્ય ડોક્યુમેન્ટ્સ પણ માગી શકે છે એટલે વધુ ડોક્યુમેન્ટ્સ લઈ જવા વધારે સુગમ રહે છે. તો બેંક પાસબુક કે પાછલા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, પાછલા 3 વર્ષનું ઈન્કમટેક્સ રિટર્ન, ટુર પ્લાન જેવા દસ્તાવેજો રાખવા હિતાવહ છે.

- ટ્રિપનું બજેટ પ્લાન કરી લેવું જેથી કેટલી અમાઉન્ટ સાથે રાખવી તે ખબર પડી શકે. ઉપરાંત જે સ્થળ પર ફરવાના છો ત્યાં ફુડ, ટ્રાન્સપોર્ટેશન અને એન્ટ્રી ટિકિટની કિંમત જેવી જાણકારી મેળવી લેવી.

- મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી થાઈલેન્ડમાં માત્ર થાઈબાહતમાં જ ટ્રાન્ઝેક્શન થાય છે જેથી ઈન્ડિયાથી જ થાઈલેન્ડની કરન્સી લઈને જવી.

- આપ ફોરેક્સ કાર્ડ માટે પણ અપ્લાય કરી શકો જેથી આપને વધારે પ્રમાણમાં કૅશ કેરી કરવાની જરુર નહીં પડે અને આ કાર્ડ દ્વારા થાઈલેન્ડમાં એટીએમમાંથી રુપિયા પણ ઉપાડી શકો અથવા તેને ડાયરેક્ટ સ્વૅપ કરી શકો.

Photo of ઓછા બજેટમાં પ્લાન કરવી છે થાઈલેન્ડ ટ્રિપ,જાણો કેવી રીતે જશો અને શું રાખશો ધ્યાન ? by Kinnari Shah

થાઈલેન્ડના એરપોર્ટ્સ જ્યાં છે વિઝા ઓન અરાઈવલ સુવિધા

- ડોન મુઆંગ એરપોર્ટ, બૅંગકોક

- સુવર્ણભૂમિ ઈન્ટરનેશનલ એરપોર્ટ

- ફુકેત ઈન્ટરનેશનલ એરપોર્ટ

- સમુઈ એરપોર્ટ, સૂરતથાની

- ચિયાંગમાઈ ઈન્ટરનેશલ એરપોર્ટ

- હટાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ , સોંગક્લા

Photo of ઓછા બજેટમાં પ્લાન કરવી છે થાઈલેન્ડ ટ્રિપ,જાણો કેવી રીતે જશો અને શું રાખશો ધ્યાન ? by Kinnari Shah

ઈ-વિઝા ઓન અરાઈવલ માટે શું કરવું ?

E-VOA એટલે કે થાઈલેન્ડના ઈ-વિઝા માટે અપ્લાય કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ પર જઈ રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. જેમાં માગેલી જાણકારી અને જરુરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહે છે. જો સગીર હો તો વધારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની જરુર પડી શકે. ત્યારબાદ પેમેન્ટ ગેટવેના માધ્યમથી ફીસ ચુકવવા માટે તમે માસ્ટરકાર્ડ, વિઝા અને યુનિયન પે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ કે વિચેટ અથવા એલીપેનો ઉપયોગ કરી શકો છો. તમારા નામનું કાર્ડ હોવું જરુરી નથી. આપના કાર્ડમાં 3ડી સિક્યોર સિસ્ટમ હોય અને ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન માટે વેલિડ હોવું જરુરી છે. ફી પેમેન્ટ સક્સેસફુલ થયા બાદ આપને PDF ફોર્મેટમાં ફાઈલ મળશે જેમાં આપના E-VOAના અપ્રુવલની જાણકારી હશે જે આપ ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકો છો. આપના મોબાઈલમાં પણ આ ફાઈલની કોપી સેવ કરીને રાખવી. થાઈલેન્ડ એરપોર્ટ પર ઉતરીને E-VOA માટેની લેનમાં પ્રવેશ કરી ઓફિસર પાસેથી અપ્રુવલ મેળવી થાઈલેન્ડમાં પ્રવેશી શકો છો.

થાઈલેન્ડના જાણીતા શહેર

Photo of ઓછા બજેટમાં પ્લાન કરવી છે થાઈલેન્ડ ટ્રિપ,જાણો કેવી રીતે જશો અને શું રાખશો ધ્યાન ? by Kinnari Shah

બૅંગકોક

થાઈલેન્ડની રાજધાની બેંગકોક છે એક ખૂબસૂરત શહેર. જ્યાં આપ ખૂબસૂરત સ્થળો, પ્રાચીન મંદિર, અમ્યુઝમેન્ટ પાર્ક, સફારી પાર્ક, મ્યુઝિયમ, નાઈટ ક્લબ જેવા ઘણા બધા ટુરિસ્ટ સ્પોટ એક્સ્પ્લોર કરી શકો છો તો સાથે જ અહીંના માર્કેટમાં શોપિંગ અને ફુડની મજા પણ માણી શકો છો.

પતાયા

પતાયા થાઈલેન્ડનું એડવેન્ચરવાળું ખૂબસૂરત પ્રાકૃતિક શહેર છે જ્યાં ઘણી બધી વોટર એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે. અહીં ઘણા રેસ્ટોરાં, કેફે, રોશનીથી સજેલી દુકાનો તેમ જ નાઈટલાઈફ આ શહેરને જીવંત બનાવે છે.

ફુકેત

ફુકેત થાઈલેન્ડનું એવું શહેર છે જ્યાં પર્યટકો વધારે પ્રમાણમાં જોવા મળે છે. ફુકેત એક વર્લ્ડ ફેમસ બીચ સિટી છે જ્યાંનું શાંત વાતાવરણ અને ખૂબસૂરત દરિયાકિનારો તેને ખાસ બનાવે છે.

ક્રાબી

થાઈલેન્ડ પોપ્યુલર સમુદ્રી કિનારાથી સજેલો દેશ છે..જેમાં ક્રાબીનો પણ સમાવેશ થાય છે. મોટા ભાગે ક્રાબી હનીમૂન સ્પેશિયલ ટુરિસ્ટ સ્પોટ તરીકે વધારે પોપ્યુરલ છે. જ્યાં હર્યાભર્યા જંગલ, ઘણા બધા દ્વીપ આ બ્લ્યૂ દરિયા કિનારાને વધુ ખૂબસૂરત બનાવે છે.

ચિયાંગ માઈ

થાઈલેન્ડના પહાડી વિસ્તારમાં આવેલું ચિયાંગ માઈ અહીંના વ્હાઈટ ટેમ્પલ , થાઈ મસાજ, નાઈટલાઈફ, બૌદ્ધ મંદિર જેવા પર્યટન સ્થળોના કારણે વધારેપોપ્યુલર છે.

ફી ફી આઈલેન્ડ

ફી ફી આઈલેન્ડ થાઈલેન્ડનો એક મશહૂર આઈલેન્ડ છે જે 6 દ્વિપોનો સમૂહ છે. અહીં આપ ઘણી બધી એક્ટિવિટીઝ કરી શકો છો. અહીંનું પાણી એકદમ સાફ છે. લોકો એકાંતમાં સમય વિતાવવા માટે અહીં આવતા હોય છે.

અયુત્યા

અયુત્યા ચાઓ ફ્રાયા નદી ઘાટીમાં આવેલું છે અને થાઈલેન્ડની પ્રાચીન રાજધાની પણ છે..ઈતિહાસમાં ઈન્ટ્રેસ્ટ ધરાવનારા લોકો માટે આ જોવા લાયક સ્થળ છે.

આ તો વાત થઈ થાઈલેન્ડ જતા ધ્યાન રાખવા જેવી બાબતોની , તમારો પરફેક્ટ ટુર પ્લાન તમે બનાવી શકો એ તમામ જાણકારી આ આર્ટિકલમાં આપને મળી જશે. પણ થાઈલેન્ડ ફરવાનું હજી બાકી છે મારા દોસ્ત..તો નેક્સ્ટ આર્ટિકલમાં કરીશું વાત..થાઈલેન્ડના ખૂબસૂરત ટુરિસ્ટ સિટીઝની.

દોસ્તો તમારા હોલિડેઝ અને ટ્રાવેલને સરળ અને સુવિધાસભર બનાવવાની એક કોશિશ છે. આ આર્ટિકલ જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરશો. આ આર્ટિકલ સાથે જોડાયેલી કોઈ સલાહ કે પ્રતિભાવ આપવા ઈચ્છો છો કે પછી કોઈ ટુરિસ્ટ પ્લેસ કે ટુરિઝમને લગતી કોઈ માહિતી માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરુરથી જણાવો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads